ગેરિયાનો કિલ્લો જીત્યા પછી ઍડમિરલ વૉટ્સન લંડન પાછો જવા માગતો હતો અને ગ્રેટ બ્રિટનના રાજાએ એના માટે પરવાનગી પણ આપી દીધી હતી પરંતુ લંડનથી ઈસ્ટ ઇંડિયા કંપનીએ સંદેશો મોકલાવ્યો કે ફ્રેન્ચ કંપનીનો પ્રેસીડેન્ટ દુપ્લે પોતાની જાળ ફેલાવવાની કોશિશ કરે છે અને એને કારણે ઈસ્ટ ઇંડિયા કંપનીનો વેપાર જોખમાશે. દુપ્લે ગોલકોંડા પર હુમલો કરવાની તૈયારીમાં છે, એ સંજોગોમાં વૉટ્સન લંડન પાછો ન જાય તે સારું છે. કંપની ગોલકોંડાને ફ્રાન્સ સામે મદદ કરવા તૈયાર હતી. વૉટ્સનને આ સંદેશ મદ્રાસ પ્રેસીડેન્સી તરફથી મળ્યો કે એ લંડન ન જાય અને મદ્રાસ આવી જાય. એને પોંડીચેરીમાં ફ્રેન્ચ હિલચાલ પર ધ્યાન રાખવાની મદ્રાસના ગવર્નરેવિનંતિ કરી.
વૉટ્સને લંડન જવાનું રદ કર્યું. એના હિસાબે પોંડીચેરી પર નજર રાખવા માટે ફોર્ટ સેન્ટ ડેવિડ સૌથી સારી જગ્યા હતી. એટલે એ વિજયદુર્ગથી સેન્ટ ડેવિડ ગયો. પણ મદ્રાસનો ગવર્નર એને ગોલકોંડા મોકલવા માગતો હતો. દુપ્લેએ ગોલકોંડાનો કબજો લેવા માટે મોટી ફોજ ઊભી કરી હતી.
અહીં વૉટ્સનને આશા હતી કે એ ગોલકોંડાના નવાબ સલાબત ખાનને એના અણગમતા મહેમાન, ફ્રેન્ચ સામે મદદ કરશે, બધી તૈયારી થઈ ગઈ હતી. અંગ્રેજ સ્ક્વૉડ્રન ગોલાકોંડા પહોંચીને સલાબત ખાનની ફોજ સાથે મળીને ફ્રેન્ચોને ભગાડવા તલપાપડ હતી પણ એવું કંઈ થઈ શક્યું નહીં.
સમાચાર મળ્યા કે બંગાળમાં સિરાજુદ્દૌલાએ મુર્શીદાબાદ પાસે કાસિમ બજારમાં અંગ્રેજોનો કિલ્લો કબજામાં લઈ લીધો છે, અને કલકત્તામાં ફોર્ટ વિલિયમ સુધી પહોંચવાની ઘડીઓ ગણાય છે. થોડા જ કલાકોમાં બીજો અહેવાલ મળ્યો કે એણે કલકતા સર કરી લીધું છે અને ફોર્ટ વિલિયમમાં એક કોટડીમાં ભરાઈ ગયેલા લગભગ બધા ગુંગળાઈને માર્યા ગયા. (આ ઘટના ‘બ્લૅક હોલ’ તરીકે ઓળખાય છે).
પરંતુ, આ ઘટનાઓના ઊંડાણમાં ઊતરીએ તે પહેલાં સિરાજુદ્દૌલા વિશે જાણવું જરૂરી છે.
સિરાજુદ્દૌલાનો ઇતિહાસ
૩જી માર્ચ ૧૭૦૭ના ઔરંગઝેબનું મૃત્યુ થયું. એણે વસીયતનામું લખીને પોતાના ત્રણેય પુત્રોને સામ્રાજ્યના જુદા જુદા પ્રદેશ આપી દીધા હતા પણ માત્ર ત્રણ મહિનામાં મુખ્ય ગાદી માટે ત્રણેય વચ્ચે યુદ્ધ થયું. બે માર્યા ગયા અને મુઅઝ્ઝિમ સિંહાસને બેઠો. એણે પોતાનું નામ શાહ આલમ પહેલો રાખ્યું. ૧૭૧૨માં એ મૃત્યુપામ્યો, તે પછી એનાયે ચાર પુત્રો વચ્ચે જંગ ખેલાયો, એમાં જહાંદાર શાહ જીત્યો અને શહેનશાહ બન્યો. એક જ વર્ષમાં એને એના ભત્રીજા ફર્રુખસિયરે લાલ કિલ્લામાં જ ગળે ટૂંપો દઈને મારી નાખ્યો અને પોતે શહેનશાહ બની બેઠો. એને બે સૈયદ ભાઈઓએ મદદ કરી હતી. એમાંથી એકને એણે વજીર બનાવ્યો અને બીજાને લશ્કરનો સિપહસાલાર.
ફર્રુખસિયર પહેલાં બંગાળમાં રહી ચૂક્યો હતો અને ઈસ્ટ ઇંડિયા કંપની સાથે એના સારા સંબંધો હતા. કંપનીને આશા હતી કે હવે એમને વેપાર માટે ‘ફરમાન’ મળશે. એમણે પોતાનો દૂત પણ મોકલ્યો. ફરમાન અનેક કાવાદાવા પછી મળ્યું. (પણ ફર્રુખસિયર પોતે એટલો નબળો હતો કે એક દિવસ સૈયદ ભાઈઓએ એને તખ્તે તાઉસ પરથી નીચે પટક્યો અને આંધળો કરી નાખ્યો. આના પછી સૈયદ ભાઈઓ મરજી પડે તેને ગાદીએ બેસાડતા અને મોતના મુખમાં ધકેલી દેતા. પરંતુ એક જહાં શાહ એમને ભારે પડ્યો. એણે દખ્ખણના નિઝામ ઉલ મુલ્કની મદદથી સૈયદ હસન અલીને જ મરાવી નાખ્યો).
જહાં શાહે નિઝામ ઉલ મુલ્કને વજીર બનાવ્યો પણ એને એ કામમાં મઝા ન આવી અને એ દખ્ખણ પાછો ચાલ્યો ગયો. ત્યાં જતાં જ એણે મોગલ શહેનશાહનું નામ તો રાખ્યું પણ હકીકતમાં સ્વતંત્ર થઈ ગયો.
એ જ રીતે બંગાળ પણ સ્વતંત્ર થતું ગયું. મોગલ સામ્રાજ્યમાં બંગાળ સમૃદ્ધ ગણાતું. ઔરંગેઝેબે હાકેમ તરીકે મુર્શીદ કુલી ખાનને નીમ્યો હતો. કુલી ખાન જન્મે ઓડિશાનો બ્રાહ્મણ હતો પણ એને બાળપણમાં જ એક ફારસી સરદારે ગુલામ તરીકે ખરીદી લઈને મુસલમાન બનાવ્યો હતો. એણે કુલી ખાનને વહીવટી અને લશ્કરી તાલીમ આપીને સત્તાને લાયક બનાવ્યો. ૧૭૧૭થી એ સંપૂર્ણ સ્વતંત્ર થઈ ગયો, મોગલ સલ્તનતનું નામ દેખાવ પૂરતું રહ્યું. ૧૭૨૭માં એના મૃત્યુ પછી એનો જમાઈ શુજાઉદ્દીન ખાન (શુજાઉદ્દૌલા) આવ્યો. એના મૃત્યુ પછી એનો પુત્ર સરફરાઝ ખાન ગાદીએ બેઠો પણ એક લડાઈમાં એ માર્યો ગયો. એના પછી ૧૭૪૧માં પટનાના શાસક અલીવર્દી ખાને બંગાળની સત્તા પોતાના હાથમાં લઈ લીધી.
પરંતુ અલીવર્દી ખાનને સંતાન નહોતું એટલે એણે પોતાના દૌહિત્ર સિરાજુદ્દૌલાને દત્તક લીધો. અલીવર્દી ખાનના મૃત્યુ પછી એ ૧૮ વર્ષની ઉંમરે બંગાળનો નવાબ બન્યો (વિકીપીડિયા). કલકતા અને રાજધાની મુર્શીદાબાદ, બન્ને એના હસ્તક હતાં.
બંગાળના નવાબોને કદીયે ઈસ્ટ ઇંડિયા કંપની પસંદ નહોતી આવી. છેક ૧૬૯૦થી ઔરંગઝેબની મહેરબાનીથી કંપનીને બંગાળમાં વેપાર કરવાની છૂટ મળી હતી તે સાથે મહેસૂલ વસૂલ કરવાનો અધિકાર પણ મળ્યો હતો. આમ કંપની જમીનદાર બની ગઈ હતી. (જૂઓ પ્રકરણ ૧૨). આમાં નવાબને નુકસાન થતું હતું પણ એમને એ સ્વીકારવું પડ્યું હતું. નવાબી ખાનદાનની અંદરોઅંદર સત્તાની સાઠમારી ચાલતી રહી પણ શુજાઉદ્દૌલાનો કંપની સાથે ઝઘડો ચાલતો રહ્યો. ઔરંગઝેબે કંપનીને ‘દસ્તક’ આપ્યા હતા એટલે કે કંપનીને જકાત વિના માલસામાન વેચવા–ખરીદવાનો અધિકાર હતો. કંપનીના અધિકારીઓ અંગત વેપાર પણ કરતા અને એ પણ કંપનીના નામે ચડાવી, જકાત ભરવામાંથી બચી જતા. શુજાઉદ્દૌલા આને ચોરી માનતો હતો. અંતે એણે શાહી ફરમાનની પરવા કર્યા વિના અંગ્રેજોનો વેપાર બંધ કરાવી દીધો. છેવટે કંપનીએ એને નજરાણું આપીને સમાધાન કર્યું. અલીવર્દી ખાન તો કબજાખોર હતો, એ અંગ્રેજોને હેરાન નહોતો કરતો પણ એમને નિયમો પાળવાની ફરજ પાડતો.
સિરાજુદ્દૌલા સત્તા પર આવ્યો ત્યારે આ જ સંયોગો એને વારસામાં મળ્યા હતા અને એ અંગ્રેજો સાથે સખતાઈમાં માનતો હતો. એના દુશ્મનો પણ ઘણા હતા, જેમાં એક હતો મીર જાફર ખાન! આનો લાભ ક્લાઇવે લીધો.
એની હકુમતનો ગાળો બહુ ટૂંકો રહ્યો પણ ભારતના ઇતિહાસ માટે મહત્વનો છે, જેની ચર્ચા હવે પછીના પ્રકરણમાં કરશું.