મને હજી યાદ છે – ૮૪ (બાબુ સુથાર)


કામની શોધમાં: ૨

જેમ જેમ નજીકના ભૂતકાળની વાત કરતો જાઉં છું એમ એમ સ્મૃતિ નબળી પડતી જાય છે. ખબર નથી આવું કેમ થતું હશે. બની શકે કે આપણી સ્મૃતિવ્યવસ્થા યાદ રાખવા જેવું જ યાદ રાખતી હશે અને બાકીનું trashમાં મૂકી દેતી હશે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની નોકરી ગયા પછી મેં બીજી નોકરી શોધવાના જે પ્રયત્નો કર્યા એ બધી ઘટનાઓ બરાબર યાદ છે પણ એ ઘટનાઓ જે ક્રમમાં બનેલી એ ક્રમ મને યાદ નથી. એમ છતાં હું એ ઘટનાઓને જે તે ક્રમમાં મૂકવાનો પ્રયાસ કરીશ.

       મેં કહ્યું એમ અમેરિકામાં કેવળ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં જ ગુજરાતી પ્રોગ્રામ હતો. આમ તો કેલિફોર્નિયા, શિકાગો, ન્યૂજર્સી, ટેક્સાસ વગેરે રાજ્યોમાં, અથવા તો એમ કહોને કે આખા અમેરિકામાં, ગુજરાતી પ્રજા વસે છે પણ એ પ્રજાએ જેટલી ધર્મની કે રાજકીય પક્ષોની કે ગરબાઓની કાળજી રાખી છે, એટલી કાળજી એમની ભાષાની રાખી નથી. ભાષા પરત્ત્વેની આપણી વફાદારી અમેરિકામાં જ નહીં, બીજે બધે ઓછી છે. જો હું ભૂલતો ન હોઉં તો છેક ૧૯૧૮માં, એટલે કે સો વરસ પહેલાં, ગાંધીજીએ પણ એક લેખમાં કહેલું કે બે ગુજરાતીઓ મળે ત્યારે અંગ્રેજીમાં વાત કરે, અને બે બંગાળીઓ કે મરાઠીઓ મળે તો એ લોકો પોતપોતાની ભાષામાં વાત કરે. આખા અમેરિકાનાં બીજે ક્યાંય ગુજરાતી પ્રોગ્રામ ચાલતો ન હોવાથી બીજે નોકરી મળવાની તો કોઈ શક્યતાઓ હતી નહીં. અને ભાષાશાસ્ત્રમાં પીએચડી કર્યા પછી મેં ભાષાશાસ્ત્ર ભણાવ્યું ન હતું, એટલે મને ભાષાશાસ્ત્રમાં પણ નોકરી મળે એવી શક્યતા લગભગ નહીંવત્ હતી. અમેરિકામાં ઘણી યુનિવર્સિટીઓ પીએચડીનાં પાંચ વરસ થઈ ગયાં હોય, અને જો તમને એ વિષયમાં નોકરી ન મળી હોય, અથવા તો તમે એ વિષયમાં નોકરી ન કરી હોય તો તમને ઇન્ટરવ્યુમાં પણ ન બોલાવે. આ વાત મેં આ પૂર્વે પણ કરી છે અને એનું હું અવારનવાર પુરાવર્તન એટલા માટે કરું છું કે વાચકને ખ્યાલ આવે કે કઈ રીતે માતૃભાષા માટેના પ્રેમે મને કયા પ્રકારની પરિસ્થિતિમાં મૂક્યો. ઘણા મિત્રો મને કહેતા હોય છે: આટલું બધું ભણ્યા પછી તમને કેમ નોકરીની મુશ્કેલી પડે છે? કેટલાક મિત્રો તો એવું પણ માને છે કે મારામાં જ ક્યાંક કશીક ખામી હશે. પણ, ના, પરિસ્થિતિ જરા જુદા પ્રકારની છે. ખાસ કરીને અમેરિકામાં.

       એમ હોવાથી મારી પાસે જે થોડા ઘણા વિકલ્પો બચ્યા હતા એમાંનો એક વિકલ્પ ગુજરાતી સમુદાયના ‘મોટા માણસો’ પાસે નોકરી માટે હાથ લંબાવવાનો હતો. મારા માટે એ કામઘણું મુશ્કેલ હતું. કેમ કે હું નાનપણથી જ આવું કરવા ટેવાયેલો ન હતો. મને હજી યાદ છે કે મારા બાપુજી ઘણી વાર મને કહેતા કે સુથારોએ હાથ લંબાવવો ન પડે. એ કાં તો ઘેર કામ કરે અથવા કોઈના ઘેર જઈને કામ કરે. જેને ગરજ હોય એ સુથારને બોલાવે. કોઈ ન બોલાવે તો ઘેર બેસીને બે ટેબલ બનાવે કે રમવાની ગાલ્લી બનાવે તોય બે ટાઈમનો રોટલો એને મળી રહે. મારું કુટુંબ ગરીબ હતું પણ ક્યારેક મારાં બાએ કે બાપુજીએ ભીખ માગવી પડી નથી. કશું કામ ન હોય તો બાપા બેઠા બેઠા પાટલા ઘડતા. આરામ ખુરશીઓ બનાવતા. કોતરકામ પણ કરતા. કબાટ પણ બનાવતા. પછી કોઈને કોઈ આવીને એ વસ્તુઓ ખરીદી જતું. એટલે મને નોકરી માટે હાથ લંબાવવાનું ખૂબ અઘરું લાગતું હતું.

પણ સુચીબેન મારી સાથે હતાં. એ એક મોટું આશ્વાસન હતું. એ ઘણી વાર મારા વતી હાથ લંબાવી દેતાં. એમણે, મેં અગાઉના પ્રકરણમાં નોંધ્યું છે એમ, રાહુલ શુક્લ પાસે હાથ લંબાવેલો. પછી એમણે ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ રામભાઈ ગઢવીને વાત કરેલી. રામભાઈને મારા માટે માન ખરું. એમનાં પત્ની, ભાનુબેનને, રેખા સાથે ઘણું ફાવે. એટલે સુધી કે એક વાર રેખા એમને મળી ત્યારે એમણે એને બાજુ પર બોલાવીને કોઈને ખબર ન પડે એમ કહેલું કે રેખાબેન, બાબુભાઈની નોકરી ગઈ છે ને તમને પૈસાની અગવડ પડે તો મારા સિવાય બીજા કોઈને કહેતાં નહીં. હું બેઠી છું. દેખીતી રીતે જ, રેખાની આંખમાં આંસુ આવી ગયેલાં. રેખાએ એમને કહેલું કે એવી અગવડ પડે એવું લાગતું નથી પણ જો એવી પરિસ્થિતિ આવશે તો હું ચોક્કસ તમારી પાસે આવીશ. મેં પણ રામભાઈને ફોન કરીને મારી પરિસ્થિતિની વાત કરેલી. રામભાઈની એક જ મુશ્કેલી છે, એ એક સાથે ઘણા બધા ઘોડા પર સવાર હોય છે. કયો ઘોડો એમને કઈ દિશામાં લઈ જાય એની આપણને ખબર ન પડે. એ વ્યવહારુ માણસ. અને એવા માણસોને કોઈ કામ સોંપીએ પછી અવારનવાર યાદ દેવડાવવું પડે. હું તદ્દન સામા છેડાનો જીવ. ઘણો જ ઔપચારિક. કામ થઈ શકે એવું હોય તો જ સ્વીકારું. મને ભાગ્યે જ એ કામ યાદ દેવડાવવું પડે. તો પણ  રામભાઈએ મને આશ્વાસન આપતાં કહેલું કે એ ટી.વી. એશિયાના એચ. આર. શાહને અને હોટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા સુનીલ નાયકને વાત કરશે. મેં એમને કહેલું કે હું કોઈ પણ કામ કરવા તૈયાર છું.

હું એ પહેલાં એકાદબે વાર સુનીલ નાયકને એમના કાર્યાલયમાં મળેલો. કદાચ ‘ચાલો ગુજરાત’ની જ કોઈક ચર્ચા કરવા માટે. અત્યારે મને વિગતો યાદ નથી. અમે ત્યારે ત્યારના ગુજરાતનાં મુખ્ય પ્રધાન અને અત્યારના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઘણી વાતો કરેલી. એ ત્યારે મોદીની ઘણી નજીક હતા. અત્યારે પણ હશે. એટલે મેં એમને ફોન કર્યો કે મારે એક કામ માટે તમને મળવા આવવું છે. મેં એમને કામનો પ્રકાર પણ કહ્યો. પછી એમણે મને એમને અનુકૂળ દિવસ અને સમય આપ્યાં. હું એ દિવસે અને એ સમયે એમને મળવા માટે પણ ગયો. મેં એમને મારી બધી વાત કરી અને કહ્યું કે મને હોટલના વહીવટીતંત્રમાં કે હોટલના કાઉન્ટર પર પણ કામ કરવામાં વાંધો નથી. એમણે કહ્યું કે એ મને રાતની નોકરી આપી શકે. “આમેય રાતે બહુ કામ હોય નહીં. તમે રાતે વાંચી પણ શકો અને કવિતા પણ લખી શકો,” આ એમના શબ્દો હતા. મને સાહિત્ય સર્જન વિશેનો એમનો આ રોમેન્ટિક ખ્યાલ સાંભળીને મનમાં જરાક હસવું આવી ગયેલું. પણ હું અહીં કોઈના સાહિત્ય વિશેના વિચારો બદલવા ન’તો આવ્યો. હું તો કામની શોધમાં આવ્યો હતો. એટલે મેં મારામાં રહેલા સાહિત્યકાર અને વિવેચકનાં ગળાં દબાવી રાખેલાં. જો કે, ઘડીભર તો મને એ વિચાર બહુ જ ગમેલો. એમણે એમ પણ કહેલું કે એમની એક નવી હોટલ બનવાની છે. ત્યાં પણ સ્ટાફની જરૂર પડશે. એ વખતે એ અવશ્ય મને યાદ કરશે.

ત્યાર પછી હું સુનીલભાઈને બેથી ત્રણ વાર મળ્યો હોઈશ. દરેક વખતે એમણે મને કહેલું કે એ કોઈક વ્યવસ્થા કરશે. જો કે, એમણે કોઈ વચન ન’તું આપ્યું. પછી એક વાર સુચીબેને એમને વાત કરી. સુચીબેન ઘણાં આખાબોલાં. સુનીલને સુનીલિયા કહી શકે. કોઈ એમને રોકે નહીં. કોઈ એમને ટોકે નહીં. સુનીલભાઈ સાથે વાત કર્યા પછી સુચીબેને મને ફોન કરીને કહ્યું કે સુનીલ બેત્રણ દિવસમાં જ જવાબ આપવાનો છે. તમે ચિન્તા ન કરતા. ગોઠવાઈ જશે.

પછી ત્રણેક દિવસમાં જ સુચીબેનનો ફોન આવ્યો. કહે, “બાબુભાઈ, સુનીલે બધું ગોઠવી દીધું છે. એક સિનિયર સિટીઝનનું ડે કેર સેન્ટર છે. એમાં સિનિયરોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવાનું કામ છે. સુનીલે એ ભાઈનો ફોન નંબર પણ આપ્યો છે અને તમને એમની સાથે વાત કરવાનું કહ્યું છે.” આ કામ સાચે જ મારું ગમતું કામ હતું. બે કારણથી. એક તો મેં મારી મોટા ભાગની જિંદગી શિક્ષક તરીકે ગાળી હતી અને બીજું, થોડાંક વરસોમાં હું પણ સિનિયર બનવાનો હતો. સુચીબેન મને સુનીલભાઈએ આપેલો નંબર આપ્યો. હું ખુશ થઈ ગયો. મને થયું: ચાલો, હવે બાકીની જિંદગી સરળતાથી નીકળી જશે. સારું છે કે માણસે એક વાર એક જ જિંદગી જીવવાની હોય છે. જો બેચાર જિંગદીઓ જીવવાની હોત તો એ શું કરત? જો કે, એ અલગ વાત છે કે મોટા ભાગના લોકોએ એક જ જીવનમાં એક કરતાં વધારે જિંગદીઓ જીવતા હોય છે.

પછી મેં સુનીલભાઈને પણ ફોન કર્યો. આભાર માનવા. એમણે મને કહ્યું કે મારે બધી વાત થઈ ગઈ છે. તમને ગમે એવું આ કામ છે. તમે એમને ફોન કરીને એમની સાથે મુલાકાત ગોઠવી દો. મેં એ ભાઈને પાંચેક વાર ફોન કર્યો હશે. દરેક વખતે મેં સંદેશો પણ છોડેલો. એ પણ સુનીલભાઈના નામના ઉલ્લેખ સાથે. પણ એ સજ્જને મને ક્યારેય વળતો ફોન ન કર્યો. મેં સુનીલભાઈને પણ ત્રણ ચાર વાર ફોન કર્યો હશે. કોઈ જવાબ નહીં. જાણે કે કશું જ બન્યું નથી. જાણે કે અમે બન્ને એકબીજા માટે તદ્દન અજાણ્યા ન હોઈએ, જો કે, કેટલાક લોકો અજાણ્યાને પણ ફોન કરીને પૂછતા હોય છે કે તમે મને શા માટે ફોન કરેલો…

આ ઘટના બન્યા પછી મેં સુનીલભાઈ સાથે આગળ વધવાનું મોકુફ રાખ્યું. મને લાગે છે કે અહીં કદાચ ક્યાંક સાંસ્કૃતિક ભેદ પણ કામ કરી ગયો હશે. એક અમેરિકન વિદ્વાને રોજગારીના બજારમાં સાંસ્કૃતિક ભેદો કઈ રીતે અવરોધ બનતા હોય છે એની ચર્ચા કરતું એક સરસ પુસ્તક લખ્યું છે. એમાં એ કહે છે કે ભારતીયોની એક જ મુશ્કેલી હોય છે. એમને તમે એમ કહો કે હું પંદર દિવસમાં જવાબ આપીશ તો એ પંદર દિવસ દરમિયાન એ લોકો આપણને યાદ દેવડાવવા ત્રણ ચાર વાર ફોન કરે. એ પંદર દિવસ રાહ નહીં જુએ. કેમ કે ભારતમાં તમારે આવું કરવું પડે. પણ અમેરિકામાં કોઈ આમ કરે તો એ સારું ન લાગે. આ જ નિયમ કદાચ માલિકોને પણ લાગુ પડતો હશે. કોઈ અમેરિકન માલિક હોય તો એને ફોન કરીને યાદ નહીં કરાવવાનું. પણ ભારતીય હોય તો કોઈને કોઈ બહાને ફોન કરીને એને પેલું કામ યાદ દેવડાવવું પડે. ટૂંકમાં, જો ભારતીય માલિક હોય તો આપણે ગરજ બતાવવી પડે. પણ મજાની વાત એ છે કે જો કામ માગનાર અમેરિકન હોય તો ભારતીય માલિક એ ગરજ બતાવે એવી અપેક્ષા નહીં રાખે!

ખેર. પછી આ બાબતે મેં રામભાઈનો કે સુનીલભાઈનો પણ સંપર્ક કરવાનું બંધ કરી દીધું. કેમ કે મને, મેં અગાઉ લખ્યું એમ, એક જ કામ માટે વારંવાર હાથ લંબાવવાનું ગમતું ન હતું.

આ જ દિવસો દરમિયાન મને ઘણી વાર સાવ એકલા બની જવાનું મન થતું હતું. અને, સાચું કહું તો, એ મારું સપનું છે. હું એક ઘરમાં કે એક ઓરડીમાં, મારી બધી જ જરૂરિયાતોને ન્યૂનતમ સ્તરે લઈ જઈને બસ વાંચ્યા જ કરું. વિચાર્યા કરું. એ દિવસોમાં મને પણ એવું થયા કરતું હતું. મને થતું કે આ તો ઇશ્વરે આપેલી સુવિધા છે. ચાલો, એકલા એકલા કામ કર્યે જાઓ. પણ, જ્યારે પણ મને આવો વિચાર આવ્યો છે ત્યારે મને મારા ગામમાં આવતા મદારીઓ યાદ આવ્યા છે. એ લોકો પેટ પર હાથ પસારી, પછી એ જ પેટ પર જોર જોરથી હાથ મારતાં બોલતા: પાપી પેટ કે ખાતીર આ બધું કરવું પડે છે. સારું છે કે ઈશ્વરે હોજરી અને મગજ બન્નેને એકબીજાનાં પાડોશી નથી બનાવ્યાં.

એ દિવસોમાં રેખા ૭/૧૧ સ્ટોરમાં મેનેજરનું કામ કરતી હતી. એ એના ક્ષેત્રમાં પાવરધી હતી. એટલે જ તો કંપનીએ એને નહીં નહીં તો પાંચેક વાર સારું કામ કરવા બદલ એવોર્ડ પણ આપ્યો હશે. એથી અમે બન્નેએ એક બીજો વિચાર કર્યો: કામ શોધવાને બદલે જો આપણે એક નાનકડો સ્ટોર લઈ લઈએ તો કેવું! રેખા કહે કે કોઈ ઑફિસ બિલ્ડીંગમાં સ્ટોર શોધીએ. શનિ-રવિ રજા. વળી સવારે જવાનું ને સાંજે પાછા. આપણે મિલિયોનર તો થવું નથી. જીવન સરળતાથી ચાલે એટલું ઘણું છે. મને પણ એનો વિચાર ગમ્યો. મધુ રાયે પણ અમને ઘણી વાર કહ્યું હશે: બાબુલાલ, સ્ટોર લઈ લો. એક રેસ્ટોરાં શરૂ કરો. રેખાબેનના હાથની રસોઈ ખાવા લોકો લાઈન લગાડશે. પછી રેખા અને હું સ્ટોર જોવા લાગ્યાં. એક સ્ટોર હતો પણ ખરો. પણ, એનું લીઝ એક વરસમાં પૂરું થવાનું હતું. મેં રેખાને કહ્યું કે જો એનું લીઝ રીન્યુ ન થાય તો? તો આપણા મૂડીરોકાણનું શું થાય?

એક મોડી સાંજે રેખા અને હું સુચીબેનના ત્યાં ગયાં. ત્યાં બીજા મિત્રો પણ આવેલા હતા. એમાં નવીન શાહ પણ હતા. એમનો પરિચય પણ મને સૌ પહેલાં મધુ રાયે કરાવેલો. એ પણ મારી જેમ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ભાષાવિજ્ઞાનમાં એમ.એ. કરવા આવેલા. એમની સાથે કે કદાચ એમની આગળપાછળ મધુસૂદન કાપડિયા પણ ભાષાશાસ્ત્રમાં એમ.એ. કરવા આવેલા. કાપડિયાસાહેબ ભાષાશાસ્ત્ર છોડીને લાયબ્રેરી સાયન્સમાં ગયેલા. નવીનભાઈએ ભાષાશાસ્ત્રમાં એમ.એ. પૂરું કરેલું. એમણે જૂની ગુજરાતી પર એમ.એ.નો શોધનિબંધ લખેલો. એ પણ કાર્ડોનાના હાથ નીચે. પણ, પછી એ એકાઉન્ટન્સી તરફ વળ્યા અને એકાઉન્ટન્ટની નોકરી કરી. છેલ્લે એ Marriott Hotelsના ચીફ એકાઉન્ટન્ટ પદેથી નિવૃત્ત થયા. પોતે કવિતા લખે. સંસ્કૃત ભાષા પર એમની પકડ પણ સારી. કાપડિયા સાહેબની જેમ. વાતમાંથી વાત નીકળતાં એમણે મને કહ્યું, “બાબુભાઈ, તમે એકાઉન્ટન્સીનો બે વરસનો કોર્સ કરી લો. પછી જોયું જશે.” મને એમનો વિચાર ગમ્યો. એટલામાં બીજા કોઈક મિત્રએ કહ્યું, “રેખાબેનને ૭/૧૧નો અનુભવ છે તો તમે સ્ટોર જ ખરીદો.” આવી ચર્ચા ચાલતી હતી ત્યાં વળી પૈસાની વાત નીકળી. નવીનભાઈ ધીમે રહીને કહે, “જો તમે કોઈ બિઝનેસ લેવા માગતા હો તો હું તમને પચ્ચીસ હજાર ડૉલર ઊછીના આપીશ. કમાઓ ત્યારે પાછા આપજો. જો ખોટ જાય ધંધામાં તો ત્યારની વાત ત્યારે. કોઈ વ્યાજ નહીં. કંઈ નહીં.” મંડળીમાં જરા સોપો પડી ગયો. મેં એમનો હ્રદયથી આભાર માનતાં કહ્યું, “આટલા બધા પૈસા મારાથી ન લેવાય.” એ કહે, “બધું જ લેવાય. હું ક્યાં દાન કરું છું? તમે ઊભા થઈ જાઓ પછી પાછા આપજો.”

સુચીબેનના ઘેરથી મારા ઘેર પાછા વળતાં રેખા અને હું થોડી વાર તો ચૂપ રહ્યાં. પછી રેખા મને કહે, “મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું કે નવીનભાઈ આવી ઓફર કરશે. એ આપણને કેટલાય સમયથી એમના ઘેર બોલાવે છે ને તું તારા કામમાંથી ઊંચો નથી આવતો.” ટૂંકમાં, એ તકનો લાભ લઈને રેખાએ મારા અતડા સ્વભાવની ખબર લઈ નાખી. એણે કહ્યું કે જો, આપણી આસપાસ સારા માણસો પણ છે. આપણે કદાચ એમને ઓળખતાં નથી.

ઘેર આવીને અમે નવીનભાઈના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચારવા લાગ્યાં. રેખા કહે, “જો તું મને મદદ કરે તો સ્ટોર હું ચલાવી આપીશ. તારે કસ્ટમર સર્વિસ નહીં કરવાની. બીજું કામ કરવાનું.”

હું કલ્પનામાં મને સ્ટોરમાં બધી વસ્તુઓ ગોઠવતો જોતાં જોતાં ઊંઘી ગયેલો.

4 thoughts on “મને હજી યાદ છે – ૮૪ (બાબુ સુથાર)

 1. બાબુભાઇ ! આજનું આ પ્રકરણ વાંચતા આંખમાં ઝળઝળિયાં આવી ગયાં! ક્યારેક કેવા સંજોગોમાં માણસ આવી પડે છે ! ગુજરાતીના લેક્ચરર તરીકે મેં જીવનની કારકિર્દીની શરૂઆત કરેલી અને જયારે ઘરમાં બેબીસિટીંગ શરૂ કર્યું ત્યારે થોડા સમય પછી આંચકો જરૂર આવેલો ; મિકેનિકલ એન્જીનીયર તરીકે રહેલ સુભાષને પણ એવું સ્ટેજ આવેલું ! પારકાં દેશમાં કરેલી સ્ટ્રગલ ! તમારા લેખ – જીવનવૃત્તાન્ત રસથી વાંચીએ છીએ !Waiting for the next chapter..

  Liked by 1 person

 2. અમારા કુટુંબમા અને અનેક સ્નેહીઓમા અનુભવેલી વાત.ઘણા સફળ થયા છે તો કેટલાક લુંટ ,શારીરિક ઇજાઓ કે મરણના શરણ પણ થયા છે.પરદેશમા કોઇ પણ કામ કરવા આપણા તેમા ગુજરાતીઓ પ્રવીણ હોય છે.વધુ રસિક પ્રકરણની રાહ

  Liked by 1 person

 3. આજ બ્લોગમાં આવતાં શ્રી નટવર ગાંધીના લેખો વાંચ્યાં અને શ્રી બાબુભાઈના લેખો પણ વાંચવાના ચાલુ છે. બન્ને વચ્ચે કેટલો વિરોધાભાસ છે..? બન્ને P.H.D…નટવરભાઈ આગળને આઅળ વધતાં ગયા, એમની ઓફીસ એમને છોડતી નહોતી અને બાબુભાઇને નોકરી નથી મળતી.. સાચી વાત તો એ છે કે પહેલાં શું કે આજ્ના જમાનામાં શું, તમે કઈ લાઈનનું ભણો છો તેના ઉપર નોકરી કે કામ મળવાનો આધાર રાખે છે. આત્યારે પણ, હાલમાંજ અહીં Cali. માં મીકેનીકલમાં માસ્ટર કર્યું છે તેમને તેમની લાઈનની જોબ નથી મળતી… Computer વાળાઓને તો હજી પણ તેમના ફીલ્ડની નાનીમોટી જોબ મલી જાય છે. અને હમણાં તો H1 ની પણ તકલીફ છે, એટલે પણ જોબ નથી મળતી. બાબુભાઈ એક જોતાં એટલાં નસીબદાર કે Green Card મલી ગયું હતું. અમેરીકામાં એના વગર રહેવું પણ અઘરૂ છે.

  ચાલો હજીતો બાબુભાઈના આગળના પ્રકરણો વાંચવાની ઈંતેજારી છે.

  Liked by 1 person

 4. બાબુ ભાઈ એક વિદ્વાન વિદ્વતા પ્રાપ્ત કર્યા પછી પણ કેટલી વેદના સહન કરતુ જીવન જીવે છે એ આપ નાં સંઘર્ષ ભર્યા જીવન માં થી જાણવા મળ્યું..!🙏

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s