પાયલ (ડો. શેફાલી થાણાવાળા)


(આયુર્વેદ ક્ષેત્ર ના નિષ્ણાત ડૉ. શેફાલી થાણાવાળા શરૂઆતનાં દસ વર્ષ મેડિકલ પ્રેક્ટીસ કર્યા બાદ છેલ્લા ૨૦ વર્ષોથી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.  તબીબી શાસ્ત્ર ની સાથે જ સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા ડૉ શેફાલીએ તેમની સાહિત્યયાત્રા ની શરૂઆત કવિતાઓ લખવા થી કરી. એમણે મરાઠી કવયિત્રી હેમા લેલે ના કાવ્યસંગ્રહ “ પ્રિય “ નો ગુજરાતી માં અનુવાદ કર્યો છે જેની બે આવૃત્તિઓ પ્રસિદ્ધ થઇ છે. અહીં ડૉ શેફાલીની  સાચી ઘટનાઓ પર આધારિત ત્રણ લઘુકથાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.‍ – સંપાદક)

 

 

 

 

 

 

 

 

 

પ્રસ્તાવના

આ વાર્તાઓ નથી પણ નાની નાની છતાંય સાચી વાતો,  સાચી ઘટનાઓ છે…

સ્ત્રીઓ વિષે આજ સુધી એટલું બધું લખાયું છે કે મારા જેવી એક સ્ત્રી પાછું કઈક લખે તો એ ખરેખર કેટલી સ્ત્રીઓ સુધી પહોંચશે, કેટલી એ વાંચશે અને એમાંથી કેટલીને એ ગમશે એ આખું ગણિત જરા કઠીન જ જણાય છે. પણ છતાંય મારે સ્ત્રીઓ વિષે લખવું છે.. મારા વિષે.. .આજની સ્ત્રીઓ વિષે ..જે મને મારી બહેનો જેવીજ લાગે છે, તેમના વિષે…  કારણકે મને લાગે છે કે આજ ની સ્ત્રીઓ એ ગઈકાલ સુધીની સ્ત્રીઓની સરખામણીમાં ઘણે અંશે જુદી છે.

આજ સુધી સ્ત્રીઓ વિષે જેટલું પણ લખાયું છે તેમાનું મહદ અંશે પ્રતિબિમ્બિત કરે છે કેવળ તેમની યાતનાઓ, અને તેમને થતા અન્યાયો અને સતામણીઓ, અને શારીરિક અને માનસિક અત્યાચારો. અને સાચેજ, માનવ જાતના કમનસીબે કદાચ વિશ્વનાં મોટા ભાગના સમાજોમાં સ્ત્રીઓએ આ જ અનુભવ્યું છે..

પણ આ બધી ગઈ કાલ ની સ્ત્રીઓ કરતા આજની સ્ત્રીઓ મને વધુ ખુશ, વધુ આનંદિત જણાય છે. આ મારી આજુબાજુમાં રહેતી, વસતી અને શ્વસતી સ્ત્રીઓ – સ્વતંત્ર તો છે પણ સ્વચ્છંદ નથી.. તેઓ કાર્યેષુ મંત્રી છે, ભોજ્યેષું માતા છે, શયનેષુ રંભા પણ છે, પરંતુ  તેઓને ચરણેષું દાસી થવાનું મંજુર નથી, અને એ પરિસ્થિતિ તેઓ ખુબ સહજતાથી ટાળી શકે છે… પોતાનું સ્વમાન અને બીજાઓનું માન જાળવીને..

આ આજની સ્ત્રીઓ પોતાના કહી શકાય એવા આગવા વિચારો તો ધરાવેજ છે પણ એ વિચારોને આચરણ માં મુકવાની સ્વતંત્રતા પણ તેમની પાસે છે. તેમની પાસે કરવા જેવું, મેળવવા લાયક એટલું બધું છે કે તેમને પોતાની પાસે જે નથી તેની સામે જોઈને રડ્યા કરવાનો સમય નથી.

અને મને ડર છે કે જો હું આ આજની આધુનિક અને અવનવા વ્યક્તિત્વો ધરાવતી સ્ત્રીઓ વિષે તમને સહુને ન કહું, ન લખું, તો કદાચ સકારાત્મક અભિગમ ધરાવનારી, પોતાની શરતો પર પોતાની જિંદગી જીવનારી અને છતાંય સ્વજનો અને મિત્રો ને પ્રેમ કરનારી, તેમને સાચવનારી અને તેમને માટે ઘણું બધું જતું પણ કરનારી – આંસુઓ, અન્યાયો અને કેવળ દુઃખોથી ખરડાયેલા સ્ત્રી જાતનાં અંધકારમય ઇતિહાસમાં એક આછી પ્રકાશ રેખા સમી – આજની સ્ત્રીઓથી, કાળનો અનંત પ્રવાહ સાવ અજાણ્યોજ રહી ના જાય..

પણ એક વાત છે… મને આ બધી સ્ત્રીઓ જેટલી અસામાન્ય લાગે છે એટલી એ કદાચ તમને ન પણ લાગે. અથવા તો તમને એમ પણ થાય કે આમાં શું વળી આટલું બધું કહેવા જેવું છે? પણ આ સામાન્ય લાગતા પ્રસંગોમાંથી એકાદમાં પણ તમને કઈ નવું લાગે, જીવનમાં ઉતારવા જેવું લાગે તો હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ અને મારી ને તમારી, આપણા સહુના જીવનમાંની આ નાની નાની વાતો લેખે લાગેલી માનીશ..

પાયલ

ઘણા વર્ષો પહેલા મેં કોર્પોરેટ જગતમાં પદાર્પણ કર્યું ત્યારથી તે આજ સુધી મારો રોજીંદો પ્રવાસ મુખ્યત્વે ખાનગી બસ મારફત જ રહ્યો છે. છેલ્લા દસ વર્ષોમાંનાં આ પ્રવાસ દરમ્યાન સહપ્રવાસીઓ તરીકે મારા પરિચયમાં અનેક લોકો આવ્યા. આમાના કેટલાક સહપ્રવાસીઓ સાથેના મારા સંબંધો ઔપચારિક સ્મિતની આપલેથી શરુ થઇને ઘનિષ્ઠ મૈત્રીમાં પરિવર્તિત થઈ ને આજ સુધી સચવાઈ રહ્યા છે. એવોજ એક સંબંધ એટલે મારી અને પાયલની મૈત્રી, પણ અમારી ઓળખાણ જરા જુદી રીતે થઇ.

સ્ટોપ પર રોજ રાહ જોનારા અનેક સહપ્રવાસીઓમાંની એક અત્યંત આકર્ષક સ્ત્રી એટલે પાયલ. રોજ નવી ફેશનના વસ્ત્રો, અત્યંત છટાપૂર્વક પરિધાન કરીને એક સ્વાભાવિક આત્મવિશ્વાસ સાથે, પોતાનાં રુઆબદાર વ્યક્તિત્વથી જાણે બેખબર એવી, ઓફિસ જવા માટે બસની રાહ જોતી ઉભી હોય, અને હું એનાથી થોડી દૂર ઉભી ઉભી એને જોયા કરું. એક સવારે અચાનક જ આવીને એ મારી સાથે વાત કરવા માંડી “માફ કરજે, પણ મારાથી રહેવાયું નહિ એટલે તને ડીસ્ટર્બ કરું છું… તારો આજનો ડ્રેસ અતિશય સરસ છે, અને એની સાથે તે પહેરેલા મેચિંગ દાગીના પણ. અને તારા ચપ્પલ પણ કેવા સરસ છે..” એ હસી પડી અને બોલી “ અલબત્ત રોજની જેમજ. હું કેટલાય દિવસોથી તને જોઉં છું અને મનમાંજ રોજ તારા વખાણ કરું છું, પણ આજે રહેવાયું નહિ એટલે…” તેની આંખોમાથી  છલકાતી પ્રશંસા તેના શબ્દોને જ પ્રતિબિમ્બિત કરી રહી હતી.

મારો પ્રતિભાવ પણ એના જેવોજ હતો. મેં હસીને કહ્યું “અને હું પણ તને આ જ વાક્યો કહેતી હતી.. રોજેરોજ… પણ મનમાંજ..” અને પાયલ હતીજ એવી. આકર્ષક – અને એના ચહેરા પર સદાય રમતાં રમતિયાળ સ્મિત પ્રત્યે ન આકર્ષાવાનું જરા મુશ્કેલ જ હતું. આમ અમારી વચ્ચે એક ઔપચારિક સંબંધનો સેતુ બંધાયો. એક વખત વાતમાં ને વાતમાં મેં એના કુટુંબ વિષે પૂછ્યું, તો ચહેરા પરથી સ્મિતની એક પણ રેખા ભૂંસ્યા વગર એ બોલી “ હું ડાયવોર્સી છું. એકલી છું અને મારા બે બાળકો સાથે અને મા અને માસી સાથે રહું છું.” પછી જરા અટકીને, હસતી હસતી આંખ મીચકાવતી કહે “કોઈ ન ગમતી વ્યક્તિ સાથે પોતાની આખી જિંદગી બાંધી દેવા કરતા એકલા આનંદથી રહેવું શું ખોટું?” અને આ કહેતી વખતે એણે આંખોમાં ધસી આવવા મથતી વેદનાને એના હોઠો પર રમતા તોફાની હાસ્યથી એકજ ઝટકામાં ઉડાવી દીધી. મેં પણ હસીને તેની આ વાતમાં સાથ પુરાવ્યો, અને તે દિવસથી અમારા બહેનપણા વધુ પાકા થયા.

કેટલાક વખત પછી મને ખબર પડી કે એનો મોટો દીકરો માનસિક રીતે અવિકસિત હતો, નાનપણથીજ સેરેબ્રલ પેરાલીસીસ નામના અસાધ્ય રોગથી પીડિત, અને શારીરિક ઉમર ૧૭-૧૮ વર્ષની હોવા છતાં એની માનસિક ઉમર ૬-૮ મહિનાના બાળક જેટલીજ હતી. ઈશ્વર કૃપાથી નાનો દીકરો બીજા બાળકો જેવોજ, નોર્મલ હતો. મને  આ હકીકત જાણીને ખૂબ આઘાત લાગ્યો, અને ભાવનાનાં ચમકતા સ્મિતની પાછળ છુપાયેલી વિષાદથી ભરેલી એની આંખોનું રહસ્ય સમજાયું. પણ મને  ક્યારેય પણ પાયલની વાતોમાં એના બે દીકરાઓ વચ્ચેના પ્રેમમાં તસુભાર પણ ફરક જણાતો  નહિ. એક દિવસ વાત વાતમાં મને કહે “મારા પતિને માટે માનસિક રીતે વિકલાંગ દીકરા સાથે આખી જિંદગી વિતાવવાનું શક્યજ નહતું, એટલે એ અમને છોડીને જતા રહયા. પણ કંઈ નહિ, ભગવાન અમારી સાથે જ છે. એજ અમારી કાળજી લે છે.” અલબત્ત જે હકીકત કોઈ પણ સામાન્ય વ્યક્તિને માટે ધરમૂળથી હલાવી દેનારી સાબિત થાત, એ પરિસ્થિતિ પાયલ માટેતો રોજની જ હતી, અને એવી પરિસ્થિતિમાં પણ અમારા સહુ કરતા એનો જીવન પ્રત્યેનો અભિગમ કેટલાય ગણો ચડિયાતો હતો!  પૈસે ટકે સદ્ધર હોવા છતાંય આખા દિવસની નોકરી, કારકિર્દીમાં આગળ વધવાની એક ધગશ અને એની સાથેજ આવતી અનેક જવાબદારીઓ સાથે સાથે એક શારીરિક અને માનસિક રીતે સદંતર પરવશ, અને બીજા વધતી વયના ચંચળ બાળકને ઉછેરવાની જવાબદારી એ કોઈ પણ ભાર વગર હસતા હસતા પાર પાડી રહી હતી. ઘણા વખત સુધી ઘરની મૂડી અને વ્યાજની આવકથી ઘર ચલાવ્યા બાદ ઉમરના બેતાલીસમેં વર્ષે પાયલે અતિશય સ્પર્ધાત્મક એવા કોર્પોરેટ ક્ષેત્રમાં જોડવા માટે બે વર્ષનો કોર્સ કર્યો, અને પોતાના આ નવા કાર્ય માં માત્ર ચારજ વર્ષમાં આગળ નીકળી ગઈ. આ હકીકત જાણ્યા પછી તો મારી પાસે પાયલને બિરદાવવા માટે જાણે શબ્દો જ ખૂટી ગયા. મારો તેના વિષે નો અહોભાવ વધતોજ ગયો.

પાયલ આજે પણ મારી નિકટની સખી છે. પોતાના બે દીકરાઓ અને મા સાથે આનંદથી રહે છે. થોડા વખત પહેલા એનાં મોટા વિકલાંગ દીકરાને અતિશય માંદગી ને લીધે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ દુખ જીરવવાનું પાયલ માટે જાણે અસહ્ય થઇ ગયું. દિવસ રાત જોયા વગર એ હોસ્પિટલ માં બેસી રહેતી અને રડતા જીવે ભગવાન ને પ્રાર્થના કર્યા કરતી. અને કદાચ એક માની આર્ત વિનંતીથી દ્રવીનેજ પણ ઈશ્વર કૃપાથી થોડા વખતમાં એનો દીકરો સારો થઇને ઘરે આવી ગયો.

આ પ્રસંગ પછી જ્યારે પાયલે ફરી નોકરી પર જવાનું શરુ કર્યું અને અમને મળી, ત્યારે ઉપરછલ્લી રીતે એ હમેશ જેવીજ હતી પણ એની આંખોમા  હંમેશા ચમકતા સ્મિતની  જગ્યા માંડ માંડ ખાળી રાખેલા આંસુઓએ લઇ લીધી હતી. થોડા દિવસ પછી વળી પાછી પાયલ અદૃશ્ય થઈ ગઈ! એને ફોન કરીને એના દીકરાની તબિયતના ખબર પૂછવાનો મને ઘણી વાર વિચાર આવ્યો પણ અનેક અમંગળ આશંકાઓથી મારું મન ઘેરાઈ ગયું અને હિમ્મત ન ચાલી.

જો કે થોડા દિવસો બાદ ફરી પાયલ મળી ત્યારે ખાસ્સી એવી ખુશ હતી. મેં મનમાંજ નિરાંતનો શ્વાસ ખેચ્યો અને હમેશની જેમ એની સાડીનાં વખાણ કરવાનું શરુ કર્યુ, અને આડકતરી રીતે એના ગેરહાજર રહેવાનું કારણ પૂછ્યું તો ખુશ થઇને મને કહે, “એ તો મારો મોટો દીકરો સારો થઇ જાય એ માટે મેં કચ્છમાં દેવીનાં દર્શનની બાધા રાખી હતી, તે પૂરી કરવા ગઈ હતી.” અને એક માની આંખોમાં જ વસી શકે એવું સ્મિત ફરી એક વાર એની ભીની આંખોમાં ચમકી ઉઠ્યું.

આજે સવારે અમે રોજની માફક ગામના ગપ્પાં મારતાં ઉભા હતાં, ત્યારે અચનાક મને કોણી મારીને થોડા તોફાની હાસ્ય સાથે પાયલ ધીમેથી મારા કાનમાં ગણગણી ને કહે “આપણી આજુબાજુ આ બધી સ્ત્રીઓ જાણે માથા પર આટલો બધો ભાર ઉપાડીને જીવતી હોય એમ કેમ ઉભી છે? જો જરા ધ્યાનથી જો, કોઈનાય મોં પર એક સ્મિતની એક નાની રેખા પણ છે?“ એણે આંખ મીચકાવી, અને અમે બંને જોરથી હસી પડ્યા. આજે એના હાસ્યને આંસુઓની ઝાલર નહોતી કેમકે એની આંખના બંને તારા – એના દીકરાઓ એની હુંફમાં સુરક્ષિત હતા!

10 thoughts on “પાયલ (ડો. શેફાલી થાણાવાળા)

 1. વિકલાંગ , મંદ બુદ્ધિનાં બાળકો ઉછેરવા એ ખુબ માનસિક અને શારીરિક શ્રમ ભર્યું કઠિન કામ છે; અને એકલે હાથે ઉછેરવાં ખરેખર મુશ્કેલ છે! તમારો જીવન પ્રત્યેનો અભિગમ ગમ્યો !

  Liked by 1 person

 2. ડો. શેફાલી થાણાવાળાની સત્યકથા વાંચતા
  મનમા ગણગણવાલાગ્યું વેણીભાઈ પુરોહિતનું ગીત
  તન નાચે પણ મન ના નાચે,પગ નાચે પણ પ્રાણ ન નાચે,
  ભીતરના ઝંકાર વિનાના મઝુમમાં નહીં રાચું રે ઘાયલ!
  લઈ લે પાયલ પાછું…
  પણ આ પાયલની સહજ સુંદર સત્ય કથા અમારા કુટુંબમા અનુભવાયેલી !
  અને અંત ‘એના હાસ્યને આંસુઓની ઝાલર નહોતી કેમકે એની આંખના બંને તારા – એના દીકરાઓ એની હુંફમાં સુરક્ષિત હતા!’ વાચતા નમ આંખે વિભોર થઇ જવાયું

  Like

 3. આજના સ્ત્રીજીવનની સાથે સંબંધ ધરાવતા એક અપરિચિત પાસાને આલેખતી સત્ય પણ હૃદયસ્પર્શી ઘટના. સુંદર વર્ણનશૈલી એક જુદા જ ભાવવિશ્વમાં ખેંચી જાય છે.

  Like

 4. સુંદર વાર્તા, સચોટ, અને મન ને સ્પર્શી ગઈ. કેટલા થોડા શબ્દોમાં બધું કહી દીધું.

  Like

 5. જો બકા પ્રોબ્લેમ તો જીંદગી છે એટલે રહેવા ના જ!
  પ્રોબ્લેમ એ હોવો જોઈએ કે તે કચ્ચી કક્ષાના છે કે નહીં?!
  પાયલ ની જેમ છૂમ છૂમ કરતાં રહીએ ને હસતા રહીએ !

  Like

 6. જો બકા પ્રોબ્લેમ તો જીંદગી છે એટલે રહેવા ના જ!
  પ્રોબ્લેમ એ હોવો જોઈએ કે તે ઊંચી કક્ષાના છે કે નહીં?!
  પાયલ ની જેમ છૂમ છૂમ કરતાં રહીએ ને હસતા રહીએ !

  Like

 7. you have expressed truly difference of earlier ladies problems and new outlook making then independent and “તેઓને ચરણેષું દાસી થવાનું મંજુર નથી, અને એ પરિસ્થિતિ તેઓ ખુબ સહજતાથી ટાળી શકે છે… પોતાનું સ્વમાન અને બીજાઓનું માન જાળવીને..”
  this is theme of your real life story of Payal- very nicely expressed secret of her smile.- as her both child are now well expressing through her Eyes.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s