જયશ્રી ભકતના કાવ્યો અને જયશ્રી મરચંટનો આસ્વાદ

(છેલ્લા ૧૩ વરસથી કેલિફોર્નિયાના Bay Area માંથી ઊઠતો ટંહુકો વિશ્વભરના ગુજરાતીઓને સંભળાય છે. આજે મને જ આશ્ચર્ય થાય છે કે Bay Area માંથી પ્રકાશિત થતાં આંગણાંમાં, આ ટંહુકો કરનારી જયશ્રી ભક્તના પગલાં આટલા મોડા કેમ થયાં? ચાલો “દેર આયે દુરસ્ત આયે”.

ટહુકોમાં પ્રગટ થયેલી સેંકડો કવિતાઓ, ગીતો, ગઝલ અને એમાંની મોટાભાગની રચનાઓના ખાસ પ્રકારના ઓડિયો, આ બધા જયશ્રી ભક્તની નજર નીચેથી પસાર થયા છે, એટલે પદ્ય સાહિત્યનો એનો અભ્યાસ એની કવિતાઓમાં ડોકિયાં કરે તો એમાં નવાઈ પામવા જેવું નથી. – સંપાદક)

(૧)

હવે થાકી ગઈ છું

તારી સાથે લડીને..

જાત સાથે લડીને..

નથી જીતવું

હથિયાર હેઠાં મૂકી દેવા છે

કંઈ જ સાબિત નથી કરવું

કંઈ જ નથી જોઈતું…

કંઈ જ નહીં… હા… હા, કંઈ જ નહીં

બસ, આ મેદાન છોડી દેવું છે!

પણ,

અભિમન્યુ

અને

મારી સમસ્યા

એક જ છે…

– જયશ્રી ભક્તા

આસ્વાદ : જયશ્રી વિનુ મરચંટ

મને ક્યારેક વિચાર આવે છે કે રણછોડે જ્યારે રણ છોડ્યું હશે ત્યારે શું અનુભવ્યું હશે? કોઈ પણ લડત બે વ્યક્તિ, બે દેશ કે બે અલગ વિચારધારા વચ્ચે નથી હોતી. દરેક સંગ્રામ ત્રિપાંખીયો હોય છે કારણ એમાં લડનારાઓ લડતી વખતે માત્ર સામા પક્ષ સાથે નહીં , પણ, પોતા સાથે (બેઉ પક્ષે)પણ એક પ્રચ્છન યુદ્ધ લડી રહ્યા હોય છે. આમ લડતાં લડતાં, એવી કોઈ એક પળ આવી જાય છે આ લડતમાં, કે, ત્યારે જીત, હાર, શસ્ત્રો-શાસ્ત્રો અને દુનિયા પાસે પોતાની ક્ષમતાનો સિક્કો પડાવવો, એ બધું જ અર્થહીન થઈ જાય છે. આ જ કદાચ યુદ્ધ દરમિયાનનો અર્જુનવિષાદ યોગ છે. “બસ, હવે આ મેદાન છોડી દેવું છે” આ પંક્તિમાં અર્જુનવિષાદયોગનું કાવ્યત્વ એની ચરમ સીમા પર પહોંચે છે. પણ, ભાવકના મનમાં ઘર કરી જાય છે આ કાવ્યની છેલ્લી પંક્તિઓ:

“પણ અભિમન્યુ

અને

મારી સમસ્યા

એક જ છે”

અભિમન્યુ મહાભારતના યુદ્ધ સમયે છેલ્લો કોઠો ચક્રવ્યુહનો કેમ તોડવો એ જાણતો નહોતો છતાં કાળચક્રની માંગ પાસે એને ઝૂકવું પડ્યું અને લડવું પડ્યું. એ પણ આટઆટલા મહાવીરો સાથે જ નહીં પણ પોતાની સાથે, એ પણ, સમાંતરે, એક જ સમયે! એને ખબર છે કે એને છેલ્લો કોઠો ચક્રવ્યુહનો કેમ પાર કરવો એનું જ્ઞાન નથી પણ હથિયાર છોડીને ભાગી છૂટવાનો કોઈ Option – વિકલ્પ પણ નથી! એટલું જ નહીં, આ અસહાયતાની લપસણી પર લપસવા સિવાય બીજો આરો પણ નથી. ફરક એટલો જ છે કે અભિમન્યુની મહાભારતની લડતમાં કૃષ્ણની હાજરી સદેહ હતી, પણ આપણા કૃષ્ણ ક્યાં? આ જવાબની શોધનો અજંપો એ જ આ કવિતાનું કૈલાસ શિખર છે.

*

(૨)

તારા પ્રેમની કિંમતમાં

તું તને જ માંગી લે,

તો

ક્યાંથી આપું?

જિંદગી આખી લઈ લે,

પણ તું

મારી એ પળ માંગી લે,

તો

ક્યાંથી આપું?

– જયશ્રી ભક્તા

આસ્વાદ : જયશ્રી વિનુ મરચંટ

રમેશ પારેખ કહે છે કે, “મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે!” આ જ વાતનું અનુસંધાન અહીં આ નાની કવિતામાં ચાર ડગલાં આગળ વધે છે. ભીંજાવાની અને ભીંજવી દેવાની પળો વચ્ચેનો કાચો દોરો એ પણ એક નાજુક ક્ષણ જ છે. આ Fraction of the Second – ક્ષણભંગુર ક્ષણ જ બે પ્રેમીઓને કાચા તાંતણે પણ બાંધેલા રાખે છે.

“મારી એ પળ માંગી લે,

તો

ક્યાંથી આપું?”

એકમેકને પ્રેમની સાબિતી કે કિંમત રૂપે આપવામાં એકમેકનો જીવ સ્વેચ્છાએ આપી દેવો પડે એની લેશમાત્ર પરવા નથી પણ મીરાંની મિરાત, કૃષ્ણ સમી પ્રેમના પાંગરવાની પળ કેવી રીતે આપી શકાય? આ પ્રશ્નાર્થ સાથે દેખીતો અંત પામતી આ કવિતા એક પ્રેમનું અસીમ બ્રહ્માંડનો ઉઘાડ કરતી જાય છે.

*

(૩)

તારી સાથે વાત કરવી

નથી ગમતી

આજ-કાલ.

‘કેમ છે?’

એવું તું પૂછી લઈશ તો ?

હું શું જવાબ આપું?

હું ગમે એ કહું,

પણ મારા અવાજની ધ્રુજારીમાં

જે મારે નથી કહેવું

એ તું સાંભળી જ લઈશ

એટલે જ હું કશું બોલતી નથી..

પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.

કશું પૂછતો જ નથી

બસ, મારો હાથ પકડી લે છે,

અને કહે છે –

મારી આંખો માં જો..!

– જયશ્રી ભક્તા

આસ્વાદ : જયશ્રી વિનુ મરચંટ

“શબ્દોનું વજૂદ છે કે વજૂદહીન શબ્દો?

અર્થોના સમીકરણોમાં અટવાયા અર્થો!”

કહે છે કે ભાષાની આવશ્યકતા સ્નેહ દર્શાવવા માટે કદી જ નથી પડતી. પ્રણયી કે સ્વજનની પીડાને વગર બોલે સમજી શકવાની સંવેદનશીલતા જ્યારે નષ્ટ થાય છે, ત્યારે બેઉ પક્ષે પોતાપણાની હૂંફ આથમે છે. આમ જુઓ તો માત્ર બે વાક્યોના આ કાવ્યમાં વાતની સાદગી એટલી જ છે કે સંબંધોમાં એવી ઘડી પણ આવશે કે પ્રેમીની વેદનાને વૈંકુઠ બનાવવું કે નરક, એની પસંદગીમાં કોઈ લાંબી ફિલોસોફીની જરૂર નથી, બસ, એક નજર, સ્નેહ નીતરતો સ્પર્શ ચૂપચાપ આટલું કહી જવા માટે પર્યાપ્ત છે કે, “મૈં હું ન!”

આ “હું તારી સાથે જ છું”ની સંવેદના એ જ તો છે સપ્તપદીનું નવનીત જે સાયુજ્યના રાધા-કૃષ્ણનો સાચો શૃંગાર છે.

“બસ, મારો હાથ પકડી લે છે,

અને કહે છે –

મારી આંખો માં જો..!”

Advertisements

2 thoughts on “જયશ્રી ભકતના કાવ્યો અને જયશ્રી મરચંટનો આસ્વાદ

 1. ૧ તારી સાથે લડીને..
  જાત સાથે લડીને..
  નથી જીતવું
  હથિયાર હેઠાં મૂકી દેવા છે
  વાહ
  બધા તકલાદી સંબંધોની તકવાદી ગણતરીમાં
  સતત રાખી તકેદારી હવે થાકી ગઈ છું હું !
  ૨ આમ જોઈએ તો બે જ પંક્તિની કવિતા. પણ વિચારીએ તો બે છીપની વચ્ચે એક અણમોલ મોતી. સાચો પ્રેમ એટલે એ અવસ્થા જ્યાં બે જણ એકમેકમાં ઓગળી જાય… ઓગળી ગયા પછી પરત શી રીતે કરી શકાય? હા, મારી જિંદગી માંગે તો આપી દઉં… પણ પ્રેમની એક ‘પળ’ જે આખા ‘જીવતર’થી પણ વિશેષ છે એ શી રીતે આપી શકાય? પ્રેમમાં આપવા- લેવાનું તો ચાલ્યા જ કરતું હોય છે. મોટે ભાગે તો પ્રેમમાં આપવાનો જ મહિમા હોય છે પણ અહીં આપવાની બાબતે અવઢવ કરનારનું પલ્લું ભારે છે ! કવિતા ત્યાં જ બને છે ! સુંદર વાતને સુંદર -માર્મિક રીતે વ્યક્ત કરવા બદલ જયશ્રીબેનને આજે બેવડા અભિનંદન આપવા જ પડે !
  ૩ બસ, મારો હાથ પકડી લે છે,
  અને કહે છે –
  મારી આંખો માં જો..! તારી સાથે વાતના કરું તો દિવસ ખાખ છે,
  દિવસ અધૂરો લાગે જો તારી બકબકના સંભળાય,
  તું અને તારી વાતો મારા જીવનમાં ખાસ છે,
  તારી સાથે કરેલી વાતોની મજા જ કંઈક ખાસ છે.
  જયશ્રી ભકતના સુંદર કાવ્યો
  અને
  જયશ્રી મરચંટનો વધુ સુંદર આસ્વાદ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s