ધડાકા  (સત્ય ઘટના) – પી. કે. દાવડા


વાત ૧૪મી એપ્રિલ, ૧૯૪૪ની છે. મુંબઈના વિક્ટોરિયા ડોકમા એક નંબરની બર્થમા ‘Fort Stikine’ નામની સ્ટીમર નાંગરેલી હતી. ડોકમા આ સિવાય અલગ અલગ બર્થમા બીજી ૧૩ સ્ટીમરો ઊભી હતી. બાજુના જ પ્રિન્સેસ ડોકમા ૧૦ સ્ટીમરો લાગેલી હતી.

‘Fort Stikine’ મા મુખ્યત્વે કપાસ, યુધ્ધ માટે વપરાતો ૧૪૦૦ ટન દારૂગોળો, ૧૨ Spitfire વિમાન  અને ૮૦ ઘનફૂટના કન્ટેઈનરમા ભરેલી સોનાની પાટો હતી. આસરે બપોરના બાર વાગે, સ્ટીમરના કર્મચારીઓને, કપાસ ભરેલા હોલ્ડમા આગ લાગી હોવાની ખબર પડી. શરૂઆતમા તો સ્ટીમર પરના આગ હોલવવાના સાધનો વાપરી આગ બૂઝાવવાની કોશીશ કરી. આગનું જોર વધતાં, બપોતે બે વાગે પોર્ટના ઉપરી અધિકારીઓને જાણ કરવામા આવી. મોટી સંખ્યામા મુંબઈના “લાય બમ્બા” ને બોલાવવામા આવ્યા. આસરે ૯૦૦ ટન પાણી છાંટ્યા છતાં આગ વધતી ગઈ. દરમ્યાનમા પોર્ટના અને સ્ટીમરના ઉચ્ચ અધિકારીઓ અનેક શક્યતાઓ વિષે વિચારતા હતા, એમાની એક શક્યતા સ્ટીમરને એની જગ્યાએ  જ ડૂબાડી દેવાની પણ વિચારાઈ. કોઈ ખોટી ગણત્રીને લીધે લાગ્યું કે સ્ટીમરને ડૂબાડવા માટે ત્યાં પુરતું ઊંડાણ ન હતું. ત્રણ વાગી ને પચાસ મિનીટે આગ દારૂગોળા સુધી પહોંચી ગઈ. બધાને શીપ છોડી ભાગવાનો હુકમ આપવામા આવ્યો. ચાર વાગીને છ મિનીટે પહેલો ધમાકો થયો.

બોમ્બ એટલો શક્તિશાળી હતો કે સ્ટીમરના બે ટુકડા થઈ ગયા. સ્ટીમરનું પ્રોપેલર ત્રણ માઈલ દૂરની સેંટ ઝેવિયર સ્કૂલ ઉપર જઈને પડ્યું. ડોકની બહારના બે સક્વેર માઈલના વિસ્તારમા ઠેક ઠેકાણે આગ ફાટી નીકળી. બન્ને ડોકમા નાંગરેલી બધી સ્ટીમરો ડૂબીગઈ. ચાર વાગીને ચોંત્રીસ મિનીટે બીજો ધડાકો થયો અને  ‘Fort Stikine’ ના ટુકડા થઈ ને થોડા દૂર દૂર સુધી ઉડી ગયા અને બાકીના ત્યાં જ ડૂબી ગયા.

બે સક્વેર માઈલના વિસ્તારની અંદર, ૬૬ બંબાવાળા સહિત આસરે ૮૦૦ માણસો મૃત્યુ પામ્યા, ૮૩ બંબાવાળા સહિત ૨૦૦૦ માણસો ઘાયલ થયા અને બચી ગયેલા હજારો માણસો ઘરબાર વગરના થઈ પહેરેલે કપડે જીવ બચાવીને ભાગ્યા.

મારૂં કુટુંબ પણ આ હાદસાનો શીકાર બનેલું. આ વખતે મારી ઉમર ૮ વર્ષની હતી. અમારો માળો ડોક્સથી માત્ર ૫૦૦-૬૦૦ ફૂટ જ દુર હતો. ડોક્સના ઘડિયાળના ટકોરા પણ અમે ઘરમા સાંભળી શકતા. અમારી બાજુમાં ભાણજીભાઈ નામે એક સજ્જન રહેતા. એમની ઈલેકટ્રીકની દુકાન ૧૦-૧૨ મકાન છોડીને હતી. એ મકાન વધારે મજબૂત હતું.

પહેલા ધડાકા પછી તરત તેઓ પોતાના કુટુંબને દુકાને લઈ જવા આવ્યા, ત્યારે મારા બા અને મારી એક નાની બહેન અને એક નાનો ભાઈ ઘરમા હતા. મારી બાને બનાવની ગંભીરતા સમજાવી, ત્રણેને પોતાની સાથે લઈ જતા હતા, ત્યારે રસ્તામા મારા બાપુજી મળ્યા.

એ પણ ઘર તરફ જતા હતા. ભાણજીભાઈએ એમને સમજાવ્યા કે તેઓ મારી બા અને બે છોકરાઓને લઈ પોતાની દુકાને જાય છે. હજી મકાનનો દાદરો સલામત છે, જો ઈચ્છા હોય તો દર-દાગીના લઈ આવે અને એમની દુકાને આવે. થોડી હિમત ભેગી કરી, મારી બા પાસેથી કબાટની ચાવી લઈ, મારા બાપુજી ઘરમા પહોંચી ગયા. એક ધોતિયું પાથરી એમા કબાટમાનો દાગીના-પૈસાનું ખાનું ખાલી કરી, સહીસલામત ભાણજી ભાઈની દુકાને પહોંચી ગયા.

મારાથી મોટી ત્રણ બહેનો નજીકની કન્યાશાળામા હતી. હું નજીકની ન્યુ માસ ઈંગ્લીસ સ્કૂલમા હતો. અમારા પ્રિન્સિપાલને સમજ પડી ગઈ કે આ બોમ્બનો ધડાકો છે. એમણે તરત શાળાના બધા વર્ગના વિધ્યાર્થીઓને વર્ગ ખાલી કરાવી નીચે રસ્તા ઉપર એકઠા કર્યા અને દૂર લઈ જવા ટ્રકસના બંદોબસ્તમા લાગ્યા. આ અફડાતફડીમા હું ત્યાંથી છટકી ઘર તરફ ભાગ્યો. મારા બાપુજી બહાર ફૂટપાથ પર ઊભા રહી, અમારી શાળાઓ તરફ જવાનો વિચાર કરતા હતા. એમણે મને ઘર તરફ દોડતો જોયો, અને મને બૂમ પાડી બોલાવી લીધો. થોડી વારમા પોલિસે આ મકાન પણ ખાલી કરવા સખતી કરી, એટલે મારી બા અને અમને બે ભાઈઓ અને એક બહેનને લઈ થોડે દૂર જવા ચાલવાનું શરૂ કર્યું. આ બધું એટલું ઝડપથી બન્યું કે કોઈ માની ન શકે. માંડ થોડે દૂર ગયા હઈશું કે બીજો ધડાકો થયો. આની અફડા તફડીમા મારો હાથ મારી બાના હાથમાંથી છૂટી ગયો. ચારે બાજુ લોકોની લાસો અને ઘાયલ થયેલા માણસોને જોઈ, મારા બાપુજીએ નીર્ણય લીધો કે હવે ત્રણ જણ જે સાથે છે તેમને પહેલા સલામત જ્ગ્યાએ પહોંચાડવા. મારી બા માંડ માંડ આના માટે તૈયાર થયા. એક ઘોડાગાડી વાળો એમને માટુંગા સુધી પહોંચાડવા તૈયાર થયો.

મારી ત્રણ બહેનો પણ શાળામાંથી નીકળી ઘર તરફ જવા દોડી. એક ગાડાંમા બેસીને માટુંગા જવા નીકળેલું અમારી ફૈબાનું કુટુંબ રસ્તામા મળ્યું, એમણે એમને ત્રણેને ગાડાંમા બેસાડી લીધી. હું ટોળાં સાથે દોડતો દોડતો અને રડતો રડતો ચર્નીરોડ સ્ટેશન સુધી પહોંચી ગયો. ત્યાં એક ગુજરાતી સજ્જન ને દયા આવી. એમણે મને ક્યાં જવું છે એ પૂછ્યું. ભાણજીભાઈની દુકાને માટુંગા જવાની વાત મારા બા બાપુજીએ કરેલી એ મને યાદ હતું, એટલે મેં માટુંગા કહ્યું. એમણે મને માટુંગાના જી.આઈ.પી. રેલ્વે (હાલની સેંટ્રલ રેલ્વે)ના દાદરા સુધી પહોંચાડ્યો. ત્યાંથી મને મારા કાકા(મારા બાપુજીના કાકાના દિકરા)ના ઘરનો રસ્તો ખબર હતો, એટલે હું ત્યાં પહોંચી ગયો.

ત્યાં પહોંચીને ખબર પડી કે મારા બાપુજી મને અને મારી ત્રણ બહેનોને શોધવા, પાછા એજ ઘોડાગાડીમા, મસ્જીદબંદર જવા નીકળી ગયા છે. ઘણા લોકોએ ન જવા સમજાવ્યા છતાં એ માન્યા નહિં. એકાદ કલાક પછી, મારી ફૈબાના કુટુંબ સાથે મારી ત્રણે બહેનો આવી પહોંચી. હવે મારા બાપુજી સિવાયના કુટુંબના સાત સભ્યો સલામત હતા, પણ બાપુજીને ક્યાં શોધવા? રાત્રે બારેક વાગે, નીચે મારા બાપુજીનો રડવાનો અવાજ સંભળાયો, તરત બધા પુરુષો નીચે ગયા અને એમને ખાત્રી આપી કે અમે ચારે ભાઈ-બહેન સહી સલામત આવી ગયા છીએ, પછી જ એ ઉપર આવવા તૈયાર થયા.

આ હાદસામા અનેક કુટુંબોએ કુટુંબના એક બે સભ્યો ગુમાવેલા. ઈશ્વરની કૃપાથી અમારૂં આખું કુટુંબ બચી ગયેલુ. ત્યાર બાદ ઘણા વરસ સુધી મારા બા પોતે રચેલું ભજન ગાતા. મને આજે એમાની માત્ર ચાર પંક્તિઓ જ યાદ છે.

ધડાકે  ધરતી ધ્રૂજાવી,

ધડાકે આગ પ્રગટાવી,

ધડાકે  શાન  ભૂલાવી,

ધડાકે  માયા મેલાવી.

અમે ધડાકામાંથી બચેલા એટલે વર્ષોસુધી ધડાકાવાળા કુટુંબ તરીકે ઓળખાતા.

-પી. કે. દાવડા

5 thoughts on “ધડાકા  (સત્ય ઘટના) – પી. કે. દાવડા

 1. ૧૪મી એપ્રિલ, ૧૯૪૪ હું ૫ વર્ષ ની… અમારા દાદાશ્રી ભગવતીશંકર મણીશંકર શુક્લ રાજાબાઇ ટાવર પાસે. ફૉર્ટમા રહેતા અને ભાટીઆ શાળામા અંગ્રેજી ભણાવતા અને બીજા ભાઇઓ દાદીશેઠ અગિયારી લેનમા રહેતા…કેટલાક મુમ્બાદેવીના પુજારી હતા અને ગમે ત્યાં હોઇએ મુંબાઇ જઇએ તો ત્યાં તો જઇએ જ…..આવી વ. વો.૨ ની વાત અમને જણાવતા નહીં પછી પાછળથી ખબર પડેલી …એવી પણ અફવા સાંભળેલી કે અમારા સ્નેહીને સોનાની ઇંટ મળેલી !અમને મળત તો એ કાંઇ થોડી ખાવાના કામમા આવે? તેને બદલે મમ્માદેવીના કોપરાનો પ્રસાદ અને નાળીએરનું પાણી મા મઝા આવે !

  …પછી તો અમારા દીકરો પરેશ બી ઈ (ફાયર ઍન્જી) થયો અને વર્ષોવર્ષ ફાયર ડે ઉજવે ૧૪મી એપ્રિલે ! ત્યારે બધી વાત વિગતે કહી હતી

  Liked by 1 person

 2. આ દુર્ઘટના વિશે આછીપાતળી માહિતી હતી. આજે વિગતવાર જાણકારી મળી. રામ રાખે તેને કોણ ચાખે? આ વાતની પ્રતીતિ થાય છે.

  Liked by 1 person

 3. મેં આ વાત તમારે મોં એ સાંભળી છે . ખરેખર ઈશ્વરની કૃપા અને એક ચમત્કાર થી તમારું કુટુંબ એકત્ર બચી ગયું.

  Like

 4. સત્ય ઘટના વાંચતા રુવાંડા ઉભા થઈ ગયાં અને હ્રદયના ધબકારા પણ વધી ગયા! ભગવાનનો મોટો પા’ડ કે તમે સહુ આખું કુટુંબ બચી ગયું.

  Like

 5. સત્ય ઘટના વાંચતા રુવાંડા ઉભા થઈ ગયાં અને હ્રદયના ધબકારા પણ વધી ગયા! ભગવાનનો મોટો પા’ડ કે તમે સહુ આખું કુટુંબ બચી ગયું. રામ રાખે તેને કોણ ચાખે? આ વાતની પ્રતીતિ થાય છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s