લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૪


લોકકલાના જતન-સંવર્ધન માટે સમર્પિત વ્યક્તિત્વ જોરાવરસિંહ જાદવ (તુષાર જોષી)

‘એ બહુ મોટી કલાકાર તો ફ્રાન્સમાં ફરે છે, આવવાની તો છે ને આપણા કાર્યક્રમમાં?’ અમદાવાદના કર્ણાવતી ક્લબના તત્કાલીન માનદ્ મંત્રી ગિરીશ દાણીએ જોરાવરસિંહને પૂછ્યું.

અને જોરાવરસિંહની ઊંઘ ઊડી ગઈ. કારણ કે એની સાથે ફોન પર પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સંપર્ક થતો ન હતો. અને અડધી રાત્રે ઘરના લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગી – સામે છેડે ગુલાબો હતી. ‘બાબુજી મેં બંબઈ એરપોર્ટ ઉતર ચુકી હું. ઔર કલ સુબહ કી ફ્લાઈટ સે અહેમદાબાદ પહોંચ રહી હું.’

૨૦૦૩ના એ દિવસોમાં દસ હજારના ઓડિયન્સને અરર… નૃત્ય સાથે ગુલાબોએ એકાકાર કર્યાં અને લોકોને ખ્યાલ આવ્યો કે એક અભણ મદારણ રાજસ્થાનના કાલબેલી નૃત્ય દ્વારા દેશ-વિદેશના લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે. ગુલાબોએ કહ્યું, ‘૨૨ સાલ પહેલે રાજસ્થાન મેં રાસ્તે પર નાચ રહી થી, જોરાવરસિંહને મુજે કાર્યક્રમ કે લિયે ગુજરાત બુલાયા – મૈંને સ્ટેટ દેખા, તબસે આજ તક ૫૦ દેશો મેં પ્રોગ્રામ કર ચૂકી હું. આજ મેં યહાં મેરે ભાઈ જોરાવરસિંહ કે કાર્યક્રમમે ફ્રાન્સસે આઈ હું – એક હી શો કર કે વાપસ જાઉંગી ફ્રાન્સ.’ આમ કહી એને જોરાવરસિંહને રાખડી બાંધીને ઋણરૂપે ટિકીટના પૈસા પણ ન લીધા.

ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપનામાં લોકજીવન તથા લોકકલાના જાણતલ શ્રી જોરાવરસિંહ જાદવે કરી. લુપ્ત થઈ રહેલી ગુજરાત-રાજસ્થાનની લોકપરંપરાઓને જીવંત રાખવી અને લોક કલાકારોમાં આત્મગૌરવ જાગૃત કરવું એ બે હેતુઓ હતા. આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત આ સંસ્થા સાથે ૨૦૦૦થી વધુ કલાકારો પ્રત્યક્ષરૂપે જોડાયેલા છે. ભારત અને વિદેશોમાં આ કલાકારોના કાર્યક્રમો યોજાતા રહે છે.

સૌરાષ્ટ્રના ભરવાડોના હૂડા, રાસ, રાજપૂતોના ઢાલ તલવાર રાસ, મોરનો મણિયારો, પટેલોનો દાંડિયારાસ, કચ્છી નોબત, શરણાઈ, મોરચંગ, નવ બેડા સાથેનું રાજસ્થાની નૃત્ય, ઘુમ્મર-ચરી નૃત્ય, કાલબેલીયા નૃત્ય, ડાંગ-દેડિયાપાડા આદિવાસી નૃત્યો, ગરબા, ગરબી, હીંચ, ટીપ્પણ, મોંમાથી જીવતા સાપ કે વિંછી કાઢતા અને તાવડામાં હાથ નાખીને પાપડ તળતા કલાકારો અને નૃત્યો કે કલાની યાદી કરો તો યે અધૂરી રહે એટલો વ્યાપ આ લોક કલાકારો અને ગુજરાતી લોકકલા ફાઉન્ડેશનનો રહ્યો છે. એશિયાડ, વિશ્વ ગુર્જરી, વિશ્વ ગુજરાતી સમાજ કલા ગુર્જરી જેવી અનેક સંસ્થાઓ તથા અનેક ટીવી ચેનલોના માધ્યમથી આ લોકકલાકારોની કલા બહુજન સમાજ સુધી પ્રસરતી રહી છે.

આ સંસ્થા ધંધાદારી સ્વરૂપે કાર્યરત નથી. માત્રને માત્ર લોકકલાને અને લોકકલાકારોને સમર્પિત છે. ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સંસ્થાના સ્થાપક શ્રી જોરાવરસિંહ જાદવનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના આકરુ ગામે ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ થયો. આજે ૭૭ વર્ષની ઉંમરે પણ તેઓ યુવાનોને પણ શરમાવે એવી ઊર્જાથી કાર્ય કરે છે. લોકકલાના સંવર્ધન માટે સમર્પિત છે વ્યક્તિત્વ. ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારે એમના હૈયા પર યુવાવયે કામણ કર્યું અને પછીથી આજ સુધી લોકસાહિત્ય – લોકસંસ્કૃતિ – લોકજીવન – લોકરંજન – લોકના શિલ્પસ્થાપત્ય – લોકકલાકસબ – લોકનૃત્ય – લોકસંગીત અને લોકકલા પર તેઓ સાતત્યપૂર્વક સંશોધન લેખન કરતા રહ્યા. ૧૦૦થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે અને હજારોની સંખ્યામાં અભ્યાસલેખો પ્રકાશિત થયા છે. એમના સન્માનમાં લખાયેલા દોહરામાં લખાયું છે કે પુણ્યશાળી પ્રગટ થયા ગરીબના પ્રતિપાળ, આકરુ ગામ ઊજાળીયું ધન્ય ધન્ય અવતારી. પૂજ્ય મોરારિબાપુએ એમના માટે કહ્યું છે, ‘જોરાવરસિંહ જાદવ જેવા સમર્થ લોકસાહિત્યના સંશોધક બેઠા છે ત્યાં સુધી ગુજરાતના લોકસાહિત્યને ઊની આંચ નહીં આવે.’

લોકકલાને જીવંત રાખવા મનોરંજનના વિશ્વમાં એમણે સામા પ્રવાહે તરવાનું કામ કર્યું છે. પ્રેમાળ વક્તા છે અને ધીંગી બળુકી વાણીનું વરદાન મળ્યું છે એમને. એમની વિન્રમતા એટલી કે ‘મારા કલાકારોએ અને તેમની કલાએ મને જગતના ચોકમાં મૂકી આપ્યો’ એમ તેઓ કહે છે.

  • ••

મનોરંજન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીની ભરમાર સાથે ચારે દિશામાં જાતજાતના માધ્યમો પ્રદર્શિત થઈ રહ્યા છે ત્યારે લોકકલાને જીવંત રાખવા છેલ્લા ૨૪ વર્ષથી કાર્યરત સંસ્થા ગુજરાત લોકકલા ફાઉન્ડેશન અને તેના સ્થાપક જોરાવરસિંહ જાદવ અવિરત કલા પ્રવૃત્તિ વંદનને પાત્ર છે. લોકજીવનનો ધબકાર ઝીલતી આવી કલાપ્રવૃત્તિઓ થકી સમાજ જવનમાં અજવાળા રેલાય છે.

લાઈટ હાઉસ

સુણતલ કાન ન માનીએ

નજરું જોયા સાચ,

ત્રણ ભાંગ્યા સંધાય નહીં,

મન, મોતી ને કાચ

– લોક દુહો

3 thoughts on “લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૪

  1. લોકકલા ફાઉન્ડેશન અને તેના સ્થાપક જોરાવરસિંહ જાદવ અવિરત કલા પ્રવૃત્તિ વંદનને પાત્ર છે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s