મને હજી યાદ છે – ૮૯ (બાબુ સુથાર)


ગાડી પાટા પર પણ પાટા…

હવે ટી.વી. એશિયામાં હું અઠવાડિયાના ત્રણ દિવસ જતો. એ પેટે મને મહિને હજાર ડૉલર મળતા હતા. આ કાંઈ મોટી રકમ ન હતી. અમેરિકામાં કોઈને આ રકમ કહીએ તો એને આપણા પર દયા આવી જાય. પણ બીજું કોઈ કામ ન મળે ત્યાં સુધી મારા માટે તો આટલી રકમ પણ મોટી હતી. રેખા કહેતી: તારી હાથખર્ચી નીકળે એટલે બસ. બાકીનું હું સંભાળી લઈશ. રેખા ત્યારે ૭/૧૧ના એક સ્ટોરમાં મેનેજર હતી.

અહીં ‘હાથખર્ચી’નો અર્થ પુસ્તકો અને ડીવીડીનો ખર્ચ એવો કરવો. કેમ કે મને બીજો કોઈ શોખ હતો નહીં. અને છે પણ નહીં. ક્યારેક હું ફિલ્મ જોવા થિયેટરમાં જતો. એ ય સાથે દીકરાને લઈને. મને હોલીવુડની ફિલ્મો બહુ ઓછી ગમે. જો કે, જોઉં બધી જ. મારા સ્પેનિશ ફિલ્મોના પ્રોફેસરે મને કહેલું કે જ્યારે તમે કોઈ પણ ફિલ્મ જોઈને એના આધારે ફિલ્મના કોઈકને કોઈક સિદ્ધાન્તની ચર્ચા કરી શકો ત્યારે માનવું કે તમને ફિલ્મ જોતાં આવડે છે. હું એ સલાહનો આજે પણ અમલ કરું છું. હા, ક્યારેક હું કળા સંગ્રહાલયોમાં જતો. ફિલાડેલ્ફિયા કળાસંગ્રહાલયોનું શહેર છે. મોટા ભાગનાં સગ્રહાલયોમાં અઠવાડિયામાં એક દિવસ પ્રવેશ ફી ‘તમને પરવડે તે’ હોય. હું પાંચ ડૉલર નાખીને જતો અને કલાકોના કલાકો કળાસંગ્રહાલયોમાં ગાળતો. સમય મળે ત્યારે હું પુસ્તકોની દુકાનોમાં જતો. જો કે, એ પણ મેં હવે લગભગ બંધ કરી દીધેલું. કેમ કે હવે પુસ્તકોની દુકાનોની ભૂમિકા બદલાઈ ગઈ હતી. મોટા ભાગની પુસ્તકોની દુકાનો બંધ થઈ ગઈ હતી. એક જમાનામાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની પુસ્તકોની દુકાનમાં તમે પ્રવેશ કરો એટલે તમારી ચારે બાજુ પુસ્તકો હોય. હવે પુસ્તકોનું સ્થાન કપડાંએ અને બીજી ફેશનની વસ્તુઓએ લઈ લીધું છે. પુસ્તકો જોવા માટે હવે બીજા માળે જવું પડે. બીજી પણ બે સારી પુસ્તકોની દુકાનો હતી. એ હજી ટકી રહેલી. પણ, એમની ભવ્યતા ય ઘણી ઝાંખી પડી ગઈ હતી. એ દુકાનોમાં હું નવું શું આવ્યું એ જોવા માટે જતો. ખરીદતો નહીં. કેમ કે એ જ પુસ્તકો મને amazon પરથી ત્રીસ કે ચાલીસ ટકા ડિસકાઉન્ટમાં મળતાં. મને એનો ક્ષોભ રહેતો. પણ મારી પાસે વિકલ્પો ઓછા હતા. તો પણ હું એ બન્ને પુસ્તકોની દુકાનમાંથી મહિને એકબે પુસ્તકો ખરીદતો. પેલા ક્ષોભનો ભાર ઓછો કરવા જ તો. ટી.વી. એશિયા પર કામ કરવા જતો ત્યારે રસ્તામાં પ્રિન્સટન શહેર આવે. ત્યાં લેબિરીન્થ નામની પુસ્તકોની એક સરસ દુકાન છે. એ લોકો ઘણી વાર એકેડેમિક પુસ્તકો પણ પચાસથી સિત્તર ટકા ડિસકાઉન્ટમાં વેચતા. હું અઠવાડિયે બે વાર ત્યાં જતો. મોટે ભાગે ઘેર પાછા આવતી વખતે.

છેલ્લા કેટલાક સમયથી સુઘોષ પણ અમારી સાથે રહેતો હતો. એ હવે એમ કહોને કે અમારા કુટુમ્બનો એક સભ્ય બની ગયો હતો. એ પણ કેટલુંક ઘરખર્ચ ઉપાડી લેતો. જો કે, અમારે ઘણી વાર એને નિયંત્રણમાં રાખવો પડતો. એટલે સુધી કે અમે એને કરીયાણું લેવા કદી પણ એકલો મોકલતાં નહીં. કેમ કે એને સો ગ્રામ મરચું લાવવાનું કહીએ તો એ એક કિલો મરચું લઈ આવે અને એ પણ બેચાર જાતનાં. એ જ્યારે પણ કોઈ વસ્તુ લાવતો ત્યારે અમે એને હનુમના યાદ કરાવતાં. જેમ હનુમાન લક્ષ્મણની સારવાર માટે આખો પર્વત લઈ આવેલા એમ સુઘોષ પણ આખો પર્વત લઈ આવે. ઘણી વાર તો અમે એને સાથે લઈ જવાનું પણ ટાળતાં. એટલા માટે કે અમે કોઈ વસ્તુ હાથમાં લઈને જોતાં તો એ વસ્તુ એ તરતજ ખરીદી લેતો. રેખા કેવળ કિંમત ન જુએ. એ કૅલેરી પણ જુએ ને કાર્બ પણ જુએ ને expired date પણ જુએ. સુઘોષ ઘણી વાર એવું માની લેતો કે રેખાએ એ વસ્તુ એની કિંમત જોઈને મૂકી દીધી છે.

સુઘોષ, મેં અગાઉ નોંધ્યું છે એમ અતિરેકનો માણસ છે. એ ફિલસૂફ નીત્શેની જેમ એવું માને છે કે અતિરેક હંમેશાં સારું. એ કહેતો: કોઈ વસ્તુ ખૂટવી ન જોઈએ. બગડે તો વાંધો નહીં. એથી જ તો એ ઘણી વાર વધુ પડતી વસ્તુઓ લાવતો. ક્યારેક એ વસ્તુઓ બગડતી પણ ખરી. આખરે રેખાએ કે મારે એ વસ્તુઓ ફેંકી દેવી પડતી અને જ્યારે પણ એવું કરતાં ત્યારે અમે બન્ને એના પર ખિજાતાં. એ અમને હસતો હસતો સાંભળતો. અને અમે જે કંઈ કહેતાં એ એક કાને સાંભ઼ળી બીજા કાને કાઢી નાખતો. અમને ખબર હતી કે અમારી શિખામણનો એના પર કોઈ પ્રભાવ પડવાનો નથી તો પણ અમે ટેવવશ એને શિખામણ આપવાનું કામ કરતાં. એને પણ ખબર હતી કે અમે એને વાતવાતમાં શિખામણ આપીશું. એથી એ પણ ટેવવશ શિખામણ સાંભળી લેતો. આવાં નાટકો હવે લગભગ રોજનાં થઈ ગયાં હતાં.

સુઘોષ બેઝમેન્ટમાં બનાવેલા એક બેડરૂમમાં રહેતો. અમે ઘર ખરીદ્યું ત્યારે એ બેડરૂમ અમને ચીની ફિલ્મ દિગ્દર્શક ઝાન્ગ યિમોઉની Raise the Read Lantern ફિલ્મમાં આવતા torture room જેવો લાગતો. અમે ઘર લીધા પછી સૌ પહેલું કામ એ બેડરૂમને માણસાઈના જગતમાં પાછો લાવવાનું કામ કરેલું. હવે એ બેડરૂમ લગભગ એક સ્ટુડીઓ જેવો હતો. ઘરમાંથી ત્યાં જવું હોય તો એક દાદરો ઊતરીને જવું પડે પણ જો ઘરના પાછલા બારણેથી ત્યાં જવું હોય તો કોઈ દાદરો ચડવો કે ઊતરવો ન પડે. એટલે એ ઓરડો આમ જુઓ તો સ્વતંત્ર હતો. ટોયલેટ બાથરૂમ એની સાથે જોડાયેલાં હતાં. એટલું જ નહીં, કપડાં મૂકવા માટે એક મોટું ક્લોઝેટ પણ ત્યાં હતું. તદ્ઉપરાંત, વૉશિંગ મશીન અને બીજી બધી સુવિધાઓ પણ ત્યાં જ હતી.

સુધોષની રોજબરોજની પ્રવૃત્તિઓ સાચા અર્થમાં ‘નાગરી’ હતી. એ રોજ સવારે વહેલો ઊઠે. દાતણપાણી કરે. કૉફી બનાવે. પછી  ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ તથા કૉફીનો મગ લઈને ડૅક પરના હિંચકે બેસે. મેં અમેરિકામાં આવ્યા પછી હજી એક પણ વાર સમાચાર પત્ર ખરીદ્યું નથી. પણ સુઘોષ એટલે સુઘોષ. એ કહે: મને ઓનલાઈન સમાચાર વાંચવાનું નથી ગમતું. એટલે એણે ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ બંધાવેલું. એ માનતો હતો કે સર્વ અખબારોમાં ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ શ્રેષ્ઠ અર્થાત્ A ગ્રેડનું સમાચાર પત્ર છે. એ દરેક વસ્તુને, દરેક વ્યક્તિને પણ ગ્રેડ આપતો. હજી પણ એની એ પ્રવૃત્તિ ચાલુ છે. મારા ત્યાં કોઈ પણ લેખક મિત્ર કે વડીલ આવે તો એ તરત જ એમની સાથે ગ્રેડ આપીને જ વાત કરે. મધુ રાયને એ વારંવાર A ગ્રેડના લેખક કહે. મધુ રાયને જરા પણ ન ગમે. ક્યારેક મધુ રાય એના પર ખિજાઈ પણ જાય. પણ સુઘોષ એમને ગંભીરતાથી ન લે. કોઈ સાહિત્યિક કાર્યક્રમ હોય તો પણ એને એ ગ્રેડ આપે અને પછી નક્કી કરે કે એ કાર્યક્રમ સાચેસાચ જોવા જેવો છે કે નહીં. એ જાહેરાતો બાદ કરતાં લગભગ આખેઆખું ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ વાંચે. અરધું સવારે, બાકીનું સાંજે. સુઘોષ ટ્રાવેલ ફિઝિયોથેરાપિસ્ટ. જ્યાં કંપની મોકલે ત્યાં કામ કરવા જવાનું. પણ સુઘોષને ત્યાં જવું કે ન જવું એ નક્કી કરવાની સ્વતંત્રતા. એ હંમેશાં એની કંપનીને કહેતો કે મારે સવારે ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ વાંચવાનું હોય છે. હું દસ કે અગિયાર વાગે જ નોકરી પર આવીશ. કંપની પણ એની આવી ‘દાદાગીરી’નો સ્વીકાર કરી લેતી. સુઘોષ ઘણી વાર પુસ્તકમાં કરે એમ સમાચાર પત્રમાં પણ લીટા કરતો. એને છાપું વાંચવાની એવી તો ટેવ પડી ગયેલી કે જો આઠ કે સાડા આઠ વાગતામાં છાપું ન આવે તો એ તરત જ ન્યૂયોર્ક ટાઈમ્સને ફોન કરતો. પણ સામે કોઈ માણસ ન હોય. યંત્ર હોય. એ એકેએક શબ્દો છૂટા પાડીને સંદેશો છોડતો ને પછીના કલાકમાં ન્યૂયોર્ક ટાઈમ્સ આવી જતું. સુઘોષના કારણે હું પણ એની સાથે બેસીને છાપું વાંચવા લાગેલો. મારે ટી.વી. એશિયામાં અમુક વાગે પહોંચવું જ પડે એવું ન હતું. પણ બારેક વાગ્યા પહેલાં તો પહોંચવું જ પડે. એટલે સવારે છાપું વાંચવાનો સમય મળી રહેતો.

સુઘોષને ભાતભાતનાં ગેજેટ્સ ખરીદવાનો ભારે શોખ. હજી પણ એ એવું જ કરે છે. હમણાં છસાત મહિના પહેલાં જ એણે રોટી-મેટીક (રોટલી બનાવવાનું યંત્ર) ખરીદ્યું. ડાયનિંગ ટેબલ પર રોટી-મેટીક મૂકી, એમાંથી ગરમાગરમ આવતી રોટલી ખાઈને એ બે કે ત્રણ દિવસમાં જ થાકી ગયેલો. હવે ખબર નથી એ યંત્ર ક્યાં પડ્યું હશે. એ જ રીતે એ લસણ ફોલવાનું યંત્ર પણ લઈ આવેલો ને પાઈનેપલ કાપવાનું યંત્ર પણ. પછી એ યંત્ર વાપરવા માટે જ એ દિવસનાં બે પાઈનેપલ ખરીદતો. જ્યારે 4K ટી.વી. બિલકુલ નવા હતા ત્યારે સુઘોષે ૬૫”નો 4K ટીવી ખરીદ્યો. એ પણ 3D. એ કહે: અલ્લાહ આપે છે. મજા કરો. પણ સુઘોષ એટલેથી અટક્યો નહીં. એણે એ ટીવી માટે સારામાં સારો sound bar પણ ખરીદ્યો. સુઘોષની આ લીલાઓ જોઈને મારા દીકરાને ખૂબ અકળામણ થતી. એને ક્યારેક લાગતું કે સુઘોષભાઈ આપણા પર પ્રભાવ પાડવા આ બધું કરી રહ્યા છે કે શું? સુઘોષને Bose કંપની માટે ભારે પ્રેમ. એની લગભગ તમામ પ્રોડક્ટ એણે ખરીદી છે. Boseની કોઈ નવી પ્રોડક્ટ આવે એટલે જૂનીના બદલામાં નવી લે. ઉપરના પૈસા આપી દે. અને જો એવી સગવડ ન હોય તો જૂનીને ક્યાંક મૂકી રાખે અને નવી લઈ લે. હું ઘણી વાર કહેતો કે એ તો સારું છે કે Bose કંપની વાળા છોકરીઓ નથી બનાવતા. નહીં તો…

એ જ સમયગાળામાં સુઘોષે બીજાં પણ કેટલાંક યંત્રો ખરીદેલાં. એમાં રુમ્બા વેક્યુમ ક્લિનરનો પણ સમાવેશ થતો હતો. એવું જ એણે એક પોતું કરવાનું યંત્ર પણ લીધેલું. અમે ઘેર ન હોઈએ ત્યારે એ ઓફિસમાં બેઠો બેઠો આઈ ફોન પરથી રુમ્બાને ‘હુકમ’ આપતો: ઘર સાફ કરો. ઘણી વાર એ મોડો ઘેર આવે ને અમે વહેલા પહોંચીએ ત્યારે રુમ્બાબેન ઘર સાફ કરતાં હોય. રેખાને આ બધાં યંત્રો જરા પણ ગમતાં નહીં. યંત્રો એક તો deep cleaning બહુ ઓછું કરે. જો કે, હવે તો એ પણ શક્ય બની ગયું છે. પછી એ સાફ કરતાં યંત્રોને આપણે સાફ કરવાં પડે. એમાં મહેનત બહુ. રેખા કહેતી: “આ યંત્રો ચોખ્ખાં કરવાનું કામ ઘર ચોખ્ખું કરવા કરતાં વધારે કંટાળાજનક છે. બંધ કરો હવે આ નાટકો.” પણ સુઘોષને એ યંત્રો બધાં ‘જાદુઈ’ લાગતાં. એના માટે એ બધાં રમકડાં હતાં. જો કે, એ થોડા દિવસ એક રમકડું રમતો ને પછી ભૂલી જતો.

એ ક્યારેક અમને પૂછ્યા વિના પરાક્રમ કરી નાખતો. અમારે વધારાના રેફ્રીજરેટરની કોઈ જરૂર ન હતી. પણ, સુઘોષ ફરતો ફરતો એક દિવસે Sears સ્ટોરમાં ગયો. ત્યાં એણે એક રેફ્રિજરેટર જોયું. એને ગમી ગયું. એટલે ખરીદી લીધું. પૈસા રેખાએ ચૂકવેલા. સુઘોષ કહે: આ રેફ્રિજરેટર શાકભાજી, ફળફળાદી અને જ્યુસ મૂકવા માટે ખૂબ જરૂરી છે. આપણે એમાં બીજું કંઈ નહીં મૂકવાનું.

અમારું રોજબરોજનું જીવન હવે લગભગ આવું બની ગયેલું. હું પણ માનસિક સંતાપમાંથી ઘણો બહાર આવી ગયો હતો. રેખા પણ. હેતુએ પણ સ્વીકારી લીધું હતું કે જીવન આવું જ હોય. મારે તો મારી નિયતિ સ્વીકારવા સિવાય બીજું કંઈ કરવાનું ન હતું. મને પાક્કા પાયે ખાતરી થઈ ગઈ હતી કે હું કદી પણ મારી નિયતિ બદલી શકીશ નહીં. કેમ કે હવે હું ગ્લોબલાઈજેશનના દેવોને બરાબર સમજી ગયો હતો. એક વાર મેં સુઘોષને કહેલું કે તપ કરવાથી શંકર પ્રસન્ન થાય પણ ગ્લોબલાઈજેશનના દેવો પ્રસન્ન ન થાય. આ દેવોને નફો રળી આપે એવી ‘આવડત’માં જ રસ હોય છે. ભાષાશાસ્ત્ર કે ગુજરાતી ભાષા કે ગુજરાતી સાહિત્ય નફો ન રળી આપે. જો કે, આ વિષયો સાથે સંકળાયેલા કેટલા માણ઼સો નસીબદાર પણ હોય છે એની ના નહીં. એ એમની આવડતને ફેક્ટરીમાં ફેરવી શકતા હોય છે.

મેં હવે સ્વીકારી લીધું હતું કે આ ઉમરે મને કોઈ સારી નોકરી નહીં મળે. હા, કામ અવશ્ય મળશે. એ પણ નાનુંમોટું.

એ દરમિયાન એક દિવસ સુઘોષ કહે: ‘યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા’એ તમને નિયમ કરતાં એક વરસ પહેલાં છૂટા કર્યા છે તો તમારે એમને અદાલતમાં લઈ જવા જોઈએ. હું ભારતમાં હતો ત્યાર ઘણો વિદ્રોહી હતો. એમાં પણ હું ટેલિફોન ઓપરેટર હતો ત્યારે તો ખાસ. કોઈ પણ કર્મચારીને મેમો કે ચાર્જશીટ મળતી તો ઘણી વાર હું એના જવાબ તૈયાર કરી આપતો અને મોટા ભાગના કર્મચારીઓ નિર્દોષ છૂટી જતા. મેં જવાબ લખી આપ્યો હોય એવા એક પણ ટેલિફોન ઓપરેટરને શિક્ષા થઈ હોય એવું મને યાદ નથી. પણ, પછી ધીમે ધીમે મારો વિદ્રોહી સ્વભાવ ઓગળતો ગયો. અમેરિકા આવ્યા પછી મારો વિદ્રોહ અમુક બાબતો પૂરતો જ મર્યાદિત બની ગયેલો. હવે તો ‘વિદ્રોહ’ શબ્દની જોડણી પણ મારે બે ચાર ચકાસવી કરવી પડે છે. કદાચ હું શાણો બની ગયો છું, કદાચ વૃદ્ધ. મારે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સામે લડવું ન હતું. અમેરિકાની ઘણી બધી યુનિવર્સિટીઓનું અંદાજપત્ર આફ્રિકાના એક નાનકડા દેશના અંદાજપત્ર કરતાં પણ મોટું હોય છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા એમાંની એક. એની પાસે વકીલોની એક સેના. એ સેનાના યોધ્ધાઓ પણ એક સે બઢકર એક. મેં સુઘોષને કહ્યું કે મારે નથી લડવું. પણ સુઘોષ જેનું નામ. એ જીદે ચડ્યો. કહે, “તમે સાચા છો. તમારે એમને પડકારવા જોઈએ.” આખરે એક દિવસે મેં બહાનું કાઢ્યું, “મને વકીલની ફી મોંઘી પડે. મારી પાસે થોડી ઘણી બચત છે એ શા માટે વકીલો પાછળ બગાડવાની?” સુઘોષ કહે, “વકીલની ફી મારા માથે. તમે નોટીસ તો આપો જ.”

મને ખબર હતી કે હું સાચો છું એટલે મને મારો કેસ સાબિત કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. એટલે મેં ફિલાડેલ્ફિયાની બાર કાઉન્સિલની સલાહ લઈને એક વકીલ પસંદ કર્યો. એ એક મહિલા હતી. મને પણ થયેલું કે બની શકે કે હું જ્યાં નોકરી કરતો હતો એ South Asia Departmentના વહીવટદારોએ ક્યાંક નિયમ જોવામાં ભૂલ કરી હોય. જો હું નોટીસ આપીશ તો એ લોકો એ નિયમ ફરીથી જોશે. આખરે યુનિવસર્સિટીઓ આપણને માનવતા અને માનવઅધિકાર ભણાવતી હોય છે. કદાચ એ લોકો મારા કેસને માનવતાના દૃષ્ટિબિંદુથી જુએ પણ ખરા.

2 thoughts on “મને હજી યાદ છે – ૮૯ (બાબુ સુથાર)

 1. Basu. કાગડા બધે કાળા.. છતાંય વતનથી દૂર… તમે સતત કામ કરતા રહી શકો. જિંદગીની કશ્મકશ તમને વિચારવાની પણ તક ના આપે.
  જિંદગીમાં ફાઈટર તો બનવું જ જોઈએ..

  Liked by 1 person

 2. ટ્રાવેલ ફિઝિઅથેરપિસ્ટ સુઘોષની વાતો ઘણા પ્રકરણમા જાણી હતી પણ આજની વાત અમારા કુટુંબના વડા જેવી લાગી ઘણી ગમી. તો તમારી વાતે’મારે તો મારી નિયતિ સ્વીકારવા સિવાય બીજું કંઈ કરવાનું ન હતું. મને પાક્કા પાયે ખાતરી થઈ ગઈ હતી કે હું કદી પણ મારી નિયતિ બદલી શકીશ નહીં..
  ‘‘તવક્કુલ પર હૈ તકિયાઅક્કલ સે હમ કામ લેતે હૈ,
  ઇધર તકદીર (નિયતિ) રખતે હૈ,ઉધર તદબીર રખતે હૈ’’
  મનુષ્યની મહાન આત્માનો જયજયકાર કરતાં ‘સાવિત્રી’ પ્રબંધ કાવ્યમાં મહર્ષિ અરવિંદે એટલે જ કહ્યું કે, ‘મનુષ્યનો આત્મા તેના ભાગ્ય કરતા વઘુ મહાન છે-

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s