લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૩

ગુજરાતનાં વિશ્ર્વવિખ્યાત લોકનૃત્યો

ગુજરાતમાં લોકજાતિઓ, લોકબોલીઓ અને વસ્ત્રાભૂષણોનું જેટલું વૈવિધ્ય જોવા મળે છે એટલું વૈવિધ્ય એનાં લોકગીતો, લોકઉત્સવો અને લોકનૃત્યોમાં જોવા મળે છે. તો આવો જાણીએ વિવિધ લોકનૃત્યો વિશે…

લોકઉત્સવો અને ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલાં લોકનૃત્યો જોબનિયાંને હેલે ચડાવતા લોકમેળાઓ હોય, ઋતુઓના રંગોત્સવની છાબ લઈને આવતો હોળીનો તહેવાર હોય, ગોકુળઆઠમ, નોરતાં જેવા વાર પરબ હોય, રાંદલ તેડ્યાં હોય કે પછી લગ્ન જેવાં મંગળ પ્રસંગની રંગેચંગે ઉજવણી થતી હોય ત્યારે લોકહૈયાં આનંદવિભોર બનીને નાચે છે, ગાય છે. જીવનનો થાક ખંખેરીને હળવાંફૂલ થઈ જાય છે. લોકનૃત્યોનો સંબંધ સામાજિક ઉત્સવ સાથે જેટલો સંકળાયેલો છે તેટલો જ લોકજીવનનીધાર્મિક પરંપરાની સાથે પણ જોડાયેલો છે. સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્યઆપણા ટિપ્પણી નૃત્યએ દેશભરમાં ઘણી મોટી ખ્યાતિ મેળવી છે. ટિપ્પણી એ સૌરાષ્ટ્રની રળિયામણી ધરતી સાથે આવેલા ચોરવાડ પંથકમાં રહીને કાળી મજૂરી કરનારી કોળણ અને ખારવણ બહેનોનું શ્રમહારી નૃત્ય છે. સંગીત અને નૃત્ય દ્વારા કઠિન પરિશ્રમને હળવોફૂલ બનાવી દેવાની લોકનારીની કોઠાસૂઝમાંથી કળામય ટિપ્પણી નૃત્ય જન્મ્યું છે, એમ કહી શકાય.જૂના વખતમાં ઘરના ચૂનાબંધ ઓરડામાં, અગાશીમાં કે મકાનના પાયામાં ચૂનાનો ધ્રાબો ધરબાતો, એ ધ્રાબાને પાકો કરી ‘છો લીસી’ બનાવાતી. આ ધ્રાબો ધરબવા માટે વપરાતું સાધન તે ટિપ્પણી. લાંબી લાકડીના છેડે લાકડાનો ચોરસ કે લોઢાનો ગોળ ગડબો લગાડેલી ટિપ્પણીઓ હાથમાં લઈને સામસામે કે ગોળાકાર ઊભી રહી બહેનો હલકભર્યા કંઠે ગીત ઉપાડે છે :

“વાંસલડી વાગે ને મારું મન હરે,

ત્યાંથી મારું જોબનિયું ભરપૂર રે,

આંખલડીનો ચાળો કાનુડો બહુ કરે.”

ગીતની સાથે ઝાંઝ, મંજીરા, ઢોલ અને શરણાઈની રમઝટ સાથે ટિપ્પણીની ઝૂક પડે, શરણાઈવાળો સિંધુડો રાગ છેડે પછી તો ગીત-સંગીત અને નૃત્યની છાકમછોળ ઊડે. ટિપ્પણીની પાવડીઓ કટકા થઈને ઊડતી જાય. નવી આવતી જાય. ભજનથી આરંભાયેલી ટિપ્પણી પ્રભાતિયાથી પૂરી થાય.આજે તો સિમેન્ટ અને લાદીનો યુગ આવતાં ચૂનાની છો અદ્શ્ય થઈ એની સાથે ટિપ્પણી નૃત્યનો યુગ પણ આથમી ગયો છે, તેમ છતાં ટિપ્પણી, નૃત્યના એક પ્રકાર તરીકે ગુજરાતમાં જીવી ગઈ છે.

રાંદલનો ઘોડો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ખંભાત બારુ, ભાલ નળકાંઠો, વઢિયાર, ખાખરિયો ટપ્પો અને કાઠિયાવાડમાં સૂર્યપત્ની રન્નાદેવીની પૂજાનો મહિમા મોટો છે. ઘણી લોકજાતિઓમાં લગ્ન, સીમંત જેવા સામાજિક પ્રસંગે રાંદલ તેડવાનો રિવાજ છે.આ પ્રસંગે કુટુંબની સ્ત્રીઓ અને રાંદલના ભૂઈ (ભૂમિગત પૂજકો) અથવા ગામના ગોરમહારાજ રાંદલનો ઘોડો ખૂંદવા આવે છે. ભૂઈ આવીને ઈંઢોણી પર પિત્તળનો જળ ભરેલો લોટો મૂકી ત્રાંબાની વાટકીમાં દીવો પ્રગટાવીને તેને લોટા પર મૂકીને લોટો માથે મૂકે છે અને ધીમે ધીમે નાચે છે. આ વખતે ફરતી ફરતી સ્ત્રીઓ ઘોડાની જેમ બબ્બે પગે કૂદતી કૂદતી તાળીઓ પાડતી ગોળ ગોળ ફરે છે.

જાગનૃત્ય :-

કેટલીક જ્ઞાતિઓમાં લગ્ન, જનોઈ કે સીમંત પ્રસંગે માતાજીનો ઉત્સવ કરવામાં આવે છે. આ પ્રસંગે માતાના જાગ તેડે છે. માતાજીની સ્થાપ્ના પછી પાંચમે કે સાતમે દિવસે માતાજીને વળાવતી વખતે બાજોઠના ચાર ખૂણે ખપાટું બાંધી તેના ચારેય છેડાને ઉપરથી ભેગાકરીને બાંધી દેવામાં આવે છે. બાજોઠ ફરતી ચૂંદડી વીંટી અંદર માતાજીની સ્થાપ્ના કરવામાં આવે છે. જેના ઘેર આ ઉત્સવ હોય તે ઘરની સ્ત્રી જાગ માથે મૂકી વાજતેગાજતે માતાજીના મઢે જાય છે. એ વખતે સ્ત્રીઓ ગામના ચોકમાં ઢોલના તાલેતાલે માતાજીના ગરબા ગાય છે અને માથે જાગ મૂકેલ સ્ત્રી ગરબાની વચમાં પગના ઠેકા લેતી નૃત્ય કરે છે.

રાસ કે રાસડા :-

રાસ એ સૌરાષ્ટ્રનું એક આગવું નૃત્ય છે. રાસે રમનાર અને રાસ જોનાર બંનેને આનંદથી તરબોળ કરતું આ નૃત્ય ઐતિહાસિક દ્ષ્ટિએ મહાભારતમાં હલ્લીસક ક્રીડા કે દંડરાસક તરીકે વર્ણવાયેલું છે. પ્રાચીન કાળમાં ગોપગોપીઓ સાથે મળીને કૃષ્ણલીલાના રાસ રમતાં. મુસ્લિમ કાળમાં રાસના નૃત્ય પ્રકારો સાવ લોપાઈ ગયા, પણ ચૌદમી – પંદરમી સદી પછી નરસિંહ, મીરાંની અસરને કારણે અને વૈષ્ણવ ધર્મના સંસ્કારે કૃષ્ણના રાસને સજીવ કરવા પ્રેર્યા.દાંડિયારાસ શરદપૂનમ, નોરતાં, જળઝીલણી અગિયારસ, સાતમ-આઠમપ્રસંગે, ગુરુની પધરામણી વખતે, ફુલેકા કે સામૈયા વખતે ગામના જુવાનિયાઓ હાથમાં રંગીન ફૂમતાંવાળા લાકડાના કે પિત્તળના દાંડિયા લઈને હીંચ, કેરવો વગેરે તાલમાં દાંડિયા રાસે રમે છે. દાંડિયારાસમાં દોઢિયા, પંચિયા,અઠિયા, બારિયા, ભેટિયા, નમન, મંડલ લેવાય છે. રાસે રમતાં રમતાં ગીતને અનુરૂપ સ્વસ્તિક, ત્રિશૂળ, ધજા જેવાં માતાજીનાં પ્રતીક રચાતાં જાય, કાનગોપીનું ગીત હોય તો કૃષ્ણ બંસી વગાડતા હોય તેવા કે વલોણા જેવા આકારપ્રકારો રચાતા જાય છે.

ગોફગૂંથન – સોળંગા રાસ :-

ગોફગૂંથન અથવા સોળંગા રાસ એ સૌરાષ્ટ્રના કોળી સથવારા ભરવાડ અને કણબીઓનું જાણીતું નૃત્ય છે. આ નૃત્ય એક વિશિષ્ટ પ્રકારનો મનોહર રાસ છે. આ નૃત્યમાં વણેલી સુંદર મજાની દોરીઓના ગુચ્છ અધ્ધર બાંધેલી કડીમાંથી પસાર કરી તેનો એકેક દંડો રાસધારીઓના હાથમાંઅપાય છે. પ્રારંભમાં ગરબી લઈને પછી દાંડિયારાસ ચગે છે. રાસની સાથે બેઠક ફૂદડી ને ટપ્પા લેતાં લેતાં વેલ આકારે એક અંદર ને એક બહારના ફરતાં ફરતાં રાસે રમે છે. તેની સાથે સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ગૂંથાતી જાય છે. ગૂંથણી પૂરી થયા પછી અવળા ચલનથી રાસની રમઝટ સાથે દોરીની ગૂંથણી ઉકેલમાં આવે છે.મેર લોકોના દાંડિયારાસ અને ચાબખો મેર લોકોના દાંડિયા સાદા દાંડિયા નહીં, પણ જાડા પરોણાના દાંડિયા હોય છે. તેમના દાંડિયારાસ ઢોલ ને શરણાઈના તાલે તાલે ચાલે છે. તેમાં સમૂહગીતો હોતાં નથી. મેરના દાંડિયા એટલા જોરથી વીંઝાતા હોય છે કે જો નબળા પાતળા આદમીના દાંડિયા સાથે મેરનો દાંડિયો વીંઝાય તો એની આંગળીના ત્રણ કટકા થઈ જાય. મેરની દાંડિયા વીંઝવાની છટા એ તલવારના ઝાટકાની કલામય છટા છે. દાંડિયારાસ વખતે લેવાતી ફૂદડીઓ મેર લોકોના દાંડિયારાસનું આગવું આકર્ષણ છે.

રાસડા:-

લોકજીવનમાં ખૂબ જાણીતા એવા રાસ અને રાસડા વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. સૌરાષ્ટ્રમાં મોટે ભાગે પુરુષો રાસ લે છે. (આ રાસને હલ્લીસક પણ કહી શકાય.) જ્યારે સ્ત્રીઓ રાસડાલે છે. રાસડા એ તાલરાસકનો પ્રકાર છે. રાસમાં નૃત્યનું તત્ત્વ આગળ પડતું હોય છે. જ્યારે રાસડામાં સંગીતનું તત્ત્વ મોખરે રહે છે. સ્ત્રીઓમાં આજે એક તાલીના અને ત્રણ તાલીના રાસડા વધુ જાણીતા છે. રાસડા એ ગરબાના જેવો જ પ્રકાર છે. રાસ અને ગરબી એ પુરુષપ્રધાન છે, જ્યારે રાસડા નારીપ્રધાન છે.

ગરબો:-

ગરબો એ ગુજરાતના અતિ પ્રાચીન લોકપ્રિય નૃત્યનો એક પ્રકાર છે. ગરબાની ઉત્પત્તિનું મૂળ દેવીપૂજા જ મનાય છે. ગરબો એટલે ઘણાં છિદ્રો પાડેલો માટીનો ઘડો. ઘડામાં છિદ્રો પાડેલો માટીનો ઘડો. ઘડામાં છિદ્રો પડાવવા એને ગરબો કોરાવવો કહે છે. ગરબો શબ્દની ઉત્પત્તિ ગર્ભદીપ માંથી થઈ છે. ‘ગર્ભદીપ’માંથી ‘ગર્ભો’ અને પછી ગરબો થયું. ગર્ભ એટલે ઘડો. ઘડો એ બ્રાંડની કલ્પ્ના છે. તેમાં પ્રગટાવેલી દીપકની જ્યોત જીવનના સાતત્યની ઝાંખી કરાવે છે. આમ ગરબો એ આદ્યશક્તિ જગતમાતા તરફના ભક્તિભાવનું પ્રતીક છે. નોરતાંના નવે દિવસ ગુજરાતનાં ગામડાંઓ અને શહેરની શેરીઓ ગરબાથી ગુંજી ઊઠેછે. નોરતાં પ્રસંગે ઘરમાં જવારા વાવીને માતાજીની સ્થાપ્ના કરવામાં આવે છે. ગરબામાં દીવો પ્રગટાવવામાં આવે છે. રાત વેળાએ ચોકમાં માતાજીનું સ્થાનક મૂકી સ્ત્રીઓ ફરતી ફરતી ગરબા ગાય છે. આ ગરબામાં મોટે ભાગે માતાજીની સ્તુતિ વિશેષ હોય છે.ગરબી ગરબો અને ગરબી બેય નૃત્ય પ્રકારો નવરાત્રિના ઉત્સવ સાથે સંકળાયેલા છે. ગરબો અને ગરબી બંને સંઘનૃત્યના પ્રકારો છે. ગરબો મોટે ભાગે સ્ત્રીઓ જ ગાય છે. ક્યારેક પુરુષોપણ એમાં જોડાય છે. જ્યારે ગરબી એ પુરુષો ગાય છે. ગરબો એટલે છિદ્રોવાળો ઘડો અને ગરબી એટલે લાકડાની માંડવડી એવો અર્થ થાય. ગરબી એ પુરુષનૃત્યનો પ્રકાર છે. ગરબીમાં દાંડિયા, ઢોલ, નરઘાં ને મંજીરાનો ઉપયોગ થાય છે. ગરબી નોરતાં ઉપરાંત જન્માષ્ટમી, જળઝીલણી અગિયારસ જેવા ઉત્સવોના પ્રસંગે ગવાય છે. ગરબીને રાસ-નૃત્યનો એક પ્રકાર જ ગણી શકાય. ગરબીનાં ગીતો પણ એટલાં જ જોમવંતાં જોવા મળે છે.

પઢારોનું મંજીરાનૃત્ય :-

મંજીરાનૃત્ય એ ભાલ નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ લોકનૃત્ય છે. મંજીરાને કુશળતાપૂર્વક રાસમાં ઉતારીને તેઓ હૈયું હલાવી નાખે એવા હૃદયંગમ દ્શ્યો ખડાં કરે છે.

હીંચનૃત્ય:-

ભાલપ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગરની હીંચ તો ખૂબ જાણીતી છે. દાંડિયારાસ અને ગરબી લેનારા કોળીઓ હાથમાં મટકી લઈને સરસ હીંચ લે છે. વારતહેવારે કે પ્રસંગોપાત્ત સ્ત્રીઓ પણ હાથમાં ગાગર, ધોંણિયો કે વટલોઈ લઈને ઢોલના તાલે તાલે હાથની વીંટીયું, રૂપાના કરડાં કે વેઢ વડે તાલ દઈને હવામાં ગાગરો ઘુમાવતી નવનવા અંગમરોડ દ્વારા હીંચને ચગાવે છે. કચ્છની કોળણો, વઢિયારની રજપૂતાણીઓ હાથમાં ગાગર લઈને ઢોલે રમતી રમતી હીંચ લે છે. ભાલપ્રદેશની હરિજન બહેનો હાથમાં બોઘરણાં ને મટકી લઈને કે ઘણીવાર થાળિયું લઈને અવળીસવળી ફેરવતી ફેરવતી હીંચ લે છે. આ હીંચમાં ગીત નથી હોતું, ફક્ત ઢોલ અને ગાગરનાતાલે હીંચ લેવાય છે. કોડીનાર તરફની કારડિયા રજપૂતની સ્ત્રીઓ માથે ત્રણત્રણ બેડાંની હેલ્ય લઈને ફરતી ફરતી હીંચ લે છે.

ભરવાડોના ડોકા અને હુડા રાસ:-

સૌરાષ્ટ્રના ભરવાડો જ્યારે ડોકા રાસ અને હુડા રાસમાં ખીલે છે ત્યારે ગોપસંસ્કૃતિના ખમીરનાં સાચાં દર્શન થાય છે. ભરવાડોના રાસમાં કાનગોપીનાં ગીતો મુખ્ય હોવા છતાં ડોકા રાસમાં ગીતને ઝાઝું સ્થાન નથી. ઢોલના તાલે તાલે આખા પરોણા કે પરોણિયું લઈને તેઓ દાંડિયા લે છે. આ વખતે પગના તાલ, શરીરનું હલનચલન અને અંગની આગવી છટા ઊડીને આંખે વળગે છે.જ્યારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે તાલે સામસામાં હાથના તાલ અને પગના ઠેકા વડે રાસે રમે છે. આ રાસ ગીત વગર પણ એવો જ સરસ ચગે છે. ભરવાડ અને ભરવાડણોના ભાતીગળ પોશાકને કારણે રાસનું દ્શ્ય હૃદયંગમ બની રહે છે.

ઠાગા નૃત્ય:-

ઠાગા નૃત્ય એ ઉત્તર ગુજરાતના ઠાકોરોનું અનોખું લોકનૃત્ય છે. સૌરાષ્ટ્રના લોકમેળાઓમાં શૂરાઓના તલવાર રાસમાં જે ખમીર અને જોમ જોવા મળે છે તે ઠાકોરોના ઠાગાનૃત્યમાં જોવા મળે છે. વારતહેવારે આ વિસ્તારના ઠાકોર ઊંચી એડીના ચડકીવાળા બૂટ, અઢીવર કે પોતડી, ગળે હાંસડી, પગમાં તોડો અને કાનમાં મરકી પહેરી હાથમાં ઉઘાડી તલવારો લઈને ઠાગા લેવા નીકળે છે ત્યારે જીવનમોતના સંગ્રામ જેવું દ્શ્ય સર્જાય છે.

ઢોલો રાણો:-

ઢોલો રાણો એ ગોહિલવાડ પંથકના કોળીઓના લોકનૃત્યનો અનોખો પ્રકાર છે. ચોમાસું આવતાંધરતી હરિયાળી બની જાય છે. કુદરતની મહેરથી કણમાંથી મણ અનાજ પાકે અને મોતી જેવાં ડૂંડાં ખળામાં આવે એ જોઈને ખેડૂતોનાં હૈયાં હરખાઈ ઊઠે છે. આ પ્રસંગે ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સૂપડિયું, સાવરણી, સૂંડલા, ડાલાં, સાંબેલું વગેરે લઈ અનાજ ઊપણતાં ઊપણતાં, સોઈને ઝાટકતાં ઝાટકતાંને ખાંડતાં ખાંડતાં વર્તુળાકારે ફરીને નૃત્ય કરતાં કરતાં મંજીરા, કાંસીજોડા ને તબલાંના તાલે તાલે ગાય છે.:

“રાય ઢોલો રાણો ખાંડે ચોખલા નેઓલી ગોમતી સાળ્ય મગડાળ્ય.”

આ નૃત્ય ભાવનગરની ઘોઘા સર્કલ મંડળી સરસ રીતે કરતી. આવું જ કોળીઓનું કાપણી પ્રસંગનું નૃત્ય પણ જોવા મળે છે.

અશ્ર્વનૃત્ય:-

અશ્ર્વનૃત્ય એ ઉત્તર ગુજરાતના કોળીઓમાં ખૂબ જાણીતું છે. કારતક મહિનાની પૂનમના દિવસે ગામના જુવાન અને ઘરડા-બુઢ્ઢા પુરુષો પોતપોતાના ઘોડા સાથે હાથમાં તલવાર લઈને ભેગા થાય છે. પછી ગામને પાદર ઘોડો દોડાવે છે.આ પ્રસંગે દોડતા ઘોડા ઉપર ઊભા થઈ હાથમાં ઉઘાડી તલવાર વડે દુશ્મનદળને વાઢતા હોય તેવું નૃત્ય કરે છે. આ નૃત્ય પ્રસંગે વાતાવરણમાં શૌર્યરસ લહેરાઈ રહે છે.

વણઝારાનું હોળી નૃત્ય :-

ગુજરાતમાં વસતા મારવાડીઓ જન્માષ્ટમી અને હોળી વખતે નૃત્યો કરે છે. પુરુષો ખભે મોટું ચંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને ઢારવો લે છે. કેટલીક પછાત જાતિઓમાં પણ આવું રૂમાલ નૃત્ય જોવા મળે છે.

 સીદીઓની ધમાલ :-

પોર્ટુગીઝોની સાથે આફ્રિકાથી આવીને સૌરાષ્ટ્રના જાફરાબાદ સુરેન્દ્રનગર અને જૂનાગઢ વિસ્તારના જાંબૂરમાં વસેલા સીદીઓની આફ્રિકાની આદિસંસ્કૃતિનું જો કોઈ વિશેષ તત્ત્વ જળવાયું હોય તો તે સીદીઓના ” ધમાલ” નૃત્યમાં જળવાયું છે. આફ્રિકામાં વસતા આદિવાસીઓ શિકાર કરવા જતા ત્યારે અને શિકાર મળ્યા પછી આનંદમાં આવી જઈને જે પ્રકારનું નૃત્ય કરે છે તેની ઝાંખી સીદીઓની ધમાલમાં જોવા મળે છે.ધમાલ નૃત્ય મશીરાનૃત્યને નામે પણ ઓળખાય છે. નૃત્ય પ્રસંગે સીદીઓ નાળિયેરની આખી કાચલીમાં કોડિયું નાંખી લીલું લૂગડું વીંટીને બનાવેલા મશીરા તાલબદ્ધ રીતે વગાડીને ગોળ ગોળ ફરતા જાય છે.હાથમાં રાખેલા મોરપિચ્છનો ઝુંડ હલાવતા ને ઢોલકી વગાડતા વગાડતા સીદી ગીત ગાતાં ગાતાં હાઉ… હાઉ… હો… હો અવાજ કરે છે. અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે. સીદીઓની ધમાલ ખૂબ પદ્ધતિસરની ને તાલબદ્ધ હોય છે. નાચતાં નાચતાં માથા પર નાળિયેર ફોડે છે, કાચની રકાબીઓ ફોડે છે.સામાન્ય રીતે સીદીઓ પીરના વારતહેવારે, ગુરુવારના દિવસે અને દર મહિનાની અગિયારસ નેસુદ બીજના દિવસે ધમાલ નૃત્ય કરે છે. આ પ્રસંગે વગાડવામાં આવતો મોટો ઢોલ ‘મુસીરા’ના નામે ઓળખાય છે. જ્યારે નાની ઢોલકીને  ‘ધમાલ’ અને સ્ત્રીઓના વાજિંત્રોને ‘માયમીસરા’ અથવા સેલાની કહેવામાં આવે છે. જૂના વખતમાં નવાબો અને રાજામહારાજાઓ સીદીઓને તેડાવીને ખાસ ધમાલનૃત્ય કરાવતા, આજે સીદીઓની ધમાલ ભારતભરમાં જાણીતી બની છે.

લોકનૃત્યના અન્ય કેટલાક પ્રકારો:-

ભાલ અને સૌરાષ્ટ્રમાં વસતી કુંવારી કન્યાઓ લગ્ન કે અન્ય ઉત્સવ પ્રસંગે ઢોલના તાલે તાલે “ટીટોડો” લે છે. સૌરાષ્ટ્રમાં એને ટીટોડો હલાવવો કહે છે. બે છોકરિયું સામસામે હાથની તાળી દઈ કેડ્યેથી નીચે નમી આગળ પાછળ હાથ લઈ જઈને ગાય છે.

– જોરાવરસિંહ જાદવ

2 thoughts on “લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૩

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s