પ્રકરણ ૮: દુકાળનાં વર્ષો
૧૬૨૦માં કંપનીનો વેપાર ધમધોકાર ચાલી નીકળ્યો હતો. સૂરત એનું મુખ્ય કેન્દ્દ્ર હતું. સૂરતની ફૅક્ટરીના મુખ્ય અધિકારીને ‘પ્રેસિડન્ટ’નું પદ અપાયું હતું અને સૂરત પ્રેસીડન્સી હેઠળ મલબારથી માંડીને રાતા સમુદ્રનાં બધાં વેપારી કેન્દ્રોને મૂકવામાં આવ્યાં હતાં. એક પ્રેસીડન્ટ હેઠળ બસ્સો ફૅક્ટર હતા. ૧૬૨૦ સુધીમાં કંપનીએ ૩૦–૪૦ જહાજ મેળવી લીધાં હતાં. લંડનમાં એના પ્રમુખના ઘરમાંથી એનું કામકાજ ચાલતું હતું તેની જગ્યાએ નવી જગ્યા ખરીદી લીધી હતી. જો કે હજી એનું કામકાજ દરેક ખેપ માટે અલગથી શેરો વેચીને ચાલતું હતું પણ એમાં ભારે વધારો થયો હતો. ૧૬૧૩માં કંપની ૪,૧૮,૦૦૦ પૌંડ એકઠા કરી શકી હતી, તો ૧૬૧૭માં એ ૧૬ લાખ પૌંડના શેરો વેચી શકી હતી. લંડનની ઑફિસમાં કંપનીના સ્ટાફમાં પણ હવે પાંચને બદલે અઢાર માણસો કામ કરતા હતા!