લીના (ડો. શેફાલી થાણાવાળા)


લીના એ મારી સાથે ઓફીસ માં કામ કરતી એક સ્ત્રી. ખરેખર તો મારાથી ઘણી નાની એટલે મને તો છોકરી જેવીજ લાગે. અતિશય સાધારણ અવસ્થામાંથી માંડ માંડ ઉપર આવવા મથતી, રોજ સવારે બેગમાં બપોરનાં ટીફીનની સાથે થોડા શમણાં પણ ભરી લેતી, સતત દોડતી રહેતી ટ્રેનોની સાથે શરત લગાવતી અને રોજ હારતી રહેતી મુંબઈ મહા નગરની અનેક મધ્યમ વર્ગની સ્ત્રીઓ જેવીજ એક એ પણ.

એક ઓરડીનાં નાના અમથા ઘરમાં સાસુ સસરા અને  પતિ સાથે રહેતી હોવા છતાંય લીનાનાં ચહેરા પર હમેશા એક હાસ્ય છવાયેલું રહેતું, અને વર્તનમાં સવારથી માંડી ને છેક સાંજ સુધી ઉત્સાહ. લીનાની આ વાત ને લીધે એ મને ઘણી ગમતી. રોજ સવારે બધી રસોઈ કરી ને ઘરકામ પતાવી ને સાસુ સસરાનું જમવાનું ઢાંકીને શ્વાસ હેઠો મુક્યા વગર ઓફીસમાં પહોંચવાની મથામણમાં  ટ્રેનમાં ઉભી રહી ને કોઈ ને કોઈ પુસ્તક વાંચ્યા કરે, અને મારી સાથે એના વિષે વાત પણ કરે.

આમ તો પતિ અને સાસુ સસરા સાથે એક સામાન્ય જીવન વિતાવતી લીના માટે સૌથી વધુ મહત્વની ક્ષણ એ હતી જયારે તેને ખબર પડી કે તે મા બનવાની છે. પોતાના ટૂંકા અને પતિનાં અનિયમિત પગારમાં ઘર ચલાવતા ચલાવતા પોતાની જેટલી લેવાય તેટલી કાળજી લઇને લીનાએ આ નવ મહિના ખુબ આનંદમય પ્રતીક્ષામાં વિતાવ્યા. પોતાની સગવડ પ્રમાણે ખોળો ભરવાની વિધિ પણ પ્રેમથી પાર પાડી. એક ઔપચારિકતા માટે એણે અમને ઓફીસની સ્ત્રી સહકર્મચારીઓને પણ ખોળો ભરવાની વિધિ માટે આમંત્રણ આપ્યું, પણ બીજા મોટા ભાગના આમંત્રણોની જેમજ આ આમંત્રણ માટે પણ અમે બધાએ થોડા થોડા પૈસા ભેગા કરીને એને માટે નાની સરખી ભેટ લઇ ને મોકલાવી દીધી. આમ પણ ઓફીસમાં અપાતા આમંત્રણો ખરેખર સ્વીકારીને, સતત હાંફતા રહેતા આ મહાનગરના એક દૂરના ઉપનગરમાંથી છેક બીજા છેડે આવેલા ઉપનગર સુધી કોઈ લાંબુ થાય એ શક્યતા આમ પણ નહીવત જ હોય છે.

હું આ બધાય મહિનાઓ દરમ્યાન કામ સાથે ચાલતી રહેતી એની ઉત્સાહ ભરી વાતો સાંભળતી રહેતી, અને ક્યારેક જરૂર હોય ત્યારે વ્યવસાયે એક ડૉક્ટર હોવાને લીધે એને દવાઓ વિષે જાણકારી પણ આપતી રહેતી.

અને છેવટે બીજી બધીજ સ્ત્રીઓ ની જેમજ લીના માટે પણ અતિશય પીડાભરી છતાંય એનાથીય સહસ્ત્ર ગણો આનંદ આપનારી ક્ષણ આવી અને એણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો. ત્રણ મહિનાની રજા પછી પાછી આવી ત્યારે પણ લીનાએ હજી બાળકની નામકરણ વિધિ ઉજવી નહતી કે નામ પણ પાડ્યું નહતું. સાવ નાના ફૂલ જેવા બાળકોને “વહાલા” નામે બોલાવવાની મને આમ પણ પહેલેથીજ જરા ચીડ, એમાં પણ “બાબુ”, “બબલુ” એવા બધા નામ તો જરા પણ ગમે નહિ. એટલેજ મનમાં જ સહેજ અકળાઈને મેં એને પૂછ્યું કે દીકરાનું નામ ક્યારે પાડે છે? તો જરા હસી ને કહે “ એ તો અમારા મરાઠી લોકોમાં મોટો પ્રસંગ ઉજવીને નામ પાડીએ ને.. એટલે જરા વ્યવસ્થા કરવામાં થોડો વખત થઇ ગયો.”

મારી અકળામણ (અલબત્ત મનમાંજ) વધી ગઈ. “હમમ.. હવે ફરી પાછું એક આમંત્રણ અને ફરી એક ફાળો એકઠો કરીને નાના છોકરા માટે ભેટ લેવાની.. પાછુ કેટલું વાપરશે ને કેટલું ખડતું નાખશે એ તો ભગવાન જ જાણે. કોઈ આવવાનું નથી એવી ખબર હોવા છતાંય લોકો વારંવાર કેમ આમંત્રણો આપતા હશે કઈ સમજાતું નથી..” હશે, પહેલું છોકરું છે એટલે સ્વાભાવિક રીતે મા ને તો હોંશ થાયજ ને… મેં મનમાંજ આખી વાત પડતી મૂકી. પ્રસંગ ઉજવીને લીના વળી પાછી ઓફીસ માં હાજર થઈ. ખુબ ઉત્સાહમાં આવીને બધી વાત કરતી હતી એ. કેટલા લોકો આવ્યા, બધાને શું શું ખવડાવ્યું, ઘરના લોકો કેટલા ખુશ થયા વગેરે. ફોટોગ્રાફ બતાવ્યા, અને પછી ધીરેથી મને કહે “ડૉક્ટર, તમને ખબર છે મેં રવિ ના આ પહેલા પ્રસંગમાં સૌથી વધુ શું એન્જોય કર્યું તે?”

હા, તમને કહેવાનું રહી ગયું. લીનાએ1 એના છોકરાનું નામ રવિ પાડ્યું. હું પણ અર્થસભર નામ સાંભળીને ખુશ થઇ. “બોલો બેનબા, શેમાં તમને સૌથી વધુ મજા આવી?” મેં પણ જરા વહાલભર્યા સ્વરે પૂછ્યું.

“રવિ ની નામકરણ વિધિ માં બધા લોકો કેટલી બધી ભેટ વસ્તુઓ લઇ આવેલા. અને મેં અને મારા સાસુમાંએ તો પહેલાજ હોંશે હોંશે ઘણી ખરીદી કરી હતી. તો સાંજના બધા મહેમાનો ગયા પછી અમે મુંબઈનાં ઉપનગર માં આવેલી “વહાલ” નામની પેલી અનાથ બાળકોની સંસ્થા છે ને ત્યાં ગયા અને એકાદ બે રાખીને બાકીની બધીજ ભેટ અને બધાજ કપડાં એ બાળકોને આપી દીધા. ખરેખર તમને કહું, એમાંના મોટી ઉમરના બાળકોનાં ચહેરા પર એટલો તો આનંદ છવાઈ ગયો કે એજ  મારા રવિ માટેની સૌથી મોટી ભેટ હોય એમ મને લાગ્યું.” અને આ વાત કહેતી વખતે એ પોતે પણ સૂર્યનાં એક તેજસ્વી કિરણની જેમજ ચમકી રહી હતી.

હું સ્તબ્ધ થઇ ને સાંભળી રહી. આજના ભૌતિકવાદનાં ઘોર કળીયુગમાં જ્યારે મુંબઈ જેવા શહેરમાં ખરીદી કરવી અને પૈસા વેડફવા એ શ્વાસ લેવા જેટલુંજ સહજ થઇ ગયું છે ત્યારે નાની ઓરડીમાં સાંકડેમાંકડે રહેતી એક સ્ત્રી સંકુચિત વિચારધારામાંથી સાવ મુક્ત રહીને, પોતાના જીવથીય વહાલા બાળક પાસે હકથી આવેલી વસ્તુઓ અત્યંત સહજતાથી બીજા અનેક વંચિત બાળકો સુધી પહોચાડે છે.. એના મનમાં એવો વિચાર નથી આવતો કે મારા દીકરાને કઈ ઓછું પડશે, એના હકનું કાંઈ ઓછું થઇ જશે.. એને તો એ અનાથ બાળકોના ચહેરા પરનું હાસ્ય જ પોતાના દીકરા માટેની સૌથી મોટી ભેટ લાગે છે..

મને અનેક પ્રકારના વસ્ત્રો અને દાગીનાઓથી ભરેલું, ફાટફાટ થતું મારું કબાટ યાદ આવ્યું, પણ  લીનાનાં ચમકતા ચહેરા સામે, અને આનંદથી પ્રકાશતી એની આંખો સામે એમાંની બધીજ વસ્તુઓનો ચળકાટ સાવ ફીકો પડેલો લાગ્યો, અને મારી એકવીસમી સદીની “આધુનિક વિચારસરણી” નો ખોટો ભપકો પણ…

——————————————————-

8 thoughts on “લીના (ડો. શેફાલી થાણાવાળા)

 1. અંધકારમાં પણ આશાનું કિરણ ઝળહળતું હોય છે. મનોમય અંધકાર સામે રવિકિરણ પ્રકાશ પાથરે ત્યારે જ તે ગરીબડો અદૃશ્ય થઈ જાય છે. અને અંધકારના અધિકારીઓ વામણા બનીને ભોંઠપ અનુભવે છે. પ્રેરણા પ્રસરાવતી આ કથા રોચક પણ છે અને વાંચીતોનું વિસ્મય પણ જગાડતી છે…અભિનંદન…પ્રણામ.

  Like

 2. ભગવાને આ સૃષ્ટિમાં માણસનું સર્જન કરીને કમાલ કરી છે ! માનવની સમાન શરીરરચના હોવા છતાંય દરેક્ની આગવી ઓળખ ! ડૉ.શેફાલી થાણાવાળાની વાર્તાનાં પાત્રોનું પણ આવું જ છે. તાજેતરની તેમની વાર્તા ‘ લીના ‘ માં લેખિકાના આ શબ્દો ” અતિશય સાધારણ અવસ્થામાંથી માંડ માંડ ઉપર આવવા મથતી , રોજ સવારે બેગમાં બપોરના ટિફિનની સાથે થોડાં શમણાં પણ ભરી લેતી, સતત દોડતી રહેતી ટ્રેનોની સાથે શરત લગાવતી અને રોજ હારતી રહેતી મુંબઈ મહાનગરની અનેક મધ્યમ વર્ગની સ્ત્રીઓ જેવી જ એક એ પણ,” એક બાજુ અનેક ‘ લીના ‘ઓની સામાન્યતા તરફ સંકેત કરે છે, તો બીજી બાજુ આવાં ચરિત્રોમાં કોઈક એવી અસામાન્યતા પડેલી હોય છે જેને ઓળખવા માટે પણ અસામાન્ય દૃષ્ટિની આવશ્યકતા હોય છે.
  મુંબઈના ઉપનગરમાં અનાથ બાળકોની સંસ્થાનાં બાળકોને પણ ‘રવિ’ની ભેટ- સોગાદોમાં સહભાગી બનાવી લીનાએ માણેલા આનંદમાં લેખિકાએ એક એવા અસામાન્ય ગુણનું આલેખન કરેલું છે જે જોઈને ઈશાવાસ્યોપનિષદના પહેલા મંત્રની બીજી પંક્તિ ‘ तेन त्यक्तेन भुञ्जीथा..’ યાદ આવી ગઈ. લીનાએ આ ભારતીય આદર્શને જીવી બતાવ્યો.
  વાર્તાના અંતમાં પાત્રની સાથે લેખિકાએ કરેલી પોતાના પરિગ્રહની તુલના તેમની નિખાલસતાને એક અનેરો ચળકાટ આપી જાય છે. વાર્તાની સાથે આવી રીતે ભળેલો ‘ સ્વ ‘ જોવો સૌને ગમે.
  લેખિકાની ભાષા-શૈલી પણ એટલી જ પ્રાસાદિક અને આકર્ષક છે.
  તેમની કલમ પાસેથી આવી રીતે અનેક જીવંત પાત્રો મળતાં રહેશે એવી અપેક્ષા રાખવી અસ્થાને નહીં ગણાય.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s