મેં ઘણો પ્રતિકાર કર્યો તો પણ સુઘોષ કહે: ના, તમને અન્યાય થયો જ છે તો તમારે વધારે નહીં તો યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાને નોટીસ તો આપવી જ જોઈએ. હું, મેં આગલા પ્રકરણમાં નોંધ્યું છે એમ, ઢચુપચુ હતો. કેમ કે મને ખબર હતી કે યુનિવર્સિટી જેવી મહાસત્તા આગળ મારું કંઈજ નહીં ચાલે. એ વખતે આર્ટ્સ ફેકલ્ટીના જે ડીન હતા એમને પણ મેં આગળ એક પ્રકરણમાં નોંધ્યું છે એમ ભાષાઓ માટે કે માનવવિદ્યાઓ માટે ખાસ આદર ન હતો. અમેરિકામાં, ખાસ કરીને ખાનગી યુનિવર્સિટીઓમાં, આવું બનતું હોય છે. દરેક ડીન પોતાની શિક્ષણની ફિલસૂફી પ્રમાણે પોતાની ફેકલ્ટીને આકાર આપવાનું કામ કરે. તો પણ, મને ખૂબ ઊંડે ઊંડે થોડીક આશા હતી. મને થયું કે મારા સાઉથ એશિયા ડીપાર્ટમેન્ટના જવાબદાર માણસોએ ગુજરાતી પ્રોગ્રામ બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે કદાચ એમના પર ડીનનું દબાણ હશે. કેમ કે એ વખતે ગુજરાતીમાં બહુ વિદ્યાર્થીઓ ન હતા આવતા. જો હું નોટીસ આપું તો એ લોકોએ સાચું બોલવું પડશે. મને એમ પણ હતું કે આટલા બધા વિદ્વાન પ્રોફેસરો જૂઠું તો નહીં જ બોલે. હા, વહીવટીતંત્ર કદાચ પોતાના બચાવમાં જૂઠું બોલે એવું બને ખરું. યુનિવર્સિટીઓ પાસે આપણે હંમેશાં એક પ્રકારની નૈતિકતાની અપેક્ષા રાખતા હોઈએ છીએ. કેમ કે યુનિવર્સિટીઓ પોતે નૈતિકતાના પાઠ ભણાવતી હોય છે. કોઈ યુનિવર્સિટી એના વિદ્યાર્થીઓને જૂઠું કે અસત્ય બોલવાની કળા નહીં શીખવાડે.
આખરે મેં સુઘોષની સલાહ સ્વીકારી. મેં ફિલાડેલ્ફિયાના બાર એસોશિયેશનનો સંપર્ક સાધી મારો કેસ લડી શકે એવા વકીલનું નામ મેં માગ્યું. અહીં અમેરિકામાં બાર એસોશિયેશનો આ કામ વીસ કે પચ્ચીસ ડૉલરની ફી લઈને કરતાં હોય છે. એના કારણ઼ે આપણા જેવા સરેરાશ ગ્રાહકને એક ફાયદો થાય: આપણે કોઈ ખોટા વકીલમાં ન ફસાઈ જઈએ.
બાર એસોશિયેશને મને એક બાઈનું નામ આપ્યું. એની ઓફિસ ફિલાડેલ્ફિયા શહેરમાં જ હતી. હું એપોઈન્ટમેન્ટ લઈને એની પાસે ગયો. મેં એને મારો કેસ સમજાવ્યો અને કહ્યું કે મને એક વરસ મળવું જોઈએ અથવા તો યુનિવર્સિટીએ મને એક વરસનો પગાર આપવો જોઈએ. એ વકીલ પણ મારી રજુઆત સાંભળીને વિચારમાં પડી ગયાં. એમને થયું કે યુનિવર્સિટીઓ લગભગ આવી ભૂલ ન જ કરે. એવી તમામ શક્યતાઓ છે કે એ લોકોએ ક્યાંકને ક્યાંક પોતાના બચાવની બારીઓ ઉઘાડી રાખી હશે. એ વકીલને કોણ જાણે કેમ મારા પર ખૂબ દયા આવી ગઈ. એણે મને શહેરની એકબે યુનિવર્સિટીઓમાં કોઈકને કોઈક પ્રકારની નોકરી મેળવવામાં મદદ કરવાની ખાતરી આપી. એણે મને કહ્યું પણ ખરું કે મારે એકબે યુનિવર્સિટીઓમાં ઓળખાણ છે. કોઈ અજાણ્યો માણસ આપણા પર આવી બાબતે દયા બતાવે તો આપણે નાસ્તિક હોઈએ તો પણ એનામાં ક્યાંક ભગવાન દેખાય. મેં એને કહ્યું કે મને શિક્ષકની નોકરી મળવાની શક્યતાઓ નહીંવત્ છે. કેમ કે મેં ભલે પીએચ.ડી. ભાષાશાસ્ત્રમાં કર્યું હોય મેં કામ તો ગુજરાતી ભણાવવાનું કર્યું છે અને એ ભણાવતી વખતે પણ મેં જે કંઈ નાનું મોટું સંશોધન કર્યું છે એ પણ ભાષાશિક્ષણના ક્ષેત્રમાં કર્યું છે. અને ગુજરાતી આખા અમેરિકામાં બીજે ક્યાંય ભણાવાતું નથી. પણ, મને એકેડેમિક એડવાઈઝરની જગ્યા મળી શકે. એમાં એડવાઈઝર જે તે વિદ્યાર્થીનું એકેડેમિક જીવન ઘડવામાં મદદ કરે. મારું એ ગમતું ક્ષેત્ર પણ હતું. વકીલ કહે કે હું પણ તપાસ કરીશ અને તમે પણ તપાસ કરજો. પણ, હું બહુ આશાવાદી ન હતો. કેમ કે આવાં વચનો ઘણી વાર વકીલ અને અસીલ વચ્ચેનાં સંબંધો મજબૂત કરવા માટે જ હોય છે. જો કે, વકીલે મને એમ કહ્યું ખરું કે તમારો કેસ મજબૂત છે પણ યાદ રાખજો કે તમે હાથીની સામે લડવા માગો છો. મને એની ખબર હતી. મને એ પણ ખબર હતી કે કેવળ બોધકથાઓમાં જ સિંહની સામે મધમાખી જીતી શકે. વ્યવહારિક જીવનમાં નહીં. મેં એને કહ્યું કે આપણે અદાલતમાં નહીં જઈએ. પણ નોટીસ તો આપીએ જ.
આખરે વકીલે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાને મારા વતી એક નોટીસ મોકલી. મારે એ પેટે હજાર ડૉલર આપવા પડ્યા. પણ એ તો સુઘોષે આપેલા. એણે કહેલું કે આ ખર્ચ મારો. તમે ચિન્તા ન કરતા.
પછી નક્કી કરેલા સમયગાળા દરમિયાન યુનિવર્સિટીએ અમારી નોટીસનો જવાબ આપ્યો. હળાહળ જૂઠો. એ વાંચતાં જ મારી અમેરિકન યુનિવર્સિટી વિશેની સમજ ભાંગીને ભૂક્કો થઈ ગઈ. મને થયું કે જ્યારે પૈસા આપવાના કે પૈસા ખર્ચવાના આવે ત્યારે અમેરિકન યુનિવર્સિટીઓ પણ જૂઠું બોલે. એ દિવસે મને યુનિવર્સિટીઓની પ્રમાણિકતા પર ખૂબ જ વિચારો આવ્યા. મને વારંવાર એક જ પ્રશ્ન થતો હતો કે જે સંસ્થાઓ સત્યના પાઠ ભણાવે એ સંસ્થાઓ અસત્ય કઈ રીતે બોલી શકે?
એમના જવાબમાં યુનિવર્સિટીએ એવો દાવો કરેલો કે બે વરસ પહેલાં અમે બાબુ સુથારને જણાવેલું કે અમે તમને બે વરસ પછી ચાલુ નહીં રાખી શકીએ. મારે એવી કોઈજ મૌખિક વાત થઈ નથી. કે એમણે મને એવું કંઈ લખીને પણ આપ્યું નથી. એટલું જ નહીં. એવું લખતાં પહેલાં એમણે એક રીવ્યુ કમિટી બેસાડવી પડે. એ કામ પણ એમણે કર્યું ન હતું. પછી એમણે એમ પણ કહ્યું કે અમે બાબુ સુથારને સહાનુભૂતિના એક ભાગ રૂપે એક વરસ વધારે આપેલું. અહીં સહાનુભૂતિનો કોઈ પ્રશ્ન જ ન હતો. મુદ્દો નિયમનો હતો. કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ સંસ્થા કોઈ પણ કર્મચારીને સહાનુભૂતિ બતાવવા માટે જ નોકરી પર ન રાખે. ભારતમાં આવું બને. કેમ કે ત્યાંની સામાજિક વ્યવસ્થા જુદા પ્રકારની છે. અમેરિકા તો નખશિખ મૂડીવાદી દેશ. આ દેશમાં ક્રુરતા પણ નિયમ પ્રમાણે આચરવામાં આવે. ત્રીજું હળાહળ જૂઠ એ લોકો એ બોલેલા કે એમણે મને પાર્ટ ટાઈમ નોકરીની ઓફર કરેલી પણ મેં સ્વીકારી ન હતી.
આવા જૂઠનું નિર્માણ કરનારા મારા જ, અલબત્ત સાઉથ એશિયા ડિપાર્ટમેન્ટના જ, બે પ્રોફેસરો જવાબદાર હતા. એ બન્ને ઇતિહાસના પ્રોફેસર હતા અને દક્ષિણ એશિયાના ઇતિહાસકારોમાં એમનું નામ આજે પણ ખૂબ મોટું છે. એટલું મોટું કે હું અહીં જે લખી રહ્યો છું એ સાચું હોવા છતાં કોઈ સ્વીકારશે નહીં કે એ લોકો જૂઠું બોલ્યા હોય. કેટલાક માણસો આમેય image પ્રમાણે જતા હોય છે. એ લોકો વિધાનોની તાર્કીક ચકાસણી કરવાને બદલે કોણ બોલ્યું છે એના ચકાસણી કરીને જે તે વિધાનોનું સત્ય નક્કી કરતા હોય છે.
મને નાનપણથી જ વિદ્વાનો માટે ભારે માન. અમારા સંસ્કૃત ભાષાના શિક્ષક ટેબલ પર હાથ પછાડી પછાડીને અમને સમજાવતા કે રાજા દેશમાં પૂજાય જ્યારે વિદ્વાન સર્વત્ર પૂજાય. સાચું કહું તો મેં ત્યારે જ રાજા બનવાને બદલે વિદ્વાન બનવાનું નક્કી કરેલું. મને એવું હતું કે વિદ્વાનો પક્ષાપક્ષી કરે પણ સત્ય માટે જ કરે. એ લોકો હંમેશાં સત્યનો પક્ષ લે. મામકા:ની નીતિ ન અપનાવે. વેર ન રાખે. ટૂંકમાં, વિદ્વાનો દૈવી પુરુષો જેવા હોય. પણ, પછી હું જેમ જેમ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધતો ગયો એમ એમ મને લાગ્યું કે મારી વિદ્વાનો વિશેની એ સમજ પાયામાંથી ખોટી હતી. અને આ, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના અનુભવ પછી મારે વિદ્વાનો વિશેની એ સમજનો ક્રુરતાપૂર્વક નાશ કરવો પડ્યો. જેમ રશિયન કવિ માયકોવસ્કીએ એમના પોતાના વિચારોને સૂકાં પાંદડાંની જેમ કચડતા ચાલ્યા જવાની વાત કરેલી, બરાબર એમ જ હું પણ વિદ્વાનોના નામનાં સૂકાં પાંદડાં કચડવા લાગ્યો.
આજે આટલાં વરસો પછી હું જ્યારે મારા જીવન પર નજર નાખું છું ત્યારે મને લાગે છે કે મેં નિરક્ષરો કરતાં કદાચ વિદ્વાનોના હાથે જ વધારે સહન કર્યું છે. હવે હું માનતો થઈ ગયો છું કે વિદ્વાનો સૌ પહેલાં તો માણસો હોય છે અને માણસની જેમ જ એ લોકો પક્ષાપક્ષી પણ કરે, સત્યને ગુંગળાવે પણ ખરા. જૂઠું પણ બોલે. વેર પણ વાળે. ભ્રષ્ટાચાર પણ કરે. પોતાના વિદ્યાર્થીઓને યોગ્ય જગ્યાએ ગોઠવી દે. એ પણ બીજા વિદ્વાનોના વિદ્યાર્થીઓના ભોગે. એટલું જ નહીં, વિદ્વાનો જેને આપણે અનૈતિક કામો તરીકે ઓળખીએ છીએ એવાં કામો પણ કરે અને એવાં કામોને ન્યાયી પણ ઠેરવે. મેં જોયું છે કે તમારી પાસે ગમે એટલી ડીગ્રીઓ હોય, ગમે એટલું જ્ઞાન હોય, જો તમારે યુનિવર્સિટીઓમાં પ્રવેશવું હોય તો તમારે વધારે નહીં તો એક ગોડફાધર કે એક ગોડમધર જોઈએ. જો સુરેશ જોષીએ મારા નામની ભલામણ ન કરી હોત તો શું હું સંતરામપુરમાં ગુજરાતી વિષયનો અધ્યાપક બન્યો હોત ખરો? એ જ રીતે, જો ભારતી મોદી ન હોત તો શું મને એમ.એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક બનવા મળ્યું હોત ખરું? મારી લાયકાત હતી અને છે એવું હું માનું છું. જેને એ જગ્યા નથી મળી એ લોકો તો બીજું જ કંઈક માનશે.
એટલું જ નહીં, શિક્ષણ જગતમાં આગળ વધવા માટે તમને પણ બીજા માટે ગોડફાધર કે ગોડમધર બનતાં આવડવું જોઈએ. આ એક પ્રકારનું મૂડીરોકાણ છે. મારા પાંચ વિદ્યાર્થીઓ જો પાંચ વિભાગોમાં પ્રોફેસર હોય તો એ પાંચેય વિભાગોમાં મારી બોલબાલા હોય. મારામાં આ આવડત નથી. ભારતમાં હતો ત્યારે પણ મને ગોડફાધર બનતાં ન હતું આવડ્યું. અમેરિકા આવ્યા પછી પણ ન હતું આવડ્યું. અને હવે તો એ શક્યતાઓ બિલકુલ રહી નથી. જો કે, એનો મને રાજીપો છે.
યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાનો જવાબ વાંચ્યા પછી મેં સુઘોષને કહેલું: આપણે આ નોટીસ ન આપી હોત તો સારું. આ પ્રોફેસરોની મેં ઊભી કરેલી image મારે તોડવી ન પડી હોત. ચાલો, આ પણ એક બોધકથા છે. હું આપત્તિ માત્રને બોધકથામાં ફેરવવાનો પ્રયાસ કરતો હોઉં છું. એના કારણે દરેક આપત્તિ મારા માટે એક narrative બની જતી હોય છે. જ્યારે આપત્તિ કથામાં પ્રવેશે ત્યારે એનું સત્ય જરા જુદા જ પ્રકારનું હોય છે.
પણ, આ ઘટના બન્યા પછી હું કદી પણ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સાઉથ એશિયા ડીપાર્ટમેન્ટમાં ગયો નથી અને કદાચ જઈશ પણ નહીં. હું જૂઠાબોલાઓના સમુદાય સાથે સંવાદ નથી કરી શકતો.
મારે અમાસેય ઓટ ને પૂનમેય ઓટ. મારો સમુદ્ર જરા જુદા જ પ્રકારનો છે.
‘અમેરિકા તો નખશિખ મૂડીવાદી દેશ. આ દેશમાં ક્રુરતા પણ નિયમ પ્રમાણે આચરવામાં આવે. ત્રીજું હળાહળ જૂઠ એ લોકો એ બોલેલા કે એમણે મને પાર્ટ ટાઈમ નોકરીની ઓફર કરેલી પણ મેં સ્વીકારી ન હતી…’ ચાલો જાત તો પહેચાની.એવા પણ વકીલો આવે છે કે કેસ જીતો તો જ ચાર્જ આપવાનો…ખાસ કરીને મૅડીકલં મીસ્ટેકમા…જે અહીં મરણનું ત્રીજુ કારણ છે
વિદ્વાનો તમામ પ્રકારની માનવીય નબળાઇઓ થી ભરેલા હોય એ સત્યનો અનુભવ છે. આપણે ત્યાં તો કહેવાય છે કે સાક્ષરા વિપરીતા રાક્ષસા.રાવણ બહુજ મોટો વિદ્વાન હતો.
LikeLike
‘અમેરિકા તો નખશિખ મૂડીવાદી દેશ. આ દેશમાં ક્રુરતા પણ નિયમ પ્રમાણે આચરવામાં આવે. ત્રીજું હળાહળ જૂઠ એ લોકો એ બોલેલા કે એમણે મને પાર્ટ ટાઈમ નોકરીની ઓફર કરેલી પણ મેં સ્વીકારી ન હતી…’ ચાલો જાત તો પહેચાની.એવા પણ વકીલો આવે છે કે કેસ જીતો તો જ ચાર્જ આપવાનો…ખાસ કરીને મૅડીકલં મીસ્ટેકમા…જે અહીં મરણનું ત્રીજુ કારણ છે
LikeLike