બંસરી, વિશાલ, કેયૂરી, વિક્કી અને મોન્ટુ એ પાંચેય ની દોસ્તી. જ્યાં જુઓ ને ત્યાં સાથે જ હોય. પેથોલોજી ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા પાંચેય હોસ્ટેલમાં રહેતા હતા. કારણકે તેમાંથી કોઈ પણ અમદાવાદનું ન હતું. અભ્યાસ પૂરો થયા પછી શું કરવું તે બાબતમાં બંસરી બધાથી જુદું મંતવ્ય ધરાવતી હતી. બાકીના ચારેય સારી નોકરી શોધવાની તરફેણમાં હતા તો બંસરી કહેતી સપનાઓ તો ઊંચા હોવા જોઈએ. આપણે પાંચેય સાથે મળીને એક પેથોલોજીકલ લેબોરેટ્રી શરુ કરીએ. પણ આમ કોઈ પણ જાતના ધન્ધાકીય જ્ઞાન વગર સાહસ કરવાનું બાકીના ચારનું મન ન હતું. ચર્ચાઓ ચાલુ રહેતી. બંસરી બધાને સમજાવતી રહેતી કે નહિ ફાવે તો ક્યાં જિંદગી પુરી થઇ ગઈ છે? નુકસાન જશે તો નોકરીએ વળગી જઈશું; પણ સાહસ તો કરવું જ જોઈએ. છેવટે બધાએ નક્કી કર્યું કે બંસરી કહે છે તેમ કરીએ. જો સફળતા નહિ મળે તો પછી સહુ પોતપોતાના રસ્તે.
આખરે એક ભાડાના મકાનમાં લેબોરેટ્રી શરુ કરી. શરૂઆતમાં તો અનુભવ ઓછો અને ઉત્સાહ વધારે હતો; તેથી ખાસ સફળતા મળી નહિ. પણ બંસરીની સુઝબુઝ અને કુનેહ થી ધીમે ધીમે લેબોરેટ્રી પગભર થવા લાગી; .અને 3 વર્ષમાં તો સારી એવી જામી પણ ગઈ. માતા પિતાના એક માત્ર સંતાન એવા વિશાલના પિતાજીનું અવસાન થતા તેને ગામડે જઈને તેનો વ્યવસાય સાંભળવો પડે તેમ હતો. તેને કેયૂરી બહુ જ ગમતી કેયૂરીને પણ તે ખુબ જ ગમતો.પણ આખી જિંદગી ગામડામાં પસાર કરવાની વાત કેયૂરીને ગમી નહિ તેણે ભગવાનનો આભાર માન્યો કે સારું થયું કે તેણે પોતાના મનની વાત વિશાલ પાસે કે કોઈ પાસે ક્યારેય કરી ન હતી. આમ તો જોકે ગયા વેલેન્ટાઈન ડે ના તે વિશાલને પ્રપોઝ કરવાની હતી. પણ તેને થયું કે વિશાલ પ્રપોઝ કરે તે સારું લાગે અને વાત ત્યાં જ અટકી ગઈ હતી. પણ વિશાલ માટે આ નિર્યાયક ઘડી હતી. છેવટે તેણે બંસરીની હાજરી માં કેયૂરીને પ્રપોઝ કર્યું. પણ આખી જિંદગી સાવ નાના ગામડામાં વિતાવવા કેયૂરી તૈયાર ન હતી. તેણે સવિનય દરખાસ્તનો અસ્વીકાર કર્યો. અને વિશાલ ગામડે ચાલ્યો ગયો. તેના ભાગની રકમ તેને બંસરીએ આપી દીધી અને હવે 5 ને બદલે 4 પાર્ટનર રહ્યા.
વિક્કી મોજીલા સ્વભાવનો હતો. તેનું કામમાં બહુ મન ચોંટતું નહિ. તે જાણે પરાણે પરાણે કામ કરતો હોય તેમ બંસરીને લાગતું. એક દિવસ બધાની હાજરીમાં જ બંસરીએ આ વાત ઉખેળી. વિક્કીએ કહ્યું કે ‘’સાચી વાત છે. તેનું આવા કામમાં જરાય મન લાગતું નથી. તેને તો બસ અમેરિકા જવા મળે તો લાઈફ બની જાય. તેણે એક અમેરિકન લેબોરેટરીમાં એપ્લાઇ કર્યું છે અને 7 દિવસ પછી મુંબઈ ઇન્ટરવ્યૂ છે.’’
આ સાંભળતા જ કેયૂરીના કાન ચમક્યા. તેના દિલમાં પણ ઊંડે ઊંડે અમેરિકા જઈને વસવાટ કરવાની ઈચ્છા હતી જ. તે વિક્કીની આ વાત સાંભળીને સતેજ થઇ. સાત દિવસ પછી વીક્કી ઇન્ટરવ્યુ માં પાસ થઇ ગયો. કેયૂરીએ ધીમે ધીમે વિક્કી સાથેની નિકટતા વધારવા માંડી. એ દિવસ વેલેન્ટાઈન ડે હતો. વીક્કીએ કહ્યું ”મને તો એમ હતું કે તને તો વિશાલ ગમે છે પણ….”
કેયૂરીએ કહ્યું ”પણ…… શું?” અને આખરે આ ”પણ….. શું?” લગ્ન ગ્રંથિ સુધી લંબાયું. મોન્ટુએ બંસરીને બહુ જ આશાસ્પદ બનીને કહ્યું ”બંસરી, તારું આ બંનેને લગ્ન બાબતે શું માનવું છે?” બંસરીએ કહ્યું ”બંને નું આ પગલું અવિચારી છે. કેરિયર બનાવવાની હોય ત્યારે આવા લગનના લફરામાં તે પડતું હશે?” મોન્ટુએ વિચાર્યું આ બંસરીને યૌવનનો પવન સ્પર્શતો જ નહિ હોય? તેના અરમાનો શું માત્ર કારકિર્દી પૂરતા જ સીમિત હશે? મારા મનમાં તેના પ્રત્યે જેવા ભાવો ઉત્પન્ન થાય છે; તેવા કોઈ ભાવો તેના મનમાં ક્યારેય આવતા નહિ હોય? અને વીક્કી અને કેયૂરીના લગ્ન થઇ ગયા. આખરે વિક્કી અને કેયૂરી અમેરિકા પણ જતા રહ્યા. મોન્ટુ પોતાના મનના ભાવોને મનમાં જ દબાવી રાખતો. બંસરી સુંદર હતી નમણી હતી. એ બંસરીને જોયા કરતો પણ આગળ વધવાની હવે તેની હિમ્મત ચાલતી નહિ.
સમય પસાર થતો ગયો. વરસો વીતતા ગયા. કેયૂરી અને વિક્કી અવારનવાર ઇન્ડિયા આવતા ત્યારે અચૂક લેબોરેટ્રી ની મુલાકાત લેતા ક્યારેક વિશાલ પણ પોતાની પત્ની અને બાળકો સાથે આવતો. આ બધું નિહાળી મોન્ટુ થી એક નિશ્વાસ નંખાઈ જતો પણ બંસરી તો પોતાની જ ધૂનમાં મગ્ન હતી.
આ વાતને 22 વર્ષ વીતી ગયા કેયૂરી અને વિક્કીની દીકરીના લગ્નમાં જવાનું આમંત્રણ બંસરી, મોન્ટુ અને વિશાલને મળ્યું. ત્રણે ય માંથી કોઈ ક્યારેય પરદેશ ગયા ન હતા. અંદરો અંદર પરામર્શ કરીને બંસરી, મોન્ટુ, વિશાલ અને વિશાલ ની પત્ની ચારેય એક જ હવાઈ જહાજમાં અમેરિકા જવા ઉપાડ્યા. ખુબ જ આગ્રહ કરીને વિક્કી અને કેયૂરીએ બધાને અઠવાડિયા સુધી રોકી રાખ્યા. બધા પાછા ઇન્ડિયા આવ્યા.
મોન્ટુ હવે અસ્વસ્થ રહેવા લાગ્યો. મેડિકલ ચેકઅપ દરમ્યાન તેને કેન્સર નું નિદાન થયું. જીવનના આખરી વર્ષો શરુ થયા. ધીમે ધીમે તે મૃત્યુની ગોદમાં ધકેલાતો ગયો. થોડા મહિનાઓ પછી તેને લાગ્યું કે આજે તેના જીવનનો આખરી દિવસ છે. બંસરી તેની ખબર પૂછવા આવી. તેણે બંસરીને કહ્યું ” મને લાગે છે કે આજે મારા જીવનનો આખરી દિવસ છે. મારા મનની એક ઈચ્છા કે જે આજ સુધી હું તને કહી શક્યો નથી તે આજે વેલેન્ટાઈન ડે ના દિવસે તને કહું છું કે મેં તને જિંદગી ભર ચાહી છે; બંસરી. I love you Bansari; I love you.’’ એટલું બોલતા બોલતા તો તેનો શ્વાસ ભરાઈ ગયો અને તે પોતાની અંતિમ સફરે નીકળી ગયો.
આજે આ વાતને પણ વારસો વીતી ગયા છે. બંસરી સાવ એકલી પૈસાના ઢગલા વચ્ચે બેઠી બેઠી વિચારે છે કે પોતાની કેરિયર વાળી વાત શું સાચી હતી? પોતાના એક ખોટા વિચારે પોતે પોતાની આખી જિંદગી સંવેદના ઓ અને જેને આખું વિશ્વ્ એક અનોખી અનુભૂતિ કહે છે તે પ્રેમ વગર પસાર કરી નાખી તે તેની ખરેખર ભૂલ જ હતી. પણ પસ્તાવા માટે પણ હવે તો ઘણું જ મોડું થઇ ગયું હતું.
સુ શ્રી રેખાજીએ સાંપ્રત સમયે અમારા કુટુંબમા,સ્નેહીઓમા અને સમાજમા અનુભવાતી વાત’ કેરિયર બનાવવાની હોય ત્યારે આવા લગનના લફરામાં…’ની સુંદર રીતે રજુઆત અને ‘ ”અબ પછતાયે હોત ક્યા, જબ ચિડિયા ચુગ ગઇ ખેત.”.જેવા અંત પણ જોયો છે !
સુ શ્રી રેખાજીએ સાંપ્રત સમયે અમારા કુટુંબમા,સ્નેહીઓમા અને સમાજમા અનુભવાતી વાત’ કેરિયર બનાવવાની હોય ત્યારે આવા લગનના લફરામાં…’ની સુંદર રીતે રજુઆત અને ‘ ”અબ પછતાયે હોત ક્યા, જબ ચિડિયા ચુગ ગઇ ખેત.”.જેવા અંત પણ જોયો છે !
LikeLike