એક સૈનિકને પ્રેમપત્ર
સાહિત્યની અનન્ય સેવા બદલ પદ્મવિભુષણથી સન્માનિત હરિપ્રસાદ ને મોતિયાનું ઓપરેશન કરાવ્યા પછી પણ બરાબર દેખાતું નહિ. સાહિત્ય પ્રત્યેની તેમની રુચિ અકબંધ હતી પણ લખવા વાંચવાનું સાવ માર્યાદિત થઇ ગયું હતું. તેમના નાનપણના મિત્ર ડોક્ટર સત્યજિતના સરકારી બંગલે તેઓ રોજ સાંજે જતા. કોઈ કોઈ વાર ડોક્ટર તેમને ત્યાં આવતા. સત્યજિત પણ હવે આવતા વર્ષે રિટાયર્ડ થતા હતા. શરીરમાં પણ ઘણી નબળાઈ રહેતી. તેથી ગાંડાઓની આ હૉસ્પિટલમાં કોઈ તેમને ખાસ કામ ચીંધતું નહિ. પણ એક સિનિયર ડોક્ટર હોવાને નાતે બધા તેમનું માન જાળવતા. હરિપ્રસાદ પાસે તો ખાસ કોઈ વાત કરવાની રહેતી નહિ; કારણકે સત્યજિતને સાહિત્યમાં ખાસ કોઈ રુચિ હતી નહિ. અને હરિપ્રસાદને સાહિત્ય સિવાયની કોઈ વાતમાં રુચિ ન હતી. એટલે સત્યજિત દર્દીઓની અને હોસ્પિટલની વાતો કર્યાં કરતા. એક દિવસ સત્યજિતે કહ્યું ” યાર એક બહુ જ વિચિત્ર કેઈસ આજે આવ્યો છે. દર્દી એક સ્ત્રી છે; જેનો પતિ વરસો પહેલા યુદ્ધના મોરચે ઘવાઈને મૃત્યુ પામ્યો છે; પણ તે સ્ત્રી ને જયારે આ વાત કહેવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું ”મને મારા પ્રેમ પર વિશ્વાસ છે. મારો જાનું એમ મરે જ નહિ.’’ પછી કોણ જાણે શું થયું કે તે સ્ત્રી ગાંડી થઇ ગઈ અને હજી પણ એમ જ માને છે કે તેનો પતિ જીવતો છે; અને તે તેને પત્રો લખ્યા કરે છે. જો આ પત્રનો જવાબ થોડા દિવસોમાં ન આવે તો તે એવા તોફાન કરવા માંડે છે કે; તેને સાંકળે બંધાવી પડે છે.” હરિ પ્રસાદે કહ્યું ”પણ મૃત પતિ પત્રનો જવાબ કેવી રીતે આપે?” સત્યજિતે કહ્યું ” એ જ તો વીડમ્બણા છે. અત્યાર સુધી તો કોઈને કોઈ તેનો પ્રત્યુત્તર લખી નાખતું, પણ હવે બધા થાક્યા હશે. એટલે કેઈસ અમારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધો છે.” હરિપ્રસાદે કહ્યું ”પણ એમાં શું મોટી વાત છે? બે ચાર દિવસે એક પત્ર લખી નાખવાનો, તેના પતિના નામે. એટલું જ ને?” સત્યજિતે કહ્યું ”હા; આમ તો એટલું જ. પણ વરસોનાં વરસો સુધી આવું કોણ કરે?” હરિપ્રસાદ કહે ”યાર લેતો આવજે તેના પત્રો. જવાબ હું લખી આપીશ. એમાં શું?” અને આમ જવાબો લખવાનો સિલસિલો શરુ થયો .
પત્રોની ભાષા અને શબ્દોનું ચયન આ પત્રોને એક ઉત્તમ સાહિત્ય કૃતિ જેવા બનાવી દેતા હતા. આ સ્ત્રીના પત્રો વાંચવાની હરિપ્રસાદ ને શરૂ શરૂમાં મઝા આવતી અને તેના પત્રોના જવાબ આપવાની પણ મઝા આવતી. પણ પછી તો આવા પત્રોનો ઇન્તેઝાર રહેતો. થોડા દિવસ નીકળી જાય અને પત્ર ન આવે તો તે સત્યજિતને પુછતા કે પત્ર ભૂલથી તેમની પાસે જ તો નથી રહી ગયો ને? હરિપ્રસાદ કે સત્યજિતે બેમાંથી કોઈએ લગ્ન કર્યા ન હતા; એટલે બીજી કોઈ ખાસ ઝંઝટ ન રહેતી. સત્યજિત પણ કહેતો ”ના યાર એવું કઈ નથી. પણ હવે તે થોડા જ દિવસની મહેમાન છે. ઘણી બીમાર રહે છે; એટલે લખી શકતી નથી.”
આખરે ઘણા દિવસ પછી સત્યજિતે હરિપ્રસાદના હાથમાં એક પત્ર મુક્યો અને કહ્યું ”લાગે છે આ તેનો છેલ્લો જ પત્ર હશે. હવે તો તેના છેલ્લા શ્વાસો ગણાય છે. કોઈ જ જાતની ઓળખાણ કે ક્યારેય જેને મળ્યા પણ નથી એવી વ્યક્તિની આવી અવસ્થાની વાત સાંભળી હરિપ્રસાદ ઉદાસ થઇ ગયા. તેમણે પત્ર લઈને બાજુ પર મુક્યો. પછી તો અલકમલકની ઘણી વાતો થઇ અને પોતાના નિત્ય સમયે હરિપ્રસાદ પોતાને ઘરે જવા નીકળ્યા. ઘરે પહોંચી હાથ પગ ધોઈ સહેજ આરામ કરવાના ઈરાદે પત્ર લઈને આડા પડ્યા. પણ પત્ર વાંચતા જ સફાળા બેઠા થઇ ગયા.
પત્ર કંઈક આ મુજબ હતો
માય ડીયર જાન. જાન એટલા માટે કે તું જ મારો જીવ છો. તું નથી હોતો ત્યારે હું; હું નથી હોતી. તને ખબર નથી કે મેં તને જ્યારનો જોયો છે; ત્યારની હું મારી જાતને ભૂલી ગઈ છું. તેમાં પણ જ્યારથી તેં મારા પ્રેમનો સ્વીકાર કર્યો છે, ત્યારની તો હું તારી અંદર ખોવાઈ ગઈ છું. તું ભલે મારાથી દૂર છે, છતાં આજે પણ તારા પ્રેમની ખુશ્બૂ મહેક બનીને મારા અંગ અંગમાં સમાઈ જાય છે. એકે એક રગમાં પ્રસરી જાય છે. તારી લાગણીની ઝાકળ મારી અંદર ભળી જતા હું આખેઆખી ભીંજાઈ જાવ છું. અને પછી મારુ અંગેઅંગ પુલકિત થઇ જાય છે. મને એમ હતું કે હું તને બહુ જ પ્રેમ કરું છું. પણ મને આજે ખબર પડી કે તારા પ્રેમની આભા પાસે તો સૂર્યના તેજ પણ ઝાંખા પડી જાય છે. અને તારાથી દૂર હોવા છતાં તારા વિયોગમાં બધા જ દુઃખો ભૂલી જઈ તારા જ પ્રેમમાં ખોવાઈ જાવ છું. મેઘધનુષ્યના સાતેય રંગો, તારા પ્રેમના એક જ રંગ પાસે ફિક્કા પડી જાય છે. અને હું એજ રંગ થી રંગાઈ જાવ છું.
આજે પણ રણમાં પડેલ વર્ષાર્ની બૂંદની જેમ મને તારામાં સામાઈ જવાની અદમ્ય ઈચ્છા થાય છે. જયારે પણ મને તારા આવવાનો અણસાર આવે છે; ત્યારે તો હું નાજુક અને નમણી કળીમાથી સોળ વર્ષની ભરપૂર જોબન ધરાવતી સુંદર ફૂલ જેવી બનીને તારા ચરણોમાં ઢળી પડું છું. ખરેખર જાન, પ્રથમ નજરનો મારો પ્રેમ સમગ્ર સૃષ્ટિથી પણ વધારે સુંદર છે. તું મારે માટે ઈશ્વર બનીને આવ્યો છે. અને મને પવિત્ર પ્રેમની દિવ્ય અનુભૂતિ દઈ ગયો છે. દેશની રક્ષા કાજે; ધરતી માતાની રક્ષા કાજે. તું દૂર, મારાથી ઘણો જ દૂર છે; તો પણ મારી છાતી ગજ ગજ ફૂલે છે. મારી જાન ફક્ત મને જ પ્રેમ નથી કરતો; તે તો હસતા ચહેરે બોર્ડર પર જઈ દુશ્મનોના છક્કા છોડાવે છે. જેના હૃદયમાં દેશ પ્રત્યે અને ધરતી માતા પ્રત્યે આટલો બધો પ્રેમ છે; તેને તેની પ્રેમિકા પ્રત્યેતું કેટલો બધો પ્રેમ હશે; તેનો અંદાજ હું લગાવી શકું છું. આજે તારા લીધે કેટલાય શહિદ થઇ ગયેલા સૈનિકોની પત્નીઓ ના તૂટેલા સ્વપ્નોની વેદના ઠરી હશે.
આજે મને ગૌરવ થાય છે કે મેં તને પ્રેમ કર્યો છે. મારા શ્વાસે શ્વાસમાં તારો શ્વાસ ભળી જાય છે, ત્યારે ખુશીઓનો વરસાદ વરસે છે. દૂર બોર્ડર પરથી આવતી તારા બદનની ખુશ્બુ થી મારા અંગેઅંગ પુલકિત થઇ જાય છે. પછી હું તારી તરફ ખેંચાતી આવતી હોય તેવું મને મહેસુસ થાય છે. તારું સામીપ્ય એટલું બધું હોય છે કે જાણે તું મારી પાસે જ બેઠો છે, અને મન ભરીને મને નીરખે છે. અહીં હું તારાથી જોજનો દૂર છું તેવું તેં મને ક્યારેય લાગવા જ દીધું નથી. તારી યાદ માત્રથી મારુ મન ઉલ્લાસથી ભરપૂર થઇ જાય છે. અને આ વહેતી હવા પણ મારા મનની તરસને પીછાણે છે. ઉડતા પંખીઓ જેમ નીલા આકાશને ભરી દે છે તેમ આ વસંત ઋતુ ધરતીને રંગ બેરંગી ફૂલો ખીલવીને દુલ્હન જેવી બનાવી દે છે. જેમ તારો પ્રેમ મારા મુખ પરની લાલીથી મને શણગારી દે છે તેમ. અને આમ જ તારી યાદોમાં મારુ જીવન ખીલેલું રહે છે. માય ડીયર જાન; આઈ લવ યુ. ……… એજ લી. તારી જાનું
ધીમે પગલે અને ઝાંખી નઝરે હરિપ્રસાદ ઉભા થયા. કબાટ ખોલ્યો તેમાં એક સાવ જૂની થઇ ગયેલી ફાઈલ સાવ નીચેથી કાઢી. તેના પાના ખોલતા ખોલતા ભાવવિભોર થઇ ગયા. અને સ્મૃતિઓમાં સરી પડ્યા. કોલેજના દિવસો હતા. પોતે એક ઉત્તમ કવિ અને લેખક તરીકે નામના મેળવે જતા હતા. વૈભવી તેમની દિલોજાન હતી. તે પણ દરેક હરીફાઈમાં હરિપ્રસાદને ટક્કર આપતી અને બીજો ક્રમ પ્રાપ્ત કરતી. બંને એક બીજાને દિલોજાનથી ચાહતા. એક દિવસ માત્ર વિદ્યાર્થીની ઓ માટે આંતર યુનિવસિટી પ્રેમપત્ર લેખન હરીફાઈ યોજાઈ. વૈભવીએ પણ તેમાં ભાગ લીધો પણ તે નહોતી ચાહતી કે તેનો પ્રેમપત્ર બીજા કોઈથી પણ ઉતરતો હોય. તેથી તેણે હરિપ્રસાદને આ પ્રેમપત્ર લખી આપવા કહ્યું અને તે આંતર યુનિવર્સીટી સ્પર્ધામાં પ્રથમ પણ આવ્યો. પછી તો સંજોગો એવા આવ્યા કે તે બંને એક ન થઇ શક્યા. વૈશાલી અન્ય કોઈને પરણીને સાસરે જતી રહી. અને હરિપ્રસાદે આજન્મ લગ્ન ન કરવાની મનમાં ગાંઠ વાળી લીધી આ આઘાતે તેમને જે વેદનાઓ આપી તે સંવેદનાઓમાં પરિવર્તિત થઇ અને તેઓ ઉત્તમ કૃતિઓના સર્જક બન્યા અને પદ્મવિભુષણ જેવો ઈલ્કાબ પણ પામ્યા. પણ વૈશાલીને તેમના હૃદયમાંથી કોઈ પણ રીતે દૂર કરી શક્યા નહિ.
આ એજ પોતાનો જ લખેલો પ્રેમપત્ર આજે આટલા વર્ષોએ ફરીથી પોતાના જ હાથમાં આવ્યો; અને પોતાને જ તેનો જવાબ આપવાનો હતો. પણ તેમને એક આશંકા ગઈ કે આ પાગલ દર્દી ક્યાંક વૈશાલી તો નથી ને? તેમણે સત્યજિત પાસે આ દર્દીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને સત્યજિત તેમને હોસ્પિટલ લઇ ગયો. ત્યારે તે મૃત્ય પામી હતી. તેનો ચહેરો ઉંમરને કારણે ઓળખાય તેવો રહ્યો ન હતો. હરીપ્રસાદે કેઈસ પેપર હાથમાં લીધો અને નામ વાંચ્યું વૈશાલી શર્મા. હરિપ્રસાદના હાથમાંથી પેડમાં ક્લીપથી લગાવેલો પેપર, પેડ સાથે જ છૂટીને નીચે પડ્યો. સત્યજીતે પૂછ્યું ”શું થયું યાર?” ત્યારે હરિ પ્રસાદે માંડીને બધી વાત કરી. એક ઉદાસી સત્યજિતના ચહેરા પર પણ લીપાઈ ગઈ.
ત્યાંથી ઘરે જઈને ડોક્ટર સત્યજિતે એક કબાટ ખોલી તેમાંથી જૂની ફાઈલ કાઢી. એક ખુબ જ જુના વૈશાલીના ફોટાને તાકી રહ્યા; અને પોતાના અવ્યક્ત પ્રેમને પ્રથમ વખત અશ્રુધારા થકી વ્યક્ત કરતા રહ્યા; પણ ત્યારે તે જોવા વાળું ત્યાં કોઈ ન હતું.
—–રેખા ભટ્ટી
‘…પોતાના અવ્યક્ત પ્રેમને પ્રથમ વખત અશ્રુધારા થકી વ્યક્ત કરતા રહ્યા; પણ ત્યારે તે જોવા વાળું ત્યાં કોઈ ન હતું.’ નમ આંખે બરોબર વાંચી ન શકાયું
વાહ સાથે આહ નીકળી ગ ઇ
LikeLiked by 1 person
વૈશાલીને અંતીમ પત્ર વાંચીને માન્યામાં નથી આવતું ક્લોટ વૈશાલી પાગલ હોય! આટલી સરસ ભાષામાં આવો સાહિત્યિક પત્ર એક પાગલ કેવી રીતે લખી શકે?
LikeLiked by 1 person
From: Rekha Bhatti
Date: સોમ, 13 મે, 2019 9:31 AM
Subject: Re: [દાવડાનું આંગણું] Please moderate: “રેખા ભટ્ટીની વાર્તાઓ – ૬”
To: P. K. Davda
મેડમ, આ પત્ર પાગલ વૈશાલી એ નથી લખ્યો કે નથી લખ્યો સાજી સારી વૈશાલી. પણ વર્ષોથી તેની પાસે સચવાયેલો હતો. તેના કોલેજ કાળથી. તે તેણે ડોક્ટર ને આપ્યો હતો Thank you very much for your valuable coment
LikeLiked by 1 person
મનમાંજ ધરબી દીધેલી સરસ પ્રેમકથા છે.
LikeLike
રેખા ભટ્ટીની અત્યાર સુધી વાંચેલી વાર્તા ઓમાં આ વાર્તા સૌથી વધારે ગમી ગઇ. સંવેદના અને નવી જ સામગ્રી ને કારણે. ખૂબ સરસ.
LikeLiked by 1 person