પ્રણયગીતો (સરયૂ પરીખ)


પ્રીતનો જુવાળ

પહેલી  પહેલી  પ્રીતનો  જુવાળ,
 મત્ત  ઝરણ  બુંદબુંદનો  ઉછાળ,
 અલકનંદા   આનંદનો    ફુવાર,
  વીજ  વ્હાલપનો  મીઠો ચમકાર.

જો  ઉમંગ  સંગ રંગનો નિસાર,
  હેત   હેલીનો    રુદિયે   પ્રસાર,
   મધુર  મંદમંદ  પમરાતો  પ્યાર,
   કસક  કળીઓને  ઝાકળનો  માર.

રસિક  નયણે  ઈશારા  દિલદાર,
   અલી   આછેરી  ઓઢણી  સંવાર,
મુકુલ ભાવુક  સ્મિતની બહાર,
મદન મોરલીનો  મંજુલ  મલ્હાર.
—–

ઊર્મિલ સંચાર

આવી એક ચિઠ્ઠીમેં મોતીએ વધાવી,
લીટીના  લખાણે મેં આરસી મઢાવી.
જત કાગળ  લઈ  લખવાને બેઠી,
મારી  યાદોને અક્ષરમાં  ગોઠવી.

આજ  અવનીને  સાગરની  રાહ,
લહેર આવેઆવે ને  ફરી જાય.
રૂપ ચાંદનીને આમંત્રી બેઠી,
મારી યાદોને રેતીમાં ગોઠવી.

મારી  ધડકનને  પગરવની જાણ,
નહીં ઉથાપે   મીઠેરી  આણ.
કૂણા કાળજામાં હઠ લઈને બેઠી,
મારી યાદોને નયનોમાં ગોઠવી

સૂના  સરવરમાં  ઊર્મિલ  સંચાર,
કાંઠે કેસૂડાનો ટીખળી અણસાર.
ખર્યાં ફૂલોને લઈને હું બેઠી,
મારી યાદોને વેણીમાં ગોઠવી.

મારા કેશ તારા હાથની કુમાશ,
ઝીણી આછેરી ટીલડીની  આશ.
શુભ સ્વસ્તિક ને કંકુ લઈ બેઠી,
મારી યાદોને આરતીમાં ગોઠવી.
——-

નીતરતી સાંજ

આતુર આંખો રે મારી બારણે અથડાય,
   વાટે  વળોટે   વળી   દ્વારે   અફળાય.

ગાજવીજ   વર્ષા   ને  વંટોળો  આજ,
    કેમ  કરી આવે  મારા  મોંઘેરા  રાજ!

અરે!  થંભોને  વાયરા આગંતુક  આજ,
    રખે    આવે તમ  તાંડવને  કાજ.

મૌન મધુ ગીત  વિના  સંધ્યાનું સાજ,
   ઉત્સુક આંખોમાં  ઢળે  ઘનઘેરી  સાંજ.

વિખરાયાં વાદળાં  ને જાગી  રે  આશ,
    પલ્લવ  ને  પુષ્પોમાં  મીઠી   ભીનાશ.

ટપ ટપ ટીપાંથી હવે નીતરતી   સાંજ,
    પિયુજીના   પગરવનો  આવે  અવાજ.

 

તને યાદ….

કોરી   ધરતી   હસીને   ભીંજાતી,
આ પોયણીની પ્યાસ ના બુજાતી.
રાત  રૂમઝૂમ મલ્હાર રાગ ગાતી,
કાં તને  મારી  યાદ  ન  આવી?

ખેલ ખેલંતા  ખળખળતાં  પાણી,
તેમાં  આશાની  આરત  સમાણી.
ખર્યું  પાન તને  આપે  એંધાણી,
તોય તને  મારી  યાદ ન આવી?

વેણ   ઘૂઘરી   તેં  લોભિલી વેરી,
મેં    ઝાંઝરી   પરોવીને    પેરી.
તેની  વાગી  ઝણકાર  ફરી  ઘેરી,
હા,  તને  મારી  યાદ  ન આવી!

મોહ  દીવાની  વાટ  ધીમી કીધી,
તડપ   હૈયે   દબાવી  મેં  દીધી.
વ્યર્થ  વાયદાની  વાતો શું કેવી,
જોતને  જ મારી યાદ ન આવી!
—–

મલ્હાર

મેહુલા ને અવનીની અવનવી પ્રીત,
માદક ને મંજુલગવન ગોષ્ઠિની રીત.

કળીઓને થાય હવે ખીલું સજી સાજ,
મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ.

ચાતક બપૈયાની ઊંચી રે ચાંચ,
સંતોષે ટીપાંથી અંતરની પ્યાસ.

કણ કણ માટીને મળી એક એક ધાર,
ઓતપ્રોત અંકિત અનોખી રસધાર.

મીઠો તલસાટ સહે મેહુલાનો માર,
ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ.

મને એમ લાગે તું મારો મેઘરાજ,
સૂની સૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ.

મારો મન મોરલો નાચે થનકાર,
જ્યારે તું આવે હું સુણતી મલ્હાર.
******

3 thoughts on “ પ્રણયગીતો (સરયૂ પરીખ)

  1. સુ શ્રી સરયુબેનના કાવ્યોમા ગંભીરતા અને ગમગીની છે …નકારાત્મકતા નથી. તેઓની રચનાઓ હકારાત્મક શક્તિથી ધબકે છે કાવ્યોમાં ભાવુકતાને બિરદાવું છું
    મધુર મંદમંદ પમરાતો પ્યાર,
    કસક કળીઓને ઝાકળનો માર
    સૂના સરવરમાં ઊર્મિલ સંચાર,
    કાંઠે કેસૂડાનો ટીખળી અણસાર.
    ખર્યાં ફૂલોને લઈને હું બેઠી,
    મારી યાદોને વેણીમાં ગોઠવી.
    ટપ ટપ ટીપાંથી હવે નીતરતી સાંજ,
    પિયુજીના પગરવનો આવે અવાજ.
    મારો મન મોરલો નાચે થનકાર,
    જ્યારે તું આવે હું સુણતી મલ્હાર….
    .
    .અમારા જીવનના અનુભવની વાણી!

    Liked by 1 person

પ્રતિભાવ