હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) – ૪


કયાંય તારા નામની તકતી નથી,

ઓ હવા, તારી સખાવતને સલામ.

 

 

 

 

 

 

 

 

સુરેશભાઈ શાહ

“જુઓ, ડૉકટરસાહેબ, કયાંય મારું નામ ન મૂકશો, ન મારો ફોટો કે ન મારી શોકસભા.” મારા વડીલ સ્નેહી સુરેશભાઈ શાહનો મને આદેશ હતો. સમય હતો સવારના અગિયાર વાગ્યાનો. તે પણ કારતક માસની પવિત્ર અગિયારસના દિવસનો. થોડાક સમયથી એમની તબિયત નાજુક હતી. પચ્ચીસ વર્ષ પહેલાં બાયપાસ સર્જરી કરાવેલી અને હવે હદયની બીમારી ફરીથી બાયપાસ સર્જરીની જરૂરિયાત દેખાડી રહી હતી. એમણે હવે પોતાની જિંદગીનું પોટલું વાળી લઈ રામ રાખે તેમ રહેવાની જીદ પકડી લીધી હતી. પ્રભુભક્તિ અને શકય હોય, શરીર સાથ દે ત્યાં સુધી માનવસેવા થકી જ ભકિતભાવને માણવો હતો. એવું હું એમની આંખમાં, એમના ઘરે અમારી મુલાકાતમાં વાંચી શકયો.

મેં પરંપરાગત વિચાર રજુ કર્યો કે તમારા નામથી સંસ્થાને બે ફાયદા થશે. એમણે જરાયે ધ્યાન ના આપ્યું તો પણ મેં કહ્યું : “તમારા નામથી આપણી સંસ્થા શોભશે કે આવી વ્યક્તિઓ પણ સંસ્થા સાથે જોડાયેલી છે અને બીજું થશે કે તમારા નામ પાછળ બીજાં અનેક નામો દાન માટે આગળ આવશે.” એમણે સાંભળ્યું ના સાંભળ્યું કરી દીધું. થોડીક ક્ષણોની શાંતિ પછી એ બોલ્યાઃ “જુઓ, ભરતભાઈ, હું મારા પુત્ર સમીરને જે કંઈ સંપત્તિ આપે એમાં મારું નામ જોડી શકું ? એના ચહેરા ઉપર દાતાની તકતી મારી શકું શું ? પોલિયો ફાઉન્ડેશન પણ મારું માનસબાળ છે એટલે એના ચહેરા ઉપર મારા નામની તકતી કેમ કરીને મારી શકું ?”

કોઈ સંતના મુખેથી જ નીકળી શકે એવા આ શબ્દો મારા સમગ્ર અસ્તિત્વમાં પ્રસરી ગયા. હું કોઈ અદ્ભુત ક્ષણોમાં વિલીન થઈ ગયો. પૈસે ટકે સમૃદ્ધ છતાંયે ભક્તિમાં લીન થઈ જીવનમર્મ ન પામી ગયેલા આ સંતને, વડીલ મિત્રમાંથી વંદનીય-પૂજનીય માર્ગદર્શક તરીકે સમજીને હું મનોમન એમના આશીર્વાદ માંગવા ઝૂકી ગયો. મારી જાતને સભાગી માનવા માંડયો કે આવા સંતસમા સજ્જનોની હૂંફ અને છત્રછાયા મને અને પોલિયો ફાઉન્ડેશનને મળ્યા છે.

આ વાર્તાલાપની વચ્ચે સુરેશભાઈ અચાનક પૂછી બેઠા : “ડૉકટરસાહેબ, તમને ખબર છે કે દાન આપવાની વૃત્તિ મારામાં કયાંથી શરૂ થઈ ?” હજી તો હું મોટી ઇન્ડસ્ટ્રીના સ્થાપકની સિદ્ધિઓના વિચારમાં ગળાડૂબ હતો ત્યાં એમનો બાઉન્સર આવી ગયો. હું તંદ્રામાંથી જાગ્યો છતાં યે જવાબ તો એ જ આપી શકે એ હું સમજી શક્યો.

એમણે જ શરૂઆત કરી, “ભરતભાઈ, પહેલું દાન મેં તમને આપેલું.” હું ચમક્યો પણ એમણે વાતનો દોર ચાલુ રાખ્યો : “મારી પુત્રીનું એપેન્ડીક્ષનું ઑપરેશન તમારે ત્યાં કરાવેલું. તમે તે વખતે ખૂબ વ્યસ્ત રહેતા છતાંયે ખૂબ ઊછળતા કૂદતા અને તાજગીથી ભરેલા. તમારી હૉસ્પિટલમાં સાત દિવસ આવવાનું થતું ત્યારે જોયું કે તમારે ત્યાં વિકલાંગ દર્દીઓની લાઇન લાગે છે. રવિવારે તો મોટી ભીડ હોય છે અને ત્રણ ચાર ઑપરેશન થાય છે તે પણ બધુ વિનામૂલ્ય. રવિવારે તમે તમારું બધું કામ બાજુએ મૂકી માત્ર આ યજ્ઞ જ કરો છો.” મેં તમને પૂછેલું કે ભરતભાઈ તમારામાં આટલી બધી શક્તિ કયાંથી આવે છે ત્યારે તમે સરસ જવાબ આપેલો કે આખા અઠવાડિયાનો થાક રવિવારની આ પ્રવૃત્તિથી ઊતરી જાય છે અને નવી શક્તિ મળે છે. મને તમારો આ જવાબ સ્પર્શી ગયો અને વિચાર રફુર્યો કે ભલે હું ડોકટર નથી પણ આવા કામમાં હું પણ કેમ ના જોડાઈ શકું ? મેં તમને મારી શૈલીમાં કહ્યું હતું : “ભરતભાઈ, તમે સ્વાર્થી છો !” તમે ચોંકી ગયેલા, તમારા ચહેરા ઉપર થોડા આશ્ચર્યના ભાવ પણ આવી ગયેલા. પછી મેં જ ચોખવટ કરીને કહેલું કે તમે આટલું પુણ્ય એકલા જ કમાઈ રહ્યા છો તો અમને ભાગીદાર કેમ નથી બનાવતા ? તમે મલકાઈ ઊઠ્યા અને બોલી ઊઠ્યા હતા કે જેની પાસે જે છે તે સમાજને આપે. કોઈ ધન આપે , કોઈ સમય આપે કે કોઈ પોતાનું જ્ઞાન આપે . આવા યજ્ઞોમાં બહુ બધા સાથીઓની જરૂર છે. બસ એ જ ક્ષણે મેં દાન આપવાની શરૂઆત કરી દીધી.”

હું ત્રણ દાયકા પહેલાંની ઘટનામાં ઊતરી ગયો અને વાતનો દોર મેં આગળ ચલાવ્યો. “અમે આવાં બાળકોનાં ઓપરેશનના પહેલા કૅમ્પ બાદ પૂર્ણાહુતિ પ્રસંગનું આયોજન કર્યું હતું અને તમે તે જમાનામાં બે બાળકો દત્તક લેવા રૂપિયા ચાર હજાર આપેલા પરંતુ ત્યારેય તમે નામ જાહેર નહીં કરવાની શરત મૂકેલી. તે જમાનાના ચાર હજાર એટલે આજના ચાર લાખ” અમે બંને સ્મિતથી મહોરી ઊઠ્યા. નામ નહીં આપવાનો નિયમ આજે પણ એમણે જાળવી રાખ્યો છે.

જીવનસમુદ્રમાં અસંખ્ય નાવો વિહાર કરતી હોય છે પણ કેટલીક નાવ સાવ અસામાન્ય અને નોખી હોય છે. અગણિત પથ્થરોની વચ્ચે ચમકતા હીરાસમા આવા માનવીઓથી જ સમાજ સમૃદ્ધ બને છે. સુરેશભાઈમાં સચ્ચાઈ અને પ્રમાણિકતા ભરપૂર પડેલી દેખાઈ છે – તે પણ સતત અને સદાય. સરળ હોવા છતાંયે કઠણ પ્રશ્નોને ઉકેલવાની કોઠાસૂઝ એમને પ્રાપ્ત થયેલી છે. સંસ્કાર વારસામાં મળે છે એવું મારું કાયમી મંતવ્ય અસંખ્ય અનુભવોને આધારે વિકસ્યું છે. સુરેશભાઈનો પ્રેમાળ સ્વભાવ એ જ એમના પરિવારની પરંપરાનો એક ભાગ છે. પિતા અને કાકાનો પરિવાર, ભાઈઓ અને કાકાના દીકરાઓનો પરિવાર અને ત્રીજી પેઢીના યુવાનોના પરિવાર એ જ પ્રેમની સાંકળે બંધાયેલા છે. કયાંય ટંટોફિસાદ નહીં, અહમનો ટકરાવ નહીં. એમનો એ પ્રેમભાવ પોલિયો ફાઉન્ડેશનના માત્ર કાર્યકર્તાઓને જ નહીં દર્દીઓને પણ સતત મળતો રહ્યો છે.

એક દિવસ એમણે પોલિયો ફાઉન્ડેશનની મિટિંગમાં મને કહ્યું : “ભરતભાઈ, તમે બધાને કામ સોંપો છો મને કેમ કંઈ કામમાં જોડતા નથી ?” આવા મોટા માણસને, વડીલને શું કામ સોંપી શકાય એવો પ્રશ્ન મારા મનમાં ધૂમરાવા માંડ્યા. થોડા જ દિવસના મનોમંથન પછી એમના સ્વભાવને અનુકુળ કામ સોંપી દીધું. એ ખુશખુશાલ થઈ ગયા. મિત્રો પાસે, સાથીઓ પાસે આનંદ વ્યકત કરવા માંડ્યા એટલે બધાએ મને સીધો જ પ્રશ્ન કર્યો કે તમે સુરેશભાઈ ઉપર એવો શું જાદુ કર્યો કે તેઓ આટલા ખુશ છે ? એવું શું કામ તમે એમને સોંપ્યું ?

મારો જવાબ હતો “પ્રેમ વહેંચવાનું” કોઈ સમજી ના શક્યું એટલે મેં ચોખવટ કરી કે સુરેશભાઈ દર અઠવાડિયે હૉસ્પિટલના તમામ દદીઓ ઉપરાંત સી.પી. નાં તમામ બાળકો પાસે જશે. એમની તકલીફ જાણશે અને મને એની માહિતી પહોંચાડશે. એ કામ સહેલું નથી. કારણ કે એકાદ વાર દર્દી પાસે જઈ સહાનુભૂતિ બતાવવી શકાય છે પરંતુ કાયમ માટે આ જવાબદારી ખૂબ મુશ્કેલ છે. સુરેશભાઈ છેલ્લાં પચ્ચીસ વર્ષથી અઠવાડિયામાં બે વાર પોલિયો ફાઉન્ડેશનના તમામ દર્દીઓને મળે છે. ધીરજથી વાત સાંભળે છે. પ્રશ્નો ઉકેલે છે અને સાથે સાથે નાસ્તો કરાવી સ્વચ્છતાનું શિક્ષણ પણ આપે છે. દર્દીઓનું સ્મિત જોઈ એ આનંદોત્સવ મનાવે છે.

પોલિયો ફાઉન્ડેશનમાં દર્દીઓને બધા સાંભળે છે એવી છાપ તેમણે ઊભી કરી દીધી. જેને બધા ગૌણ કામ માનતા હોય એવા કામ થકી તેમણે હજજારો દર્દીઓને પોલિયો ફાઉન્ડેશનના હરતા ફરતા સેલ્સમૅન જ બનાવી દીધા. સંસ્થા કેટલી બધી નસીબદાર કહેવાય કે જેના પાયામાં આવા સજજનો પડ્યા હોય ?

દર્દીને સ્વચ્છતાનું શિક્ષણ આપી એ અટકયા નથી પરંતુ સ્ટાફને પણ સ્વચ્છતાના પાઠ ભણાવે અને કયારેક મારો કાન પણ આમળી લે. પરિણામ ? આજે દેશ-વિદેશથી આવેલા તમામ મુલાકાતીઓ સંસ્થાની સ્વચ્છતાનો ફાટી વખાણ કરે છે. સુરેશભાઈની વિશિષ્ટતા એ રહી છે કે પોતે હવે નિયમિત રીત નહીં આવી શકે એ વરસ પહેલાં જ જાણી ગયેલા એટલે બીજી પેઢીના દ્રુપદને એમને કામગીરી વિષે તૈયાર કરી દીધો છે.

પાછા એમના સંસ્કાર ઉપર જવાનું મન થયું એટલે પછછ્યું કેઃ “સુરેશભાઈ, તમે મને પહેલું દાન ભલે આપ્યું પણ આ તમારી ગળથુથીમાં ન હતું ?” એમનો જવાબ હતો “સાચી વાત છે ભરતભાઈ, મારા પિતાજી મૃત્યુના ઓથાર ઉપર હતા ત્યારે મને કહેલું કે શ્રી સુરેશભાઈ સોની- જે રકતપિત્તિયાનું ખૂબ સારું કામ કરે છે એમને દાન આપવું છે. તરત જ શ્રી સુરેશભાઈ સોનીને બોલાવ્યા- પિતાએ પોતે રૂપિયા ૨૦,OOO/- આપ્યા અને બાર જ કલાકમાં સ્વર્ગવાસી થઈ ગયા. બસ આ પ્રસંગ મારા હૃદયમાં હતો અને તમે એ ચિનગારીને જયોતમાં પલટી નાંખી.”

પછી એમણે ઉમેર્યું કે હું એક એક ફૂટના સો ખાડા કરવામાં માનતો નથી પણ સો ફૂટનો એક ખાડો કરવામાં માનું છું. પોલિયો ફાઉન્ડેશન મારું બાળક છે એટલે પહેલો હાથ ત્યાં જ જાય પણ સાથે સાથે મુનિ સેવાશ્રમ અને શ્રી સુરેશભાઈ સોનીના હાથ પણ મજબૂત કરું છું.

અમારા બંને વચ્ચે થોડી મિનિટો મૌન છવાઈ ગયું. હદય આનંદના ભાવથી ભરાઈ ગયું. છેવટે મારાથી પુછાઈ ગયું : “સુરેશભાઈ, હવે તમે શરીરથી અસ્વસ્થ છા પણ મનથી કેમ છો ?”

જવાબ હતો “ખૂબ શાંતિ અનુભવું છું. આનંદથી ભરાયેલો છે પોલિયો ફાઉન્ડેશનના ત્રણ દાયકાના સાથી રહેવાનું ગૌરવ અનુભવું છું અને પરિવારમાં પ્રસરેલા પ્રેમભાવથી તૃત છું. ટીકડી વિના ઊંઘ આવે છે, ગીતાપાઠમાં રત રહું છું અને મૃત્યુને પણ આવી જા . કહેવાની ક્ષમતા ધરાવું છું , કેટલી મોટી સિદ્ધિ ?”

મને રાજેશ વ્યાસ, મિકીનનો એક શેર યાદ આવી ગયો.

જયાં લગી મન છે, બધે સંસાર છે જાણી ગયો,

ના હવે સ્પર્શ ભલે ચોમેર કુંડાળાં રહ્યાં,

ઓશોએ કહેલો એક પ્રસંગ યાદ આવી ગયો.

એક રાજા ગંભીર માંદગીમાં પટકાયો. રાજ્યના અનેક વૈદ્યો અને રાજવૈદ્યોએ સારવાર કરી પણ પરિણામ શૂન્ય હતું. પડોશી રાજ્યમાંથી વઘો આવ્યો પરંતુ કોઈ રાજાની બીમારી દૂર કરી ના શક્યું. બધા ચિંતિત હતા ત્યાં એક ફકીર આવ્યો. તેણે રાજાને તપાસ કરી કહ્યું હું તમને સારા કરી દઉં. મને માત્ર જોઈએ છે એક એવી વ્યક્તિનો કોટ કે જેની પાસે સમૃદ્ધિ હોય અને શાંતિ પણ.

રાજ્યના અમલદારોને થયું કે આ તો બહુ સહેલું છે બધા નીકળી પડ્યા. અમીરોના દરવાજા ખખડાવ્યા. સમૃદ્ધિ મળી પણ એ અમીરો પાસે શાંતિ ન હતી. ખૂબ મહેનત કરી– દિવસો નીકળી ગયા પણ કોઈ પત્તો ના ખાધો. અચાનક જંગલમાં એક માણસ મસ્તીથી વાંસળી વગાડતો જોવામાં આવ્યો. એની મસ્તી જ આનંદદાયી હતી. એના વાંસળીના સૂર અદ્ભુત હતાં અને એ આસપાસના વાતાવરણથી વિમુખે હતો. પોતામાં જ ખોવાયેલો હતો. તેના ચહેરા ઉપર ખૂબ શાંતિ હતી જે પૂછ્યા વિના જ જણાતી હતી. અમલદારો દોડ્યા અને ઝટ ઊભો કરી કહ્યું તારા કોટ આપ- રાજાની માંદગીના નિવારણ માટે જોઈએ છે. એ અલગારી માણસ હસ્યો અને કહ્યું મારી પાસે તો માત્ર આ લંગોટ છે, જોઈએ તો લઈ જાવ. બધા સ્તબ્ધ. શાંતિ અને સમૃદ્ધિ એક સાથે કયાંય ના મળી. રાજા ગુજરી ગયો.

પોલિયો ફાઉન્ડેશન અજર- અમર છે કારણ કે એની પાસે આવા સમૃદ્ધ છતાં યે શાંતિથી છલકાતા સ્વજનો છે. પ્રેમની વહેંચણી, કરુણાની પ્રાધાન્યતા અને સસ્મિત સેવા તો શાંતિ પ્રાપ્તિ માટેનાં પગથિયાં છે અને એટલે જ પોલિયો ફાઉન્ડેશન સૌના માટે વહાલું બની રહ્યું છે.

1 thought on “હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) – ૪

  1. ‘ પ્રેમની વહેંચણી, કરુણાની પ્રાધાન્યતા અને સસ્મિત સેવા તો શાંતિ પ્રાપ્તિ માટેનાં પગથિયાં છે …’એ પગથિયા દરેક પોતાના જીવનમા અને જાહેર જીવનમા અપનાવે તો સુજલામ સુફલામ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s