શ્વેત પરછાઈ (ડો. કનક રાવળ) – આસ્વાદ (જયશ્રી વિનુ મરચંટ)


શ્વેત પરછાઈ

સમી દીવાળીની રાત, શરદના શીતળ વા,

ટમટમ્યાં અગણિત તારક તારિકા અમાસ આકાશે,

રચાયો રાસ રત્ન રાશીનો,

આનંદ ઓછવ વરતાયો નભ મંડળે.

પલકારામાં ભાગ્યા સૌ નિજી સ્થાન ભૂલી ઓછાયા,

આવતાં સવારી ભવ્ય સૂર્ય મહારાજની.

ઝાકળભીની હતી ભૂમિ શેફાલી વ્રક્ષ તળે,

પથરાયાં ત્યાં શ્વેત પારીજાત પુષ્પો;

નાજુક, પંચપત્તી, રક્તશીખાધારી,

મઘમઘી દિશાઓ પુષ્પગાને.

યાદી ભરી ગતરાત્રી સંવનોની,

મનોકાશમાં સમાયા સૌ સ્મરણો,

થયું ભાથું ભેગું અતીત ઓવારે

રહી બાકી શ્વેત પરછાઈ

ધરી રક્તબીંબ અધરે.

– કનક રાવલ (જાન્યુઆરી ૨૦૦૩)

 

આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

ક્યારેક જ એવું ઓચિંતુ બની જાય કે અછાંદસ કવિતામાં લય અને તાલના પડછાયાઓ કોઈ ગેય ગીતથી પણ વિશેષ મનમાં વસી જાય. આ કાવ્ય વાંચતાં પણ એવો જ અનુભવ થયો. આ કવિતાના શબ્દચિત્રોની રચાયેલી સૃષ્ટિ અને એનું સામર્થ્ય ભાવકને ખળખળ વહેતા ઝરણાંની અનુભૂતિ કરાવે છે.

વાત શરૂ થાય છે રહસ્યમયી શ્વેત પરછાઈથી અને દિવાળીની – અમાસની રાતની વૈભવશાળી સફર પર એકે એક શબ્દચિત્ર લઈ જાય છે.

“શરદના શીતળ વા,

ટમટમ્યાં અગણિત તારક તારિકા અમાસ આકાશે,

રચાયો રાસ રત્ન રાશીનો,

આનંદ ઓછવ વરતાયો નભ મંડળે.” આનંદના ઉત્સવમાં દુખના ઓછાયાનું શું કામ? સ્મરણોની સવાર ઉઘાડ કરે છે ભાવવિશ્વનો જેમાં ભૂતકાળમાં માણેલી એ સહુ સંવનનની નાજુક, મધુર અને પારિજાતના પુષ્પો સમી મઘમઘતી પળો સંઘરાયેલી છે. આ સાથે જ ખુલે છે “શ્વેત પરછાઈ”નું ગોપનીય રહસ્ય અને એ પણ વધુ સ્પષ્ટતા કર્યા વિના અને કાવ્યતત્વને અકબંધ રાખીને! આ પડછાયો એ સાથીનો છે કે એ સાથી સાથે માણેલા શૃંગારનો, એ નક્કી કરવાનું કામ કવિ ભાવક પર છોડી દે છે અને કવિતા અહીં અભિસારને પાવનતાના શિખર પર પહોંચાડે છે.

“યાદી ભરી ગતરાત્રી સંવનોની,

મનોકાશમાં સમાયા સૌ સ્મરણો,

થયું ભાથું ભેગું અતીત ઓવારે

રહી બાકી શ્વેત પરછાઈ

ધરી રક્તબીંબ અધરે.”

જ્વલેજ મળતું સુંદર શૃંગાર કાવ્ય!

5 thoughts on “શ્વેત પરછાઈ (ડો. કનક રાવળ) – આસ્વાદ (જયશ્રી વિનુ મરચંટ)

  1. શ્વેત પરછાઈ ડો. કનક રાવળ સુંદર અભિવ્યક્તી
    – આસ્વાદ જયશ્રી વિનુ મરચંટનો વધુ સુંદર

    Like

પ્રતિભાવ