ખૂંખાર ડાકુ જોબન વડતાલાએ સવા બસો વર્ષ પૂર્વે પોતાની આત્મકથા લખી હતી
– જેનું નામ પડતાં રોતાં છોકરાં છાનાં રહી જતાં એવા
– કોઈ કહેતું કે જોબન પગીને માથે કોઇ પીરનો હાથ છે. એની પાસે માતાનો કાળો પછેડો છે. ઈ ઓઢીને નીકળે એટલે એને કોઈ ભાળે નઇં
ભારતની ધરતી પર આઝાદીનાં અજવાળાં પથરાયાં ઇ મોર્યની આ વાત છે. જૂના વડોદરા રાજ્યનાં ગામડાં ધમરોળી લૂંટફાટ કરી લોકજીવનની ઊંઘ ઉડાડી મૂકનાર ખૂંખાર ડાકુ-લૂંટારો પોતાની આત્મકથા આલેખે અને તે પણ આજથી સવા બસો વર્ષ પૂર્વે, એવું બને ખરું ? આ વાત છે સહજાનંદ સ્વામિના સમયની. છપૈયા છોડીને ગુજરાતની ધરતી પર સ્વામી વિચરણ કરી રહ્યા હતા. અંધાધૂંધીના એ કાળમાં કાઠિયાવાડ અને મધ્ય ગુજરાતમાં ચોર-ડાકુ અને લૂંટારા સીમ-વગડે જ નહીં પણ ગામડાંઓમાં આવીને છડેચોક લૂંટ-ફાટ કરતા અને પવનના વંટોળિયાની જેમ ઘોડા ઉપર ભાગી છૂટતા.
એ સમયે જોબન વડતાલો કરીને એક જબરો લૂંટારો. એનું નામ પડતાં રોતાં છોકરાં છાનાં રહી જતાં. મૂંછે લીંબુ લટકાડીને ફરનારાય એનાથી આઘા ભાગતા. એવી એની ફેં ફાટતી. જોબન પગીને જીવતો કે મૂઓ પકડવા માટે વડોદરાની ગાયકવાડ સરકારનું ફરમાન છૂટયું હતું. એને પકડવા માટે પોલીસની મોટી પલટન લઇને નીકળેલા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઘાટગે જોબન પગીની ઝપટે ચડીને વીંધાઈ ગયા. એ પછી કોઇ પોલીસ અમલદાર આ ચિત્તા જેવા ચપળ લૂંટારાને પકડવાનું બીડું ઝડપી શક્યા નહીં.
ગાયકવાડ સરકાર પાસે ગામડાના શ્રધ્ધાળુ લોકો પાસેથી અવનવી વાતો આવવા માંડી. કોઈ કહેતું કે જોબન પગીને માથે કોઇ પીરનો હાથ છે. એની પાસે માતાનો કાળો પછેડો છે. ઈ ઓઢીને નીકળે એટલે એને કોઈ ભાળે નઇં. બંદૂકના ગમે એટલા ભડાકા કરો તોય ઈને ગોળી વાગવાનું નામ ન લે. ઈ મંતરતંતર વડે હથિયારો બાંધી દે છે, એટલે તીર, તલવાર, ભાલો, કટારી, જમૈયો, બરછી કે ગુપ્તી એને વાગતાં નથી. જોબન પગી છ ફૂટ ઊંચો અને સાત મણ વજનનો ભાલો રાખે છે. બેય હાથે બંદૂકો ફોડે છે. વાયરે ઝૂલતી વૃક્ષની ડાળીએ દોરાથી લવિંગ લટકાડો તે પણ બંદૂકના એક જ બારે ઉડાડી મેલે એવો તો નિશાનબાજ છે.
આવી અતિશયોક્તિભરી કપોલકલ્પિત વાતડિયું ને ગપગોળા લોકજીભે સાંભળ્યા પછી ગાયકવાડ સરકારને જાણ થઇ કે સહજાનંદ સ્વામીની માણકી ઘોડી ચોરવા ગયેલો જોબન પગી વિક્રમ સંવત ૧૮૬૬ના પોષ મહિનામાં હથિયારો હેઠાં મૂકી સ્વામિનારાયણનો પરમ ભક્ત બની ગયો છે. ચોરી-ચપાટી, લૂંટફાટ અને પ્રજાને રંજાડવાનું ઠામુકું બંધ કરી દીધું છે. પ્રભાતનો પહોર થાય ઈ પહેલાં મોં સૂઝણાની વેળાએ વહેલો ઊઠી જાય છે. શિયાળામાં ટાઢા પાણીએ નહાય છે. સ્નાન કરી, પૂજાપાઠ ને ભક્તિ કરવા બેસી જાય છે. એક કાળે જેના બળુકા હાથમાં બંદૂકડી ને તીરકામઠું રહેતાં ઈ હાથમાં હવે માળાનો બેરખો રહે છે. પગીને ઊતરતી અવસ્થાએ પ્રભુપ્રાપ્તિની લગની લાગી ગઈ છે. ભગવાનનાં પૂજન-અર્ચન કરી, આરતી ઉતારી પાછલા જીવનમાં કરેલાં પાપો પ્રાયશ્ચિત્તનાં આંસુથી ભૂંસવા માંડયો છે. એનો આતમરામ હવે જાગી ઊઠયો છે. એણે શ્રીજી મહારાજનું શરણું સ્વીકારી લીધું છે ને સત્સંગના ગૂઢા રંગે રંગાઈ ગયો છે.
વડોદરાના રાજવીને લોકમુખે ચાલતી આવી વાતું સાંભળીને અપાર આશ્ચર્ય થયું. એમણે કારભારી કશિયાભાઈને બોલાવીને કહ્યું કે, ઃ ‘કાસદને રવાના કરો અને જોબન પગીને રાજની સલામે તેડી લાવો.’ મહારાજાનું કાર્યમુક તેડું આવવાથી જોબન પગીના પગ તળેથી ધરતી સરકવા માંડી. ભક્તરાજ બનવા નીકળેલા પગીને મૂંઝવણનો પાર ન રહ્યો. એને રાજવીની વાત પર એકદમ વિશ્વાસ ન બેઠો. એણે બાતમીદારો દ્વારા પૂરી તપાસ કરાવીને પછી પવનવેગી સાંઢણી માથે સવાર થઈને તમામ હથિયારો સાથે જોબન પગીએ વડોદરા ભણી પ્રયાણ કર્યું. અહીં વડોદરા રાજ્યમાં ઢંઢેરો પિટાયો કે ‘આવતી કાલે રાજનો દરબાર ભરાવાનો છે. તમામ અમલદારોએ કચેરીમાં હાજર રહેવું. દરબાર નગરજનો માટે પણ ખુલ્લો રહેશે. પ્રજાજનો પણ હાજર રહે એવું ગાયકવાડ સરકારનું ફરમાન છે.’
એ પછી જોબન પગીએ લખેલી આત્મકથાનો અંશ એમના જ શબ્દોમાં જોઈએ. ‘મેં લીલી અતલસનો પાયજામો પહેરી એના ઉપર અતલસની આસમાની રંગની ડગલી સોનેરી બુટ્ટાવાળી પહેરી હતી. માથે મોટું નવઘરું મંદિલ (પાઘડી) સોનેરી કોર છેડાવાળું બાંધી, કમર પર મોટા કસુંબલ રેંટાની ભેટ વાળી, તેમાં જમૈયા, છરી, કટાર ખોસેલાં હતાં. ડોકમાં સોનાના બે કંઠા, કાનમાં ઠોળિયાં, ફૂલચંપા, હાથમાં વેઢ-વીંટી, પગમાં રૃપાનો તોડો પહેરેલાં હતાં. બાબાસઇ રૃપિયા જેના પટામાં છે તેવી મખમલની હમેલ અને કમરબંધ બાંધી, તેમાં રૃપાની મૂઠવાળી તલવાર નાખી હતી. ખભે તીરકામઠું અને બીજે ખંભે ભરેલી જોટાળી બંદૂક અને હાથમાં શ્રીજી મહારાજે આપેલી માળા ને કપાળમાં લાલ ચાંલ્લો હતો. મોટી મોટી મૂંછો, દાઢી અને કાળી બુકાની બાંધી હતી.’
ચોપદાર અને કટકિયાની ફોજ સાથે સામૈયું આવ્યું. સૂબા અને મહેતાઓ સાથે છ પૈડાંના રંગીન પાટ પર ઊંચા આસને બેઠા. વરરાજાની જેમ બનીઠનીને બેઠેલા જોબનજીએ મહારાજને કહેવરાવ્યું કે પોતે હથિયાર સાથે રાખીને કચેરીમાં પ્રવેશ કરશે. ઊંચા ઝરૃખે ચડીને સામૈયું જોતાં ગાયકવાડ સરકારે જોબન પગીને મંજૂરી આપી. જોબન પગી બંદૂક ને તલવાર ખોળામાં રાખી વિરાસન વાળીને દરબારમાં બેઠા.
મહારાજા કચેરીમાં દાખલ થયા. છડી પોકારાઇ. સૌએ ઊભા થઇ સલામ ભરી. સિંહાસન માથે બિરાજમાન થયેલા મહારાજા પાસે ચોપદારો જોબન પગીને તેડી ગયા. જોબન પગી આત્મકથામાં લખે છે કે ‘મેં રાજરીત પ્રમાણે નજરનો છાવર-ધોળ-ભેટ વગેરે મહારાજાના પગ પાસે ધરી, મુજરો કરી પગે હાથ અડાડી સલામ ભરી બે હાથ જોડીને ઊભો રહ્યો. ગાયકવાડ સરકાર કહે ઃ
‘કેમ જોબન પગી ! હવે તમે સ્વામિનારાયણના ભગત થઇ ગયા ?’
મેં બે હાથ જોડીને કહ્યું ઃ
‘હા, સરકાર. જુઓ આ હાથમાં માળા છે.’ કપાળમાં તિલક અને ચાંલ્લો છે. ડોકમાં કંઠી છે. મહારાજા મારો પોશાક, હથિયારો, દાઢી- મૂંછોનો મરોડ, મોટી આંખો અને કદાવર શરીર વારંવાર જોવા લાગ્યા. મને બેસવાનો હુકમ થતાં હું બેઠો. નાચ-ગાવણાંનો હુકમ તાં વાજિંતર સાથે ગાયન સાંભળ્યાં. કચેરીના તમામ માણસો અને ખુદ સરકાર એ બધાની નજર મારા ઉપર મંડાયેલી હતી. હું મનમાં શ્રીજી મહારાજનું સ્મરણ કરતો કરતો આ તમાસો જોતો હતો.
તમાશો બંધ થતાં કશિયાભાઈને હજુરમાં બોલાવતાં અમે ત્યાં ગયા. મને આપવાના શિરપાવના ભરેલા થાળો ઝાલીને માણસો ઊભા હતા. સરકારે મને પોતાના હાથથી ‘બહાદુર પુરુષ’ના નામવાળો મોટા ચકદામાં કોતરાવેલ સોનાનો કંઠો (હાર) મારા હાથમાં આપ્યો અને કહ્યું ઃ
‘તમે આજથી મારા રાજ્યના એક ‘અમીર’ છો. હું તમારી બહાદુરીથી ખુશ થઈ તમે જે કંઇ ગુના કરેલા છે તે તમામ માફ કરું છું, અને ‘બહાદુર પુરુષ’નો આજે ઇલ્કાબ આપું છું.’ એમ કહી કપડાં, રૃપિયા અને ઘરેણાંના જે થાળો હતા તેને પોતે હાથ અડાડી, મારા પગ પાસે મૂકાવ્યા. રાજ્યના ચિહ્નવાળો મોટો હાર સરકારના કહેવાથી મારી ડોકમાં પહેરાવવામાં આવ્યો.’
પછી વડોદરાના મહારાજાએ જોબન પગીને રાજ્યના મહેમાન બનાવી મહિનોમાસ મહેમાનગતિ કરાવી. જોબન પગી દરરોજ ગાયકવાડી ડાયરામાં બેસીને એમના જીવનના અનેક પરાક્રમો વાતડાહ્યા વાર્તાકારની અદાથી વર્ણવતા. વડોદરાના મહારાજા અને દરબારીઓને ભારે મૉજ આવતી. જોબન પગી સહજાનંદ સ્વામીની માણકી ઘોડી ચોરવા ગયા એ પ્રસંગે એમને થયેલા રોમાંચક અનુભવની વાત ફરી કોઇવાર અહીં કરીશું. ‘ભક્તરાજ જોબન પગી’માં શ્રી માવદાનજી રત્નુએ આ વાત ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરી છે.
1 thought on “લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૧૨”
‘વડોદરાના મહારાજા અને દરબારીઓને ભારે મૉજ આવતી. જોબન પગી સહજાનંદ સ્વામીની માણકી ઘોડી ચોરવા ગયા એ પ્રસંગે એમને થયેલા રોમાંચક અનુભવની વાત ફરી કોઇવાર અહીં કરીશું. ‘ભક્તરાજ જોબન પગી’માં શ્રી માવદાનજી રત્નુએ આ વાત ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરી છે.’
વારંવાર સાંભળેલી વાતના ‘ રોમાંચક અનુભવની વાત જાણવા રાહ્
‘વડોદરાના મહારાજા અને દરબારીઓને ભારે મૉજ આવતી. જોબન પગી સહજાનંદ સ્વામીની માણકી ઘોડી ચોરવા ગયા એ પ્રસંગે એમને થયેલા રોમાંચક અનુભવની વાત ફરી કોઇવાર અહીં કરીશું. ‘ભક્તરાજ જોબન પગી’માં શ્રી માવદાનજી રત્નુએ આ વાત ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરી છે.’
વારંવાર સાંભળેલી વાતના ‘ રોમાંચક અનુભવની વાત જાણવા રાહ્
LikeLike