લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૮


ગુજરાતની પ્રખ્યાત વાવો અને તળાવો

ગુજરાતમાં સોલંકીકાળમાં અને મોગલ સલ્તનતના સમયમાં જળાશયો તળાવો અને વાવો બંધાવવાની પરંપરા રહી હતી. લશ્કરની અવરજવરને અને પ્રજાની જરૃરિયાતને ધ્યાનમાં રાખી નગરોમાં અને મારગ માથે આવા તળાવો બંધાવ્યાંના ઐતિહાસિક ઉલ્લેખો મળી આવે છે. કચ્છનું નારાયણ સરોવર, સિધ્ધપુરનું બિંદુ સરોવર અને ડાકોરના ગોમતી તળાવ સાથે ધાર્મિક શ્રધ્ધા જોડાયેલી જોવા મળે છે, ત્યારે કેટલાક તળાવો સહેલગાહો માટે પણ બંધાયાં હતાં. આવું એક તળાવ સલ્તનત સમયમાં મહમુદ બેગડાએ બંધાવ્યું હતું જે આજે ‘વડાતળાવ’ તરીકે જાણીતું છે.

પાટનગર તરીકે ચાંપાનેર (જે આજે વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન પામ્યું છે)નું નિર્માણ હાથ ધરતી વખતે મહમુદ બેગડાએ સમૃધ્ધ ચાંપાનેરને શુદ્ધ પાણી પૂરું પાડવા તથા જળવિહાર- નૌકાવિહારના બેવડા આનંદ માટે વડાતળાવનું નિર્માણ કરાવ્યું હતું. પ્રાચીન ચાંપાનેર શહેરના પૂર્વ સિમાડે લગભગ સો એકરના ક્ષેત્રફળમાં પથરાયેલું આ સરોવર ખૂબજ રળિયામણું છે. આ સરોવરમાં શુદ્ધ પાણીનો જથ્થો સચવાઈ રહે તે માટે કરડ નદીનો કેટલોક જળપ્રવાહ તેમાં વાળવામાં આવેલો છે, જેથી વિશાળ સરોવર પાણીથી ભર્યુંભર્યું રહે છે. વડાતળાવની ઉત્તર બાજુના કિનારા પર શાહી પરિવાર માટે હવા ખાવા તથા આનંદપ્રમોદ માટેનો બે માળનો જળમહેલ તથા તેની નજીક સુંદર ખજૂરીની મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સરોવરની ઉત્તર તરફની પાળ ઉપર કબૂતરખાનાં જેવાં પ્રાચીન સ્થાપત્યો આવેલાં છે. જેમાંનો કેટલોક ભાગ ખંડેર હાલતમાં નજરે પડે છે. ચાંપાનેરના માનવસર્જિત તળાવોનો ઓવારા જોવા મળે છે જયારે વડાતળાવમાં ઓવારા નથી. કેટલાક તળાવો ઉભરાય ત્યારે વધારાનું પાણી વહી જવા માટે પરનાળો રાખેલી હોય છે, પરંતુ આવી કોઈ પદ્ધતિ ચાંપાનેરના તળાવોમાં જોવા મળતી નથી. વડાતળાવ ઉપર શાહી આરામગૃહ બાંધવામાં આવ્યું હતું. તળાવના નામ ઉપરથી બાજુના ગામનું નામ પણ ‘વડાતળાવ’ પાડવામાં આવ્યું છે.

મેડી તળાવ :

પાવાગઢ- ચાંપાનેર પર અટકના દરવાજાથી લૂછિયા દરવાજા તરફ પગરસ્તે આગળ વધતાં રસ્તામાં જમણી બાજુએ સોળ બાજુઓ વાળું મેડી તળાવ આવેલું છે. મેડી તળાવ તથા પાવાગઢ ઉપરનું તેલિયું, દૂધિયું તળાવ વગેરે પર ઓવારા બાંધેલા છે. ઓવારાવાળા તળાવોના પાણીનો ઉપયોગ નહાવા-ધોવા તથા પીવાના કામમાં થતો હોવાનું સમજાય છે. ઓવારા વિનાનાં જળાશયોના પાણી ખેતીકામમાં કે જરૃર પડયે બીજા ઉપયોગમાં લેવાતા. મેડી તળાવનો ઓવારો પાકો બાંધવામાં આવેલો છે બાકીના તળાવોનો આકાર કુદરતી નાળાંનો આકાર હોય તેને મળતો અને બંધ પાસે ગોળાકાર રહેતો. ચાંપાનેરના તળાવોના બંધ માટી અને પથ્થરના બનાવવામાં આવેલાં છે. આ બંધોની બંને બાજુએ પથ્થરો અથવા ખડકો હોય છે.

દૂધિયું તળાવ

ચાંપાનેરના પરિસરમાં અંતાપુર, મેડી, તળિયા, વિશ્વામિત્રસર, છાસિયું વગેરે તળાવો આવેલાં છે. એવું જ એક દૂધિયું તળાવ છે. આ તળાવના કિનારા પર ચોખ્ખું પાણી પીવા માટે એક કૂવો ખોદવામાં આવ્યો છે. તે વાવ-કૂવાના પાણીનો રંગ દૂધ જેવો સફેદ હોવાથી તેને લોકો દૂધિયું તળાવ કહે છે. આ તળાવ મહાકાળી માતાના મંદિરની પીઠનું તળાવ મનાતું હોઈ તેમાં ભાવિક ભક્તો સ્નાન કરીને દર્શન કરવા માટે પ્રદક્ષિણાએ જાય છે. તળાવની આસપાસ નાના બજાર જેવું છે. અહીંથી મંદિરના મુખ્ય રસ્તાની શરૃઆત થાય છે. તળાવ ચોતરફે ખૂલ્લું અને પહાડ ઉપર હોવાને કારણે તેનું પાણી બરફ જેવું ઠંડુ રહે છે. સહનશક્તિ વાળા જ શ્રધ્ધાળુઓ તેમાં સ્નાન કરે છે. આ તળાવને લોકો કાલિકા માતાનું માનસરોવર પણ કહે છે.

ચાંપાનેરમાં આજે જોવા મળતાં ભવ્ય ઈમારતોના ખંડેરો તેની   જૂના   કાળની જાહોજલાલીના  પ્રતીક છે. પર્વતની તળેટીમાં વસેલા ચાંપાનેર વિશાળ પરિસરમાં આજથી પાંચસો વર્ષ પૂર્વે સલ્તનત સમયમાં નિર્મિત અનેક મસ્જિદો અને હજીરાઓ (વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન મળ્યું હોવાથી) ભારતભરમાંથી લાખો સહેલાણીઓ અને પ્રવાસીઓને આજે પણ આકર્ષી રહ્યા છે. ચાંપાનેર શહેરની આસપાસ રચાયેલી સુંદર ઈમારતો હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય કલાનો અદ્ભૂત સમન્વય ધરાવે છે. પર્વત પર મહાકાળી માતાનું મંદિર અને તળેટીમાં આવેલાં જૈન મંદિરો આજેય શ્રધ્ધાળુઓને માટે તીર્થસ્થળ બની રહ્યાં છે.

વડોદરાનું  ચંદન  ઉર્ફે સુરસાગર તળાવ

વડોદરા નગર દ્રષ્ટિસંપન્ન મહારાજા સયાજીરાવની તે કાળની જાહોજલાલીનું સાક્ષી બની રહ્યું છે. અમદાવાદની સ્થાપનાની જેમ વડોદરાની સ્થાપના માટે ઇતિહાસકારો બે વાતો કહે છે. પૌરાણિક કથા અનુસાર વિશ્વામિત્ર ઋષિના આશીર્વાદથી વિશ્વામિત્રી નદી કાંઠે અનેક વડલાઓના ઝુંડ પાસે જે ગામ વસ્યું તે વટપુર અર્થાત્ વડોદરા.

અન્ય કથા અનુસાર ચંદન નામના રાજાએ ચંદનવતી નગર વસાવ્યું અને ચંદન તળાવ બંધાવ્યું. વડોદરા ગેઝેટિયર તથા તેના પ્રાચીન ઇતિહાસોમાં લહેરીયુના બહાર ચંદન તળાવનો ઉલ્લેખ છે તેથી તે સુરસાગર તળાવનું પુરોગામી હોવાનું સમજાય છે. ડૉ. આર. ટી. સાવલિયા લખે છે કે સુરસાગર તળાવમાં પાણી ઓછું હોય ત્યારે અંદરના ભાગે દેખાતા હોઈ તેની પુરાવસ્તુકીય તપાસ કરતાં તે વડોદરા અને ચંદનવતીની કથા પર પ્રકાશ પાડે છે. ચંદન તળાવના ઉલ્લેખો ફારસી દસ્તાવેજો અને શિલાલેખોમાં મળે છે. જયારે સુરસાગરના ઉલ્લેખો ગુજરાતી અને અંગ્રેજીમાં મળી આવે છે.

ચંદન તળાવના ઉલ્લેખો બાદશાહ અકબરના જમાનાથી હિ. ૯૮૫-૧૫૭૭ ઈ.સ. થી શરૃ થતાં ફારસી દસ્તાવેજો અને શીલાલેખોમાં જોવા મળે છે. આ ઉલ્લેખો હિ. ૧૧૨૪ ઈ.સ. ૧૭૧૨ અર્થાત્ અઢારમી સદીના પૂર્વાર્ધ સુધી મળે છે. આમ ચંદન તળાવ ઈ.સ.નો સોળમા સૈકાથી ઈ.સ.ના અઢારમાં સૈકાના પૂર્વાર્ધ સુધી જાણીતું હતું એમ આર.એન. મહેતા નોંધે છે. ચંદન તળાવની પાસે જમીન ખરીદીને ઈ.સ.ની અઢારમી સદીના મધ્ય ભાગમાં સુરેશ્વર દેસાઈએ તેનો વિકાસ કર્યો. ત્યારબાદ ચંદન તળાવના નામનો લોપ થયો અને તળાવનું નવું નામાભિધાન ‘સુરસાગર’ તળાવ થયું. આ તળાવનો વિકાસ થયો ત્યારે અગ્નિખૂણાનો કૂવો તૈયાર કરાયેલો. તેમના દસ્તાવેજમાં આ તરફ એક કૂવો બતાવ્યો છે. બીજો કૂવો આ દિશામાં નથી પણ હઠીલા હનુમાન પાસે હોય એમ જણાય છે. તેની ઊંડાઈ બાબતનો કોઈ ઉલ્લેખ દસ્તાવેજમાં નથી. ચંદન તળાવ ગામ બહાર હતું. તેથી કબ્રસ્તાનો, શૈવ તથા નાથ સંપ્રદાયના મંદિરો તેની આજુબાજુ વિકસ્યાં.

ચંદન તળાવમાંથી પરિવર્તન પામેલા સુરસાગર તળાવનો ઉલ્લેખ બોમ્બેગેઝેટિયર વો ૭ માં મળે છે. એવો મલ્હાર રાવના વખતમાં અને તેમને પદભ્રષ્ટ કર્યો ત્યારબાદ અહીં પાળો વ્યવસ્થિત કર્યાના ઉલ્લેખો છે. આ ઉપરાંત સરસિયા તળાવ તરફથી આવતા પાણીના ઓવારા વ્યવસ્થિત કર્યાની નોંધ છે. વર્તમાન સુરસાગર કે ચંદન તળાવ આશરે ૮૦,૦૦૦ ચો. મીટર કદનું લંબગોળ ઘાટનું તળાવ છે. ચોમાસામાં તળાવ ભરાય ત્યારે પાંચ સાત મીટર ઊંડુ હોય છે. સુરસાગર તળાવની મધ્યમાં એક ચોરસ ઇમારત છે. પૂર્વ તરફ મધ્યમાં પ્રવેશ માટે હોય તેવી રચના છે. આ કામ અપૂર્ણ રહ્યું હોય તેમ જણાય છે. સુરસાગર તળાવની પૂર્વ તરફની પાળની નીચે લાંબા ઘાટ છે તેના ન્યાય મંદિર તરફ વાવને લીધે બે ભાગ પડી જાય છે. આ ઘાટ પર કૂવો છે તથા ત્રણેક કમાનો પૂર્વની પાળ નીચે છે. તળાવની દક્ષિણ તથા ઉત્તરની પાળ ઉપર બબ્બે ઘાટ હોવાના નિશાન છે.

તેમાં પાતાળેશ્વર પાસેનો ઘાટ તોડીને પાળથી પુરી દીધો છે જયારે દક્ષિણનો ઘાટ વ્યવસ્થિત રહ્યો છે. ઉત્તર તરફ હાઇસ્કૂલ પાસે મહારાણી ચીમનબાઈ સ્ત્રી સમાજ પાસે ઘાટ છે. તેમાં ન્યૂ એરા સ્કૂલ પાસે ઢાળવાળો અને બીજો પગથિયાં વાળો ઘાટ છે. તથા વચ્ચે અમદાવાદી પોળની બોટીંગ કલબની ઇમારત અને તેની પાસે હાલનું હઠીલા હનુમાનનું સ્થાનક તથા પાળની બહાર નિલકંઠ મહાદેવનું સ્થાનક છે. હઠીલા હનુમાન પાસે ગોળાકાર ઘાટ છે.

અઢારમી સદીનું સરસિયા તળાવ

જૂના વડોદરા શહેરને પાણીનો પુરવઠો પુરો પાડવા આ તળાવ બંધાવાયું હતું. શહેરના પાણી દરવાજાની બહારની જે જમીન છે ત્યાં પહેલાં વરસાદનું પાણી ભેગું થઈને કાંસમાં વહી જતું. આ કાંસમાંથી જુદી જુદી જગ્યાએ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ચાર મોટાં તળાવોનું નિર્માણ કરીને વહી જતાં પાણીને રોકવામાં આવતું. પૂર્વ દિશામાં બનેલા આ તળાવોમાંથી જૂના વડોદરા શહેરને પાણી મળતું હોવાથી એ તરફના કિલ્લાનો દરવાજો પાણી દરવાજો કહેવાવા લાગ્યો. આ ચાર તળાવો પૈકીનું વારસિયા તળાવ જે હાલમાં સરસિયા તળાવ તરીકે ઓળખાય છે ત્યાં કહેવાય છે કે સારસ નામના યોગી રહેતા હતા. તેમના નામ ઉપરથી આજે એ તળાવ સરસિયા તળાવ તરીકે જાણીતું બન્યું છે. તળાવની પાળ પાકી છે. ઓવારા હાથણીવાળા છે. આ તળાવના બહુસ્થળ ઉપર નાની છોબંધી રચના કરીને હવા ખાવા માટેની જગ્યા બનાવવામાં આવી છે. ત્યાં જવા માટે હોડીની જરૃર પડે અથવા તરીને જવાય છે.

સરખેજનું  ઐતિહાસિક  તળાવ

સલ્તનત સમયના સ્થાપત્યની દ્રષ્ટિએ સરખેજનો રોજો શિલ્પ સમૃધ્ધ ગણાય છે. આ રોજાની પાસે સરખેજનું ઐતિહાસિક તળાવ આવેલું છે. જેની બહુ ઓછા લોકોને જાણ છે. મહેમુદ બેગડાએ ઇ.સ. ૧૪૫૧ની આસપાસ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ૨૫૫ મીટર લાંબા અને ૨૧૫ મીટર પહોળા આ તળાવને કાંઠે એક વખત મકાનો હતાં. તળાવમાં ઉતરવા માટેના પથ્થરના પાકાં પગથિયાં છે. તળાવના નૈઋત્ય ખૂણે મહેમુદ બેગડાનો મહેલ તથા તે જમાનાના મકાનો છે. એની સામેની બાજુએ તે જમાનાના મકાનો છે.

તળાવમાં પાણીના આવરા માટેના ગરનાળાં પણ નકશીવાળા કલાત્મક છે.

ડૉ. આર.ટી. સાવલિયાએ તળાવ અંગેની એક દંતકથા નોંધી છે. આ તળાવને શાપિત તળાવ એટલા માટે કહેવાય છે કે સરખેજનાં રોજાનાં મુખ્ય શિલ્પી આઝમખાં અને તેના ભાઈ માઝમખાંએ રોજાના નિર્માણ સમયે પોતાની પ્રતિષ્ઠા વધારવા ખોટી રીતે લોભાઇને રોજાનાં પથ્થરોમાંથી સારા પથ્થરો ચોરીને આ તળાવ તથા પોતાનું અંગત માલિકીનું મકાન બનાવેલું. આ અપરાધને કારણે કુદરતી રીતે આ તળાવમાં પાણી રહેતું નહોતું. પાટણના સહસ્ત્રલિંગ સરોવરમાં પણ જસમાના શાપને કારણે પાણી રહેતું નહોતું આથી બત્રીસ લક્ષણા વીર માયાનું બલિદાન અપાયું હતું. ડભોઈના વડા તળાવ સાથે હીરા કડિયા અને તેની પ્રેમીકાની કથા સંકળાયેલી છે.

1 thought on “લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૮

  1. ‘ડૉ. આર.ટી. સાવલિયાએ તળાવ અંગેની એક દંતકથા નોંધી છે. આ તળાવને શાપિત તળાવ એટલા માટે કહેવાય છે કે સરખેજનાં રોજાનાં મુખ્ય શિલ્પી આઝમખાં અને તેના ભાઈ માઝમખાંએ રોજાના નિર્માણ સમયે પોતાની પ્રતિષ્ઠા વધારવા ખોટી રીતે લોભાઇને રોજાનાં પથ્થરોમાંથી સારા પથ્થરો ચોરીને આ તળાવ તથા પોતાનું અંગત માલિકીનું મકાન બનાવેલું. આ અપરાધને કારણે કુદરતી રીતે આ તળાવમાં પાણી રહેતું ન
    હોતું. ‘ આજે જાણી વાત !

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s