રેખા ભટ્ટીની વાર્તાઓ – ૫


      એક જોરદાર ધમાકો અને……………….

ઘડિયાળમાં 12 ના ટકોરા થયા અને હું ચોંકી ઉઠી. હજી કાવેરી કેમ નહિ આવી હોય? રસ્તામાં તેની તબિયત વધારે તો નહિ બગાડી હોયને? બેચેનીથી મારા હાથની મુઠ્ઠીઓ જોરથી બંધ થઇ ગઈ. અને ત્યાં દૂર દૂર રસ્તા પર મારી નજર પડી, કાવેરીની બ્લુ કલરની કાર આવતી જોઈને મને રાહત થઇ “હાશ! આવી તો ખરી.”

કાવેરી  આવી, અને મારી સામે નજર કર્યા વગર જ તેના રૂમમાં જતી રહી. અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મેં બોલાવી તો પણ કઈ બોલી નહિ. મારી વાતનો કઈ જવાબ પણ આપ્યો નહિ. હું ગાર્ડનમાં જઈને ઝૂલા પર બેસી ગઈ. મારી સામે વીતેલા વર્ષોનું દ્રશ્ય આવી ગયું. ત્યારે હું મેડિકલ કોલેજમાં MBBS નો અભ્યાસ કરતી હતી. અને હોસ્ટેલમાં જ રહેતી હતી. મારી સાથે જ MBBS નો અભ્યાસ કરતો કાર્તિક બહુ જ રૂપાળો દેખાવડો સ્માર્ટ અને હેંડસમ છોકરો હતો. મને તે પહેલી નજરમાં જ ગમી ગયો હતો. આવો સરસ છોકરો હોય પછી કઈ છોકરીને ન ગમે? કોલેજની બધી જ છોકરીઓ ગમે તે બહાને, ગમે તે વિષય લઈને તેની પાસે જાય, કાર્તિક બધી જ છોકરીઓ સાથે છૂટથી સસ્મિત વાતો કરતો. મને આ બિલકુલ ગમતું નહિ.

એક દિવસ કાર્તિકને એકલો કેન્ટીનમાં કોફી પીતો જોઈને હું તેની પાસે એકદમ પહોંચી ગઈ. અને તે મારી સામે જુએ કે કઈ બોલે તે પહેલા જ મેં તેને I LOVE YOU કાર્તિક કહી જ દીધું. તે મારી સામે જ જોતો રહ્યો. મેં કહ્યું ‘’કાર્તિક;  I LOVE YOU. હું તારી  સાથે લગ્ન કરવા માંગુ છું. હું તને બહુ જ પ્રેમ કરું છું.’’ મને આવી રીતે જોઈ કાર્તિક જોર જોરથી હસવા લાગ્યો. હું ચુપચાપ તેની સામે ઉભી રહી ગઈ. પછી કાર્તિક બોલ્યો “કામિની, હું પણ તને ઘણો જ પ્રેમ કરું છું. બસ આ વાત હું તારા મોઢે સાંભળવા માંગતો હતો. કે તું મને પ્રેમ કરે છે કે નહિ?  I LOVE YOU કામિની,’’ પછી અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. અને મેં અને કાર્તિકે મિત્રોની હાજરીમાં કોર્ટ મેરેજ કરી લીધા. આ પછી અમે બંને એ અભ્યાસ પૂરો કરી, એક નાનું એવું મકાન ભાડે રાખ્યું. હું અને કાર્તિક એક સારી હોસ્પિટલના નોકરી કરવા લાગ્યા. હું ગાયનેક હતી. અને કાર્તિક હાર્ટ સ્પેશ્યાલીસ્ટ. અમારા બંનેનો પગાર પણ સારો હતો. અમે બે વર્ષમાં અમારો પોતાનો ફ્લેટ પણ ખરીદી લીધો. અને અમારી પોતાની હોસ્પિટલ પણ શરુ કરી.

લગ્ન જીવન દરમ્યાન મેં બે બાળકોને જન્મ આપ્યો. કેયુર અને કાવેરી. તેમના અભ્યાસ માટે અમે સારી સ્કૂલમાં એડમિશન લીધું. બંને ભાઈ બહેન સાથે જ સ્કૂલમાં જતા. 10 વર્ષના લગ્ન જીવનમાં અમે ખુબ જ ખુશ હતા. કાર્તિક હવે ડોક્ટર કાર્તિક કપૂર બની ગયો હતો. અમારું પોતાનું સ્વતંત્ર હોસ્પિટલ હોવાથી, સંપત્તિમાં પણ ખુબ જ વધારો થતો જતો હતો. પણ કાર્તિકની સંપત્તિ એકઠી કરવાની લાલચની કોઈ સીમા ન હતી. કાર્તિકને કોઈ ગરીબ દર્દી આવે તો, તેને પણ બિનજરૂરી ટેસ્ટ કરાવવામાં, બિન જરૂરી અને મોંઘા ભાવની હોય તેવી, દવાઓ પણ લખી આપવામાં, બિનજરૂરી રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં, તથા મેડિકલ સ્ટોર અને લેબોરેટરી વાળા સાથે તેમજ દવાની કંપનીઓ વાળા સાથે સાંઠગાંઠ કરી વધારાના અનૈતિક નાણાં કમાવામાં કોઈ છોછ ન હતો. હું તેને પાપ ગણતી. અને તેઓ મને વેદિયણ કહી મારી મશ્કરી કરતા. હું તેમને અવારનવાર સમજાવતી કે આપણે હવે ક્યાં રૂપિયાની ખોટ છે? તમે શા માટે ગરીબો પાસેથી આવી અનૈતિક કમાણી કરો છો? પણ તેઓ મારી વાત માનતા નહિ અને પોતાનું જ ધાર્યું કરતા.

આમને આમ લગ્ન જીવનના 22 થી 23 વર્ષ વીતી ગયા. તે દરમ્યાન કાર્તિકે અનૈતિક કમાણીથી, બીજા ત્રણ બંગલા ખરીદ્યા. કાવેરી અને કેયૂરને MBBS પછી આગળ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલ્યા. અભ્યાસ પૂરો થતા બંને ઘરે પાછા ફર્યા. કેયુરે તો અમેરિકામાં અભ્યાસ કરતા કરતા જ તેની સાથે અભ્યાસ કરતી, કિંજલ સાથે પ્રેમ લગ્ન પણ કરી લીધા. તેથી અમારે હવે કાવેરીના જ લગ્નની ચિંતા હતી. એટલે મેં કાવેરીને પૂછી પણ જોયું. તેણે કહ્યું કે હમણાં તેનો વિચાર લગ્ન કરવાનો નથી. પણ તેને તેનું સ્વતંત્ર હોસ્પિટલ શરુ કરવું હતું. તેથી અમે તેને એક સ્વતંત્ર હોસ્પિટલ શરુ કરી આપ્યું. જયારે કેયુરે તો પોતાનું હોસ્પિટલ અમેરિકામાં જ શરુ કરવાનું નક્કી કર્યું. તેથી તેને અમેરિકામાં જ એક હોસ્પિટલ શરુ કરી આપ્યું. આમ કેયુર, કિંજલ અને તેની નાની બેબી કેતકી અમેરિકામાં જ રહેતા હતા.

આ બાજુ ઉંમર થઇ જવા છતાં કાર્તિક હજુ પણ હોસ્પિટલ ચલાવતો હતો. અને અનીતિથી જ કમાણી કરતો હતો. આથી હું ઘણી જ વ્યથિત થઇ પ્રાર્થના કર્યા પછી પ્રભુને પૂછતી, કે કાર્તિક સંપત્તિથી ક્યારે ધરાશે? ક્યારે તેની લાલચ પુરી થશે? ક્યાં સુધી તે આમને આમ ગરીબોને લૂંટ્યા કરશે? જે લોકોને એક ટક જમવાના પણ ફાંફા છે તેવા લોકોની બદદુઆઓ જો કાર્તિકને લાગી જશે, તો આ મારુ હર્યુંભર્યું ઘર, ખાખમાં ભળી જશે. પણ કાર્તિકને તો ભગવાનનો કોઈ ડર હોય તેવું લાગતું જ નહિ.

કેયુર અમેરિકાથી આવ્યો ત્યારે તેણે કહ્યું, “મમ્મી, પપ્પા હવે તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. તમે ઘરે બેસીને આરામ કરો. હું, કાવેરી અને કિંજલ છીએ ને? હવે તમારે આરામ કરવાના દિવસો આવી ગયા છે. કાર્તિક તો આ વાત માનવાનો જ ન હતો, પણ મેં ધીમે ધીમે હોસ્પિટલનું વળગણ દૂર કરવાનું શરુ કરી દીધું.

આજે તો મારા લગ્નને 30 વર્ષ થઇ ગયા છે. પણ હજી મને તે મનહૂસ ઘડી યાદ છે જયારે હું, કૃણાલ, અને કાવેરી, મારા દીકરા કેયુર, તેની પત્ની અને દીકરીને વળાવવા એરપોર્ટ પર ગયા હતા. એક જોરદાર ધમાકો અને રનવે પરથી હજી હમણાં જ ઉપડેલું અને જમીનથી માત્ર 12 જ ફૂટ ઉપર ઉઠેલું, વિમાન ધડાકા ભેર, પછડાયું. વિમાનનો એક ભાગ આખો જ છૂટો પડી ગયો હતો. ચારે બાજુ ચિચિયારી અને રૂદનના અવોજોથી એરપોર્ટનું વાતાવરણ ગમગીન બની ગયું. સાયરનો વગાડતી એમ્બ્યુલન્સો, અને નિર્દોષ ઉતારુઓના લોહી જેવા લાલ રંગના અગ્નિશામક બંબાઓની દોડધામ, હંફાળા ફાંફળા અને રઘવાયા બનીને દોડતા અધિકારીઓ, અને સિક્યુરિટી જવાનો, અને તેમના ખાસ તાલીમ પામેલા અલ્શેશયન કૂતરાઓથી વાતાવરણ ભયાનક બની ગયું હતું. બધા જ ચિંતાતુર અને સ્વજનોના શોકમાં અર્ધ પાગલ જેવા થઇ ગયા હતા. વિમાન પર જેહાદી ઇસ્લામિક આત્મઘાતી બોમ્બરથી હુમલો કરવામાં આવ્યો હતો.

ઝપાટાબંધ એક પછી એક ઘાયલ યાત્રીઓને લાવવામાં આવી રહ્યા હતા. સળગી રહેલા વિમાનમાં જીવતા જ ભૂંજાઈ ગયેલા, કમનસીબ યાત્રીઓના સળગતા મૃતદેહોની વિચિત્ર વાસથી આખું એરપોર્ટ ગંધાતું હતું. ફાટી નઝરે અમે આવી રહેલા મૃતદેહો, અને ઘાયલોમાં ઓળખીતા ચહેરાઓ શોધી રહ્યા હતા. ત્યાં જ મારા ઘાયલ દીકરાને સ્ટ્રેચર પર નાખીને લાવવામાં આવ્યો. અને ત્યાર બાદ તેની પત્નીનો અર્ધો બળેલો મૃતદેહ આવ્યો. અને છેલ્લે નાની બાળકીનો મૃતદેહ પણ આવ્યો.

કેયુરના લોહી નીતરતા ઘાયલ શરીરને ન જોઈ શકવાથી કાવેરીને ચક્કર આવી ગયા. હું અને કાર્તિક બેબાકળા બની ગયા. કઈ સમજાતું ન હતું કે શું કરવું? કેયૂરને ICU માં લઇ ગયા હતા. ચારે તરફ રોકકળ મચી ગઈ હતી. કોઈ કોઈનું સાંભળવા તૈયાર ન હતું. ત્યાં તો, કાર્તિક બેભાન થઈને પડ્યા. હું મુંજાઈ ગઈ. મારે બંનેને કેમ સાંભળવા? કાવેરી રડવા લાગી. મેં માંડમાંડ તેને શાંત પડી. તપાસ કરીને ડોક્ટરે જણાવ્યું કે કાર્તિક કોમામાં સરી પડ્યા છે. મારી અને કાવેરીની માથે તો જાણે આભ ફાટ્યું હોય તેવું લાગ્યું. એક બાજુ કિંજલ અને તેની બેબીના મૃત્યુના સમાચાર, બીજી બાજુ કેયુર ICU માં, અને કૃણાલ કોમામાં. હું અને કાવેરી ચોધાર આંસુએ રડવા લાગ્યા. આ બાજુ કેયૂરને એડમિટ કર્યો હતો તો ત્યાં કૃણાલને એડમિટ કર્યા હતા.

હું અને કાવેરી સતત સાત મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા. કાર્તિક કોમામાંથી બહાર આવી ગયા હતા. તેઓ જોઈ શકતા સાંભળી શકતા પણ હજી બાકીનું શરીર જોઈએ તેવું કામ આપતું નહિ. હવે કાર્તિકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ડોક્ટરોએ કહ્યું જેટલી થાય તેટલી સેવા કરો, પણ કેયૂરને હજી હોસ્પિટલમાં બે મહિના રાખવો પડે તેમ હતું. તેના માથામાં વધારે ઇજા થઇ હતી. લોહી પણ ઘણું વહી ગયું હતું. હવે એક દિવસ તેણે મને પૂછ્યું, “મમ્મી કિંજલ અને કેતકી ક્યાં છે?” ત્યારે મારે તેને ન છૂટકે કહેવું પડ્યું કે “તેઓ હવે આ દુનિયામાં નથી. અને તેના પપ્પા પણ કોમામાં જતા રહ્યા હતા. અને હજી પણ અવાચક જેવા જ છે.” આ સાંભળીને કેયુર તો ગાંડા જેવો થઇ ગયો. તેનામાં સતત કમજોરી દેખાતી હતી. કાર્તિકને રાજા આપી હતી, તેથી હું તેમની સાથે ઘરે આવતી રહી. જયારે કાવેરી કેયુર પાસે હજી હોસ્પિટલમાં જ હતી.

બે મહીનાં પછી કેયૂરને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તેને પણ ઘરે લાવવામાં આવ્યો પણ તેની યાદશક્તિ ઘણી જ ક્ષીણ થઇ ગઈ હતી. તે તેના રૂમમાં આખો દિવસ સુઈ રહેતો, જમવાના સમયે હું કે કાવેરી તેને માંડમાંડ જમાડતા. જો કોઈ કેયુરના રૂમનો દરવાજો ખોલે, તો કેયુર જોરજોરથી રાડો પાડવા લાગતો અને જે હાથમાં આવે તે છૂટું ફેંકતો. બસ એક જ વાત કરતો કે મને એકલો રહેવા દો. બધા અહીંથી જતા રહો, તે બૂમો પાડીને દરવાજો અંદરથી બંધ કરી દેતો.

ટ્રીટમેન્ટ હજુ ચાલુ જ હતી. પણ તે ક્યારેય દવા ન લેતો. બધી જ દવા ફેંકી દેતો. અમારે ત્યાં આવતા રક્ષાબેન રસોઈ બનાવતા અને શારદાબેન ઘરકામ કરતા. ઉમર વધતા રક્ષાબેનની તબિયત બગડી ગઈ હતી. તેથી હવે તેઓ આવતા નહિ. તેની જગ્યાએ હવે શારદા જ રસોઈ પણ બનાવતી. એક દિવસ શારદાએ કહ્યું “મેડમ, કેયુરભાઈ દવા નથી લેતા તો તેમના જમવામાં જ દવા મિક્સ કરીને આપી દઈએ તો?” હવે શારદા જમવામાં રોજ તેને આપવાની દવા મિક્સ કરીને કેયૂરને જમવા આપતી, કેયુર પણ શારદાના હાથે જમી લેતો. શારદા ઉપર તે ક્યારેય બૂમબરાડા પડતો નહિ.

હું ઝૂલા પરથી ઉભી થઇ અને કાવેરીના રૂમ સુધી ગઈ, મેં ફરી દરવાજો ખખડાવ્યો, પણ કાવેરીએ અત્યારે પણ દરવાજો ખોલ્યો નહિ. થોડીવારમાં દોઢ વાગી ગયો. તેથી મેં શારદાને પૂછ્યું કે કેયુરે જમી લીધું કે કેમ? શારદાએ કહ્યું ” હા મેડમ, કેયુર ભાઈએ તો આજ શાક, બે રોટલી ઉપરાંત દાળભાત પણ ખાધા છે.” મને આનંદ થયો. કારણકે હોસ્પિટલમાંથી આવ્યા પછી, કેયુર આખા દિવસમાં માત્ર એક જ વાર જમતો. અને તે પણ એક જ રોટલી અને થોડું અમથું શાક. આજે તે બે રોરાલી અને દાળભાત પણ જમ્યો હતો. આ જાણી મને ઘણો જ આનંદ થયો.

મેં શારદાને કહ્યું, ‘’તું જ બેબીને બોલાવી આવ કદાચ તારા કહેવાથી બારણું ખોલે, તો આપણે બધા સાથે જમી લઈએ. તું બેબીને બોલાવી લાવ ત્યાં સુધીમાં હું, કેયુરના પપ્પાને જમાડી લઉ. તે તો ક્યાં કઈ શાક રોટલી જમવાના હતા? તેમને તો લીકવીડ જ આપવાનું હતું.’’ શારદાએ સંતરાનું જુઈસ બનાવીને જ રાખ્યું હતું. તે લઈને હું બેડ રૂમમાં ગઈ તો કાર્તિક સુઈ ગયા હતા. તેથી મેં  તેમને જગાડ્યા નહિ. વિચાર કર્યો કે જાગે પછી જ્યૂસ પાઈ દઈશ. હું જ્યુસ ફ્રીઝમાં મુકાતી હતી ત્યાં જ ફોનની ઘંટડી વાગી. એટલે રૂમમાં જઈને મેં ફોન ઉપાડ્યો. “ભાભી હું ડોક્ટર બંસલ બોલું છું.” મેં કહ્યું “બેબી જ્યારથી હોસ્પિટલેથી આવી છે ત્યારથી, તેના રૂમમાં જતી રહી છે. ઘણા પ્રયત્નો કર્યા પણ દરવાજો જ ખોલતી નથી. મારા કોઈ પ્રશ્નનો જવાબ પણ આપતી નથી. શું થયું છે તેને? કઈ પ્રોબ્લેમ તો નથી ને? ડોક્ટર બંસલે કહ્યું “મેં તેને બ્લડ અને યુરિન ટેસ્ટ માટે મોકલી હતી. અત્યારે બંને રિપોર્ટ આવી ગયા છે. તે જણાવવા માટે જ મેં તમને ફોન કર્યો છે.” ડોક્ટરે કહ્યું “ભાભી કાવેરીના રિપોર્ટ નોર્મલ નથી. તેને એડમિટ કરવી પડશે. ભાભી કાવેરીને બ્લડ કેન્સર છે.” આ સાંભળતા જ મારા તો પગ નીચેથી ધરતી જ ખસી ગઈ. મારા હાથમાંથી ફોન પડી ગયો અને હું ખુરસીમાં બેસી પડી. કઈ બોલી શકી નહિ. મારી આંખમાંથી  આંસુ વહેવા લાગ્યા. કોણ જાણે મારા ઘરમાં આ શું થઇ રહ્યું છે? મારા બંને બાળકોને આ શું થઇ ગયું?

ત્યાં શારદાએ આવીને કહ્યું” મેડમ, કાવેરીએ બારણું ખોલ્યું છે. “મને લાગ્યું, પણ  ભગવાન એક પછી એક બારણા કેમ બંધ કરી રહ્યો છે? શારદાએ ઉમેર્યું “અને તે જમવા માટે પણ આવી રહ્યા છે.” હું આંસુ લૂછીને સ્વસ્થ થઇ, અને ડાઇનિંગ ટેબલ પર જઈને બેસી ગઈ. ત્યાં બેબી પણ આવી ગઈ. શારદાએ અમને બંનેને જમવાનું પીરસ્યું. બેબી કઈ પણ બોલ્યા વગર  જમવા લાગી. મેં જમવા માટે બટકું હાથમાં લીધું પણ તે મોં સુધી આવીને અટકી ગયું. મારી નજર બેબી પર હતી. મારી આંખમાં ફરીથી આંસુ આવી ગયા. હું જમી શકતી ન હતી. મારા હાથમાં લીધેલું પહેલું જ બટકું પણ હજી મારા હાથમાં જ હતું. હું જમતી ન હોવાથી બેબીએ મારી સામે નજર કરી. પછી બોલી “મમ્મી તું જમતી કેમ નથી? જમી લે, મારી ચિંતા કર માં, મેં બંસલ કાકાની બધી જ વાત સાંભળી છે. તેથી મારી વધેલી જિંદગીને મારી રીતે બહુ જ સારી રીતે જીવવા માંગુ છું. અને મમ્મી આમાં તું મારો સાથ આપજે. મને સાથ આપીશને મમ્મી?”

બેબી એટલું બોલીને ઉભી થઇ, મારા ગળે વળગી ગઈ.  હું અને બેબી ખુબ જ રડ્યા. ત્યાં જ બેબી બોલી “મમ્મી રડ નહિ. મને સારું થવાનું નથી તે હું જાણું છું.” આટલું કહીને બેબી તેના રૂમમાં આરામ કરવા જતી રહી. હું કાર્તિક પાસે ગઈ. તેઓ જાગી ગયા હતા. મારી સામે નજર કરીને તેઓ આંખો પટપટાવીને મારી સામે ટગર ટગર જોઈ રહ્યા. મેં કહ્યું “જાગી ગયા? ભૂખ લાગી છે? ચાલો હું તમારા માટે જ્યુસ લાવું છું. તે પાઈને દવા પણ આપી દઉં.” હું કાર્તિકને જ્યુસ પાવા લાગી. પણ કાર્તિક જાણે જાણી ગયા હોય તેમ મારી સામે ટગરટગર જોયા કરતા હતા. જાણે ઇશારાથી મને પૂછી રહ્યા હતા કે કામિની શું થયું છે? આમ આટલી બધી ઉદાસ કેમ દેખાય છે?  તેમણે બે ચમચી જ્યુસ પીધું પછી આંખોથી ન પુછાતા હોય તેમ મારી સામે જોઈ રહ્યા. મેં કહ્યું “કાર્તિક, સાવ આટલું જ જ્યુસ ન પીવાય. પછી આ દવા પણ લેવાની છે. ભૂખ્યા પેટે કઈ દવા ન લેવાય. આમ પણ સવારનું તમે કઈ લીધું નથી; માટે લ્યો આ જ્યુસ. તમારું મોઢું ખોલો.” પણ કાર્તિકે મોઢું ન ખોલ્યું. મારી સામે જોઈ રહ્યા જાણે ફરી પાછા કહી ન રહ્યા હોય કે કામિનીને શું થયું છે? તું આજે આટલી બધી ઉદાસ કેમ દેખાય છે? તે મારી સામે આંખોના ભાવથી જ બોલી રહ્યા હતા.

તેમને આવી રીતે દુઃખી થતા જોઈને મરાથી રહેવાયું નહિ. અને હું તેમની છાતી પર ઢળી પડી. અને છાતી પર જ માથું રાખીને રડી પડી. મેં રડતા રડતા જ બંસલભાઈએ બેબી વિષે જે વાત કરી હતી તે કાર્તિકને કરી કે બેબીને બ્લડ કેન્સર ડિટેકટ થયું છે. આ વાત જાણ્યા પછી કાર્તિકની આંખોમાં પણ આંસુ આવી ગયા. પણ તે કઈ બોલી શકે તેમ ન હોવાથી, અત્યંત વ્યાકુળ થઇ ગયા. તેમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવાના શરુ થઇ ગયા. હું તેમને શાંત પાડવા લાગી. પણ તેઓ શાંત પડતા ન હતા. ખુબ જ રડતા હતા. વિવશ હતાને? બેબીના ઈલાજ માટે તેઓ કઈ જ કરી શકે તેમ ન હતા.

કાર્તિક મારી સામે જોઈને જાણે કહી રહ્યા હતા. ‘’આ બધું મેં કરેલા પાપને લીધે જ છે. મેં અનીતિથી ખોટી રીતે ગરીબો પાસેથી પૈસા લીધા છે કેટલાય ગરીબોને લૂંટ્યા છે. કોણ જાણે કેટલાય ગરીબોના ઘરનું એક ટંકનું જમવાનું પણ મેં છીનવી લીધું છે. પણ મારા કરેલા પાપની સજા ભગવાન મારા સંતાનોને શા માટે આપી રહ્યો છે? કામિની, તેં મને ઘણો સમજાવ્યો, પણ મેં તારી વાત માની નહિ. તેથી આ દિવસો જોવા પડ્યા. હે ભગવાન તું મને લઇ લે, પણ મારા બાળકોને મારા પાપની સજા ન દે. આ ઘર; ચાર ચાર બીજા બંગલા, બધું જ તો અનીતિની કમાણીનું છે ને? તેથી જ ભગવાન મને આ સજા આપી રહ્યા છે. પહેલા મારી પુત્રવધુ અને પૌત્રીને છીનવી લીધા. મારા એકના એક દીકરાને પાગલ જેવો બનાવી દીધો. મને પેરેલિસિસ આપીને પથારીવસ કરી દીધો. એટલું ઓછું હોય તેમ હે ભગવાન! મારી દીકરીને બ્લડ કેન્સર? આટઆટલું જાણ્યા પછી પણ હું જીવી રહ્યો છું? હે ભગવાન હવે તું મને લઇ લે, મારા કરેલા પાપોની સજા મારા સંતાનો અને મારા પરિવારને ન આપ.’’

કાર્તિક તેમની આંખોના ભાવથી જાણે આ બધું મને કહી રહ્યા હતા. હું તેમને શાંત પાડવાની કોશિશ કરી રહી હતી. પણ તેઓ ચોધાર આંસુએ રડી રહ્યા હતા. મને થયું કે હવે તેમને તેમની ભૂલ સમજાઈ ગઈ છે. આજે તેમને સાચા હૃદયથી પસ્તાવો થઇ રહ્યો છે. પણ હવે ઘણું જ મોડું થઇ ગયું હતું. મારો પરિવાર, મારુ ઘર, મારુ જીવન બધું જ વેરણછેરણ અને ઉજ્જડ થઇ ગયું હતું. હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે પ્રભુ મને આ બધું સહન કરવાની શક્તિ આપજે કે જેથી હું મારા પરિવારનું ધ્યાન રાખી શકું. કાર્તિકની આંખમાંથી હજી પણ પશ્ચાતાપના આંસુઓ વહી રહ્યા હતા.

                                         —–0—

                                                                                                 —–રેખા ભટ્ટી

3 thoughts on “રેખા ભટ્ટીની વાર્તાઓ – ૫

  1. સરસ વિષય પર વાર્તા.
    મને સાથે લઈ જાવા દો
    કરી મંત્રણા લાભ લાલચે, સંતાડીને હર્યા કર્યું.
    ભંડારો ઊંડા ખોદાવી ઠાંસી ઠાંસી ભર્યા કર્યું.
    મને થાય કે આવો માણસ, હતો કદીયે નાનો બાળ?
    નિર્મમ, નિર્મળ, હતી કદીયે એની આંખે અશ્રુધાર?
    કપટી લંપટ અંધાપો જે નથી દેખતો પરનું દુઃખ.
    અનુભવ તેણે કર્યો હશે શું દિલસોજી દેવાનું સુખ?
    કરી લે, ભરી લે, સોદા કરી લે, લૂંટીને કો મુખનું નૂર,
    કટાક્ષ કરતી કુદરત દેખે, ભૂલી ગયો મૈયત દસ્તૂર!
    જાવાનું છે નક્કી, ના લઈ જાશે જોડે પૈસો એક,
    વીજળીના ઝબકારા જેવો કાળ હુંકાર અજાણ્યો છેક!
    ચાલબાજ શું યમને પૂછશે! “નગદ મને લઈ જાવા દો,
    ત્રીશ ટકા હું આપું તમને, મને સ્વર્ગમાં રહેવા દો.”
    —— સરયૂ પરીખ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s