ઉત્તર ભારતના એક મઠાધિપતિને દક્ષિણ ભારતના મઠમાંથી સંદેશો આવ્યો કે તમારા એક શિષ્યને અહીંનો મઠ સંભાળવા મોકલી આપો. મઠાધિપતિએ વિનંતી માન્ય રાખી પોતાના પાંચ શિષ્યોને આદેશ આપ્યો કે તમે દક્ષિણના મઠની સંભાળ માટે પહોંચી જાવ. જાણકારોને આશ્ચર્ય થયું કે એકની માંગણી સામે ગુરુ પાંચને કેમ મોકલે છે પણ ગુરુને સવાલ ના પુછાય એટલે બધા મૌન રહ્યા.
પાંચ શિષ્યો નીકળી પડ્યા. રસ્તામાં એક સુંદર શહેર આવ્યું. ત્યાં રાત્રિની રોશનીની ઝાકળઝોળ હતી. મદમસ્ત વાતાવરણ હતું. શહેરીજનો ઉત્સવમાં મગ્ન હતા. સવારના આગળ પ્રસ્થાનનો સમય થયો ત્યારે એક શિષ્યએ કહ્યું : હું તો અહીં જ રોકાઈ જઉં છું. કયાં મઠની શુષ્કતા ને કયાં અહીંની મસ્તી. સાચું જીવન તો આ જ છે. મારે એ માણી લેવું છે.” બાકીના ચાર આગળ નીકળી ગયા. થોડા દિવસ થયા. બીજું નગર આવ્યું. સાંજના સત્સંગમાં એક શ્રેષ્ઠી આવેલા. ખૂબ સમૃદ્ધ અને ઉદાર. ચાર શિષ્યોને કહ્યું : “મારે પુત્ર નથી. આ બધી સંપત્તિ કોણ સંભાળશે અને તે પણ સારા માર્ગે વાપરશે એની મને ચિંતા છે. તમે બધા લાયક છો તો મારા પુત્રો તરીકે અહીં રોકાઈ જાવ.” બીજા દિવસે સવારે નીકળવાનો સમય થયો ત્યારે એક શિષ્યએ કહ્યું : “હું તો અહીં નગરશેઠના ઘરમાં જ રહી જઉં છું. સંપત્તિના સદ્ઉપયોગથી સુખી જીવન જીવીશ અને બીજાને સુખી કરીશ. સાધના પછીયે એ જ તો કરવાનું જ છે ને ?” બાકીના ત્રણ શિષ્યો આગળ વધ્યા.
થોડા દિવસમાં ફરી એક નગર આવ્યું. સવારે નગરમાં પ્રવેશ કરતાં જ એક ખૂબસૂરત સુંદરીએ તેમનું સ્વાગત કર્યું. આખો દિવસ પોતાના આવાસે લઈ જઈ ત્રણેય શિષ્યોની સેવા- સુશ્રુષા કરી. બધું સારું દેખાતું હતું પણ સુંદરી એક વાતે દુ:ખી હતી કે એને યોગ્ય પતિ મળતો ન હતો. બીજા દિવસે સવારે નીકળવાનો સમય થયો અને એક શિષ્યએ કહ્યું : “હું અહીં જ રહી જઈશ. સુંદરી સાથે લગ્ન કરી તેનાં દુઃખ દૂર કરીશ.” હવે બે જ સાથીઓ રહ્યા અને તેઓએ એકબીજાના સંગે આગળ પ્રસ્થાન કર્યું. મંજિલ હવે નજદીક હતી. રસ્તામાં છેલ્લું નગર હતું. રાત પડી હતી એટલે નગરના દરવાજા બંધ થઈ ગયા હતા. બંને નગર બહાર સૂતા પરંતુ વહેલી સવારે તૈયાર થઈ નગરના દરવાજા ખૂલતાં બંને અંદર એકી સાથે દાખલ થયા. સૂંઢમાં માળા ઊંચકી એક હાથણી ઊભી હતી અને સાથે રાજ્યના દીવાન હતા. દીવાને કહ્યું : “અમારા રાજા ગુજરી ગયા છે એટલે નગરમાં સવારે જે પહેલો દાખલ થાય તેને હાથણી હાર પહેરાવશે અને તે અમારો રાજા થશે.” વાત પૂરી થતાં પહેલાં જ એક શિષ્ય એક કદમ આગળ વધી ગયો અને હાથણીની વરમાળા પહેરી લીધી. બાકીના શિષ્યને સમજાવ્યું કે રાજા થઈશ તો કેટલા લોકોની સેવા કરી શકીશ. મઠનું રાજ્ય તો આની વિસાતમાં કેટલું ?
છેલ્લો શિષ્ય હસ્યો અને છેવટે મઠમાં પહોંચ્યો. બધાં જ પ્રલોભનોને પાર કરી એ મઠની સેવામાં સમર્પિત થઈ ગયો. એ ગુરુ કેટલા દૂરંદેશી કે એકની માંગણી સામે પાંચને મોકલ્યા હતા ? આપણે બધાએ જાતને ખંખોળવા જેવી ખરી, આપણા લક્ષ્ય સામે આવતાં પ્રલોભનો આપણને કયાંય રોકી લેતા તો નથીને ?
મારા વડીલ મિત્ર અને સ્નેહી આ છેલ્લા શિષ્ય સમા લક્ષ્ય નક્કી થયું એટલે એમને કોઈ રોકી ના શકે, ના પ્રશ્રોથી પાછા પડે કે ના લક્ષ્યમાં ફેરફાર કરે.
મૅટિક પછી દર વકેશનમાં નોકરી કરે અને કોલેજના ચારેય વર્ષમાં નોકરી અને અભ્યાસ, પરંતુ ત્યારે નક્કી તો કર્યું જ હતું કે ભલે હું બી.કોમ થાઉં પણ સ્પ્રિંગની ઇન્ડસ્ટ્રી નાંખીશ. કૉમર્સનો વિદ્યાર્થી અને એન્જિનિયરિંગની પ્રોડકટ બનાવવાનું લક્ષ્ય કરી બતાવ્યું. સફળતા મેળવી લીધી. ગુણવત્તાસભર માલથી નામ અને પૈસા બંને મળ્યા . એમના વ્યક્તિત્વમાં બે પાસા-બહાર એક કુશળ વહેપારી અને વ્યવહારુ માનવી પણ અંદર એ પૂરેપૂરો આધ્યાત્મિક જીવ. પરિવારથી સંસ્કાર મળેલા. આ સંસ્કારિતાએ સાચા શ્રાવક બનવાનું બી તો રોપી દીધેલું પરંતુ વર્ષોના ઉચ્ચતમ કક્ષાના વાંચને અંદરના અધ્યાત્મને ઊંડે સુધી પ્રસરવા દીધેલું. બહાર અને અંદરની યાત્રા સાથે ચાલે. ફાઇવ સ્ટાર હોટલમાં જવાનો છોછ નહીં અને મંદિરમાં પૂજા કરવા જાય ત્યારે સામાન્ય જન તરીકે નમવામાં નાનમ નહીં. આ વ્યક્તિ એટલે શ્રી પ્રવીણભાઈ શાહ.
અમે પહેલી વખત મળ્યા પંદર ઑગસ્ટ, ઓગણીસો સત્યાસીમાં– મારી હૉસ્પિટલમાં શ્રી જયેન્દ્ર પટેલ સાથે, અમારા વિકલાંગ શસ્ત્રક્રિયાના દર્દીઓના ફોલોઅપ કૅમ્પમાં. બધું ધ્યાનથી જુએ– દર્દીઓને પ્રશ્નો પૂછી લે. બધુ કામ પત્યું અને મારા ઘેર પહેલા માળે ગયા અને કોઈ પણ પ્રસ્તાવના વગર કહ્યું : “ભરતભાઈ, હું તમને રૂપિયા દસ લાખ આપું, તમે કામ વધારો.” મારો જવાબ સાંભળી એ આશ્ચર્ય પામી ગયા . મારો જવાબ હતો : “ હું તમારા દસ લાખ લઈ શકું તેમ નથી . કારણ કે મારી પાસે એટલી જગ્યા નથી અને જેમ જેમ દર્દી આવતા જાય છે તેમ તેમ દાન મળતું રહે છે.” એમનો આગ્રહ હતો કે મારું દાન લો જ એટલે મેં એટલું જ માગ્યું કે તમે દર્દીઓના કેલિપર્સનો ખર્ચ ઉપાડો. એ તરત જ સહમત કારણ કે એના માટે તો એઓ આવ્યા હતા. જતાં જતાં કહેતાં ગયા “ભરતભાઈ, તમારી પાસે આત્મા છે ખોળિયું નથી.” મારા મનમાં અનેક પ્રશ્નો મૂકી એ તો ચાલ્યા ગયા પરંતુ અમારા યજ્ઞમાં કાયમ માટે એ જોડાતા ગયા. વારંવાર અમારે મળવાનું થતું અને એક દિવસ એમણે અંતરના ઊંડાણની વાત કરી દીધી. “ભરતભાઈ, મરતાં પહેલાં કંઈક એવું કરવું છે કે મૃત્યુ સમયે આનંદથી જઈ શકાય.” આ સમયે તેમની ઉંમર હતી ઓગણસાઈઠ વર્ષની ! મારાથી સરખામણી થઈ ગઈ પેન્સિલના શોધકની કે જયારે એણે પેન્સિલની શોધને આખરી ઓપ આપ્યો હતો ત્યારે કદાચ એણે પેન્સિલને કહ્યું હશે.
ચાર વસ્તુ યાદ રાખજે :
એક, તારી સાચી કિંમત કે સારાંશ તારી અંદર છે.
બે, જેમ તું જીવનમાં પસાર થઈશ તેમ તારે અણિયારા થવાની જરૂર પડશે, છોલાવું પડશે.
ત્રણ, તું કોઈ બીજાના હાથમાં હોઈશ.
ચાર, તું કોઈ નિશાન મૂકી જાય એવી અપેક્ષા તારી પાસે રહેશે.’
પ્રવીણભાઈ મને પેન્સિલ સમા લાગ્યા. પોતાની અંદર ખરાબ તત્ત્વ આવે જ નહીં અને માત્ર સારા જ વિચાર આવે અને તે પણ વર્તનમાં રહે એ માટે પોતાને સજાગ રાખે. પોતાની અંદર શું ભરવું જોઈએ તે પ્રવીણભાઈ સારી રીતે જાણે એમના આ સ્વભાવને જોઈ એક નાનકડી વાર્તા યાદ આવે છે.
એક વાર એક ગાર્ડન પાસે એક ફુગ્ગાવાળો, પોતાની પાસે રહેલા ફુગ્ગામાંથી કેટલાકમાં કંઈક ભરે અને હવામાં એ ફુગ્ગા છૂટા મૂકે. રંગબેરંગી ફુગ્ગા હવામાં ઊડતા જોઈ આસપાસથી બાળકો દોડી આવે. ફુગ્ગા ખરીદીને રમવા જતાં રહે. થોડી વારે ઘરાકી પૂરી થઈ જાય એટલે બીજા ફુગ્ગા હવામાં છોડે. વળી બાળકો દોડી આવે અને એનો ધંધો ચાલ્યા કરે. દૂર એક શ્યામ રંગનો બાળક આ જોયા કરે. જયારે ફુગાવાળાની ઘરાકી બંધ થઈ ત્યારે આ બાળક એની પાસે ગયો અને પૂછયું : ‘અક્કલ, કાળા રંગનો ફુગ્ગો પણ હવામાં ઊડે ?” ફુગ્ગાવાળાએ શ્યામ બાળક સામે જોયું અને સ્મિત તથા કરૂણાસભર ભાવથી કહ્યું. ‘બેટા, ફુગ્ગાનો રંગ કયો છે તે અગત્યનું નથી પણ એની અંદર શું ભર્યું છે તે અગત્યનું છે. બધા જ ફુગ્ગા ઊડી શકે.”
આ વાર્તા પ્રવીણભાઈએ પચાવી છે એટલે શ્રેષ્ઠતમ જ પોતાની અંદર ભરે પછી તો આસપાસની વ્યક્તિઓ, સમાજ કે સંસ્થા સમૃદ્ધ જ થાય. પોતાને પરમાત્માના હાથમાં મૂકી જીવનરૂપી પેન્સિલને પરમાત્મારૂપી શોધકની ઇચ્છા પ્રમાણે એ જીવે. પેન્સિલને કહેવામાં આવ્યું હતું ને કે તું હંમેશાં બીજાના હાથમાં હોઈશ એમ એ પોતાની જાતને બીજાના– પરમતત્વના- હાથમાં રહેલી છે એમ એઓ સમજે છે.
મૃત્યુ પહેલાં કંઈક કરી છૂટવું છે કે જેથી મૃત્યુ સમયે આનંદની અનુભૂતિ રહે. આ વાત પણ પેન્સિલે નિશાની મૂકી જવાની વાત હતી. હકીકતમાં એ એમનું નામ રહે એ માટે નિશાની મૂકવાની વાત કરતા ન હતા પણ એવું શ્રેષ્ઠ કામ કરવા ઇચ્છતા હતા કે જેનાથી આત્માને આનંદ થાય. આ જ વિચારધારાની વાત હંમેશાં એમના શબ્દોમાં આવી જતી. એ તો ઈશ્વરના ‘દલાલ’ હતા ને એટલે ઈશ્વરે જ એ જવાબદારી ઉપાડી લીધી. એમાંથી સર્જન થયું પોલિયો ફાઉન્ડેશનના અદ્યતન સેવા સંસ્થાનનું. ઝીણામાં ઝીણી બાબતમાં એમનું ધ્યાન ખૂબ સારી કવોલિટીનું કામ થાય અને છતાંય વાજબી ભાવે થાય એની એમને ચિંતા. નાણાકીય શિસ્ત જાળવવાની જવાબદારી પોતે ઉપાડી લીધી અને એવી રીતે અદા કરી કે સેવા સંસ્થાનનું બાંધકામ ત્રણ વર્ષ સુધી ચાલ્યું તે દરમ્યાન કોઈની ઉઘરાણી બાકી જ ના રહે. ઝીણામાં ઝીણા બિલ ઉપર એમની નજર.
હમણાં બે વર્ષ પહેલાં એ મારી ઉપર સહેજ નારાજ થયેલા. કોઈ દિવસ મેં એમને નારાજ થતાં જોયા ન હતા. શકય એટલી મૃદુતાથી એમણે પોતાની નારાજગી વ્યકત કરી. મેં શાંતિ રાખવાની કોશિશ કરી અને એમની નારાજગી માટે પૂછ્યું : “શું કારણ છે ?” જવાબ હતો કે મેં તમને અને ડૉ. પ્રકાશ ભટ્ટને ય કહ્યું હતું કે ડાયાલિસિસ યુનિટના તમામ જૂના મશીનને સ્કેપમાં લઈ જજો તોય તમે લોકોએ છ એ છ મશીન રાખી મૂકયાં છે. ઊંડો ઊતર્યો ત્યારે ખબર પડી કે અમારાં ડાયાલિસિસ મશીન જૂના થઈ ગયાં હતાં અને એ રિપેર કરી ચલાવતા હતા. પ્રવીણભાઈને ખબર પડી એટલે તાત્કાલિક છ નવાં મશીન, સારી કંપનીનાં અને ઉત્તમ કક્ષાનાં જ લેવડાવ્યાં હતાં.
જૂનાં મશીન સ્ટેપમાં લઈ જવા એમનો આગ્રહ એટલા માટે હતો કે કોઈને તમે એ મશીનો સસ્તામાં આપો અને એ સંસ્થા પોતાના દર્દીઓને આ જૂના મશીનથી ડાયાલિસિસ કરે છે જે આપણને વજર્ય હોય તે બીજા માટે પણ વજર્ય હોવું જોઈએ,
કમ સે કમ મેડિકલ સારવારનાં મશિનો માટે. હું એમની વાતનો મર્મ પકડી શક્યો કે દર્દીની સારવારમાં હંમેશાં ઉત્તમ સાધનો જ વાપરવાં, એમાં કયારેય કસર કે કંજૂસાઈ ના કરવી. ચલાવી લેવાનો વિચાર જ ના કરવો. કરવું તો શ્રેષ્ઠ જ કરવું અને મેડિકલ ક્ષેત્રે કામ કરતાં સહુએ શ્રેષ્ઠ જ સાધનો વાપરવાં જોઈએ. પ્રવીણભાઈ મને કહે કે તમારો અભિગમ (એટીટ્યુડ) તમારી ઊંચાઈ નક્કી કરે છે. એમનો અભિગમ સ્પષ્ટ વાણી- વર્તન- વ્યવહારમાં એકસૂત્રતા, અભિપ્રાય વ્યકત કરવામાં ઉતાવળ નહીં પરંતુ વ્યકત કરે ત્યારે કોઈને દુઃખ ના થાય તે માટે સાવધ, સજાગ. મેં માફી તો માંગી લીધી સાથે પણ વંદન પણ કરી લીધા. એમની આ વિચારધારાથી એક પ્રસંગ યાદ આવી ગયો.
એક ખેડૂત એના ખેતરમાં મકાઈનો મબલખ પાક લે, એની ગુણવત્તા એટલી ઊંચી કે વર્ષોવર્ષ એને ‘બેસ્ટ ક્વોલિટી’ નો એવૉર્ડ મળે, એ ખેડૂત પોતાનું આવું ઉત્તમ બિયારણ પણ આસપાસના ખેડૂતોને આપે અને એમની જમીનમાં નંખાવે, કોઈકે પૂછ્યું કે તમે આવું શાને કરો છો ? બાજુનો ખેડૂત તમારો હરીફ નહીં થાય ? એનો જવાબ મજાનો હતો. હરીફાઈ મને પરવડશે પણ બાજુના ખેતરમાં હલકી ગુણવત્તાનાં મકાઈ ઊગશે તો પશુ- પંખી- દ્વારા એનાં બીજ પણ મારા ખેતરમાં આવી જશે અને શક્ય છે કે મારા ખેતરના પાક પણ ક્વોલિટીમાં ઝાંખા પડે.
આ જ ભાવ પ્રવીણભાઈનો. બધું જ સારું અને શ્રેષ્ઠ હોય. એમના અંદરનું આધ્યાત્મિક વ્યક્તિત્વ આ જ રીતે બહાર આવે ને ? બહાર અને અંદર કેટલો બધો સુમેળ ! ઋગ્વેદમાં કહ્યું છે : “અય યજ્ઞો ભુવનસ્ય નાભિઃ સમગ્ર સંસારનું નાભિ કેન્દ્ર આ કર્મયજ્ઞ છે. પ્રવીણભાઈમાં ભક્તિ- કર્મ અને જ્ઞાનનો સમન્વય થયો છે જે સમાજ અને સંસ્થાને બળવત્તર બનાવે છે. એક વ્યક્તિની શોચ (વ્યક્તિના વિચાર) સંસ્થાને કેટલી મજબૂતાઈ બક્ષે છે એટલે જ અનુભવું છું કે પોલિયો ફાઉન્ડેશનની શોચ (પોલિયો ફાઉન્ડેશનનો વિચાર) આવા વડીલોના શોચને (વિચારોને) કારણે જ છે. સંસ્થાનું સાતત્ય– પારદર્શિતા અને પ્રગતિ આવા શ્રેષ્ઠીઓથી જ થાય એ સ્વાભાવિક છે. ત્રણેય માર્ગના આવા વટેમાર્ગુના તો આશીર્વાદ જ લેવાય.
જીવનમાં બસ એક જ ઘટના,
ભીતરમાં એક જ નામની રટના.
પોતાનું નામ તો હોતું હશે ?
અટલું બધું વહાલ તે કદી હોતું હશે ?
કોઈ પણ વેપારી, ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ કે વ્યાવસાયિકને પ્રવીણભાઈ જેટલું વાંચતા જોયા નથી. શ્રેષ્ઠ પુસ્તકનું વાંચન, એનો અભ્યાસ અને એ રીતે જીવવા કટિબદ્ધ પ્રવીણભાઈ સંગીત પણ સારું જાણે અને માને. એમની ઇચ્છા મૃત્યુ પહેલાં કંઈ કરવાની હતી તે પૂરી કરી શક્યાનો આનંદ અનુભવે છે પણ કહે છે.
રહે ના રહે હમ, મહેંકા કરેગે.
સર્વક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કર્યા છતાંયે અહમનો અભાવ એમનામાં દેખાય છે અને એ જ સમયે યાદ આવી જાય છે રાજેશ વ્યાસ, મિસ્કીનનો શેર.
ફળ મળે ત્યારે સહજ ઝૂકી જવામાં સાર છે,
હર સફળતા બાદ કહી ગઈ આટલું ડાળી મને.
આવા વડીલોના સાથથી સંસ્થાના વિકાસ યાત્રામાં સદ્ભાગી થવાનું મને સાંપડ્યું છે તેના જેવો મોટો કયો આનંદ હોય જીવનમાં ?
ઘણા ઓછા સંતો કરી શકે તેવી સિધ્ધી ‘સર્વક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કર્યા છતાંયે અહમનો અભાવ એમનામાં દેખાય છે ‘
તેવા સંતને શત શત વંદન
LikeLiked by 1 person