મને હજી યાદ છે – ૮૭

ટીવી એશિયામાં:૧

બેએક અઠવાડિયાં વીત્યાં હશે. ત્યાં જ પાછો એચ.આર. શાહનો (હવે પછી ‘એચ.આર.’) ફોન આવ્યો. એમણે ફરી એક વાર મને તારીખ, વાર ને સમય આપ્યાં ને કહ્યું કે તમે આવી જાઓ. આપણે કામ શરૂ કરી દઈએ. મારે તો શુકનઅપશુકન જોવાના ન હતા. એટલે હું તો એમણે કહેલા દિવસે ન્યૂ જર્સીના એડીસન શહેરમાં આવેલા ટી.વી.એશિયાના કાર્યાલયમાં પહોંચી ગયેલો.

નોકરી પર પહેલા દિવસે તો બધી ઔપચારિકતા પતાવવાની હોય. તદ્ઉપરાંત, થોડું warming up પણ કરવાનું હોય. એ બન્ને કામ એચ.આરે. પોતે જ કર્યાં. જો કે, મને એમ હતું કે પહેલા દિવસે એચ.આર. મને નિમણૂક પત્ર આપશે. એમાં મારો પગાર લખેલો હશે. મારે શું કામ કરવાનું છે એ પણ લખેલું હશે. પણ, એવું કંઈ ન બન્યું. એમણે મને ટી.વી. એશિયાનાં બધાં units બતાવ્યાં. તદ્ઉપરાંત, મારે જેની સાથે કામ કરવાનું હતું એ સ્ટાફ મેમ્બર્સની પણ ઓળખાણ કરાવી. એ બધામાં પહેલો દિવસ પૂરો થઈ ગયેલો.

સાંજે છએક વાગે હું પાછો ઘેર આવવા નીકળ્યો. રસ્તામાં, મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે એમ, કારમાં મેં ગ્રેટ કોર્સિસની એક સીડી મૂકી દીધેલી. હું ત્યારે લાંબું અંતર ગ્રેટ કોર્સિસનાં લેક્ચર્સના આધારે કાપતો. અત્યારે પણ હું એમ જ કરતો હોઉં છું. પણ, ઘેર જતી વખતે મને રસ્તામાં વિચાર આવેલો કે મારે ટીવી એશિયામાં સાચેસાચ શું કામ કરવાનું હશે? કેમ કે પહેલા દિવસે એચ.આરે. તો મને એ વિશે કશુંજ કહ્યું ન હતું.

મારે એમની સાથે જે પ્રાથમિક વાત થયેલી એ પ્રમાણે મારે એક ગુજરાતી સાપ્તાહિક પર કામ કરવાનું હતું. એચ.આર. પાસે એવું સાપ્તાહિક કાઢવા માટે જરૂરી એવું infrastructure તૈયાર હતું. એ infrastructureમાં એકબે પાસાં ઉમેરવાનાં હતાં. હું એ માટે તૈયાર હતો. એમનો Community Roundup કાર્યક્રમ ત્યારે ખૂબ લોકપ્રિય હતો. આજે પણ છે. આખા અમેરિકામાંથી દક્ષિણ એશિયા સમુદાયના સામાજિક પ્રસંગોની માહિતી એમની પાસે આવતી હતી. એ માહિતીમાંથી કેટલીક માહિતી પસંદ કરીને પ્રિન્ટ મિડિયામાં ફેરવવાની જરૂર હતી. સદ્‌નસીબે મને આ બાબતનો થોડો અનુભવ હતો. જ્યારે ‘સંદેશ’ની વડોદરા આવૃત્તિ શરૂ થઈ ત્યારે હું ‘સંદેશ’માં જોડાયેલો. ત્યારે અમે ડમી આવૃત્તિથી શરૂઆત કરેલી અને લગભગ ત્રણ અઠવાડિયાં અમે એની ડમી આવૃત્તિ કાઢેલી. બધું સમયસર થાય છે કે નહીં એની બરાબર ચકાસણી કર્યા પછી સત્તાવાર રીતે ‘સંદેશ’નું પ્રકાશન શરૂ કરેલું. મારા મનમાં પણ એ જ મોડલ હતું. મને એમ કે હવે આવતી કાલથી મારે એવી કોઈક ડમી આવૃત્તિ શરૂ કરવાની આવશે.

હું બીજા દિવસે ટી.વી. એશિયા પર પહોંચ્યો તો એચ.આર. હજી આવ્યા ન હતા. મારે જે લોકોની સાથે હળીમળીને કામ કરવાનું હતું એ લોકોને પણ ખબર ન હતી કે મારે ખરેખર શું કામ કરવાનું છે. હું મને ફાળવવામાં આવેલા ડેસ્ક પર બેઠો બેઠો ઈન્ટરનેટ પર સમાચાર વાંચવા લાગ્યો. મારે તો સમય જ પસાર કરવાનો હતો. એ દિવસે છેક બપોરે એચ.આર. આવ્યા. મને એમ કે એ હવે મને એમની ઓફિસમાં બોલાવશે ને મારે જે કામ કરવાનું છે એ વિશે વાત કરશે. પણ એવું કશું ન બન્યું. હું એમને મળવા ગયો પણ એ કામમાં હતા. એમણે મને કહ્યું કે “હું હમણાં થોડી વારમાં જ તમારી પાસે આવું છું. આપણે બેસીને તમારે શું કરવાનું છે એની વાત કરીએ.” એચ.આર.નું આ એક જમા પાસું હતું. એ કર્મચારીઓને ભાગ્યે જ એમના કાર્યાલયમાં બોલાવતા. કોઈનું કામ હોય તો ઘણી વાર એ સીધા જ પેલા કર્મચારી પાસે જતા. એ જ્યારે પણ લૉબીમાં થઈને પસાર થતા ત્યારે બીજા બધા કર્મચારીઓ પોતે જાણે કે કોઈક મહાન કામમાં પરોવાયા ન હોય એવો દેખાડો કરતા. મને એ દૃશ્ય જોવાનું ખૂબ ગમતું.

હું પાછો મારા ડેસ્ક પર આવીને એચ.આર.ની રાહ જોવા લાગ્યો. મારી ટેવ પ્રમાણે હું સાથે એકબે નવાં જ ખરીદેલાં પુસ્તકો પણ લઈ ગયેલો. એમાંનું એક પુસ્તક કાઢીને હું વાંચવા લાગ્યો. એમાંને એમાં છ વાગી ગયા. એચ.આર. ન આવ્યા. છ વાગ્યાની આસપાસ ટીવી એશિયાનાં રિસેપ્શનિસ્ટ પણ ચાલ્યાં જતાં. મારું ડેસ્ક એમની પાસે જ હતું. સાંજે ઘેર જતાં પહેલાં એમણે મને હિન્દીમાં કહ્યું કે ચાલો, મારો સમય થઈ ગયો છે. હું જાઉં છું. કાલે મળીએ. મેં કહ્યું કે હું એચ.આર.ની રાહ જોઈ રહ્યો છું. તો જવાબમાં એ હસતાં હસતાં બોલ્યાં, “એચ.આર. તો ગયા. હવે એ કાલે આવશે.” મેં કહ્યું કે પણ એમણે મને કહેલું કે હું હમણાં જ તમને મળવા આવું છું એનું શું? તો એ કહે, “ભૂલી ગયા હશે.”

દેખીતી રીતે જ મારે હવે ત્યાં બેસી રહેવાની કોઈ જરૂર ન હતી. એટલે હું પણ ઘેર આવવા નીકળી પડ્યો. રસ્તામાં મને ઘણા વિચારો આવ્યા. મોટા ભાગના ટી.વી. એશિયાની નોકરી વિશેના. કેમ કે હું એ નોકરીને ખૂબ જ ગંભીરતાથી લેતો હતો. મને એક જ વિચાર વારંવાર આવતો હતો: આ ગાડું કઈ રીતે ચાલશે? કેમ કે હું સિસ્ટમનો માણસ હતો. મને બધું જ સમયપત્રક પ્રમાણે કરવા જોઈએ. એની સામે છેડે એચ.આર. અમુક બાબતોમાં ખૂબ સમયપાલક. બીજી બાબતોમાં નર્યા અરાજક.

 એમ કરતાં હું ઘેર આવ્યો. વરસોથી મને એક (કુ)ટેવ છે. હું રોજ રાતે ઊંઘતાં પહેલાં મારી જાત પાસે એક વાતનો હિસાબ માગતો હોઉં છું. આજે પણ હું એમ જ કરતો હોઉં છું: “આજે તેં શું નવું વાંચ્યું છે?” જો મને એવો જવાબ મળે કે કશું જ નહીં તો હું દેખીતી રીતે જ મારા પર અકળાઈ જાઉં. એ દિવસે પણ એવું જ થયું. મને થયું કે હું સવારે નવ વાગ્યે નોકરી પર ગયો, સાંજે સાત વાગે પાછો આવ્યો. વચ્ચે થોડાંક વ્યાખ્યાનો સાંભળ્યાં. એ સિવાય મેં બીજું કશું જ કર્યું નથી. સમયનો આટલો બધો બગાડ કઈ રીતે ચલવી લેવાય? પછી મેં મન મનાવી લીધું. ક્યારેક આવું થાય. બહુ ચિન્તા ન કરવી.

એ દિવસે, મને મારા દિકરાએ વંચાવડાવેલું એલિઝાબેથ કુબ્લર અને ડેવિડ કેસલરનું On Grief and Grieving પુસ્તક યાદ આવી ગયું. એમાં આ લેખકોએ grief કે lossની પરિસ્થિતિ સામે માણસ કઈ રીતે કામ પાર પાડતો હોય છે એની વાત કરી છે. એ કહે છે કે જ્યારે પણ માણસ grief/lossનો સામનો કરવાનો આવે ત્યારે એ પાંચ તબક્કાઓમાંથી પસાર થતો હોય છે. પહેલો તબક્કો તે નકારનો. આ તબક્કામાં માણસને જગત અર્થહીન લાગતું હોય છે. બીજા તબક્કામાં એને જગત પર, ઈશ્વર પર, વ્યવસ્થા પર ગુસ્સો આવતો હોય છે. ત્રીજા તબક્કામાં એ સોદાબાજી તરફ વળતો હોય છે. એમાં માણસ કહેતો હોય છે: ચાલો, જે થયું તે થયું. પણ હજી આ કે પેલું તો નથી થયું ને? મારા કેસમાં મને એવું થવા લાગેલું કે ભલેને નોકરી ગઈ. આપણી પાસે ગ્રીનકાર્ડ તો છે ને. ચોથા તબક્કામાં માણસ હતાશા અનુભવતો હોય છે. એ દરમિયાન grief/lossની સાતે સંકળાયેલી લાગણી જીવનનાં બધાં ક્ષેત્રોમાં પ્રસરી જતી હોય છે. અને પાંચમા તબક્કામાં માણસ જે તે પરિસ્થિતિનો સ્વીકાર કરી લેતો હોય છે. આભાર મારા દીકરાનો. મને પણ એ દિવસે સમજાયેલું કે હું પણ આમાંના ચાર તબક્કાઓમાંથી પસાર થયો છું અને હવે હું પાંચમા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. એચ.આર.ને કદાચ કોઈક કામ હશે. એટલે એમને વહેલા જવું પડ્યું હશે. મારે એથી દુ:ખી થવાની જરૂર ન હતી. અને આમેય, એમણે ક્યાં કામ આપવાની ના પાડી છે? મેં સ્વીકારી લીધું. જીવનમાં આમ જ હોય. આવું જ હોય.

એના બીજા દિવસે હું રાબેતા મુજબ પાછો ટી.વી. એશિયાની ઑફિસે ગયો. હું દસેક વાગે પહોંચ્યો હોઈશ. મને એમ કે હું વહેલો જઈશ તો વહેલો પાછો આવી શકીશ. એ રીતે મારા ઑફિસના કલાકો પણ ગણાઈ જશે. પણ, હું પહોંચ્યો ત્યારે એચ.આર. આવ્યા ન હતા. તો પણ મેં મારી રીતે એક અઠવાડિક સામયિકની કલ્પના વિચારવા માંડી. એનો લેઆઉટ વગેરે તૈયાર કરવા માંડ્યાં. મને એમ કે એચ.આર. પૂછશે એટલે તરત જ હું એ નમૂના બતાવીશ. પણ, એ દિવસે પણ અમારી વચ્ચે કોઈ મુલાકાત ન થઈ. હું સમય મળે ત્યારે ગાયત્રીબેન પાસે બેસતો. એમને મારા માટે માન હતું. એ Community Roundupના કાર્યક્રમ સાથે સંકળાયેલાં હતાં. પણ, એ ખૂબ કામમાં રહેતાં. એથી હું ક્યારેક એમને મળવા જાઉં તો એમની પાસે દસ પંદર મિનિટ બેસતો. એમણે પણ મને કહ્યું કે એમનેય ખબર નથી કે એચ.આર. સાચેસાચ મારી પાસે શું કામ કરાવવા માગે છે. એ દિવસ પણ એવો જ ગયો. કામ વગર.

પછી શનિ-રવિ આવી ગયેલા. એટલે પાછો હું સોમવારે ટી.વી. એશિયાની ઑફિસે ગયો. એ દિવસે એચ.આરે. મને એક ગમતું કામ સોંપ્યું. એ કામ હતું ટી.વી. એશિયાની વેબસાઈટની નવી ડિઝાઈન વિશે વિચારવાનું. એમણે એ કામ માટે ભારતમાં કોઈક કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો. એ કંપની વડોદરામાં હતી. મેં વેબ ડિઝાઈનના કોઈ કોર્સ લીધા ન હતા. પણ, મને ચિત્રકળામાં રસ હતો. એટલું જ નહીં, અમેરિકા આવ્યા પછી મેં ડિઝાઈનની કળામીમાંસા પર કેટલાંક પુસ્તકો વાંચેલાં પણ ખરાં. એકાદો કોર્સ પણ લીધેલો. એ પણ ઓનલાઈન. તદ્ઉપરાંત, મેં મારા એકબે મિત્રોને એમની કંપનીનાં વેબ પેઈઝ તૈયાર કરવામાં મદદ પણ કરેલી. એ કામ માટે બીજા ત્રણેક દિવસ અમારે મળવાનું હતું. એનો અર્થ એ થયો કે મારે ત્રણેક દિવસ તો કોઈક કામ કરવાનું હતું.

એ અઠવાડિયું એકંદરે સારું ગયું. હું હવે એચ.આર,ની કાર્યપદ્ધતિથી થોડો ટેવાવા લાગ્યો હતો. જો કે, મેં એક વાત નક્કી કરેલી કે કોઈ એચ.આર. વિશે મને સારો કે ખરાબ અભિપ્રાય આપે તો મારે એને ગંભીરતાથી નહીં લેવો. મને પોતાને અનુભવ થાય પછી જ મારે એ વિશે વિચારવું. જો કે, ટી.વી. એશિયાના વેબ પેઈજની એક મુશ્કેલી હતી. એને રોજેરોજ update કરવું પડે. આરંભમાં એવી વાત થઈ જે અમારે વેબ પેઈજ મેનેજરને રોજે રોજ સામગ્રી મોકલવાની અને એ રોજે રોજે એને update કરે. યોગાનુયોગ એ મેનેજર વડોદરામાં રહેતા હતા. પણ, મને એની સામે વાંધો હતો. કેમ કે ટી.વી. પરના કાર્યક્રમો ઘણી વાર ઓચિન્તા બદલવા પડે. એથી ક્યારેક એવું પણ બને કે આપણો કાર્યક્રમ પૂરો થઈ જાય પછી એની જાહેરાત વેબ પેઈજ પર થાય. મેં સૂચવેલું કે વેબ પેઈજની ડિઝાઈન ભલે ભારતમાં તૈયાર થાય. એનું સંચાલન આપણા હાથમાં હોવું જોઈએ અને હું એ જવાબદારી લેવા તૈયાર હતો. પણ, એચ.આર.ને એ વિચાર માફક ન આવ્યો.

આ બધું લખવા પાછળ મારો ઇરાદો બહુ સ્પષ્ટ છે. હું એ બતાવવા માગું છું કે કામ કરવાનું સ્વીકાર્યા પછી પણ મારે કેવી વિચિત્ર પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવેલો. એ માટે હું જવાબદાર હતો કે કોણ એની મને ખબર નથી. જો કે, એ માટે બીજાં પણ પાસાં પણ જવાબદાર હોઈ શકે. હવે મેં આવું બધું વિચારવાનું બંધ કરી દીધેલું. મને સતત સેમ્યુઅલ બેકેટના Waiting for Godotનું એક દૃશ્ય યાદ આવ્યા કરતું. એમાં એક પાત્ર એના ટોપાને પગ નીચે કચડતી વખતે કહે છે કે હું મારા વિચારોની હત્યા કરી રહ્યો છું. મને પણ થતું: મારે પણ એક એવો ટોપો હોત તો કેવું!

ટૂંકમાં, ટી.વી. એશિયામાં મારું ગાડું આ રીતે ગબડતું હતું: પગાર કેટલો મળશે એની મને ખબર ન હતી. મારે કામ શું કરવાનું છે એ હજી નક્કી ન હતું. પણ હું આજ્ઞાંકિત કર્મચારીની જેમ હું રોજ સાઈઠ માઈલ (એટલે કે નેવું કિ.મી.) કાર લઈને જતો અને આવતો.

એ દરમિયાન એક ઘટના બની.

ટી.વી. એશિયામાં અઠવાડિક ન્યૂઝ લેટર તૈયાર કરતાં હતાં એ બહેનને બીજે ક્યાંક નોકરી મળી ગઈ. એટલે એ ચાલ્યાં ગયાં. એચ.આર. મને કહે: “તમે આ ન્યૂઝ લેટર તૈયાર કરો.” મને એ ન્યૂજ લેટર વિશે કશીજ ખબર ન હતી. એચ.આર. એવું માનતા હતા કે બધું જ કામ બધાંને આવડવું જોઈએ. હકીકતમાં, એ માટે એક ઓન લાઈન સોફ્ટવેર હતું. પણ, એમાં ઘણી જગ્યા કોરી રહી જતી હતી. મેં એચ.આર.ને એને બદલે બીજું સોફ્ટવેર વાપરવાનું કહ્યું. એમણે કહ્યું: તમારે જે કરવું હોય તે કરો. મારે તો ન્યૂજ લેટર તૈયાર જોઈએ.

એ ન્યૂજ લેટર તૈયાર કરવાનું આખું માળખું પણ સમજવા જેવું છે. એક વ્યક્તિ મને કઈ સામગ્રી ન્યૂઝ લેટરમાં જવી જોઈએ એની યાદી આપે. બીજી વ્યક્તિ મને એ આઈટમના ફોટા મોકલે. ત્રીજી વ્યક્તિ એ ફોટા નાનામોટા કરી આપે. ચોથી વ્યક્તિ એ ફોટાઓની લાઈનો લખી આપે. પાંચમી વ્યક્તિ- અર્થાત્ હું – એની ડિઝાઈન તૈયાર કરે અને પછી એને એચ.આર. પાસે મંજુર કરાવે. પછી એ બધાંને મોકલે. આ પાંચ વ્યક્તિઓમાંની એક જ વ્યક્તિ, અને તે હું, બધું સમયસર થવું જોઈએ એવું માનતી. ક્યારેક સામગ્રીની યાદી મોડી મળે. પછી ફોટા કેટલાક વહેલા આવે. કેટલાક મોડા. પછી ફોટાની લાઈનો લખનાર સમય હોય ત્યારે લખે અને આપણને ગોળ ગોળ ફેરવે. લાચારીનો ભાવ બતાવીને કહે: અભી તો ઇતના કામ હૈં. હજી એક વ્યક્તિ રહી ગઈ. એનું કામ ટીવીના કાર્યક્રમો બરાબર ચેક કરવાનું. એ વ્યક્તિ પણ ઘણી વાર ઓફિસમાં ન હોય. એટલે એમને શોધવા માટે અહીંથી ત્યાં દોડવું પડે. ક્યારેક એ રસ્તામાં મળી જાય તો પ્રેમથી કહે, “બાબુજી, થોડી દેર કે બાદ આના.” પછી, બાબુજી થોડી દેર કે બાદ એની ઓફિસમાં જાય ત્યારે એ ત્યાં ન હોય. એ ક્યારેક વહેલાં ઘેર જતાં રહ્યાં હોય તો મારે એટલા જ કામ માટે બીજા દિવસે સાઈઠ માઈલ જવું પડે ને સાઈઠ માઈલ આવવું પડે.

આવું ત્રણેક અઠવાડિયાં ચાલ્યું હશે.

શરૂઆતમાં તો મને ન્યૂઝ લેટર અપલોડ કરવામાં પણ મુશ્કેલીઓ પડતી હતી. એ માટે અમે જે કંપનીની સેવાઓ લેતા એ કંપનીનું સોફ્ટવેર પીડીએફ ફાઈલ ન’તું સ્વીકારતું. એટલે મારે આખો ન્યૂઝ લેટર image ફોર્મમાં મોકલવો પડતો. જ્યારે image ફોર્મમાં મોકલીએ ત્યારે ઘણી વાર કેટલાંક લખાણો વંચાતાં નહીં. એ લખાણો ફોન પર ચેરાઈ જતાં.

ચારેક અઠવાડિયાં આમને આમ ચલાવ્યે રાખ્યું. પછી એક દિવસ એચ.આર. મને કહે: બાબુભાઈ, હમણાં તમે પાર્ટ ટાઈમ આવો. આ ન્યૂઝ લેટરનું કામ કરો. પછી આપણે બીજો પ્રોજેક્ટ હાથમાં લઈશું ત્યારે તમને ફૂલ ટાઈમ કરીશું.

એ વાક્યો સાંભળતાં મને લાગેલું કે  કોઈકે મારું અરધું આકાશ કાળા રંગથી રંગી નાખ્યું છે. એ હવે ક્યારેય ઉજળું થવાનું નથી. તો પણ મેં આગળ લખ્યું છે એમ, હું હવે સ્વીકારના mode પર હતો. મેં સ્વીકારી લીધેલું કે મારે આ રીતે જ જીવવાનું છે.

મેં એચ.આર.ને કશું જ કહ્યું નહીં. ઘેર આવીને મેં રેખાને વાત કરી. રેખા કહે: તારે પોકેટ મની નીકળે એટલું ઘણું. બાકીનું બધું હું ફોડી લઈશ. તું ચિન્તા ન કરતો.

એ રાતે હું એક ડૂચા જેવો બનીને પડી રહ્યો. ચૂપચાપ. અર્થ વગરનો.

 

 

1 thought on “મને હજી યાદ છે – ૮૭

  1. ‘ મારું અરધું આકાશ કાળા રંગથી રંગી નાખ્યું છે. એ હવે ક્યારેય ઉજળું થવાનું નથી’ આ જલદી ઉજળું થાય તેની રાહ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s