રેખા ભટ્ટીની વાર્તાઓ – ૩

                    ઉજળુ વરણ                 

કાવ્યા જયારે લગ્ન કરીને આવી ત્યારે તેની ઉમર થોડી નાની કહેવાય ખરી. 17 વર્ષ. પણ લગ્નની પ્રથમ રાત્રે જ તેને ખબર પડી ગઈ કે પતિ પુરુષમાં નથી. જોકે તેના પતિનો પણ કોઈ ઈરાદો તેને છેતરવાનો ન હતો, કારણકે આ બાબતનું કોઈ જ્ઞાન તેને હતું જ નહિ; એમ કહીયે તો પણ ચાલે. ઉચ્ચ વર્ણ એટલે આવી કોઈ ચર્ચા ઘરમાં કે મિત્ર વર્તુળમાં થતી ન હતી. એટલે તે પણ મુંજાઈ ગયો હતો. થોડા દિવસ તો આમ જ પસાર થઇ ગયા. કાવ્યા હજી પણ કુંવારિકા જ હતી. ધીમે ધીમે તેના પતિને વાસ્તવિકતાનો ખ્યાલ આવતો ગયો. પણ હવે તો ઘણું જ મોડું થઇ ગયું હતું. આ વાત પતિને મનમાં અને મનમાં મુંજવતી હતી. તેને લાગ્યું કે આજ નહિ તો કાલે પણ વાત જાહેર તો થશે જ. ત્યારે પોતાને શરમથી ડૂબી મરવાનો વારો આવશે. અત્યંત શોક્ગ્રસ્ત અવસ્થામાં તે લગભગ ડિપ્રેશનમાં સરી પડ્યો. આવી વાત કરવી તો પણ કોને કરવી? તેને તો કોઈ એવો ખાસ મિત્ર પણ ન હતો કે આવી વાત શેર કરી શકાય.

જો કે આ લગ્નથી કાવ્યાના સાસુ, સસરા, જેઠ અને જેઠાણી ખુબ જ ખુશ હતા; કારણકે કાવ્યા ખુબ જ દેખાવડી, સંસ્કારી અને સ્વરૂપવાન હતી. સાસુનો સ્વભાવ થોડો કચકચિયો ખરો; પણ જેઠાણી તો સાક્ષાત સહનશક્તિની મુર્તિ હતી. કાવ્યા માટે તો ઘરના બધા જ નવા હતા. કોનો સ્વભાવ કેવો હોય, તેની હજી તેને જાણ  ન હતી. ત્યાં તે આવી વાત કરે તો કોને કરે? પતિ તો ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. રાત્રે પણ તેની સાથે કોઈ વાત થતી નહિ. અપરાધ ભાવ તેને એટલો બધો ઘેરી વાળ્યો હતો કે તે કાવ્યા સાથે કઈ વાત જ કરી શકતો ન હતો. તો કાવ્યા પણ સ્ત્રી સહજ લજ્જાથી કઈ બોલી શકતી ન હતી.

કાવ્યાને પિયર જવાનું થયું ત્યારે તે તેની માતા સામે રીતસરની રડી પડી. પણ આ તો ઉજળું વરણ. વાત બહાર જાય નહિ, તે માટે કાવ્યાને  અનેક શિખામણો આપવામાં આવી. સ્ત્રીનો અવતાર છે એટલે, પતિની અને ઘરની પ્રતિષ્ઠા એ જ બંને ઘરની આબરૂ; એવું એવું ઘણું કહીને, તેને સાંત્વના આપવામાં આવી. કાવ્યા ફરીથી પોતાના સાસરે આવી. પોતાના ભાગ્યને દોષ દઈને અનેક ઉજળા વરણની સ્ત્રીની માફક તેણે પોતાનું મોં સીવી લીધું. પતિ સાથે તો હવે કોઈ જ વાત થતી ન હતી. રાત્રે પણ નહિ.

તેણે તેની માતાને પિયરમાં પોતાના પુનર્લગ્નની  વાત એક વાર કરી જોઈ હતી; પણ તેની માતા તો ઉલટાની તેના પર જ ગુસ્સે થઇ ગઈ અને બોલી આપણા ખાનદાન કુટુંબનું નાક કાપવા બેઠી છે? તારી સાસુ તો છે જ ખતરનાક. મને કરી તો ભલે કરી પણ હવે પછી આ વાત કોઈની પાસે ઉચ્ચારતી પણ નહિ. હું તારા પપ્પાને આ વાત કરીશ. તેઓ તારા સાસરે વાત નાખી જોશે. પણ મને નથી લાગતું કે કઈ થાય. અને થયું પણ એવું જ. પોતાના દીકરામાં કઈ ખામી છે તે વાત સ્વીકારવા કાવ્યાના સાસુ તૈયાર જ ન હતા. અને ઉલ્ટાના વેવાઈને ઠપકો આપીને, પોતાના ખાનદાની કુટુંબને બદનામ ન કરવાની શિખામણ પણ આપી.

આમ જ થોડા વર્ષો પસાર થઇ ગયા. એક દિવસ સુરજ ખાસ્સો ઉપર ચડી આવ્યો હતો, છતાં કાવ્યા પથારીમાંથી ઉઠતી ન હતી. સાસુ વારંવાર ન કહેવાના શબ્દોથી તેને નવાજી રહી હતી. પણ હવે તો કાવ્યાને આ રોજનું થયું હતું. તે સાસુને તો હવે ખાસ ગાંઠતી નહિ. કાવ્યા પોતાના જ ડાબા હાથથી જમાણા હાથના કાંડાને પકડી ગોળ ગોળ જમણા કાંડા પર ફેરવતી હતી. થોડી થોડી વારે તેનો જમાણો હાથ ગળા પર જતો અને પછી કાન પર. તે એકદમ પથારીમાંથી બેઠી થઈને, પથારીમાં આમતેમ પોતાના પતિના અસ્તિત્વને ફંફોસતી રહી. પણ તેના હાથમાં કઈ ન આવ્યું.

કાવ્યા પુરુષનો સ્પર્શ ઝાંખી રહી હતી, પણ તે તેના નસીબમાં ન હતો. તે પથારીમાંથી ઉભી થઇ. અરીસા સામે જઈને ઉભી રહી. ઘરેણાંથી શોભતા નાક, કાન અને ગળું, બંગડીથી ભરેલા હાથ,  સિંદૂરિયો સેંથો, તેને પોતાનું જ આ સ્વરૂપ જોઈને એક ઊંડો ઝાટકો લાગ્યો. તે પડતા પડતા બચી. હૃદયના આંસુઓ આંખના ખૂણે આવીને અટકી ગયા. એક ચિત્કાર હૃદયમાંથી ઉઠ્યો, શું હું સધવા છું? ના, ના; હું સધવા નથી. હું તો ક્યારેય પુરુષનો સ્પર્શ પણ પામી નથી. યૌવનના આનંદને માણવાના ઓરતા મારામાં હજી લાવા જેવા જ ધગધગે છે. પુરુષની બાહોમાં અલિંગાઈને ભીંસાઈ જવાની ઈચ્છા આજે પણ જેવી ને તેવી જ છે. અધરો પર ચુંબન કરવાની લાલસા આજે પણ   ક્યાં ઓછી થવાનું નામ લેય છે? શું મારી આ ધગધગતી કાયાને અને મારા મનમાં ઊંડે ઊંડેથી ઉઠતા આવેગોને હવે કોઈ પુરુષનો હૂંફાળો સ્પર્શ નહિ મળે? મારી આ ભર જુવાની સાવ જ આમ એળે જશે? તેનો ઉપભોગ કરનાર કોઈ પુરુષ ભગવાને નહિ ઘડ્યો હોય? આમ વિચાર કરતી તે પોતાની ભરાવદાર છાતી તરફ જોઈ રહી. તેને લાગ્યું દરેક રાત્રે, આમ ક્યાં સુધી તે પથારીમાં એકલી એકલી પડખા ફેરવ્યા કરશે? તેની આ ભરાવદાર છાતીમાં ઊંડે ઊંડે કોઈ પહાડી પુરુષના મજબૂત ખભાની અને જ્યાં માથું મૂકીને નિરાંતનો શ્વાસ લઇ શકાય તેવી વિશાળ છાતીની ચાહના છે; ન મિટાવી શકાય તેવો અદમ્ય તલસાટ છે.

યૌવનથી ફાટ ફાટ થતી તેની છાતી હવે ધમણની જેમ હાંફી રહી હતી. તેના અંગે અંગ મિલન માટે જાણે બળવો પોકારી રહ્યા હતા, તેની કાયા કોઈ પહાડી પુરુષના આશ્લેષ માટે તડપી રહી હતી. તેના બંને હાથ અનાયાસે જ તેની ભરાવદાર છાતીને પંપાળી રહ્યા. તેની આંખો બંધ થઇ ગઈ. તેને લાગ્યું કે કોઈ પુરૂષત્વથી છલોછલ ભરેલો જામ તેનો જરાક અમથો જ હાથ વાગી જતા જાણે ઢોળાઈ ગયો છે. તે પોતાની જાત પરનો કાબુ ખોઈ બેઠી. તે પોતાના સપનાના પહાડી પુરુષની છાતી પર પોતાનું માથું ઢાળીને રડી રહી હોય તેવું તેને લાગ્યું. તેની હૂંફ તે અનુભવી રહી; સાંત્વના પામતી રહી. તે વિચારી રહી ક્યાં સુધી હું આમને આમ શણગારેલા દેહને આયનામાં નીરખ્યા કરીશ? અરે આ સમાજ આ રિવાજ મને જીવવા નહિ દેય? શું આ સમાજને ક્યારેય નહિ સમજાય કે યુવાન સ્ત્રીઓના અરમાનો તેના દિલમાં કેટલો સમય ધરબાયેલા રાખી શકાય? મારા અરમાનોને આવી બેરહેમીથી હું તો મારી અંદર ધરબાયેલા નહિ જ રાખી શકું. મારા માટે તો આ અશક્ય જ છે. મને આ મારુ યૌવન ડંખ દઈ રહ્યું છે. જેની કાળી વેદના મારે અંગે અંગ ઉપડે છે. આખા શરીરે અગ્નિ ઉપડે છે. મને કોઈ પહાડી પુરુષને માણી લેવાની અદમ્ય ઝંખના જાગી છે. મારામાં અત્યારે આવેગોનું ભયાનક તોફાન ઉઠ્યું છે. મારી લાગણી અને મારા આવેગોને રોકી રાખી શકવા, દબાવી રાખવા મારા માટે હવે અશક્ય છે. અને મારે શા માટે મારી લાગણી અને મારા આવેગોને કૃત્રિમ રીતે દબાવીને જીવવું? ઉજળા વરણમાં આજે પણ હજી યુવાન દેહની છટપટાહટને સમજવા વાળું કોઈ નથી.” આવી અત્યંત ઉત્તેજના સભર અવસ્થામાં ઘણો સમય આમ જ વીતી ગયો. છેવટે એક ઊંડા નિઃશ્વાસે તેના યૌવનના અધૂરા રહી ગયેલા ઓરતાના મહેલને ધ્વસ્ત કરી નાખ્યો. તેને સ્વસ્થ થતા બહુ જ વાર લાગી.

 અને એક મક્કમ નીર્ધાર સાથે કાવ્યા ઉભી થઇ. તેણે નક્કી કર્યું કે હું આ બધું સમાજને જરૂરથી કહીશ. બધું જ કહી દઈશ. આમા મારો શું ગુનો છે, જેની મને સમાજ આ સજા કરી રહ્યો છે.

ત્યાં જ તેની સાસુ અંદર આવ્યા અને કહ્યું “રાંડ મરતી ય નથી અને અમને પણ જીવવા દેતી નથી. આનું મારે હવે શું કરવું? આ ઉંમરે તો વહુઆરુઓ ઘરનું બધું જ કામ સાંભળી લેતી હોય છે. પણ રાંડ, તું તો પથારીમાંથી આળોટવામાંથી જ ઊંચી આવતી નથી.” સાસુના બરાડા સાંભળીને આજુબાજુના ફળીયાના બધા ભેગા થઇ ગયા. એટલે કાવ્યા બોલી ” બા તમે કહો છો કે આ ઉંમરે તો વહુઆરુ ઘરનું બધું કામ સાંભળી લેય, તો હું પણ એમ કહીશ કે આ ઉંમરે તો બધું સંભાળતા સંભાળતા ધણી પણ વહુને સંભાળી લેતો હોય છે. આખું ગામ કાન ખોલીને સાંભળી લો.” અને પછી પોતાની ચમકદાર આંખોને આમ તેમ ફેરવી કાવ્યાએ અતથી ઇતિ સુધીની બધી વાત ભેગા થઈને તમાસો માણતા બધાને કહી જ દીધી.

   બાવડું પકડીને સાસુ અને જેઠાણી કાવ્યાને માંડ માંડ અંદરના ઓરડામાં લઇ ગયા. અને બારણું બંધ કરી ટોળે વળેલા લોકોને અપશબ્દોનો મારો કરીને વિખેરી દીધા.

કાવ્યા બોલી “બા, મારી આખી રાત મને રૂંવે રૂંવે ઘાયલ કરી મૂકે છે. મારા ડુસકા મારી ઓઢણીમાં સંતાઈને રોજ રાત્રે કણસે છે. આંસુઓથી ક્યાં સુધી હું મારા અરમાનોને ધોયા કરીશ? આગલે દિવસે જ ધોયેલા મારા આ કાળા ભમ્મર વાળ મારી જ ઓઢણીમાં ક્યાં સુધી અટવાયા કરશે?” સાસુ અને જેઠાણી કાવ્યા સામે જોઈ રહ્યા. તેમને કાવ્યાની આંખોમાં પ્રેમની તરસની આંધી દેખાણી. એવી આંધી કે જે ખાનદાની આબરૂને તહસનહસ કરી નાખ્યા પછી પણ કદાચ રોકાવાનું નામ લેતી ન હતી. કાવ્યાને હવે બોલાતી રોકવી અશક્ય હતી. “જુઓ આ મારી ઓઢણી, અફાટ રણ પ્રદેશની સઘળી તરસ તેમાં ભરી છે. બા, મારે છાંયડો જોઈએ છે; છાંયડો. બા, હું પણ એક સ્ત્રી છું; અને તે પણ જુવાન. મારા પંડ્યમાં પણ ……..” તે બોલતા બોલતા અટકી ગઈ.

તે તેની સાસુના પગમાં પડી ગઈ. “બા મારા પર થોડી તો દયા કરો. કુટુંબની ખાનદાનીને નામે આજ સુધીમાં હજારો સ્ત્રીના બલિદાન લેવાઈ ગયા છે. બા, હવે તો તે બંધ કરો. કેટલી કોડ ભરી યુવતીઓની બલી ચડી ગઈ છે? પણ આ સમાજને શું મળ્યું? ફળફળતા નિસાસા?”

કાવ્યા એકદમ શાંત થઇ ગઈ. થોડી વાર તો ખામોશ સન્નાટો છવાઈ ગયો. તેની સાસુ અને જેઠાણી સ્તબ્ધ બનીને કાવ્યાને નીરખી રહ્યા. ધીમે ધીમે  દબાતા પણ મક્કમ સ્વરે તેની જેઠાણીએ કહ્યું ”બા હવે જમાનો પહેલા જેવો રહ્યો નથી. આજકાલની છોકરીઓ પોતાના મનની વાત મક્કમતાથી કરે છે. અને વાત રહી ખાનદાનીની. તો આવી જૂઠી શાન શા ખપની કે જે; આપણા જ માણસને જિંદગીભર ઝૂરતું રાખે? લોકો તો બે દિવસ વાતો કરશે અને પછી નવો ટોપિક મળશે એટલે આ બધું ભૂલી જશે. બા કાવ્યની વાત સાચી છે. શું ખામી છે કાવ્યમાં? શા માટે તેણે જિંદગીભર અસંતોષની આગમાં ભઠ્ઠીની જેમ શેકાયા કરવું?” કાવ્યના સાસુ ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયા; અને બોલ્યા ”તમે બંને મારાથી ઘણી જ નાની છો; પણ આજે મને એક પાપકર્મ કરતા બચાવી લીધી. સારું થયું; નહીતો ભગવાન મને ક્યારેય માફ ન કરત. અને પછી તેના સાસુ  પોતાનો જમણો હાથ કાવ્યાને માથે મુકી બોલ્યા “બેટા, તારી વેદનાને હું સમજુ છું. સ્ત્રી પોતાનું બધું જ છોડીને સ્વસુર ગૃહે આવે છે, માત્ર પોતાના પતિનો પ્રેમ મેળવવા; અને તે પણ જો તેને ન મળે તો? આજ સુધી હું તારી વેદનાને ન સમજી શકી; પણ હવે આજથી જ તું મારા માટે દીકરી સમાન છો. તારા ફરીથી લગ્ન પણ હું જ કરાવીશ, અને કન્યાદાન પણ મારા જ હાથે આપીશ.

ત્રણ મહિના પછી આ ઘરમાં શરણાઈઓના સુર ફરીથી ગુંજી ઉઠ્યા. અને વાજતે ગાજતે કાવ્યાના લગ્ન લેવાયા. બબ્બે યુગલોએ તેને કન્યાદાન આપ્યું. એક ખૂણામાં ઉભેલો તેનો પતિ તેને ‘’આવજે’’ પણ કહી શકવાની સ્થિતિમાં ન હતો. પોતાની માતા કરતા પોતાની સાસુને વળગીને કાવ્યા વધારે રડી અને સ્વગૃહે રવાના થઇ.

—–0—-

 

 

 

 

 

 

 

Advertisements

3 thoughts on “રેખા ભટ્ટીની વાર્તાઓ – ૩

  1. ”માતા કરતા પોતાની સાસુને વળગીને કાવ્યા વધારે રડી ”
    ધન્ય સાસુ અને મા…પણ તેટલા જ ધન્યવાદ પતિ,બીજા પતિ અને સાસરુ…અને સમાજ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s