ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી (ઈન્દુલાલ ગાંધી)


 

દિવાળીના દિન આવતા જાણી
ભાદરમાં  ધૂવે  લૂગડાં  ભાણી

માથે હતું  કાળી રાતનું  ધાબુ,
માગીતાગી કર્યો  એકઠો સાબુ,
કોડી વિનાની  હું કેટલે  આંબુ?
રૂદિયામાં  એમ  રડતી  છાની,
ભાદરમાં  ધૂવે  લૂગડાં  ભાણી.

લૂગડાંમાં  એક સાડલો  જૂનો,
ઘાઘરો  મેલો  દાટ    કે’દુનો,
કમખાએ   કર્યો  કેવડો  ગુનો?
તંઈણ   ત્રોફાયેલ   ચીંથરાંને
કેમ        ઝીંકવા       તાણી?
ભાદરમાં  ધૂવે  લૂગડાં  ભાણી.

ઘાઘરો પહેરે ને ઓઢણું   ધૂવે,
ઓઢણું પહેરે ને  ઘાઘરો  ધૂવે,
બીતી બીતી ચારે કોર્યમાં જૂએ,
એના    ઉઘાડા     અંગમાંથી
એનો        આતમો      ચૂવે,
લાખ     ટકાની      આબરુંને
એણે       સોડમાં       તાણી,
ભાદરમાં  ધૂવે  લૂગડાં  ભાણી.

ઊભા   ઊભા    કરે  ઝાડવા  વાતું,
ચીભડાં  વેંચીને   પેટડાં     ભરતી,
ક્યાંથી  મળે   એને   ચીંથરું  ચોથું?
વસ્તર વિનાની અસ્તરી જાતને હાટું
આ પડી  જતી  નથી  કેમ  મોલાતું?
શિયાળવાની  વછૂટતી  વાણી,
ભાદરમાં  ધૂવે  લૂગડાં  ભાણી.

અંગે  અંગે  આવ્યું ટાઢનું તેડું,
કેમ  થાવું   એને  ઝૂંપડી ભેળું?
વાયુની  પાંખ  ઉડાડતી  વેળુ,
ઠેસ  ઠેબા  ગડથોલીયા  ખાતી,
કૂબે  પટકાણી રાંકની    રાણી,
ભાદરમાં  ધૂવે  લૂગડાં  ભાણી.

ઈન્દુલાલ ગાંધી

2 thoughts on “ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી (ઈન્દુલાલ ગાંધી)

  1. . તહેવારોનો માણવાનો માનવ સહજ ઉમંગ તો દરેકને હોય તે સ્વાભાવિક છે. તહેવારોનો હર્ષ પ્રગટ કરવાનું એક માધ્યમ પહેરવાના કપડા છે. કવિ કહે છે કે આ શ્રમજીવી દિકરીને નવા કપડા પહેરવા માટે ન હોય તો જે કપડા છે તેનેજ ધોઇને ફરી પહેરવાના છે. આ રીતે મનને મનાવવાનો પ્રયાસ છે. આવી સ્થિતિમાં સાધન વંચિત દીકરી જીવે છે અને ઝઝૂમે છે. પ્રકૃતિ પણ આ ઘટનાની શાક્ષી બનીને ઊભી છે. સ્થિતિની કરૂણતાનો ચિતાર કવિના શબ્દોથી જીવંત થઇને સામે આવે છે
    સગવડના અભાવની અભિવ્યક્તિ કવિશ્રીએ અસરકારક તથા યાદગાર રીતે કરી છે.

    Liked by 1 person

  2. કેટલી કરૂણ દશા.. ..કેટલું કરૂણ કાવ્ય.. ભલે કાવ્ય છે, પણ ગામડાની ગરીબ શ્રમજીવી એકલી નારીની નરી વાસ્તવિકતા પણ રહેલી છે. ‘આંધળી માનો કાગળ’ કવિતાના કવિનું આ પણ દિલ હલાવી દયે તેવું એક કરૂણ કાવ્ય છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s