તમારાં અહીં આજ પગલાં થવાનાં (ગની દહીંવાલા)


 

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાને ખબર થૈ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોનીય નીચી નજર થૈ ગઇ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થૈ ગઇ છે.

બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થૈ ગઇ છે.

હરીફોય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા ભ્રમર–ડંખથી બેફિકર થૈ ગઇ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી -કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થૈ ગઇ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે; વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું, કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા!
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થૈ ગઇ છે.

1 thought on “તમારાં અહીં આજ પગલાં થવાનાં (ગની દહીંવાલા)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s