રેખા ભટ્ટીની વાર્તાઓ -૯


નૃત્યાંગના

તબલાની થાપ અને સારંગીના સુર પર રંભા રોજ મન મૂકીને નાચતી. તેની સત્તર વર્ષની કાયાના અઢારે ય અંગમાંથી છલકાતા જોબનના જામ રસિકોને તેના પગના તળીયા ચાટવા મજબુર કરી દેતા. તેના એક એક ઠુમકામાં અને ઈશારામાં  એટ એટલો નશો હતો કે, તેના કોઠા પર આવનાર મદહોશીમાં ડૂબી જઈને પોતાની જાતને ધન્ય માનતો. તેની દિવાનગીમાં લાળો  ટપકાવનાર પુરુષોનો કોઈ તૂટો ન હતો. તેમાં યુવાનો આધેડો અને વૃદ્ધોનો પણ સમાવેશ થઇ જતો. તેની હરેક અંગભંગીમાં કઈ કેટલાય મર્દોને તેણે પાયમાલ થઇ જતા જોયા હતા. તેના દરેક ઠુમકા પર તેને કરોડો કરોડો દાદ મળતી. તેનું નૃત્ય મોડી રાત સુધી અને ક્યારેક તો પરોઢ સુધી રસિકોને રસાસ્વાદ કરાવતું. તે ભલભલા પુરુષોને પોતાની ટચલી આંગળી પર નચાવતી. મદહોશીમાં મોટા મોટા શહેનશાહો પણ ભાન ભૂલની તેનું કાંડુ પકડી લેતા. તો ક્યારેક થાણેદારનો હાથ તેના રેશમી ઝૂલ્ફોમાં ફરી વળતો. મોડી રાત સુધી શરાબ અને સુંદરીનો આવો નશો ચાલતો. પછી કોઈ કોઈ તો આખી રાત ત્યાં જ પડી રહેતું; તો કોઈકને તેના ઘરવાળાઓ અર્ધ બેહોશીની દશામાં લઇ જતા.

રંભા રોજ મન મૂકીને નાચતી; કેમકે તે એમ માનતી હતી કે, તે તેના પરિવારમાં બધાને ઉપીયોગી થાય છે. આખા ઘરના ભારણપોષણની જવાબદારી તેના પર જ હતી. તેના દેહ પર કંઈ કેટલાય લાલચુ  પુરુષોની લોલુપ દ્રષ્ટિ હતી; પણ તે હંમેશા પોતાની જાતને આવડતથી સાચવી લેતી. તેને પોતાની જાત પર ગર્વ હતો કે તે પોતાના પરિવારને ક્યારેય ભૂખ્યો સુવા દેતી નથી. બાપ દારૂડિયો અને માં ગાંડી, બે નાની નાની બહેનો અને એક સાવ નાનકડો ભાઈ. તેના બાપને લીધે જ તેની માં ગાંડી થઇ ગઈ હતી તેમ તે માનતી હતી. બાકી તો તેની માં નો પણ એક જમાનો હતો.

                પણ જ્યારથી રંભાની માં નુ ગાંડપણ વધી ગયું ત્યારથી રંભાના બાપે તેને અહીં નાચવા મૂકી હતી. પણ એક દિ તો તેના બાપે હદ કરી નાખી. પોતે મરદ હોવા છતાં પોતાની જ પંડની દીકરીને આવા ધંધા કરાવે તેથી રંભાને પોતાની જાત પર શરમ આવતી; કે તેનો બાપ તેને નાચતી જોતો અને ઈશારાઓ કરતો કે ”ઓલા આગળ તારું જોબન ધરી દે. ઈ આપડા ઘરમાં ધનના ઢગલા કરી દેશે.”થુ થુ  કરતા અંતે રંભા રોઈ પડતી. અને તેની બહેનપણી ચમેલીને કહેતી  ”મને શરમ આવે છે, મારા જ આ બાપની નઝર  આગળ, પરાયા મરદની સામે મારા અંગો ખુલ્લા કરી દેતા. પણ ઈ ને જરાય શરમ નથ આવતી.  આને તે બાપ કેવો કે કસાઈ? ચમેલી; જયારે હું હવારમાં કૂવે પાણી ભરવા જાવ સુ ને તંઈ બધા મર્દ સોરે બેઠા બેઠા વાતું કરે સે કે  મારે ઘર્યે આવી છોડી પાકી હોય ને તો, હું એનું ગળું દબાવીને મારા ઘરમાં જ ખાડો ગાળીને દાટી દવ. કોઈને ખબરેય પડવા નો દવ. આવી છોડીયું તો આબરૂના ધજાગરા કરે ધજાગરા.  જીવતી રાખીને હું કરવાનું? આવી છોડીયું તો કજાત કે’વાય કજાત…… મને એમ થાય કે એક મોટો પાણો લઈને બધાયના માથા ફોડી નાખું, ‘ને કવ કે હરામખોરો તમે બધાય તો પસી રાતના ન્યાં હુ કામ ગુડાવ સો? ભૂલી ગ્યા? હજી કાલ રાતે જ ગંધાતા મોઢામાંથી હડકાયા કૂતરાની જેમ લાળ્યું  ટપકતી’તી ઈ? કજાત તો તમે હંધાય સો… તમે.  અને હું પાણી ભર્યા વગર જ ઘર્યે પાછી આવી જાતી. મારો આખો દેહ જાણે લાય લાગી હોય તેમ બળતો હતો. પણ મારા બાપને કાળો નાગે ય આભડ્યો નઈ. ઈ તો હવાર હવાર માં ઉપડી પડે દારૂની ભઠ્ઠીએ અને ધરાઈ ધરાઈને દારૂ ઢીંચે.  ‘ને આખો દિ ઓલી કમુડીના પડખામાં પડ્યો રેય. કામ ધંધો કઈ કરવો નઈ ‘ને બે પૈસા ય કમાવા નઈ.  ચમેલી, મારી માં હતી ને ત્યારે ઈ દાડિયું કરીને અમારું ‘ને મારા બાપનું પેટ ભરતી. પણ જ્યારથી ગાંડી થઇ ગઈ સે ને; ત્યારથી હું એને ઘરની બાર નિહરવા નથ દેતી. આ આપણા ગામના હેવાનો કૂણ જાણે મારી માની  હું  દશા કરે?  મને તો બીક એવી છે કે આ મારો નરાધમ બાપ કાંક પૈસા હાટુ મારી માને વેચી નો દેય. મને ખબર સે; કેટલાય કૂતરાવની નજર મારી માના દેહ પર સે. બાપ તો આખો ‘દી દારૂ ઢીંચીને કમુડીને ન્યાં પડ્યો હોય, એટલે મારે જ મારી માનુ અને મારા ભાઈ બેનનું ધ્યાન રાખવું પડે સે. જો હું રાતે નાચવા નો  જાવ તો મારી માનુ અને ભાઈ બેનનું પેટ કેમ ભરાય?’’

                રંભા વળી બોલી ‘’ચમેલી; પણ હું જ્યારથી નાચવા જાવ સુ ને ત્યારથી આજ લગી જેટલા પણ મરદ આવ્યા સે ઈમા એક મરદ બોવ ફાંકડો સે. મને એવું લાગે સે કે ઈ મારુ બોવ ધ્યાન રાખે, કે મને કોઈ હેરાન તો નથ કરતુ ને? ઈ આવે મારો નાચ જોવા; પણ મને તો એવું લાગે કે ઈ મારુ ધ્યાન રાખવા આવે સે. હું તો મનોમન ઈને ભગવાન જ માંનુ સુ. કુંવારો જ હોય એવું લાગે સે. કાદાચ હું ઈને બોવ વાલી લગતી હઈશ. પણ મારા માટે તો ઈ ભગવાન જેવો જ સે. કારણકે ઈ આવે પસી મને કોઈ હેરાન નો કરી હકે. હંધાય સાનામુના દારૂ ઢીસતા ઢીસતા મારો નાચ જોયા કરે. હા પણ ઈ જયારે નો હોય ત્યારે હું મારી જાતને માંડ માંડ લાળપાડું કૂતરાઓથી બચાવું સુ. પણ મારો બાપ દારૂના પૈસા હાટુ મને વારે વારે ઈની પાંહે જાવાના ઈશારા કરે.”

ચમેલી કહે ”રંભા તું તારી જાતને આવા લાળપાડું કૂતરાઓથી બચાવજે. પણ તું કહે છે તેમ ઓલો ફાંકડો મરદ તારું ધ્યાન રાખતો હોય તો ઈને તો ભગવાને જ મોકલ્યો ‘કેવાય. પણ તું તારા ભાઈ બેન અને માનુ ધ્યાન રાખજે. હું હવે નીકળું. મારા બાપાને ખબર પડહે  કે હું તારે ઘરે આવી ‘તી  તો મને તો મારી મારીને પુરી જ કરી નાખહે. ઈમા તો મારી માં ય આડી નો પડે. હાલ હવે હું જાવ” ચમેલી તો રંભાને ઘરેથી નીકળી ગઈ પછી રંભા સ્વાગત જ બોલી ” તારો બાપે ય કુતરા જેવો જ સે; ઈની તને ક્યાં ખબર સે?”

આઠ નવ દિવસથી રંભા રોજ એના બાપના હાથનો માર ખાતી અને કહેતી ” હું નથ જવાની એવા કુતરાવ આગળ. તમને શરમ નથ આવતી પંડની સોડીને એવા હડકાયા કુતરાવ હામે મેલતા?” પણ નશામાં ધૂત રંભાનો બાપ તો રંભાનો હાથ પકડીને ખેંચીને મારતા મારતા કોઠા સુધી લઇ જાય. ‘ને માથે થી કેતો જાય કે ”જો તું નઈ માને તો તારી મા ને આ હંધાયની હામે સુટ્ટી  મેલી દઈશ. પસી કેતી  નઈ. જોયા કરજે પસી ઈની જે હાલત થાય ઈ.” અને રંભા તેની મા નુ નામ પડતા જ ગરીબડી ગઈ. અને એના બાપની હામે જ  પેલા હવસના ભૂખ્યા વરુ જેવા કમજાતો સામે ઠુમકા મારવા લાગી. અને જંગલી કુતરાઓના મોઢામાંથી ટપકતી લાળું ને જોઈ રહી. રંભા ને આ બધું જરાય ગમતું નહિ પણ તે મજબૂર હતી. હવે તેને આ રોજનું થઇ ગયું અને હવે તો પોતાની માં યાદ આવતા જ તે પોતાની જાતે જ સમયસર તૈયાર થઇ જતી. અને સુરીલા આવજે ગાતી ”રસિક બાલામાં……….. હા… યે…. રે ………. દિલ ક્યુ લાગયા તોસે દિલ ક્યુ લાગયા? જૈસે  રોગ લગયા.”  તેના તીણા અવાજ અને લહેકા પર નશામાં ને નશામાં બધા મદહોશ મરદો ને તે જામ પર જામ ભરી ને આપતી અને આગ્રહ કરી કરી ને પાતી.  બસ પેલા ફાંકડા મરદને ઓછો દારૂ પાતી, કારણ કે જયારે જયારે કોઈ રંભાનું કાંડુ પકડાતું ત્યારે ત્યારે તે રંભાને છોડાવતો. એટલે જ રંભાને થતું કે આ ફાંકડો મરદ મારો નાચ જોવા નહિ પણ મારી રક્ષા કરવા જ આવે છે. તેથી રંભા મનોમન તેને તારણહાર સમજતી.

એક રાત્રે પેલો ફાંકડો મરદ રોજ ની જેમ જ આવ્યો હતો. બધા આતુરતાથી રંભાની રાહ જોઈ રહ્યા હતા. આજે રંભાને આવવામાં થોડું મોડું થયું હતું. કારણ કે રંભા જયારે ઘરેથી નીકળી ત્યારે ચોરા પર ચાર પાંચ જુવાનિયાઓ બેઠા હતા; અને વાતો કરતા હતા કે આજે તો પેલાને ખતમ જ કરી નાખવો છે. રંભાના કાને આ વાત પડતા તે એક મોટા પથ્થર પાછળ છુપાઈ ગઈ. અને સાંભળવા લાગી. એક બોલ્યો ”રોજ જાયે સીયે  જલસા કરવા પણ હરામીનો રંભાને હાથ પણ અડાડવા નથી દેતો. આપણો  ભેરુ હોવા  સતાં આડો પડે સે. આજ તો એને દારૂમાં ઝેર નાખીને પાઇ દેવો સે. ભેરુ રિયો તો હું થ્યું ? આપણ ને જલસા નઈ કરવા દેવાના? અને આમાં  તમારે સંધાયે મારો સાથ દેવાનો સે.” બધા બોલ્યા ”ભલે  હાલો હવે ઓલી રૂપકડી ય આવી ગઈ હશે. હું તો એને જોઈને પાણી પાણી થઇ જાવ સુ.આજ તો સાલીને ઝપટમાં લઇ જ લેવી સે.” બધા એ એકી સાથે કહ્યું ” હા હો અમારે ય ઈ રૂપકડીનો સવાદ તો લેવો જ સે.” અને બધા નીકળ્યા.

  બધાના ગયા પછી રંભા ધડકતી છાતીએ પથ્થરની પાછળથી નીકળી. એને થયું આજ તો નો જ જવાય. કોણ જાણે આ સંધાય આજ મારુ શું કરહે. હું તો  ઘરે વઈ  જાવ. બાપા મારે તો ભલે મારે. પણ આજ તો જવું જ  નથ. અને ઘર તરફ ભાગી. પણ થોડે દૂર જઈને અટકી ગઈ. આ બધાય પેટમેલા  કદાચ પેલો મારો ફાંકડો મરદ છે ઈને જ મારી નાખવાની વાત કરે સે. અને ઈને બસરાને તો કઈ ખબર જ નથ, કે આ એના ભેરુઓના જ પેટમાં પાપ સે. ના, ના, હો; ઈ તો ભગવાનનું માણહ સે. ઈને આમ મરવા નો દેવાય. ઈ તો મને હાસવે (સાચવે) સે. મારે ઈને એના  ભેરુની વાત ઈના કાન  લગી પુગાડવી જ પડહે. અને તે એકદમ પાછી વળી. રંભાને પોતાનું શું થશે તેનું ભાન ન રહ્યુ. અને પહોંચી ગઈ કોઠા પર. અને મંડી એક પછી એક ઠુમકા લગાવવા.

એક પછી એક ઠુમકા લગાવતી પણ તે પેલા ફાંકડા મર્દની સામે નજર રાખતી હતી. જેવો તેના ભેરુએ તેને દારૂનો ગ્લાસ ભરીને આપ્યો કે તરત જ તે ફાંકડાએ તો મુછુંના વળ ચડાવીને ભાયબંધુ હારે ચિયર્સ કર્યું. પણ ત્યાં તો નાચતી નાચતી રંભા તેની પાસે પહોંચી ગઈ. તે મનોમન વિચારતી રહી અને બબડી કે ”જે પોતાને અને ભાયબંધુને જીવ ની જેમ હાચવે સે એને જ આ બધાય નુગરાવ મોતને ઘાટ ઉતારવા બેઠા થયા સે. તેના હાથમાં પણ એક જામ હતો તે લઈને તે પંહોચી ગઈ ઠુમકા મારતી મારતી ફાંકડા મરદ પાસે. અને તેના હાથમાં રહેલો પ્યાલો પોતે લઇ લીધો અને પોતાના હાથમાં હતો તે જામ તેને પકડાવી દીધો અને બોલી ”મારા રાજજા; આજ તો મારા હાથના જામથી જ શરુ કર. જો કેવી લિજ્જત આવે સે.’’ અને આમ કરીને ભાયબંધુએ આપેલો ગ્લાસ ફર્શ પર મુકતા જાણે ઢોળાઈ ગયો હોય તેમ ઢોળી નાખ્યો. અને નાચતા નાચતા જ તેના કાનમાં કહી દીધું કે જે ગ્લાસ તેણે  ઢોળી નાખ્યો છે; તેમાં ઝેર છે અને બીજો ગ્લાસ કોઈ પણ ભાયબંધ આપે તો તે પણ ઝેર વાળો જ હશે માટે પીવો નહિ. આટલું કહીને તે બીજા મર્દો સામે અંગડાઇ કરતી રહી

ફાંકડો મર્દ એકદમ ચેતી ગયો. એટલામાં તેનો બીજો ભેરુ એક બીજો ગ્લાસ તૈયાર કરીને લઇ આવ્યો. ત્યાં સુધી મા તો રંભાએ આપેલો જામ પૂરો થઇ ગયો હતો. પણ આ વિચાર માત્રથી પેલા ફાંકડા મર્દને જાણે અમાસની રાત હોય એવો ઘોર અંધકાર વર્તાવા લાગ્યો. રંભા ફરી પછી ઠુમકા લેતી લેતી પેલા ફાંકડા મર્દ સાથે અથડાણી; એટલે પેલા એ જોયું કે  રંભા તેની અણિયાળી આંખોથી ઈશારા કરતી હતી. એટલે પેલાને થયું કે દાળ માં કૈક કાળું છે. નશા માં હતો તો પણ તે સભાન થઇ ગયો. એટલામાં પેલો ભેરુ દારૂનો ગ્લાસ લઈને ફરીથી આપવા આવ્યો. અત્યારે પણ તેણે  તેમાં ઝેર ભેળવેલું હતું. પણ રંભાએ નાચતા નાચતા તે ગ્લાસને પણ ઝાટકો મારીને ઢોળી નાખ્યો. એટલે ખરેખર પેલા ફાંકડા મર્દને રંભાની  વાત પર વિશ્વાસ આવ્યો. તેને થયું કે ખરેખર દાળમાં કૈક કાળું તો છે જ. અને તે નશામાં લથડિયાં ખાતો ઉભો થયો. અને હમણાં આવું; કરતો બહાર નીકળી ગયો. અને પછી કોઈને પણ ખબર ન પડે તેમ પોતાના ઘરે જતો રહ્યો.

બીજે દિવસે વહેલી સવારે પોલીસની એક વાન પેલા ફાંકડા જુવાનને ત્યાં આવીને ઉભી રહી. અને તેને હાથમાં હાથકડી પહેરાવી દીધી. અને તે કઈ સમજે તે પહેલા પોલીસ ઈન્સ્પેક્ટરે કહ્યું ”જો પેલી છોકરી કેવી થરથર કાંપે  છે? ગઈ રાતે તે તેની ઈજ્જત લૂંટી? તેને ચૂંથી નાખી? તેણે રંભા સામે જોયું. તેના આખા દેહમાં આગ લાગી. તેણે રાડ પાડી, ”તે તું મને જેલની કાળકોટડીમાં પુરાવવા માંગે સે? તેં જ તો મને, ગઈ રાત્રે ઈશારા કરીને બચાવ્યો હતો, અને અત્યારે તું જ મારા પર આવો ખોટો આરોપ લગાવે સે?” પોલીસ ઇન્સ્પેક્ટર કહે ” તારે જે કહેવું હોય તે થાણે પહોંચ્યા પછી  કહેજે.’’ અને પેલો વધારે કઈ કહે, તે પહેલા તો પોલીસે તેને વાનમાં બેસાડી દીધો. પણ તે રંભા સામે નફરતથી જોઈ રહ્યો. અને થું કરી ને થુકતા થુંકતા બબડ્યો ”સાલી નફ્ફટ, તને તો હું જોઈ લઈશ.”  પોલીસ તેને થાણે લઇ ગઈ ‘ને જેલમાં પુરી દીધો. તે કાળકોટડીમાં ધૂવાંફુંવા થતો હતો. તેને સમજાતું ન હતું કે રંભાએ આવું શા માટે કર્યું?

  ”ઈણે જ મને મોતના મુખમાંથી ઉગાર્યો. દગાખોર ભેરુઓથી બસાવ્યો. તો પછી ઈણે જ મારીમાથે આવો આરોપ કીમ લગાડ્યો? હું તો ઈની રક્ષા કરવા હારું રોજ જાતો ‘તો. તો ય આજ ઈણે જ મને આ કાળકોઠડીના હરિયા ગણતો કરી દીધો.”

એટલામાં કોટડીના ચોકીદારે આવીને કહ્યું ”તારી આ મૂછ્યુંના વળને ઓછો કર નીકર મારીમારીને રાબડા જેવો કરી નાખવો પડશે. બોવ મોટું પરાક્રમ કરીને આવ્યો સે તે પાસો. હવે તારો કાળ આવશે ત્યાં લગન તને કોઈ નિહરવા નઈ દેય આંયાથી.” એટલે પેલો ફાંકડો તેના શબ્દો સાંભળીને ધુંવાફુંવા થઇ ગયો. એટલામાં એક બીજા ચોકીદારે આવીને કહ્યુ  ”તને કોઈ સોડી મળવા આવી સે.” પેલાને થયું ”મને કોઈ સોડી મળવા આવી સે? ઈ સોડી ક્યાંક રંભા જ નો હોય?  ઈ જ હોય તો અતારે જ ઇનુ ગળું દબાવી ને આ કાળ કોટડીમાં જ  દાટી દઉં.” અને ખરેખર રંભા જ પેલાની સામે આવીને ઉભી રહી. રંભાને જોઈને તે ખરેખરો ગુસ્સે થઇ ગયો. અને ભરપુર નફરત સાથે તેની તરફ ધસ્યો. ત્યાં જ રંભા વાંહો ફરી ગઈ. અને પેલાએ રંભાની પીઠ પર મારના નિશાન જોયા. એટલે અટકી ગયો. અને બોલ્યો ”મને કાળકોટડીમાં પુરાવ્યા પસી આંયાં હું લેવા મળવા આવી સો?” રંભાએ જવાબ આપ્યો ”તમને તમારા ભેરુ જ મારી નાખવાનું કાવતરું ઘડાતા હતા ઈની મને તો હાવ સેલ્લી ઘડીએ ખબર પડી ‘તી કે ઈમા મારો બાપેય ભળેલો સે. એણે બે હજાર રૂપિયામાં ઈ ઓલ કાળમુખાવને મને વેસી દીધી ‘તી.  ઈ હંધાયે  મને……….”  કહેતા કહેતા રંભા રડી પડી.

ફાંકડાએ ધૂંવાફુંવા થતા કહ્યું ”હું તારા બાપને અને મારા ભેરુઓને કોઈને જીવતા નઈ મેલું.” એટલે રંભા બોલી ”તમે મારા માટે ભગવાન સો. અત્તાર લગી તો તમે મારી રક્ષા કરી; પણ જયારે મેં મારા કાનોકાન હાંભળ્યું કે ઈ બધાય તમારા દારૂના ગિલાસ માં ઝેર નાખીને તમને પાઇ દેવાના સે એટલે મારી ફરજ બને સે કે મારે પણ તમારા જીવતર માટે મારી બલી ભલે ચડાવવી પડે. અને એટલે જ મેં તમને વયા જાવાનું કીધું ‘તું. પણ તમે જેવા ન્યાંથી વયા ગ્યા કે તમારા ભેરુઓને અંદાજ આવી ગયો કે મેં જ તમને ન્યાંથી ભગાડી મેલ્યા સે. અને પેસી તો તરત જ  ઈ હડકાયા કુતરા જેવા નરાધમો મારી ઉપર ટુટી પડ્યા. અને એનો આરોપ તમારી માથે નાખવો, એવી ધમકી પણ મને આલતા ગ્યાં; અને જો હું એમ નો કરું તો, મારી નાની બેનને ………….” કહેતા કહેતા રંભા રડી પડી. અને પછી બોલી ” આતો તમને નો ક્વ તો તમને જ એમ થાય કે હું જ હરામી સુ. પણ હું એવી નથ. આજ ઘરે જઈને હું જ મારા બાપને દારૂમાં ઝેર પાઇ દેવાની સુ. અને પસી મારી માં અને મારા ભાઈ બેનું ને લઈને ગામ સોડીને વૈ ઝાવાની સુ. મારી હાટુ થઈને તમારે આ અંધારી કોટડીમાં ગોંધી રેવું પડશે પણ બને તો મને માફ કરી દેજો.” કહેતી કહેતી રંભા એકદમ તેનું મોઢું સંતાડતી સંતાડતી ત્યાંથી જતી રહી.

ફાંકડો તેને જતી જોઈ રહ્યો અને સ્વાગત બબડ્યોય ખરો ”ભેરુઓએ તો મારા પેટમાં ઘરીને ટાંટિયા પોળા કર્યા. પણ આ રંભાએ તો એની જાત લૂંટાવીને મને બસાવ્યો. મારી ખરી હમદર્દ તો આ માસુમ રંભા સે. હું માં દુર્ગાની સોગંદ ખાઈને પ્રતિજ્ઞા કરું સુ કે જઈ હું આ કાળકોટડીમાં થી બારો નીહરીસ તઈ મારા હંધાય ભેરુ ને વીણી વીણીને મોતને ઘાટ ઉતારીશ. ને તારી આબરૂનો બદલો લઈશ અને પછી જોર થી બોલ્યો ”જય માં દુર્ગા”

ફાંકડા મર્દ વિરુદ્ધ ખાટલો ચાલ્યો. પણ સાક્ષી પુરાવાઓ તેને નિર્દોષ જાહેર કર્યો. જેથી કોર્ટે તેને છોડી મુક્યો. તે પહેલા તેના ભેરુબંધોને પોલીસે પકડી લીધા. એક માત્ર પોલીસ ન પકડી શકી તે રંભાનો બાપ હતો કારણકે તે હવે આ દુનિયામાં ન હતો.

તે રાત્રે છ ઓળાઓ શહેરના રસ્તે ચાલ્યા જતા હતા. તેમાં એક સ્ત્રી સાવ ગાંડા જેવી હતી. બે યુવાન સ્ત્રી પુરુષો હતા અને 2 છોકરીઓ અને 1 નાનો છોકરો હતો.

ઉપરની વાતને 3 વર્ષ વીતી ગયા. ત્યારે એક દિવસ રંભાએ રાત્રે ટીવી પર સમાચાર જોયા કે બળાત્કારીઓને ફાંસીની આપવામાં આવી છે. ત્યારે તે સારંગી કે મૃદંગના તાલ વગર જ નાચવા લાગી. પણ તેનું આ નૃત્ય જોવા વાળામાં માત્ર તેનો પતિ ફાંકડો જ હતો; કારણકે તેની દોઢ વરસની બાળકી ઊંઘી ગઈ હતી અને ભાઈ બહેન તથા માં કઈ બેડરૂમમાં થોડા હોય?.

—–0—-

                                                                                                                                             —–રેખા ભટ્ટી

3 thoughts on “રેખા ભટ્ટીની વાર્તાઓ -૯

 1. નૃત્યાંગના ,મહેફીલ ,શરાબ અને બળાકારની દુનિયાની સરસ વાત અને અંતે ન્યાય…

  Like

 2. પીડીત વ્યક્તિ જો જાતેજ બદલો લ્યે તો નવા પીડીતો ઓછા તો જરૂર થઈ જાય..અને ગુનેગારોને પણ બીક રહે.. ન્યાયના ચક્કરમાં પડે પછી ખરેખર તો વરસોના વરસો નીકળી જાય અને સજાની બીક રાખ્યા વગર નવા ગુનેગારો પેદા થતા જાય.

  સરસ સંદેશો આપતી સરસ વાર્તા..

  Like

 3. દંભી સમાજના જુલમ સામે એકલી ઝઝૂમતી નારીની કથા. તેને આપણે વીરાંગના જ કહેવી પડે તે ચોક્કસ.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s