ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૧૬

પ્રકરણ  ૧૬ : મરાઠા સત્તાના નૌકાદળનું પતન

 છત્રપતિ શિવાજીએ નૌકાશક્તિનો વિકાસ કર્યો અને એમના મૃત્યુ પછી પણ મરાઠા સત્તામાં નૌકાદળનો બહુ મોટો ફાળો રહ્યો. આમાં કોલાબાના કોળીઓના મુખી કાન્હોજી આંગ્રે (જૂનું નામ અંગ્રિયા)નું નામ અચૂક લેવું પડે એમ છે. એ ઈસ્ટ ઇંડિયા કંપની માટે એટલી હદે માથાનો દુખાવો બની ગયા હતા કે એ વખતના બ્રિટિશ દસ્તાવેજોમાં એમનો ઉલ્લેખચાંચિયાતરીકે મળે છે.

રાજારામે ગાદી સંભાળી તે પછી ૧૬૯૮માં એમણે મરાઠા નૌકાદળમાં સુબેદારનું પદ સંભાળ્યું હશે, કારણ કે મરાઠા નૌકા દળે કારવાર પર હુમલો કર્યો તેમાં કાન્હોજી અંગ્રિયાએ સરદારી લીધી હોવાનું પોર્ચુગીઝ દસ્તાવેજો કહે છે. તે પછી મુંબઈના ગવર્નરે સૂરતમાં પ્રેસીડેન્ટને મોકલેલા પત્રમાં કાન્હોજીના નામનો સીધો ઉલ્લેખ મળે છે. કાન્હોજીએ દાંડા રાજપુર પર હુમલો કરીને કેટલાક વેપારીઓને પકડી લીધા અને વીસ હજાર રૂપિયાનું વચન મેળવ્યું. પદ્માદુર્ગમાં એમણે બે વેપારીઓને કેદમાં બાન તરીકે રાખ્યા અને બીજા વેપારીઓ સાથે પૈસા વસૂલ કરવા ગયા ત્યારે મુંબઈના અંગ્રેજ સત્તાવાળાઓએ બે મરાઠા દૂતોને પકડી લીધા અને મરાઠા સરકાર માટે મીઠું લઈને આવતાં બે જહાજોને પણ આંતરી લીધાં. કાન્હોજીએ આથી અંગ્રેજો સાથે સમાધાન કરી લીધું.

૧૭૦૧માં ઝંઝીરાના સીદી હાકેમે હુમલો કર્યો અને અંગ્રેજો પર કાન્હોજીને મદદ કરવાનું આળ ચડાવ્યું. પણ લડાઈમાં કાન્હોજીએ એને સખત હાર આપી.

હવે કાન્હોજીએ એક ડચ જહાજ પર કબ્જો કરી લીધો. કાન્હોજીને અંગ્રેજો સાથે થયેલી સંધિથી સંતોષ નહોતો એટલે એમણે મુંબઈ જતાં જહાજોને આંતરવાનું શરૂ કરી દીધું. મુંબઈમાં આ કારણે ભારે અન્નસંકટ પેદા થયું. કંપનીએ એના એક ઑફિસરને કાન્હોજી પાસે મોકલ્યો. એને હુકમ હતો કે એ કાન્હોજી સાથે ધાકધમકી ન વાપરે અને શાંતિથી કામ લે. ઓફિસરે એમને સિવાજી અને રાજારામ સાથે કંપનીના સારા સંબંધોની યાદ આપીને કહ્યું કે શિવાજી તો કંપનીનાં જહાજો સાથે છેડછાડ નહોતા કરતા. જવાબમાં કાન્હોજીએ રોકડું પરખાવી દીધું કે શિવાજીએ તો ઘણાં સારાં કામ કર્યાં પણ અંગ્રેજો તો હંમેશાં ફરી જતા હતા; મરાઠાઓ તલવારથી જીવ્યા છે અને જીત્યા છે એટલે એમના પાસપોર્ટ વિના કોઈ જહાજ મુંબઈ નહીં આવી શકે. એમણે અંગ્રેજોનું એક જહાજ કબજે કરીને ૭૦ હજાર રૂપિયાનો માલ પડાવી લીધો. તે પછી એમણે કેટલીયે વાર અંગ્રેજોને લૂંટ્યા. એ કાન્હોજી સામે લાચાર હતા.

૧૭૧૩માં અંગ્રેજ કંપનીએ મરાઠાઓ સાથે સમજૂતી કરી પણ કાન્હોજી આંગ્રે આ સમજૂતી માનવા તૈયાર નહોતા અને એમણે મુંબઈ આવતાંજતાં નાનાં જહાજોને પકડી લેવાનું ચાલુ રાખ્યું. ૧૭૧૬માં તો કાન્હોજી અને કંપની વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. કાન્હોજી આ દરમિયાનસરખેલ’ (ઍડમિરલ) બની ગયા હતા અને નૌકાદળ આખું એમની સરદારી નીચે હતું. ૧૭૨૯માં એમનું અવસાન થયું પરંતુ લડાઈ તો છેક ૧૭૫૬ સુધી ૪૦ વર્ષ  ચાલતી રહી.

ક્લાઇવની ચડતી આપણે ૧૫મા પ્રકરણના અંતમાં જોયું તેમ ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચે સમજૂતી થઈ જતાં લડાઈનો સવાલ જ નહોતો. એટલે ક્લાઇવને ૧૭૫૫ના નવેમ્બરમાં મુંબઈ પ્રેસીડેન્સીમાં મોકલી દેવાયો. એ અરસામાં કંપનીના ઍડમિરલ વૉટ્સનની નોકરીમા ઍડવર્ડ આઇવ્ઝ નામનો એક ડૉક્ટર પણ આવ્યો હતો. એણે લખ્યું છેઃ

 ઍડમિરલ વૉટ્સન, મુંબઈના ગવર્નર બુર્ચિયર અને કર્નલ ક્લાઈવને લાગ્યું કે એમણે મરાઠાઓ સાથે મળીને અંગ્રિયાની ચાંચિયાગીરીને નેસ્તનાબૂદ કરી નાખવી જોઈએ કારણ કે એ માત્ર એમના પાડોશી મરાઠાઓને માટે જ નહીં પણ ઈસ્ટ ઇંડિયા કંપની અને આખા મલબાર કાંઠા માટે પણ જોખમ રૂપ બની ગઈ છે.”

કાન્હોજીના મૃત્યુ બાદ એમના કબજા હેઠળના કિલ્લાઓ એમના બે પુત્રોમાં વહેંચાઈ ગયા હતા અને એમના વચ્ચે પણ વેર બંધાયું. છત્રપતિ શાહુએ નાનાસાહેબ પેશવાની મરજી વિરુદ્ધ કાન્હોજીના પુત્ર તુલાજીને સરખેલ બનાવ્યો. તુલાજી વિજયદુર્ગમાંથી હકુમત ચલાવતો હતો. મુંબઈ અને ગોવાની વચ્ચેના સમુદ્રમાં એની આણ હતી અને એણે ઈસ્ટ ઇંડિયા કંપનીનાં અસંખ્ય જહાજો લૂંટ્યાં હતાં. અંગ્રેજોને તુલાજીના નામથી ફડકો પડતો હતો. એની સમુદ્રી તાકાત એટલી હતી કે  નાનાસાહેબને એ પોતાના ઉપર માનવા તૈયાર નહોતો. એટલે અંગ્રેજો સાથે મળીને તુલાજીને પરાસ્ત કરવાની પેશવાની તૈયારી હતી.

અંગ્રેજી ફોજના સરદારોમાં મતભેદ

કોઈ પણ લડાઈમાં અંગ્રેજી ફોજના નેતાઓ પોતાનો અંગત લાભ પણ જોતા. ગેરિયાના કિલ્લા પર હુમલાની તૈયારી થઈ ગઈ હતી ત્યારે રાજાની સ્ક્વૉડ્રનના સરદાર ઍડમિરલ વૉટ્સને બ્રિટનના રાજાની સેના અને ઈસ્ટ ઇંડિયા કંપનીની સેનાની ભૂમિ પાંખ અને નૌકા પાંખની એક બેઠક બોલાવી. એનો ઉદ્દેશ એ હતો કે ધારો કે આ હુમલામાં જીત મળે તો જે દલ્લો હાથ લાગે તેના કેમ ભાગ પાડવા! વૉટ્સને નક્કી કર્યું કે જે કંઈ મળે તેના આઠ ભાગ ગણવા. આ આઠમા ભાગનો બેતૃતીયાંશ વૉટ્સનને અને એકતૃતીયાંશ રીઅર ઍડમિરલ પોકૉકને મળશે. રાજાના નૌકા કાફલાના કૅપ્ટનોને જે રકમ મળે તેટલી જ રકમ ક્લાઇવને મળશે.

આ નિર્ણય તો લેવાઈ ગયો પણ ક્લાઇવને સંતોષ નહોતો. એ કાંઠાના ભૂમિદળનો કમાંડર હતો. એણે વૉટ્સનને મળીને કહ્યું કે લશ્કર આ નિર્ણયથી ખુશ નથી; એણે રિઅર ઍડમિરલ જેટલો ભાગ માગ્યો. વૉટ્સન આના માટે તૈયાર ન થયો પણ એણે જે કંઈ ઓછું પડે તે પોતાના ભાગમાંથી આપવાની તૈયારી દેખાડી. 

તુલાજી પર હુમલો

૧૭૫૬ની ૭મી ફેબ્રુઆરીએ શાહી અને કંપનીના કાફલા મુંબઈથી રવાના થયા અને ૧૧મીએ વિજયદુર્ગની પાસે પહોંચી ગયા. અહીં પેશવાનાં નાનાંમોટાં ૪૦૫૦ જહાજ પણ સજ્જ હતાં.

૧૭૫૬ના ફેબ્રુઆરીની ૧૩મીએ  વિજયદુર્ગ (ગેરિયા)ના કિલ્લાનું પતન થયું પણ તુલાજી ભાગી ગયો હતો. કંપનીને અઢળક ધન મળ્યું અને આખો પ્રદેશ મળ્યો. આ વિજયમાં ક્લાઇવની વ્યૂહરચના અને સમયસૂચકતાનો બહુ મોટો ફાળો રહ્યો. અંગ્રેજ કંપની હવે એના સાર્વભૌમત્વ હેઠળની મુંબઈ પ્રેસીડેન્સીમાં બધા હરીફો કરતાં સબળ પુરવાર થઈ હતી. મરાઠાઓના પ્રભુત્વના અંતની શરૂઆત થઈ અને માત્ર સમુદ્ર પર વેપાર કરનારી કંપની જમીન પર પણ મજબૂત બની. વિજયદુર્ગ પરના વિજયના પડઘા દૂર દૂર સુધીભૂગોળ અને ઇતિહાસમાં પણ ઝિલાયા.

Advertisements

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s