રેખા ભટ્ટીની વાર્તાઓ – ૪


ઋતુંભરા

આચાર્ય ભાવેન્દુ એ  કહ્યું ”આ દેહ નશ્વર છે અને એ પણ વારંવાર મળતો નથી તેથી આ જગતમાં આવ્યા પછી બને તેટલા સારા કામો કરવા. સહુ થી સારું કામ, હે શિષ્યો; તમને શું લાગે છે? તે માટે આજનો દિવસ તમને વિચાર કરવા માટે આપું છું. આવતી કાલે આપણે બધા જ ફરીથી આ વિષે વાત કરવા અત્રે એકત્ર થઈશું. પણ યાદ રહે આ માત્ર વાતોના વડા  કરવા માટે નથી, તમે જે કાર્યને માનવ જીવનનું સર્વ શ્રેષ્ઠ કાર્ય ગણાવશો, તે મુજબનું તમાંરે  પછીનું જીવન પણ જીવવું પડશે. માટે જોઈ વિચારીને આવતી કાલે પોતાની વાત રાખશો.” આટલું કહીને આચાર્ય પોતાની  કુટિરમાં જતા રહ્યા.

આખો દિવસ બધા જ શિષ્યો અને શિષ્યાઓ એ જાત જાતના વિચારો કર્યાં, ચર્ચાઓ કરી, ગ્રંથો ફંફોસ્યા અને બીજે દિવસે બધા તે જ વૃક્ષની નીચે એકત્રિત થઇ આચાર્યશ્રી ની રાહ જોવા લાગ્યા. આચાર્ય શ્રી પોતાની પર્ણકુટિમાંથી ધીર ગંભીર વદને  બહાર આવ્યા. અને વૃક્ષની નીચે બિરાજ્યા. થોડી પૂર્વભૂમિકા પછી તેઓ ગઈકાલ વાળી વાત પર આવ્યા.  એક પછી એક શિષ્ય અને શિષ્યાઓ એ ઊભા થઈને પોત પોતાની વાત કહી.  આચાર્યશ્રી  બધાની વાત ધ્યાનથી સાંભળતા હતા. ઋતુંભરા આ આશ્રમની સહુથી હોંશિયાર કન્યા હતી. બધાંને તે શું કહે છે તે વાતની ખુબ જ આતુરતા હતી. સ્વયં આચાર્ય પણ આતુરતાથી ઋતુંભરાના ક્રમની રાહ જોઈ રહ્યા હતા. તે દરમ્યાન ઘણા શિષ્ય શિષ્યાઓએ પોતાના વિચારો રજુ કર્યા.

આખરે ઋતુંભરાનો ક્રમ આવ્યો. બધાના જ કાન સતેજ થઇ ગયા.  આચાર્ય ગુરૂદેવ પણ સતેજ થઇ ગયા. ઋતુંભરાએ કહ્યું ”જેવી રીતે પૂજ્ય ગુરૂદેવે  કહ્યું કે જે કઈ વિચાર રજુ કરશો તેનો અમલ કરવો પડશે. આ જ વાતમાં જીવનનું સર્વ શ્રેષ્ઠ સત્ય સમાઈ જાય છે. આપણને વિચારો તો ઘણા સારા સારા આવે પણ આપણે તેને  અમલમાં મુકતા નથી. આ વાત જન સામાન્યને સમજાવવામાં આવે તો  સમાજમાં આમૂલ પરિવર્તન આવી જાય. માટે આજ થી હું લોકોને એ વાત સમજાવીશ કે સારા વિચારો આવે તો તેનો અમલ પણ કરો અને જુઓ કેવું સરસ પરિણામ આવે છે.  મારી દ્રષ્ટિએ આ વિચાર જ સર્વોત્તમ જણાય છે.” એટલું કહીને ઋતુંભરા બેસી ગઈ. ત્યાર બાદ બીજા થોડા શિષ્ય અને શિષ્યાઓ નો પણ વારો આવ્યો અને છેવટે જયારે પરિણામ જાહેર થયું ત્યારે ઋતુંભરા જ વિજયી થઇ.

હવે ઋતુંભરાએ પોતાનું સમગ્ર જીવન સારા વિચારોના અમલીકરણ પર જ જીવવાનું હતું.

તેને સહુથી પ્રથમ વિચાર આવ્યો કે મનુષ્ય સુસંસ્કૃત હોય તો વિશ્વના દરેક પ્રશ્નો મહદ અંશે હલ થઇ જાય. હવે આ વિચારનો અમલ કરવાનો હતો. તેણે આચાર્ય શ્રી પાસે રજુઆત કરી કે તે લોકોને સુસંસ્કૃત કરવા માંગે છે તો તેણે શું કરવું જોઈએ? આચાર્ય શ્રી બોલ્યા ”દુનિયામાં હજુ પણ એવી ઘણી જગ્યા છે; જ્યાં સંસ્કૃતિની જ્ઞાનની જ્યોત પહોંચી જ નથી. ત્યાં જઈને તું જ્ઞાનની જ્યોત પ્રગટાવ. અહીંથી દક્ષિણમાં જા, ત્યાં લોકો હજુ પણ જંગલી અવસ્થામાં જ જીવે છે. ખેતી કરતા તેમને હજી પણ આવડતું નથી. પ્રેમ કરુણા અને દયાનો સંદેશો લઈને તું ત્યાં જા. મારા તને આશીર્વાદ છે.

ઋતુંભરા તો ચાલી નીકળી. તે જમાનામાં વાહન વ્યહવારના ખાસ સાધનો હતા નહિ. બધે પગપાળા જ જવું પડતું. માત્ર અમીરોને જ ઘોડા કે બીજા વાહનો પરવડતા. માત્ર નદી પાર કરવા માટે હોડીઓનો ઉપીયોગ થતો. દિવસોના દિવસો સુધી ચાલતી ચાલતી, જ્ઞાનગોષ્ટિ  કરતી જતી ઋતુંભરા, કોઈ એવા પ્રદેશની શોધમાં હતી; જ્યાં હજી સુધી કોઈ પણ સુસંસ્કૃત મનુષ્ય પહોંચ્યો ન હોય. દેશાટન કરતા કરતા તે ઠેઠ દરિયા કિનારા સુધી પહોંચી ગઈ. ત્યાં તેને ખબર પડી કે લગભગ 50 જોજન દૂર એક ટાપુ છે, ત્યાં માનવ વસ્તી તો છે; પણ ત્યાં આજ સુધી કોઈ ગયું નથી. બધાજ અતિ પ્રાથમિક અવસ્થામાં જીવે છે. ઋતુંભરાએ ત્યાં જવાનું નક્કી કર્યું. એક હોડીવાળા સાથે ભાડું નક્કી કર્યું. હોડીવાળાએ પૂછ્યું કેટલું રોકાવાનું છે? ક્યારે પાછું વળવાનું છે? ઋતુંભરાએ કહ્યું ”મારે પાછું આવવાનું નથી. તું તારી અનુકૂળતાએ મને ઉતારીને તરત જ પાછો વળી શકે છે.” હોડીવાળાનો મગજ ચકરાઈ ગયો. તે ટગર ટગર ઋતુંભરાને જોઈ રહ્યો. તેને લાગ્યું કે આ બાઈ ગાંડી લાગે છે. પણ તેને તો ભાડા સાથે જ મતલબ હતો. અને આમ ઋતુંભરાની પ્રથમ દરિયાઈ સફર શરુ થઈ.

આ પહેલા કોઈ પણ ત્યાં ગયું ન હતું એટલે હોડીવાળાને પણ ખબર નહોતી કે ત્યાં કેવા માણસો રહે છે. બધા જ હોડી  વાળાઓ એ ખુબ દૂરથી જ તે ટાપુ પર માણસોની હિલચાલને નિહાળી હતી. કદાચ ત્યાંના માણસો હુમલો ન કરી બેસે તેથી હોડીવાળાએ થોડા શસ્ત્રાસ્ત્રો સાથે લેવાનું મુનાસિફ માન્યું. દૂર થી તે ટાપુ દેખાયો એટલે હોડીવાળાએ કહ્યું કે ‘’જુઓ ત્યાં કિનારા પર માણસોની હિલચાલ નજરે પડે છે.’’

ધીમે ધીમે હોડી કિનારાની નજીક પહોંચી. આ પહેલા અન્ય કોઈ આ ટાપુ પર ગયું ન હતું; કે આ ટાપુ પરનું કોઈ ટાપુ છોડીને ગયું ન હતું. એટલે બહારની કોઈ વ્યક્તિ તે ટાપુ પર આવે તે સ્થાનિક રહેવાસીઓ માટે કોયડા સમાન હતું. અમંગળની આશંકાએ બધા થોડે દૂર જતા રહી આંગકેતુઓની હિલચાલને નિહાળી રહ્યા. હોડીવાળાને ભાડું ચૂકવી ઋતુંભરા કિનારા પર ઉતરી. પણ હોડીવાલાનું મન માનતું ન હતું., આવા સાવ અજાણ્યા પ્રદેશમાં સાવ એકલી યુવાન સ્ત્રી ને મૂકી ને તરત ચાલ્યા જવાનું તેને મુનાસિફ ન લાગ્યું. તે કિનારા પર થંભીને શું બને છે તેની રાહ જોવા લાગ્યો. ઋતુંભરા ચાલવા લાગી અને જ્યાં તે માણસો દેખાતા હતા તે બાજુ થોડે દૂર જવા લાગી. તેને આવતી જોઈને માનવ સમૂહ થોડો વધારે દૂર ગયો હવે હોડીવાળો આ માનવ સમૂહને જોઈ શકતો ન હતો પણ જ્યાં  ઋતુંભરાએ  થોડા પગલાં આગળ ભર્યા ત્યાં જ અનેક લોકોએ આવીને તેને પકડી લીધી. અને તેને ઢસડીને વધુને વધુ દૂર લઈ જવા લાગ્યા. ઋતુંભરાને તેમનો ઈરાદો સમજતા વાર ન લાગી. હવે તેને માટે આ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. તેણે આશ્રમમાં સ્વરક્ષણની કૌશલ્યતા પ્રાપ્ત કરી હતી પણ તે અજમાવવા જતા તેને કેટલાક લોકોને ઇજા પહોંચાડવી પડે. જો તેમ થાય તો આ બધા તેના કાયમના દુશ્મન બની જાય. અને જો તેમ ન કરે તો પોતાનું શું થાય તે કઈ કહેવાય નહિ. તેણે ધીમે ધીમે કોઈને પણ ઇજા ન થાય તેમ એક પછી એક દાવ અજમાવવાનું શરુ કર્યું. ઘણા પ્રયત્નો પછી પણ જયારે ટાપુ વાળાઓની કોઈ કારી ન ફાવી ત્યારે તેઓ ઋતંભરાની આ નિ:યુદ્ધની કલાને નીરખી રહ્યા.

એક વાત તો બધાની સમજમાં આવી ગઈકે આ સ્ત્રી ધારે તો આપણને બધાને મૃત્યુના દ્વારે પહોંચાડી દેય તેમ છે; પણ કોણ જાણે કેમ તે પુરી શક્તિથી કોઈના પર વાર નથી કરતી. અને તેથી જ કોઈને પણ ઈજા નથી થતી. આનાથી આશ્ચર્યચકિત  થઇને એક યુવાને પૂછ્યું ”તું કોણ છો? અને અહીં શા માટે આવી છો?”  ઋતુંભરા બાલી ” હું તમારા બધાની દોસ્ત છું અને અહીં રહેવા આવી છું.” યુવાન બોલ્યો ”પણ અમને કેમ વિશ્વાસ આવે?” ઋતુંભરાએ કહ્યું ”તમે તો જોયું જ કે હું ધારત તો તમારામાં થી કેટલાકને યમસદન પહોંચાડી દેત. પણ મેં તેમ કર્યું નથી અને તમારામાંથી કોઈને પણ સહેજ પણ ઇજા થવા દીધી નથી. શું આટલી વાત એ પુરવાર નથી કરતી કે હું તમારી દોસ્ત બનવા આવી છું?”

ઋતુંભરાએ જોયું કે ત્યાંના લોકોને એક પર્ણકુટી પણ બનાવતા આવડતી ન હતી. બધાજ ખુલ્લામાં કે પહાડોની ગુફામાં સાવ પ્રાથમિક અવસ્થામાં રહેતા હતા. તેણે પોતાને માટે એક પર્ણકુટી બનાવી. એટલે બધાએ તેને પૂછ્યું કે ”આટલી બધી મહેનત કરવાથી શું ફાયદો થાય?” ઋતુંભરાએ તેમને સમજાવ્યું કે આ પર્ણકુટી આપણું ઠંડી, ગરમી અને વરસાદ થી રક્ષણ કરે છે. તેણે પોતાની પર્ણકુટીની આસપાસ ખેતી કરવાની શરુ કરી. બધા આશ્ચર્યથી તેની પ્રવૃત્તિને નિહાળતા. તેણે પશુપાલન પણ શરુ કર્યું. પશુઓને પાળીને તેમની પાસેથી ઉપીયોગી કામ પણ લઇ શકાય તે જોઈને ત્યાંના લોકો તો ખુબ જ અચંબિત થઇ ગયા.

સમય સરતો ગયો. લોકો ઋતુંભરાને અનુસરતા ગયા. સંસ્કૃતિ ની સુવાસ ફેલાતી ચાલી. ઋતુંભરાએ બધાને તરાપા અને હોડી  બનાવતા શીખવ્યું. થોડા હોશિયાર બાળકોને સામે કિનારે આવેલ નગરમાં આચાર્ય વિશ્વેશ્વરૈયાના આશ્રમમાં ભણવા પણ મુક્યા. થોડી સંખ્યા વધતા તેણે ત્યાં ટાપુ પર જ એક આશ્રમ સ્થાપ્યો અને એક આચાર્યની પણ નિમણુંક કરી. આચાર્ય દુર્ગા પ્રસાદ.

હવે અનેક નવી નવી વસ્તુઓની જરૂર પડતી જે ત્યાંના લોકો હોડી અથવા તરાપામાં બેસી સામે કાંઠે આવેલા નગરમાંથી ખરીદતા.  ઋતુંભરાને લાગ્યું કે આચાર્ય કે પોતે ગમે તેટલો પ્રયત્ન કરે પણ જો અનેક પુસ્તકો હોય તો તે એક સાથે અનેક લોકો વાંચે અને સંસ્કૃતિનો અને સાહિત્યનો પ્રસાર પ્રચાર ખુબ ઝડપ થી થાય. તેણે ટાપુ પર એક પુસ્તકાલય શરુ કરવાનું નક્કી કર્યું. તે જમાનામાં તો આજની જેમ ઢગલાબંધ પુસ્તકો મળતા નહિ. માત્ર હસ્તલિખિત પુસ્તકો મળતા અને તે પણ સાવ જૂજ માત્રામાં.

ઋતુંભરા એ સામે કાંઠે જઈને ખુબ દેશાટન કર્યું અને અનેક બહુ મૂલ્ય હસ્તપ્રતો એકઠી કરી. કેટલીક હસ્તપ્રતો તો તેને તાલપત્ર પર નકલ કરવી પડી. કેટલીક તેણે લહિયાઓ રાખીને લખાવી. આ દરમ્યાન તે આચાર્ય ભાવેન્દુના દર્શને પણ ગઈ. અત્યંત વૃદ્ધ થઇ ગયેલા આચાર્યશ્રી એ તેની વાત જાણી ખુબ આશીર્વાદ આપ્યા અને પોતાની પાસેની કેટલીક બહુ મૂલ્ય હસ્તપ્રતો પણ તેને આપી.

આ બધો બહુમૂલ્ય ખજાનો લઈને તે ફરીથી આ કાંઠાના નગરમાં આવી અને ત્યાંથી હોડી ભાડે કરી ટાપુ માં જવા માટે સફર શરુ કરી. જોગાનું જોગ આ એજ હવે વૃદ્ધ થઇ ચુકેલો હોડીવાળો હતો જેણે તેને સહુ પ્રથમ વખત ટાપુ પર ઉતારી હતી. તે અહોભાવથી ઋતુંભરાને વંદી રહ્યો. ઋતુંભરા પણ તેને ઓળખી ગઈ અને તેના તથા તેના પરિવારના ખબર અંતર પૂછ્યા. તેણે પોતાની પાસે રહેલા બહુમૂલ્ય સાહિત્ય તરફ એક નજર કરી અને સંતોષનો શ્વાસ લીધો. સફર શરુ થઇ. પોતાના વીતેલા જીવન તરફ એક નજર નાખતી ઋતુંભરા સંતોષના સ્મિત સાથે સફર કરી રહી હતી. અચાનક હવામાનમાં પલટો આવ્યો. તેજ હવા વહેવા લાગી. હોડી હાલક ડોલક થવા લાગી. તેજ પવને વાવાઝોડાનું રૂપ લઇ લીધું. હવે હોડી ઉંધી વળી જવાની દહેશત, નાવિકને સતાવવા લાગી. દરિયાઈ તોફાન રોકાવાનું નામ લેતું ન હતું અને વધુ ને વધુ ઉગ્ર બનતું જતું હતું. મધદરિયે અન્ય કોઈ હોડી નજર આવતી ન હતી. અનુભવી નાવિક હોડીને સંભાળવાની તનતોડ મહેનત કરી રહ્યો હતો, તેમ છતાં હોડી ત્રણ વાર ઉંધી પડતા પડતા માંડ માંડ બચી. આમનામ ત્રણ કલાક જેવો સમય પસાર થઇ ગયો. અને પછી તોફાને અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. હવે નાવિક માટે હોડી પર નિયંત્રણ રાખવું અશક્ય થઇ ગયું. તેણે ઋતુંભરાને કહ્યું ” બહેન હવે વજન  થોડું ઓછું કરવું પડશે અન્યથા આ હોડી  હવે જરૂરથી ડૂબી જશે. આ બધા પુસ્તકો હવે દરિયામાં પધરાવી દ્યો નહિ તો ઉગારવાનો કોઈ આરો નહિ રહે. તોફાન વધતું જાય છે કોઈ પણ ક્ષણે હવે હોડી ઉંધી વળી જશે.” ઋતુંભરાએ કહ્યું  ”પણ ભાઈ આ હસ્તપ્રતો તો મારા જીવનની અમૂલ્ય મૂડી છે. તેને મેં મહામહેનતે એકઠી કરી છે. તેને આમ સમુદ્રમાં નાખી કેમ દેવાય?” નાવિકે કહ્યું ”બહેન બીજો કોઈ જ રસ્તો હવે આપણી પાસે બચ્યો જ નથી. હવે ખુબ જ ઝડપથી નિર્ણય લઇ ને આ પુસ્તકો દરિયામાંનાખી દ્યો જેથી હોડીમાં વજન થોડું ઓછું થાય. નહીંતર પછી મારે જ આ પુસ્તકોને સમુદ્રમાં નાખી દેવા પડશે.’’  ઋતુંભરા એ કહ્યું ”શું ભાઈ આ શીવાય કોઈ જ રસ્તો નથી?” નાવિકે કહ્યું ”ના બહેન, હવે કોઈ જ વિકલ્પ નથી. જે કરવું હોય તે જલ્દીથી કરવું જોઈએ.”

થોડી વાર વિચાર કરીને ઋતુંભરા બોલી ”ભાઈ ઋતુંભરાઓ તો આ જગતમાં આવતી રહેશે અને મૃત્યુ પામતી રહેશે. પણ સાહિત્યની આવી ઉત્તમ રચનાઓ ફરીથી આ જગતને પ્રાપ્ત થાય તેમ હું નથી માનતી. અને વજન જ ઓછું કરવું હોય તો એક બીજો વિકલ્પ પણ છે જ. આ બધા જ પુસ્તકો તમે ટાપુ પર પહોંચીને આચાર્ય દુર્ગાપ્રસાદજી ને સુપ્રત કરી દેજો. મારી પાસે જે દ્રવ્ય છે તે હું તમને ભાડા પેટે આપતી જાવ છું. અને હું જ દરિયામાં સમાઈ જાવ છું. આટલું બોલી પોતાના જીવનની અંતિમ પ્રાર્થના કરી ઋતુંભરા દરિયામાં કૂદી પડી. તેનું આ બલિદાન જોઈને નાવિકની આંખો આશ્રુઓથી ભરાઈ આવી. પણ અત્યારે અશ્રુઓ વહાવવા કરતા અગત્યનું કામ હોડીને સંભાળવાનું હતું. ત્યાર પછી પણ બે કલાક ચાલેલા અત્યંત ઉગ્ર તોફાનમાંથી મહામહેનતે હોડીને સંભાળતા સંભાળતા તે માંડ માંડ કાંઠે પહોંચ્યો અને કાંઠે ઉભેલા એક માણસ સાથે આચાર્ય ને સંદેશો મોકલ્યો. આચાર્ય આવે તેની રાહ જોતો તે શાંત થઇ ગયેલા દરિયાના કાંઠા પર ઉભો રહ્યો. થોડી વારે આચાર્ય દુર્ગા પ્રસાદ પણ આવી ગયા. તેમને બધી જ હસ્તપ્રતો સુપ્રત કરતી વખતે નાવિકે બનેલી તમામ વાત, વિગતે આચાર્યને કહી ત્યારે જ  દરિયામાંથી ઋતુંભરાનું શબ તણાતું તણાતું તે જ કિનારે આવી પહોંચ્યું. તેના ચહેરા પરનું સૌમ્ય સ્મિત જાણે કહી રહ્યું હતું કે આખરે મારુ બલિદાન એળે નથી ગયું.

                                              —–0—–

                                                                                  —– રેખા ભટ્ટી

1 thought on “રેખા ભટ્ટીની વાર્તાઓ – ૪

  1. સર્વાંગ સુંદર વાર્તા
    અંત-‘ તેના ચહેરા પરનું સૌમ્ય સ્મિત જાણે કહી રહ્યું હતું કે આખરે મારુ બલિદાન એળે નથી ગયું ‘
    અણકલ્પ્યો !
    અદ્ભૂત !!

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s