મને થયું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં,
ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં.

કિરીટ શાહ
આ ડૉ. અલય બૅન્કર, ગુજરાતના સુપ્રસિદ્ધ રેટીના સ્પેશિયાલિસ્ટ, કિરીટભાઈ શાહે મને ડો. અલયનો પરીચય એમના ઘેર રાખેલ એક ડિનર સમયે ખૂબ મર્યાદિત સંખ્યામાં મિત્રોને આમંત્રેલા તે સમયે કરાવ્યો. કિરીટભાઈએ ડૉ. અલયને મારો પરિચય આપવાનો શરૂ કર્યો ત્યાં જ અલયભાઈ બોલી ઊઠ્યા; “સાહેબને, હું નાનપણથી જાણું છું પરંતુ હવે પોલિયો ફાઉન્ડેશનના નામથી પણ એમને જાણું છું.”
કિરીટભાઈએ અમારો પરિચય કરાવી મને કહ્યું કે તમે થોડી સંસ્થાની માહિતી અલયભાઈને આપો. વિશ્વની તમામ ક્રિકેટ ટીમના તમામ પ્લેયર્સનાં મોઢામાં જેમ ચ્યુઇંગ ગમ સતત મમરાવાતી હોય તેમ મારા માટે પોલિયો ફાઉન્ડેશન ટ્યુઇંગ ગમ સમું. દસ જ મિનિટ મળી પણ બીજા દિવસથી અલયભાઈ પોલિયો ફાઉન્ડેશનનીટીમમાં જોડાઈ ગયા. અમારા રેટીના યુનિટને અદ્યતન અને સતત વિકસાવતું બનાવી દીધું. આ નવા યુનિટના વિકાસનો સઘળો યશ કિરીટભાઈનો !
કિરીટભાઈ મૂળ સેલ્સમૅન, વાતો કરવી એમને બહુ ગમે. અમે બંને સરખા, બંને બોલકા એટલે પછી અમારો મેળ જામી ગયો. જેમ સેલ્સમેન હંમેશાં પોતાના વિષયમાં અપડેઇટ રહે એમ કિરીટભાઈ પણ બધા જ વિષયની જાણકારી રાખે. ધર્મ, સંગીત, નવી પ્રવૃત્તિ એમના સ્વભાવમાં વણાઈ ગયાં છે. ચાર દાયકા કામ કરી, નિવૃત્ત થઈ એ સેટલ થઈ ગયા છે. પોતે વિશ્વ પ્રવાસી છે. લગભગ એંસી દેશો ફર્યા હશે પરંતુ દર વર્ષે અમદાવાદ ત્રણ મહિના આવવાનું અનિવાર્ય રાખે. સંસ્થામાં અઠવાડિયે એક બે વાર આવે. બધી જ પ્રવૃત્તિઓનો ઊંડાણથી અભ્યાસ કરે. પોતાનાં સૂચન આપે. અભ્યાસુ વ્યક્તિ, વિશ્વનો પ્રવાસી, વ્યવસાયે સેલ્સ પર્સન એટલે બહોળો અનુભવ અને વિશાળ મિત્ર વર્ગ. સબંધની કિંમત અને તેને સાચવાની તેમની કલા અદ્દભુત છે.
કિરીટભાઈ માત્ર સૂચન આપી અટકે નહીં પણ જરૂર પડે ત્યાં હાથ લંબાવી દે. મિત્ર સર્વજ્ઞ ગોડિઆવાલાએ અમારો પરિચય કરાવેલો એટલે એમની સાથે શકય હોય એટલી વધુ વાર હોસ્પિટલ આવે. પ્રશ્નો પૂછે અને એમાં ય રેટીના યુનિટ માટે એમને વિશેષ પ્રેમ. એક દિવસ વાતવાતમાં એમણે ચૂપચાપ વિગત જાણી લીધી અને બીજા દિવસે અમારી જરૂરિયાતનો ચેક મોકલી આપ્યો. હું અને ડૉ. ભટ્ટ આશ્ચર્ય અનુભવી રહ્યા પણકિરીટભાઈ દાન આપીને છૂટી ગયા એવી વૃત્તિના નહીં. પ્રશ્નો પૂછે અને સંતોષ ના થાય ત્યાં સુધી પૂછ્યા જ કરે. ખુબ ઊંડાણમાં ઉતરે, અમેરિકાથી એમનો નિયમિત ફોન આવે. એ પ્રશ્ન કરે, ભરતભાઈ બે મિનિટ વાત થઈ શકશે અને અમારી વાત સાઇઠ મિનિટે પૂરી થાય. મને પ્રોત્સાહન અને એમને આનંદ મળે.
અમારી ઇન્ટરનેશનલ રિસોર્સ કમિટીનું અધ્યક્ષપદ એમણે માંગી લીધું. કારણ કે હવે આ સંસ્થાના એક અંગ બની ગયા હતા. વધુ ને વધુ દાન પરદેશથી આવે એ માટે એ સક્રિય રહે.
બીજા વર્ષે ફરીથી રેટીના યુનિટ માટે એમણે મોટું દાન આપી દીધું. આ વખતે શકય એટલે બન્યું કે ફોન ઉપર વાતો કરીને એમણે બધી જરૂરિયાત જાણી લીધેલી. ત્રીજા વર્ષે ફરીથી એ જ પદ્ધતિ, ખબર પડી અમારે નવા મશીન માટે મોટી રકમની જરૂર પડી છે અને કિરીટભાઈએ ચૂપચાપ ચેક મોકલી આપ્યો.
કિરીટભાઈના પ્રશ્નો અવિરત હોય, એમને સતત માહિતી જોઈએ પણ એમનો હેતુ સંસ્થાનો વ્યાપ અને વિસ્તાર વધારવો. અમેરિકાથી વધુ દાન લાવવાની ઈચ્છા. એમના બધા જ રેકોર્ડ સચવાય અને યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ થાય. એમનું મોટું અનુદાન તો અમેરિકાની ICA સંસ્થા સાથે અમને જોડયા જેથી અમેરિકન સીટીઝનને ટેકસ ફ્રી ડોનેશનની તક મળે અને અમને વધુ દાન! દાન લાવવામાં એ કોઈનેય ના છોડે, દીકરાઓને પણ ! આજ સુધીમાં કીરીટભાઈએ સાત આંકડા પાર થઇ જાય એટલું દાન આપ્યું છે કે લાવી આપ્યું છે.
ગતવર્ષે એમને નવો પ્રોજેક્ટ માંગ્યો અને મેં રોગ પ્રિવેન્સન માટે અદ્યતન વેક્સીન સેન્ટરનો પ્રોજેક્ટ આપ્યો. વેક્સીન બનાવનાર કંપનીઓના સંબંધથી તેમનું આ વિષયમાં ખુબ જ્ઞાન અને જે જાણતા ના હોય તે વેબસાઈટ ઉપરથી જાણી લે. ત્રીજા જ દિવસે રૂપિયા ૩૧ લાખનું કમીટમેન્ટ. એ ભારત આવે એટલે દર વખતે અમે એમના પ્રોજેક્ટનું લોંચીંગ રાખીએ જેમાં ખુદના અસંખ્ય મિત્રોને આમંત્રે અને સંસ્થાનો બધાને પરીચય કરાવે.
૨૦૧૮ના અંત ભાગમાં ICAના ગોલ્ડન જ્યુબ્લી પ્રસંગે તેઓ ઓર્ગેનાઈઝિંગ કમિટીના અધ્યક્ષ હતા અને એ પ્રસંગ ખુબ ઉત્તમ રીતે પાર પાડ્યો જે સૌને માટે આનંદદાયક બની રહ્યો. અમારી સંસ્થાને પણ પ્રેઝન્ટેશન માટે આમંત્રણ મળ્યું જે ઘટના અમારા માટે ખુબ વિરલ બની રહી. કિરીટભાઈ સતત મારા પ્રેઝન્ટેશન માટે મને માર્ગદર્શન અને મદદ કરી રહ્યા હોવાથી એ ખુબ પ્રશંશનીય પ્રેઝન્ટેશન બની રહ્યું.
આવા મિત્ર અને સેવા કાર્યના સહયોગી કિરીટભાઈ અનેક સંસ્થાઓને સહાયરૂપ થવા સતત પરિશ્રમ કરતા હોય છે. મને ક્યારેક લાગે છે કે આ માણસને ઉંમર અડતી નથી. આવો દિલાવર માણસ મળવો એ સદ્દનસીબની વાત છે અને આવા મિત્ર અને સાથીના સબંધોની સોડમ જીવનભર મળતી રહે એ અપેક્ષા અસ્થાને તો નથી જ.
અમે દર વર્ષે શિયાળો આવે એની રાહ જોઈએ અને કોઈ નવો પ્રોજેકટ તૈયાર રાખીએ એવું અમે વિચારતા હોઇએ છીએ.
Like this:
Like Loading...
કિરીટભાઈના પ્રશ્નો અવિરત હોય, એમને સતત માહિતી જોઈએ પણ એમનો હેતુ સંસ્થાનો વ્યાપ અને વિસ્તાર વધારવો
ધન્ય ધન્ય વાતે શત શત નમન
LikeLike
તમે અને તમારા થકી સંસ્થા પણ બહુ નસીબદાર છે, શ્રી કિરીટભાઇ અને ડૉ. અલયભાઈ સસ્થાને મલ્યા. સારું અને માનવ સેવાનું કામ કરનારને પૈસા મળી રહે છે.
LikeLike
તમે અને તમારા થકી સંસ્થા પણ બહુ નસીબદાર છે, શ્રી કિરીટભાઇ અને ડૉ. અલયભાઈ સસ્થાને મલ્યા. સારું અને માનવ સેવાનું કામ કરનારને પૈસા મળી રહે છે.
________________________________
LikeLike