હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૦


પથરાળ લાગતા હતા જે આદમી અહીં,

પાસે ગયા તો પ્રેમમાં ગરકાવ નીકળ્યા.

(રાજેશ વ્યાસ, મિસ્કીન)

 ડો. પ્રકાશ ભટ્ટ

હું અને ડૉ. પ્રકાશ ભટ્ટ એક વરસાદી સાંજે બેઠા હતા. હું મારા સ્વભાવની વિરુદ્ધ ઉત્પાત કે ઉતાવળ વિના અને એમના સ્વભાવ મુજબ એ ખૂબ શાંતિથી. ઓચિંતા જ મેં એમને કહ્યું; “પ્રકાશભાઈ એક વાર્તા કહું ?” મિત્ર એટલે ના પડી શકે નહીં છતાંયે મોં ઉપર આશ્ચર્ય સાથે એમણે માથું હલાવી હા પાડી. મેં વાર્તા શરૂ કરી.

એક મેહનતુ ખેડૂત ખેતીના પાક ઉપર એનું જીવન ચાલે. બળદના બદલે ઘોડાથી હળ ચલાવી ખેતર ખેડે. એક દિવસ અચાનક એનો ઘોડો જંગલમાં જતો રહ્યો. પડોશીઓ અને મિત્રોએ જાણ્યું એટલે બધા સહાનુભૂતિ વ્યક્ત કરવા આવ્યા અને કહ્યું : “બહુ ખોટું થયું.”

ખેડૂતે જવાબ આપ્યો, “કદાચ”

બીજા દિવસે ખેડૂતનો ઘોડો બીજા બે જંગલી ઘોડા સાથે લઈને આવ્યો. પાછા એ જ લોકો એની પાસે આવ્યા. ખૂબ ખુશી વ્યકત કરી એની ખુશનસીબીની પ્રશંસા કરવા લાગ્યા.

ખેડૂતે કહ્યું: “કદાચ”

પછીના દિવસે ખેડૂતનો યુવાન દીકરો, એક તાલીમ વિનાના જંગલી ઘોડાને લઈ સવારીએ નીકળ્યો. ઘોડાએ એને પાડી નાંખ્યો અને એના પગનું હાડકું તૂટી ગયું. એ જ મિત્રો-સંબંધીઓ પાછા આવ્યા અને કમનસીબ ઘટના માટે ખેદ વ્યકત કરતાં કહ્યું. “કેવું કમનસીબ !”

ખેડૂતનો ઉત્તર એ જ હતો. “કદાચ”

થોડા દિવસ પછી એ દેશને યુદ્ધમાં જોડાવું પડ્યું. સૈનિકો ગામમાં આવ્યા અને દરેક ઘરના યુવાનોને લશ્કરમાં જોડાવા ફરજિયાત લઈ ગયા. ખેડૂતના દીકરાનો ભાંગેલો પગ જોઈ એને છોડી દીધો.

પડોસીઓ – સંબંધીઓ – મિત્રો દોડી આવ્યા.

એના સદ્દભાગ્યની પ્રશંસા કરી કહ્યું. “ભાઈ, તમે સદ્દભાગી છો કે તમારો દીકરો યુદ્ધના મોરચે જતો બચી ગયો.

ખેડૂતનો એ જ ઉત્તર. “કદાચ”

વાર્તા પૂરી કરી મેં ઉમેર્યું

ખેડૂતે કોઈ પણ પ્રસંગને છેવટનો ગણ્યો જ નહીં અને જે થયું તેનો સહજ સ્વીકાર કરી લીધો. આપણે કહીએ છીએ ને કે ઈશ્વરેચ્છા બલિયસી.

સામાન્ય રીતે કોઈ પણ સમયે પોતાનો પ્રતિભાવ તરત નહીં આપનારા પ્રકાશ ભટ્ટ જરાક બદલાયા અને તુરંત બોલી ઊઠ્યા. “ભરતભાઈ, હું પણ આમ જ જીવું છું. જે થાય, જે મળે તેનો સ્વીકાર કરું છું. એ પ્રસંગ અને પળને હંમેશાં માણું છું. સુખ-દુ:ખમાં સમાન રહેવાની જાગૃતિ રાખું છું. છેલ્લાં પાંચ વર્ષથી તો દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરવાનું પણ શીખી ગયો છું.’

મારાથી પુછાઈ ગયું. “આ તો ગીતાના સ્થિતપ્રજ્ઞ થવાની દિશાનું કદમ છે. તમે બહુ વાંચતા નથી તો કેવી રીતે આવું જીવન જીવવાની દિશામાં કદમ માંડી ચૂકયા છો ?’’ એમનો ઉત્તર હતો: ‘આ કુદરતી બક્ષિસ છે જ – પણ મને મારા પોતાના ઉપર વિશ્વાસ છે, મારી પૂજા ઉપર વિશ્વાસ છે અને ઈશ્વર ઉપર પણ પરમ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ બધાને, હું જીવનમાં ફિલૉસૉફીની બહુ વાતો કરવાના બદલે અમલમાં મૂકવાની કોશિશ કરું છું. પહેલાં ખૂબ પ્રયત્ન કરું, શકય એટલી મહેનત કરે, જાણકારને પૂછું અને પછી ઉપરવાળા ઉપર છોડી દઉં, કદાચ તમે જેને સ્થિપ્રજ્ઞતાનું પહેલું ચરણ કહો છો તેનું આ કારણ હોઈ શકે !”

ડૉ. પ્રકાશભાઈએ ભૂતકાળમાં ડોકિયું કરીને કહ્યું ! “આપણે લગભગ ત્રણ દાયકાથી સાથે કામ કર્યું છે. તમારા ટિફિનના બે કોળિયામાંથી એક કોળિયો ખાધો પણ છે એટલે તમને જાણું. વળી બાપુનગરમાં રોજ સાથે ડૉ. પ્રકાશ અમીન, ડૉ. કલ્પન દેસાઈ, ડૉ. રોહિત દવે જે તમારી સાથે કામ કરે એ બધાની વાતો સાંભળું અને તમારા માટે તો વર્ષોથી પોલિયો ફાઉન્ડેશન એક જ વિષય હોય એટલે અંદર કંઈ ઊગી રહ્યું હતું, પણ એ શું હતું તે સમજાતું ન હતું. એમાં ધક્કો વાગ્યો વર્ષો પહેલાં તમારા બધા સાથે ઋષિકેશના કૅમ્પમાં સજોડે આવ્યો ત્યારે. મેં જોયું કે જતા હતા ત્યારે પિકનિકનું વાતાવરણ હતું અને જેવા ઊતર્યા ત્યારથી તરત જ પ્રોફેશનાલિઝમ શરૂ થઈ ગયું. એકદમ શિસ્તથી બધા સવારથી જ કામે લાગી ગયા. કોઈને કંઈ કહેવાપણું નહી. સાંજ પડતાં જ ૨૮ બાળકોનાં ઑપરેશન થઈ ગયાં. હું કાઉન્સેલિંગ માટે બેઠો હતો અને તમામ લાભાર્થીઓની આંખમાં આશાનું કિરણ જોતો હતો. મા-બાપની આંખમાં ઉત્તેજના પણ હતી, એમની ગરીબી ભરેલી હાલત જોઈ ! ઘણાં પાસે તો બે જોડી કપડાં પણ ન હતાં બસ એ જ ઘડીએ મારા હદયમાં નિર્ણય થઈ ગયો કે સરકારી નોકરી છોડીશ પણ રિટાયર્ડ નહીં થાઉં.”

વાતને એમણે આગળ વધારી; “રિટાયર્ડ થવાના એક વર્ષ પહેલાં તમે મારી પાછળ લાગી ગયા હતા અને રિટાયર્ડ થવાના બીજા જ દિવસે અધિકૃત રીતે હું ટ્રસ્ટના કામમાં જોડાઈ ગયો. રાયપુર ખાતે હું આવતો પણ જીવરાજપાર્કના સેવાસંસ્થાના પાયાથી લઈ આજ સુધીના સાક્ષી રહ્યાનો મને આનંદ છે, પ્લાન બનતા હતા, ભૂમિપૂજન થયું હતું અને આબુમાં મિટિંગનું આયોજન થયું હતું તે બધું આંખ સામે તરવરે છે, જીવનનો મોટો આનંદ એ છે કે મને આ સેવા સંસ્થાનના પાયાથી શરૂ થયેલી વિકાસયાત્રાના યાત્રી બનવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે.’

મારાથી પુછાઈ ગયું “તમને આ કરૂણા સ્થિતપ્રજ્ઞતા તરફ જવાની વારસામાં મળી છે કે શું અને એ સિવાય પણ શું શું મળ્યું છે એ જાણવામાં મને રસ છે, જો કંઇ અંગત ના હોય તો કહેશો ?

એમનો જવાબ સીધોસાદો હતો, “મને વારસામાં કોઈ મિલકત કે બહુ મોટી વિચારધારા મળી નથી, પરંતુ પિતાને નાનપણથી શિવભક્ત તરીકે જોયેલા. એમની શિવજી ઉપરની શ્રદ્ધા જોયેલી અને એક દિવસ એમણે પાવડાવાળા સંત અપ્પાના શબ્દો કહેલા. “જેણે રાવણ ઉપર કૃપા કરી એ તમારા ઉપર કૃપા કેમ નહિ કરે ? એક વાર શિવ તરફ તમારી દષ્ટિ ફેરવો, શિવનું શરણ લો અને તમારા ભૂતકાળને ભૂલી જાઓ. ભૂતકાળ ગમે તેવો કલંકિત હોય એથી શું ? હવે તમારે બીવાની જરૂર નથી, તમારો ઉદ્ધાર થશે જ.”

મેં કહ્યું. “આ શબ્દો તો દક્ષિણભારતમાં થઈ ગયેલા શિવભકત સંત તિરુનાવુક કરશું ના છે.”

એમણે કહ્યું, એ મને ખબર નથી, બસ ત્યારથી એટલે કે નાનપણથી સવાર સાંજ શિવપૂજા કરું છું ! શિવસ્તોત્ર સાંભળું છું અને બધું એની ઉપર છોડી દઉં છું ?

હું વિચારમાં પડી ગયો. ભક્તિમાર્ગના આ માણસ હવે પોલિયો ફાઉન્ડેશનના સંચાલનનાં કર્મયોગમાં કયાંથી આવી ગયો ? હિંમત કરીને પૂછી નાંખ્યું કે તમે આ દિશા પરિવર્તન કેમનું કર્યું ?

એમણે હસતાં હસતાં કહ્યું, “તમે ગામ આખાને કામે લગાડી દો છો અને દસ બાર વર્ષે નિર્દોષતાથી પૂછો છો કે તમે કેવી રીતે જોડાયા ? બાર વર્ષે બાવો બોલે એમ પાછા પૂછો છો કે અહીં કેમ લાગે છે? તમારા સાથે જોડાયેલા કોઈને ભાગતો નથી જોયો એનું કારણ પહેલાં સમજાવો. “મેં કહ્યું એ પછી પણ પહેલાં તમારું કારણ આપો. હવે તો કેવી રીતે આવ્યા અને બીજા કેવી રીતે ટકી ગયા ?”

“બાપુનગર હૉસ્પિટલ કે જે ૬OO બેડની હતી તેમા ઇ.એન.ટી. સર્જન તરીકે કામ કરું પણ વારંવાર માટે સુપ્રિટેન્ડન્ટનો પદભાર સંભાળવો પડતો. એ અનુભવ મારી પાસે છે. તે જાણી તમે પોલિયો ફાઉન્ડેશનના સેવાસંસ્થાનના સી.ઈ.ઓ. તરીકેનો ભાર મારા માથે નાખી દીધો. જો કે બાપુનગરના સુપ્રિટેન્ડન્ટ પદના સમય દરમ્યાન અનેક પડકાર આવેલા. જેમાં આખું બાપુનગર વરસાદના ભારથી ભરાઈ ગયેલું, ૨૦૦૨ કોમી રમખાણોમાં હોસ્પિટલમાં સ્ટાફની ગેરહાજરી, કયારેક સ્ટાફની હડતાલ પરંતુ મને અંદરથી મળેલી શાંત રહેવાની અને ધીરજ રાખવાની ક્ષમતાએ બધા જ પ્રશ્નોના ઉકેલ લાવવાની શક્તિ મળેલી. એ જ શક્તિ આજે હું હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના એડમિનિસ્ટ્રેશનમાં વાપરી રહ્યો છું.”

ડૉ. પ્રકાશભાઈ સામાન્ય રીતે ધીર-ગંભીર. જરૂર પૂરતી જ વાત કરે, લાગણીના પૂરમાં કયારેક તણાય નહિ, કામની નિષ્ઠા અને પ્રમાણિકતામાં બેનમૂન. સરકારની કાર્યપધ્ધતિથી પૂરા વાકેફ એટલે ક્યારેક સરકારી કામો ઉપર મને બ્રેક મારી દે. કોઈક વાર તો કહી દે “ભરતભાઈ આ સરકાર છે, સામાન્ય પેઢી કે ટ્રસ્ટ નથી. તમારી ગમે એટલી ઉતાવળ હોય એ એની જ રીતે કામ કરશે.” હું સમજી ગયેલો કે એમની વાત સાચી છે. મારી કાર્યની પદ્ધતિ અને એમની પદ્ધતિમાં થોડો ફેર, ટ્રસ્ટીઓની અપેક્ષા અને અમારા બન્નેની મર્યાદાથી હું વાકેફ પણ અમે બધા સમૂહમાં નિર્ણય કરીએ જે સૌ સ્વીકારે. સરકારના પ્રોજેકટ હું લાવું અને એમની આવડતથી સારો પ્રોજેકટ રિપોર્ટ બનાવે. મારું કામ ઉપરવાળા આધિકારીને ધક્કો મારી દેવાનું. છેલ્લાં થોડાં વર્ષોમાં તો એવું સ્ટેજ આવી ગયું છે કે ડૉ. પ્રકાશભાઈ અને બેનર્જી ગ્રાન્ટના હિસાબ અને જરૂરી રિપોર્ટ બનાવે જે સરકારમાં વખણાય. હવે તો એ અટકી પડે તો જ મને વચ્ચે નાખે. ક્યારેક હકથી કહી દે કે આજે તમારે ગાંધીનગર આવવું જ પડશે, છેવટે અમે બન્ને જઈએ અને સહિયારા પ્રયત્ને કામ થઈ જાય.

આવા નિષ્ઠાવાન, નિષ્કામ અને નિઃસ્વાર્થ સાથીઓના સહયોગે જ હેલ્થ એન્ડ કૅર ફાઉન્ડેશન રોજ-બરોજ ઊંચાઈએ પહોંચી રહ્યું છે. હું વાતો વાગોળતો હતો ત્યાં જ એ બોલી ઉઠ્યાં, “મારી શક્તિઓ તો તમે જાણી પરંતુ નબળાઈઓ તમારે નથી જાણવી ?” મારા મૌનને પાછળ છોડી એમણે કહ્યું: “હું અંતરમુખી વ્યક્તિત્વ ધરાવું છું એટલે કયારેક કોઈને ગેરસમજ થવાની સંભાવના રહે છે. બીજું હું કોઈને જલદી એપ્રિશિયેશનના શબ્દો કહી શકતો નથી, જેથી કયારેક કોઈમાં વધુ પડતા ઉત્સાહનો પારો ચડાવી શકતો નથી.”

મેં કહ્યું : ‘વાહ’

એ ચમક્યા. “કેમ વાહ કહ્યું ?” મેં કહ્યું. “ભટ્ટ સાહેબ, તમે ઉપનિષદનો સાર કહી દીધો.” એ વિમાસણમાં પડ્યાં પણ મેં કહ્યું ‘બધા જ ઉપનિષદનો સાર બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિનો છે, બ્રહ્મ ન જાણી શકાય છે ન વર્ણવી શકાય છે. જે કહે, હું જાણું છું બ્રહ્મ એટલે શું, તે ખરેખર અજ્ઞાની છે અને કહે હું બ્રહ્મ શું એ જાણતો જ નથી તે ખરેખર જ્ઞાની છે.”

તમે તમારી મર્યાદાઓને જાણો જ છો એ સૌથી મોટી શક્તિ છે અને નબળાઈ ના કહેવાય. આજ શક્તિ તમને તમારામાં આત્મવિશ્વાસ પ્રેરે છે કારણ કે તમે જાણો છો શું થઈ શકશે અને શું નહીં થઈ શકે. મિત્ર, સ્વભાવ બદલવાની ચેષ્ટા જ ના કરશો, જે છો, જેવા છો તેવા જ મને ગમો છો.

ગુજરાતની સરકારી હૉસ્પિટલમાં પહેલી નેઝલ એન્ડોસ્કોપી કર્યાનો એમને આનંદ છે. પણ એ પ્રસિદ્ધિથી દૂર રહેનાર વ્યક્તિ. એકાંત પણ માણે અને મિત્રો સાથે મિજલસો પણ ! કર્યાનો ભાર નહિ, ન થયાનો વસવસો નહી. મને એમની શાંતિની ઈર્ષ્યા આવે છે. એટલે મેં કહ્યું. ભટ્ટ સાહેબ, તમે પામી ગયેલા માણસ છો ! એ વિચારમાં પડ્યા કે હું સામાન્ય જીવન જીવું છું, નામ-પ્રસિદ્ધિથી પર છું તો શું પામી ગયો ?

મેં ચોખવટ કરી. પહાડ જેવડાં મોજાં ઉછાળતો સમુદ્ર પણ એની સપાટી નીચે અદ્દભુત શાંતિ અને નીરવતા જાળવી રાખે છે, બસ એમ જ તમે, દરિયાના ઊંડાણમાં જે શાંતિ રહેલી છે. તે શાધી કાઢી છે. સુખ-દુ:ખનાં મોજાંઓથી તમે અસ્થિર થતા નથી. ચઢાવ-ઉતારથી તમે ડરતા નથી, તમે આ શાંતિ પામી ગયા છો.”

એમણે હસતાં-હસતાં કહ્યું. “તમારી વાત સાચી છે કે મારા જીવનમાં બહુ અપ્સ એન્ડ ડાઉન્સ નથી આવ્યા. આનંદથી હું નાચી ઉઠ્યો નહીં કે દુ:ખોથી હું દબાઇ ગયો નથી. પછી ગંભીરતા ધારણ કરીને કહ્યું કે આજે મારી એક નબળાઈથી ઉપર ઊઠવાની તક મળી છે એટલે કહું છું, ફરી કહું કે ના કહું પણ આજે સાંભળો. ‘હું આટલાં વરસો કેમ ટકી ગયો તેનો જવાબ સાંભળો પહેલી વાત બધા જ ટ્રસ્ટીઓએ મારામાં વિશ્વાસ મૂકીને મોટી જવાબદારી આપી, મને સમાજ સેવા માટેની તક આપી, કાર્ય કરવાની સ્વતંત્રતા આપી. ભરતભાઈ, અંગત રીતે તમે સ્પોટ કોમ્યુનિકેશનની સ્કીલ વગર કહે માત્ર એકશનથી શીખવી. દરેક વસ્તુ વાંચી ઊંડા ઊતરવાની કળા સમજાવી અને અગત્યનું તો મુલાકાતીઓ સાથે ટચિંગ શબ્દોથી વાત કરવાની આદત પાડી.”

વાત એમણે આગળ ધપાવી જે મારા માટે પણ આશ્ચર્યજનક જ નહીં, આનંદજનક પણ હતી. “ચોથી જુલાઈ, ૨૦૧૭ ના રોજ R.O.P કેન્દ્રના પાંચ વર્ષ પૂરાં થયાં ત્યારે, સી.પી. બાળકોની મુશ્કેલીઓ માટે બોલતાં હું પહેલી જ વાર લાગણીસભર થઈ ગયો હતો. બીજા જ દિવસે આપણી સંસ્થામાં લાભ લેતાં સી.પી. નાં બાળકોના વાલીઓની મિટિંગ હતી. એમાં ૮૦-૮૫ ટકા વાલીઓએ એમનાં બાળકોને થયેલા ફાયદાની હરખભેર વાતો કરી, ત્યારે મને આ કાર્યની સાર્થકતા માટે આનંદ અને ગર્વ થયાં.”

જ્યારે હૃદય અને બુદ્ધિનો સંગમ થાય ત્યારે આ સૃષ્ટિમાં અચૂક સ્વર્ગ ઊતરી આવે. આજે ભટ્ટ સાહેબમાં ઊતરી આવેલા આ સ્વર્ગે મારા અને સંસ્થા માટે આનંદોત્સવ સર્જી દીધો.

સાગરનાં મોજાંને જ જોવા ટેવાયેલી આંખો પ્રકાશ ભટ્ટના અંતર મનને જો જાણતી હોત તો રાજેશ વ્યાસ “મિસ્કીન” ના શેરને યાદ કરી લેત.

પથરાળ લાગતા હતા જે આદમી અહીં,

પાસે ગયા તો પ્રેમમાં ગરકાવ નીકળ્યા.

4 thoughts on “હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૦

 1. પ્રેમમાં ગરકાવ ડો. પ્રકાશ ભટ્ટ નું જીવન
  કાલ જારણમ સ્નેહ સાધનમ
  ક્ટુક વરઅનમ ગુણ નીવેદનમ….ના જેવું
  ‘જ્યારે હૃદય અને બુદ્ધિનો સંગમ થાય ત્યારે આ સૃષ્ટિમાં અચૂક સ્વર્ગ ઊતરી આવે. આજે ભટ્ટ સાહેબમાં ઊતરી આવેલા આ સ્વર્ગે મારા અને સંસ્થા માટે આનંદોત્સવ સર્જી દીધો…’ …વાતે વંદન

  Like

 2. બહુ સરસ વાત કરી છે. જેણે ગીતામાં કહેલું તત્વ જ્ઞાન જીવનમાં પચાવવાની તૈયારી રાખી તે જ સાચો કર્મયોગીબની શકે.

  Like

 3. સારું નામ આપવું હોય તો ફીલોસોફી આપી શકાય, પણ, અહીં ખરી વાત એ છે કે ભણતર અને સેવાભાવના એક થઈ જાય અને ભણતરનો લાભ રૂપિયા-પૈસાથી ન ગણીને સમાજને સેવાનો લાભ આપવો એ ખરેખર જીવન જીવ્યા જેવું લાગે. તમને આવા વીરલાઓ મળ્યા છે એ તમારા અને સમાજ બન્નેના લાભમાં ગણી શકાય.

  નિસ્વાર્થ ભાવે સમાજને સેવા આપવાનો સંદેશો આપતો સરસ લેખ.

  મનસુખલાલ ગાંધી

  ________________________________

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s