હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૬


સમથિંગ મસ્ટ બી ડન…

 ડો. માલતીબેન શાહ

“ભરતભાઈ, આ આપણા ડૉકટરો બહુ મોડા આવે ત્યારે વાલીઓ અધીરા થઈ જાય છે, અકળાઈ જાય છે અને ગુસ્સે પણ થઈ જાય છે. હું એમને સમજાવું છું, પરંતુ હું એમને પણ સમજી શકું છું. સવારથી નીકળ્યા હોય, રસ્તામાં ખાવા પીવાનું ઠેકાણું ના પડ્યું હોય, નાનું છોકરું કકળાટ કરતું હોય તો એ લોકો પણ અકળાય એ સ્વાભાવિક છે. તમે કંઈ કરો. મને ખૂબ દુ:ખ થાય છે. મારો જીવ કકળે છે કયારેક તો મને હતાશા આવી જાય છે.”

ડૉ. માલતીબેનની આ સંવેદનાને માત્ર એમના શબ્દોથી જ સાંભળી રહ્યો હતો એવું ન હતું પણ એમના ચહેરા ઉપરની વ્યથા પણ વાંચી રહ્યો હતો. એમના હદયમાં રહેલી વેદના પણ સમજી શકતો હતો. મને ખબર છે કે ડૉ. માલતીબેન સમયપાલનમાં ચુસ્ત રીતે જીવતો જીવ. આખી જિંદગી વહીવટદાર તરીકે જીવેલાં એટલે અમારા જેવા તબીબો હૉસ્પિટલમાં મોડા પહોંચે ત્યારે અમને કહી ના શકે પણ એમની નારાજગી દેખાઈ આવે.

દર વખતે હું એમને શાંતિથી સાંભળું અને એમનો આક્રોશ ઓછો થાય, ઊભરો બહાર નીકળી જાય એટલે સામેથી સવાલ કરું. “આપણે શું કરી શકીશું માલતીબેન ?” જવાબ હું જ આપું. “આપણી સંસ્થા પોલિયો ફાઉન્ડેશન આટલા વર્ષોથી માનદ્દ તબીબો દ્વારા જ ચાલે છે. શહેરના ઉત્તમ કક્ષાના તબીબો આપણને અને આપણા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપે છે. આ બધા યુવાનો છે, કમાવાનો એમનો સમય છે અને એમની પ્રેક્ટિસમાં જ એટલા વ્યસ્ત છે કે એમની પાસે પોતાના માટે કે કુટુંબ માટે ટાઇમ જ નથી છતાંયે આપણને આટલા બધા કલાકો વિના-મૂલ્ય આપે છે, તો આપણે એમનો આભાર ના માનવો જોઈએ ? દર્દીઓને તકલીફ જરૂર પડે છે પરંતુ સરવાળે તો એમને બધાને પોતાનાં બાળકો માટે વિના મૂલ્ય કે નજીવા ખર્ચે સારી સારવાર મળે છે એ અગત્યનું છે.”

ડૉ. માલતીબેન થોડાં હળવાં થાય, વિચારે અને મારી સાથે સહમતીનો સૂર કાઢે એટલે આગળ ચલાવું. “જુઓ, આપણા જેવી દાન ઉપર નભતી સંસ્થાને ફુલ ટાઇમ તબીબો પરવડ જ નહીં એટલે પરિસ્થિતિ પ્રમાણે આપણે બદલાવું જ પડશે.” ગુજરાતી કહેવત સંભળાવું કે “ના મામા કરતાં કાણો મામો સારો. બધુ કામ બંધ થઈ જાય એના કરતાં જે થાય તે ઉત્તમ કરીએ, એટલો ભાવ રાખવો.”

હું યે એમની વાતથી પીડા અનુભવું પણ શીખેલી એક પ્રાર્થના હરહંમેશ યાદ કરી લઉં :

હે પરમાત્મા,

જે બદલી શકાતું હોય, તે બદલવાની મને શક્તિ આપ,

જે ના બદલાઈ શકે તેમ હોય તે સ્વીકારવાનું વૈર્ય આપ,

અને

આ બંને વચ્ચેનો ભેદ સમજી શકું એટલી સમજ આપ.

અમારા વાર્તાલાપ દરમ્યાન જ એક યુવાન સર્જન અંદર આવી ગયો. પ્રસ્તાવના વિના જ મને કહ્યું : “સાહેબ, ત્રણ મહિનાથી હું અહીં આવું છું, મને ખૂબ સારું લાગે છે અને મારે તમારી હૉસ્પિટલમાં ફુલટાઇમ સર્જન તરીકે સેવા આપવી છે.”

મારા માટે તદન કલ્પના બહારની દરખાસ્ત હતી, ઓચિંતિ જ હતી પણ એટલી ખબર હતી કે ફુલ ટાઇમ સર્જનનો પગાર કદાચ હું ખર્ચી શકીશ પણ એ અહીં અનુભવ લીધા પછી કેટલો સમય ટકશે એની મને ખબર ન હતી. મેં પ્રશ્નો કર્યા : “તું કેટલો પગાર લઈશ, કેટલા વરસ કામ કરીશ અને મારે ત્યાં દશકાથી આવતા સેવાભાવી સર્જનોને હું શું કહું ?”

હવે મૂંઝાવાનો વારો એનો હતો. વિચાર કરીને ફરીથી આપને મળીશ એટલું કહીને એ વિદાય થયો.

હું માલતીબેનના ચહેરા સામે જોઈ રહ્યો અને મને લાગ્યું કે એમની મૂંઝવણનો ઉકેલ ઓચિંતા જ આવેલા સર્જનના વાર્તાલાપથી એમને મળી ગયો. માલતીબેનની સંવેદના હું જોતો હતો ત્યારે મને સંવેદનાનો અર્થ યાદ આવી ગયો. સંવેદનશીલતા એટલે અન્ય મનુષ્યોની વિવિધ લાગણીઓને સમ્યકપણે અનુભવી શકવી.

માલતીબેનની આવી જ સંવેદનશીલતાએ અજાણપણે એક અતિઉત્તમ સેવા પ્રવૃત્તિને જન્મ આપી દીધો. સન ઓગણીસો અઠ્ઠાણુંમાં અમે પોલિયો ફાઉન્ડેશનની ટીમ સાથે ચોરવાડ કૅમ્પ માટે ગયેલા, કૅમ્પમાં માલતીબેનની સૌથી મોટી જવાબદારી દર્દીઓને ડૉકટરોએ આપેલી સલાહ સમજાવવાની, તેમનું કાઉન્સેલિંગ કરવાનું અને સહુથી વધુ તો વાલીઓની વાતો શાંતિથી સાંભળવાનું. એમની પાસે ગજબની ધીરજ છે. બોલનાર થાકે પણ માલતીબેન સાંભળતાં ના થાકે.

ચોરવાડના કૅમ્પમાં એક ચીંથરેહાલ ગરીબ માણસ પોટલામાં એનું બાળક લઈને આવેલો. ડૉકટરોએ લખી દીધું “સી.પી. નથીંગ કેન બી ડન” આગળની જવાબદારી માલતીબેનના માથે. વાલીએ પોટલું તેમના ટેબલ ઉપર ખુલ્લું કરી દીધું. માથું ફાટી જાય એવી ગંધથી માલતીબેનને ઊબકો આવી ગયો છતાંયે શાંતિથી કેસ પેપર જોયો, ફરીથી પોટલા તરફ જોયું. બાળકે એમાં જ ઝાડો-પેશાબ કર્યા હતાં. પિતા માટે આ રોજનું હતું પણ માલતીબેન માટે આ નવું હતું પણ જરાયે અકળાયા વિના શાંતિથી વાત જાણી, પોતે સમજ્યા અને દર્દીને બાળકના ભવિષ્ય વિષે ખૂબ ધીરજથી સમજાવ્યા. બાપ સમજી ગયો કે હવે આમાં કંઈ ના થાય પણ એટલું જ બોલ્યો : “બેન, તમે મને સમજાવ્યું એ પહેલાં કોઈએ સમજાવ્યું હોત તો અમે એક ગામથી બીજા ગામ દોડયા ના કર્યા હોત. હું હજ્જારો રૂપિયાનો દેવાદાર થઈ ગયો છું તે ના થયો હોત. કદાચ એ રૂપિયા એની સંભાળમાં વાપરી શકાયા હોત.

દર્દી ગયો, વાલી ગયો પરંતુ માલતીબેનના દિલમાં દુ:ખનું પોટલું તો છોડતો જ ગયો. બીજા દિવસે રાત્રે ચોરવાડથી અમદાવાદ આવતી ટ્રેનમાં એ પોટલું એમણે મારા માથે મૂકી દીધું. એક જ વાકયમાં એમણે કહી દીધું : “ભરતભાઈ, આવા બાળકો માટે એ આપણે કંઈક કરવું જ જોઈએ. ઓછામાં ઓછું કાઉન્સેલિંગ સેન્ટર તો કરો જ. આ શબ્દો, સી.પી. યુનિટ શરૂ કરવા માટે ટનિંગ પૉઈન્ટ બની ગયા.”

ડૉ. આપ્ટેએ મારા મનમાં સી.પી. યુનિટ માટે રોપેલા બીજને માવજત આપી ડો. માલતીબેને. પરિણામ ? ગુજરાતનું અદ્યતન અને તમામ સુવિધાઓ માટેનું સેરેબ્રલ પાલ્સી યુનિટ પોલિયો ફાઉન્ડેશનમાં સન બે હજારની સાલથી ચાલે છે.

વ્યક્તિની સંવેદનશીલતા અને કરૂણા કેવાં સુંદર પરિણામ આપી શકે છે તે સમાજના પ્રત્યેક લોકો સમજે તો દુનિયા કેટલી સુંદર બની જાય ? માલતીબેને પોતાનો નિવૃત્તિનો સમય પોતાની અંદર રહેલી ભાવનાને મૂર્તિમંત કરવા પોલિયો ફાઉન્ડેશનને આપી દીધો. આજ કાલ કરતાં એકવીસ વર્ષથી એમની ગાડી બરાબર બેના ટકોરે હૉસ્પિટલના દરવાજે હોય જ.

એમની સમકક્ષ તબીબી મિત્રો, સરખી જ ઉંમરના એ બધા માલતીબેનને ચીઢવે કે તું તો ખરી ચોટી ગઈ છે. માલતીબેનનું મૌન હાસ્ય જ એમનો જવાબ.

વાતવાતમાં કહે કે નિવૃત્તિ પછી મને બે ત્રણ હૉસ્પિટલમાં કામ માટેની દરખાસ્ત હતી પરંતુ મેં બધે ના પાડી હતી. તમે મારી પાછળ પડી ગયેલા. નિવૃત્તિ પહેલાં અને નિવૃત્તિ બાદ તમારો ફોલોઅપ હોય જ. એક જ સવાલ કે કયારે જોડાવ છો ? એક દિવસ રાયપુર ખાતે હું પોલિયો ફાઉન્ડેશનમાં આવી. મન લાગી ગયું. હદય ભીનું થઈ ગયું. બસ એ દિવસથી આજ સુધી સંસ્થાને વળગી રહી છું.

પેલા યુવાન તબીબે સાંભળ્યું અને પૂછી બેઠો : “બેન, તમને કેટલો પગાર મળે છે ? તમે આટલો સમય અહીં કેવી રીતે ટકી ગયાં છો ? શું તમારી પાસે બીજી કોઈ પ્રવૃત્તિ નથી કે ખાલી ટાઇમ પાસ કરવા આવો છો ? સ્વાભાવિક વાત છે કે યુવાનને આવા વિચાર આવે પરંતુ હું માલતીબેનનો જવાબ સાંભળવા આતુર હતો. એમણે કહ્યું : ‘તારા ત્રીજા પ્રશ્નનો ઉત્તર છે કે સંગીત, સિનેમા અને પરદેશના પ્રવાસો મારો સમય વ્યતીત કરવા પૂરતા છે. હું એ ત્રણેય માણું છું. હોટેલ અને ગાર્ડનમાં પણ જાઉં છું. સહેલાણીઓ સાથે મોજ મસ્તી પણ કરું છું પરંતુ મને અહીં અદ્ભુત આનંદ આવે છે. ભાઈ, આનંદ વર્ણવી ના શકાય એને અનુભવવો પડે.”

તારા બીજા પ્રશ્નનો ઉત્તર સાંભળઃ “આ સંસ્થામાં સાચી સેવા અને સત્કાર્ય થાય છે. ગરીબોનો અવાજ સંભળાય છે. એટલે જ આ સંસ્થા મને પોતીકી લાગે છે. બીજું અહીં ચૅરમૅન ડૉ. ભરત ભગત કે કોઈ પણ ટ્રસ્ટીઓની દખલ નથી. અહીં રાજકારણ નથી.”

ડૉ. માલતીબેન જૂની યાદમાં ઊતરી ગયાં અને આગળ કહ્યું : “હું નવી નવી સંસ્થામાં આવી હતી. હૉસ્પિટલ માટે મારે રૂપિયા પાંચ હજારની ખરીદી કરવાની હતી. મેં મંજૂરી માંગી. ડૉ. ભરતભાઈ, ચૅરમૅન છતાંયે મારી સામેની ખુરશીમાં બેસીને વાત કરે. તરત જ જવાબ આપ્યો કે તમારે રૂપિયા પચાસ હજારની ખરીદી કરવી હોય ત્યાં સુધી મને પૂછશો નહીં. હવે તું કહે આવી સંસ્થામાં ચીટકી ના રહેવાય તો બીજું થાય શું ?”

આગળનો દોર મેં પકડી લીધોઃ “ભાઈ, જયારે હું કોઈને પચાસ હજારની ખરીદી કરવાની છૂટ આપતો હોઈશ ત્યારે એમ ન સમજવું કે મેં તે વ્યક્તિને ચકાસી નથી. માલતીબેન એકદમ ઝીણું કાંતે. સંસ્થાના પાંચ પૈસાય વેડફાઈ ના જાય એની તકેદારી રાખે. હૉસ્પિટલમાં બિનજરૂરી લાઇટ પંખા ચાલતા હોય તો સ્ટાફની ધૂળ કાઢી નાંખે. આવી વ્યક્તિને જેટલી સત્તા આપીએ એટલું વધારે સારું. એમની પ્રમાણિકતા તો મેં વર્ષોથી માપી લીધેલી છે.

હવે તારા પહેલા પ્રશ્નનો ઉત્તર તું સાંભળી લેઃ “ડૉ. માલતીબેન કેટલો પગાર લે છે ? એ જાણવું છે ને ? એ માટે તારે દુનિયાના ગણિતોની પાર જવું પડશે. એ માત્ર અઢળક આનંદ લઈ જાય છે, પૈસા નહીં. ઉપરાંત લાખો રૂપિયાનું અંગત દાન-માતાપિતાની સ્મૃતિમાં આપી ચૂકયા છે. આગળ સાંભળ, વિલમાં લખ્યું જ છે કે એમના મૃત્યુ બાદ સંસ્થાને દાન આપવું પણ જીવતાંયે આપતા રહેવું એમએ માને છે.”

પેલો યુવાન તબીબ નમી પડ્યો, જીવનનો મર્મ પામી ગયો.

માલતીબેન સ્વચ્છતા, સુઘડતા અને શિસ્તનાં આગ્રહી. પોતાના માટે તો સહજ હતું પરંતુ બીજાને પણ પળાવવાનો આગ્રહી. કયારેક એમની ચીવટ અને ઊંડા ઊતરવાની આદત આસપાસના લોકોને ગમે નહીં પરંતુ એ મક્કમ રહી શકે. કયારેક વ્યવસ્થાપકોએ એમને વ્યાવહારિક થવા વિનંતી કરવી પડે.’

મેં પૂછ્યું : “માલતીબેન, તમારામાં આટલી ચીવટ કયાંથી આવી ? આટલી ચોકસાઈ કેવી રીતે રાખી શકો છો ? મારા માટે પણ આ શીખવા જેવું લાગે છે.” ત્યારે એમણે સરસ વાત કરી. આ સ્વભાવ મને પિતા તરફથી વારસામાં મળ્યો છે. પિતા વાતથી નહીં પરંતુ વર્તનથી પણ શિખવાડતા ગયા છે. ઊંડા ઊતરવાની ટેવ મને થયેલા એક કડવા અનુભવે પાકી કરાવી દીધી.” આંખ બંધ કરી દઈ એ પાંચ દાયકાથી વધુ જૂના પ્રસંગ ઉપર ઊતરી ગયાં.

જ્યારે હું એમ.બી.બી.એસ. થઈ મેડિસિન વિભાગમાં રેસિડેન્સી કરતી હતી ત્યારે અમારા સી.એમ.ઓ.એ અમને એક દર્દી વોર્ડમાં મોકલ્યો. લખ્યું હતું હિસ્ટેરીકલ દર્દી છે. એને એમોનિયા સુંઘાડવો, અમે દર્દીને બે વાર એમાનિયા સુંઘાડયો. દર્દી ભાનમાં ના આવ્યો. મેં જોયું તો દર્દીને ડીપ જોન્ડીસ હતો. જેને સાદી ભાષામાં “કમળી” કહે. એમોનિયાએ વધુ નુકસાન કર્યું. દરદીનું મૃત્યુ થયું. આ પ્રસંગે મને સજાગ કરી દીધી ત્યાર બાદ મેં ઊંડા ઊતર્યા વગર કશું જ નહીં કરવાનો નિર્ણય કરી લીધો. એ નિયમ અવિરત ચાલુ છે, પછી એ દર્દી હોય કે ઑફિસનો કાગળ, અથઃ થી ઇતિ સુધી જોવાનું ! બસ, આ પાઠે જિંદગીને વધુ ચીવટવાળી બનાવી દીધી.”

માલતીબેનની જાગૃતિ માટે મને “વેનીશન બ્લાઇન્ડ” પુસ્તકની થોડી પંક્તિઓ યાદ આવી ગઈ.

રેતીના સમુદ્રમાં હોડી તરતી નથી, એ જાણ્યા વગર, હલેસાં માર્યા કરવાં, એનું નામ, નિદ્રા

 અને

રેતીના સમુદ્રમાં હોડી તરતી નથી, એ જાણ્યા પછી પણ, હલેસાં માર્યા કરવાં, એનું નામ, જાગૃતિ.

– ફરક આટલો જ !

માલતીબેને મને પૂછ્યું : “ભરતભાઈ, હવે એક પગ કબરમાં છે તો ક્યાં સુધી મારી પાસે કામ કરાવશો ?” મારો જવાબ હતો કે “જયાં સુધી બે પગ કબરમાં નહીં જાય ત્યાં સુધી, મારા અથવા તમારા !

4 thoughts on “હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૬

  1. Honesty is the best policy ! It gives us the opportunity to learn! Proud of this organization and people who work tirelessly .. અમે દર્દીને બે વાર એમાનિયા સુંઘાડયો. દર્દી ભાનમાં ના આવ્યો. મેં જોયું તો દર્દીને ડીપ જોન્ડીસ હતો. જેને સાદી ભાષામાં “કમળી” કહે. એમોનિયાએ વધુ નુકસાન કર્યું. દરદીનું મૃત્યુ થયું.

    Liked by 1 person

  2. ડૉ માલતીબેન સ્વચ્છતા, સુઘડતા અને શિસ્તનાં આગ્રહી. પોતાના માટે તો સહજ હતું પરંતુ બીજાને પણ પળાવવાનો આગ્રહી. કયારેક એમની ચીવટ અને ઊંડા ઊતરવાની આદત..અને ‘જયાં સુધી બે પગ કબરમાં …વાત આ સમયમા માની ન શકાય તેવી! ધન્ય ધન્ય

    Like

  3. સ્વાર્થ અને પૈસા પાછળ પાગલ ડોકટરોના અનેક પ્રસંગો સાંભળવા મળે પણ આવા વિરલાઓ પણ હજી આ ધરતી પર છે ખરાં

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s