ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૧૪


પ્રકરણ ૧૪શિવાજી અને કંપની ()

૧૬૬૩ના અંતમાં શિવાજી નાસિકની યાત્રાએ નીકળ્યા હોવાના સમાચાર વહેતા થયા. એ જ અરસામાં મોરોપંત ત્ર્યંબકે કેટલાક કિલ્લાઓ સર કરી લીધા હતા અને શિવાજી એમની પણ મુલાકાત લેવાના હતા. યાત્રાનું તો બહાનું હતું; ખરેખર તો એમણે સૂરત પર છાપો મારવાની યોજના બનાવી હતી અને એમણે ચાર હજાર ઘોડેસવારો સાથે ઝડપભેર સૂરત તરફ કૂચ કરી દીધી.

સૂરતની લૂંટ

૧૬૬૪નું વર્ષ શરૂ જ  થયું હતું. ભારે વરસાદ પડતો હતો અને પાંચમી જાન્યુઆરીએ સમાચાર આવ્યા કે શિવાજી સૂરતથી બસ્સો માઇલ દૂર છેથોડી જ વારે સમાચાર મળ્યા કે એમની ફોજ માત્ર દસ માઇલ દૂર હતી અને એકબે કલાકમાં જ સૂરત પહોંચી આવશે.

હજી વરસાદ બંધ થયો જ કે તે સાથે શિવાજીના સૈનિકો (કંપનીના દસ્તાવેજોમાં શિવાજીના સૈનિકોનો ઉલ્લેખ Sevagys – શિવાજીઓતરીકે જોવા મળે છે). સૂરતની ભાગોળે પહોંચી આવ્યા હતા. સૂરતની ફરતે એ વખતમાં કિલ્લેબંધી નહોતી એટલે સૂરતમાં ઘૂસી જવામાં કંઈ તકલીફ નહોતી. મરાઠા ફોજે તરત જ શહેરનો કબજો લઈ લીધો. મોગલોનો હાકેમ ૨૦ હજાર સૈનિકો હોવા છતાં કિલ્લામાંથી બહાર ન નીકળ્યો. મોગલાઈની આ નામોશીભરી હાર હતી. શિવાજીએ એક બાજુથી મોગલ સામ્રાજ્ય સામે અને બીજી બાજુથી બીજાપુર રાજ્ય સામે બાથ ભીડી હતી એટલે એમને ધનની બહુ જરૂર રહેતી. આમાં જાહોજલાલીથી  છલકાતા સૂરત પર એમની નજર ન જાય એ કેમ બને? સૂરત પરનો હુમલો સૌથી વધારે લાંબો ચાલ્યો અને બહુ જ સાહસ માગી લે તેવો હતો

   શિવાજીએ સૌથી પહેલાં તો શહેરના ત્રણ સૌથી ધનવાન આગળપડતા શેઠિયાઓ પર નિશાન તાક્યું: મિર્ઝા ઝાહિદ બેગ, વીરજી વોરા અને હાજી કાસમ. કંપનીના ગવર્નર ઑક્ઝેન્ડેને ૨૮મી જાન્યુઆરીએ લંડન મોકલેલા પત્રમાં જણાવ્યું છે તે પ્રમાણે ઝાહિદ બેગના મકાન અને ફૅક્ટરીના મકાનની એક દીવાલ સહિયારી હતી. રિપોર્ટ કહે છે કે શિવાજીઓ આખી રાત બેગના ઘરમાં રહ્યા અને ઝરઝવેરાત, હીરામોતી, રોકડ બધું ગાંસડીઓમાં એકઠું કરતા રહ્યા. કોઈ પણ ઘડીએ કંપની પર પણ હુમલો કરે એવી દહેશત હતી. કંપનીએ એનાં જહાજો પરથી પણ શસ્ત્રો અને સૈનિકોને બોલાવી લીધા હતા. ઇંગ્લિશ અને ડચ કંપનીઓએ પોતાનો બચાવ સારી રીતે કર્યો. શિવાજીની ફોજે કંપની પર હુમલો કરવાની ભારે કોશિશ કરી પણ સફળતા ન મળી. આ દરમિયાન એક ઍન્થની સ્મિથ સુવાલીથી સૂરત આવ્યો એનેશિવાજીઓએ પકડી લીધો અને  એની પાસેથી સાડાત્રણસો રૂપિયા વસૂલ કરી લીધા અને એને પોતાના માણસ સાથે ફૅક્ટરીમાં મોકલી દીધો અને નજરાણું માગ્યું પણ કંપની મચક આપવા તૈયાર નહોતી. કંપનીએ સ્મિથને તો રોકી લીધો અને મરાઠા સૈનિકને પાછો મોકલવાની સાથે ચેતવણી આપી કે શિવાજી બીજી વાર પોતાનો દૂત મોકલશે તો એની લાશ પાછી મોકલાશે.

શિવાજીને આ લૂંટમાંથી જે રકમ મળી તેના આંકડા જુદા જુદા પત્રોમાં એકસરખા નથી, પરંતુ એક કરોડ રૂપિયા મળ્યા હોવાનો અંદાજ છે. ઇંગ્લિશ કંપનીનો માલ પણ જો એમના હાથમાં આવ્યો હોત તો આ આંકડો બહુ જ મોટો હોત કારણ કે કંપનીની ફૅક્ટરીમાં અઢળક માલ હતો.

સૂરત ફરી વાર ૧૬૭૦ની ૩જી ઑક્ટોબરે શિવાજીનો ભોગ બન્યુંલૂંટમાં બહુ જ મત્તા મળી. પરંતુ કંપનીને સપ્ટેમ્બરની અધવચ્ચે જ સમાચાર મળી ગયા હતા કે એમણે ગુજરાતને મોગલો પાસેથી ઝુંટવી લેવા માટે મુંબઈ પાસે મોટું સૈન્ય તૈયાર કર્યું છે. આથી કંપનીએ સાચું અનુમાન કર્યું કે સૂરત પર ફરી વાર હુમલો કરશે. આ કારણે આ વખતે કંપની પહેલાં કરતાં પણ વધારે તૈયાર હતી અને વધારે મજબૂતીથી પોતાનો બચાવ કર્યો.

શિવાજીની છાપામાર લડાઈઓને કારણે કાયમ અનિશ્ચિતતાનું વાતાવરણ રહેતું. કંપની આનાથી થરથરતી હતી. શિવાજી પોતાના જીવનકાળમાં જ કથોપકથનનું પાત્ર બની ગયા હતા. સૂરતના હુમલા પછી ૧૬૬૪ની ૨૪મી જૂને ઑક્ઝેન્ડેને લખેલો એક પત્ર રસપ્રદ છેઃ

હુબ્બળીમાં લૂંટ

સૂરતમાં કંપની અને શિવાજી સામસામે આવી ગયાં હોવા છતાં શિવાજીના નિશાન પર કંપની નહોતી. ૧૬૭૩ના માર્ચમાં એમણે બીજાપુરનું સમૃદ્ધ શહેર હુબ્બળી લૂંટી લીધું અને અઢળક ધન મેળવ્યું. આ વખતે એમણે વિદેશી કંપનીઓને પણ ન છોડી. જે કંઈ બાકી રહી ગયું તે બીજાપુરની ફોજે લૂંટ્યું. મુંબઈનો ગવર્નર ઑન્જિયર નુકસાનીના વળતર માટે સતત શિવાજી પર તકાજો કરતો રહ્યો પરંતુ, શિવાજીનો એક જ જવાબ હતો કે એમની ફોજે હુબ્બળીમાં અંગ્રેજોનું નુકસાન નથી કર્યું.

આમ શિવાજી અને કંપની વચ્ચેના સંબંધોમાં તડકીછાંયડી આવતી રહી. આમ તો પહેલી લૂંટ પછી ઔરંગઝેબે પણ કંપનીને અને સૂરતના વેપારીઓને કસ્ટમમાં રાહત આપી હતી, પરંતુ મુંબઈમાં શાંતિથી રહેવા માટે શિવાજી સાથે સંબંધો સારા રાખવાનું જરૂરી હતું.

 

શિવાજીનો રાજ્યાભિષેક અને કંપની સાથે સંધિ

કંપનીએ ૧૬૭૩માં જ શિવાજી સાથે સંધિ કરવાની ઑફર કરી હતી પણ શિવાજીએ એનો જવાબ નહોતો આપ્યો. ૧૬૭૪ના માર્ચમાં શિવાજીએ સંધિની વાતચીત આગળ વધારવાની મંજૂરી આપતાં હેનરી ઑક્ઝેન્ડેનને (જ્યૉર્જ ઑક્ઝેન્ડેનનું મૃત્યુ થઈ ગયું હતું).મોકલવામાં આવ્યો. શિવાજી એ વખતે રાયરીમાં હતા (રાયરીને ૧૬૫૬માં શિવાજીએ જીતી લીધું તે પછી એને રાયગઢ નામ આપ્યું અને ત્યાં પોતાની રાજધાની બનાવી). મે મહિનાની ૧૯મીએ ઑક્ઝેન્ડેન રાયરી પહોંચ્યો પણ શિવાજી રાજ્યાભિષેક માટેની તૈયારીઓમાં વ્યસ્ત હતા એટલે ૨૬મીએ એમને મળ્યા. તે પછી છઠ્ઠી જૂને રાજ્યાભિષેક થયો. ક્ઝેન્ડેને કંપની વતી એમને ત્રણ હજાર રૂપિયાનું ઝરઝવેરાત નજરાણા તરીકે ભેટ આપ્યું.

તે પછી સંધિ પ્રમાણે રાજાપુરની લૂંટમાં કંપનીની ફૅક્ટરીને થયેલા નુકસાનનું વળતર આપવા શિવાજી સંમત થયા. ૧૧મી જૂને સમજૂતીઓ પર સહીસિક્કા થયાએના હેઠળ રાજાપુર, કલ્યાણ અને બીજી બે જગ્યાએ ફૅક્ટરીઓ બનાવવાની કંપનીને છૂટ મળી. બન્ને હકુમતોના સિક્કા બન્નેના પ્રદેશમાં ચલણ તરીકે સ્વીકાર્ય બન્યા.

 

શિવાજીનું મૃત્યુ

રાજ્યગાદી સંભાળ્યા પછી શિવાજીને સંધિવાની તકલીફ વધવા લાગી. એમના એક ઘૂંટણ પર સોજો ચડી આવ્યો, પરિણામે સખત તાવ આવ્યો અને ૧૬૮૦ની પાંચમી એપ્રિલે એમનું અવસાન થયું.

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s