પ્રકરણ ૧૮: કાસિમબજારનો કિલ્લો સિરાજુદ્દૌલાના હાથમાં
કંપનીએ હિંદુસ્તાનમાં વેપાર કરવાનું શરૂ કર્યું ત્યારથી જ કિલ્લેબંધીનું પણ ધોરણ રાખ્યું હતું. આવા કિલ્લાઓમાં, અથવા એની બહાર વણકરો બેસતા અને કાપડ વણી આપતા. આમાં એમનો માલસામાન પણ સલામત રહેતો. બંગાળમાં પણ એમણે એવું જ કર્યું હતું, પરંતુ શરૂઆતથી જ બંગાળના નવાબોને એમની સામે વાંધો રહ્યો. કંપની આમ તો એવું દેખાડતી હતી કે ફ્રેન્ચ કંપનીના હુમલા સામે બચાવ માટે કિલ્લા બનાવવાની જરૂર હતી, પણ અલીવર્દી ખાને આ બહાનું માન્યું નહોતું.
અલીવર્દી ખાનના અંતિમ દિવસોમાં સિરાજુદ્દૌલા જ બધો વહીવટ સંભાળતો હતો અને એને અંગેજોનો ગઢ આંખના કણાની માફક ખૂંચતો હતો. તેમાં એમણે કિલ્લા પર તોપો પણ ગોઠવી હતી. સિરાજુદ્દૌલાને અલીવર્દી ખાને પોતાનો વારસ જાહેર કર્યો તે એના પિતરાઈ નવાજિશ મહંમદને પસંદ ન પડ્યું. નવાજિશનો દીવાન હુસેન કુલી ખાન બહુ હોશિયાર હતો અને એનો પુત્ર ઢાકાનો હાકેમ હતો. સિરાજુદ્દૌલાએ મારાઓ મોકલીને એને મરાવી નાખ્યો. નવાજિશે પોતાના બચાવ માટે તૈયારી કરી પણ એકંદરે શાંતિ રહી. ત્યાં તો સિરાજુદ્દૌલાએ નવાજિશના દીવાનને જ ધોળે દિવસે મરાવી નાખ્યો. નવાજિશ અને એનો ભાઈ હામિદ હવે એક થઈ ગયા પરંતુ અલીવર્દી પ્રત્યેના માનને કારણે એમણે કંઈ લશ્કરી પગલું ન લીધું.
૧૭૫૬માં નવાજિશ અને હામિદ, બન્ને ભાઈઓ બીમારીમાં મૃત્યુ પામ્યા. પરંતુ નવાજિશની વિધવા, ઘસિટી બેગમ અલીવર્દીની જ પુત્રી હતી. એણે સિરાજુદ્દૌલાને ગાદી સોંપવાના બાપના નિર્ણયને પડકારવાનું નક્કી કર્યું. એ દસ હજારનું સૈન્ય લઈને નીકળી પડી અને મોતી ઝીલ સુધી પહોંચી ગઈ. આમાં એને પોતાના પતિના નવા દીવાન રાજા બલ્લભનો સાથ મળ્યો. પણ હવે રાજા બલ્લભને ડર લાગ્યો કે સિરાજુદ્દૌલા એના પણ કુલી ખાન જેવા હાલ કરશે એટલે એણે પોતાના કુટુંબને માલમિલકત સાથે ઢાકા મોકલી દીધું. ત્યાં પણ એને સલામતી ન લાગતાં એણે પોતાના પુત્ર કૃષ્ણદાસને જગન્નાથ પુરી ચાલ્યા જવા કહ્યું.
એ પુરી જવા નીકળ્યો તો ખરો પણ રસ્તામાં હુગલી આવ્યો અને કલકત્તામાં કંપનીના કિલ્લામાં આરામ કરવા રોકાયો. કંપનીના ગવર્નરે સિરાજુદ્દૌલાની દૃઢતાનો બરાબર કયાસ ન કાઢ્યો અને નવાજિશની બેગમ જીતશે અને સિરાજુદ્દૌલાને ગાદી નહીં મળે એવી ધારણાથી કૃષ્ણદાસને કિલ્લામાં આવવા દીધો. સિરાજુદ્દૌલા માટે આ મોટું અપમાન હતું. પરંતુ અલીવર્દી ખાને પોતાના અંગ્રેજ ડૉક્ટરને પૂછીને જાણ્યું કે આવું કંઈ બન્યું નથી. બીજી બાજુ સિરાજુદ્દૌલા સાબીત કરી દેવા તૈયાર હતો. એણે કહ્યું કે અંગ્રેજ કંપની ઘસિટી બેગમને મદદ કરે છે.
અંગ્રેજોને નોટિસ
અલીવર્દી ખાનના મૃત્યુ પછી સિરાજુદ્દૌલાને ગાદી નહીં મળે એમ અંગ્રેજો માનતા હતા, તેમ છતાં, જ્યારે એને ખરેખર ગાદી મળી ગઈ તો પણ એમની અક્કલ ઠેકાણે ન આવી. એ વખતે હુગલી, પદ્મા અને જલંગી નદીઓના ત્રિકોણમાં આવેલા ટાપુ કાસિમ બજાર પર અંગ્રેજોની કિલ્લેબંધ ફૅક્ટરી હતી. સિરાજુદ્દૌલાએ તરત જ કાસિમ બજારની ફૅક્ટરીના ગવર્નર વૉટ્સને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે એ લોકો અહીં માત્ર વેપારી તરીકે નહીં રહે તો એમણે બંગાળ છોડવું પડશે. ત્રણ હજાર સૈનિકોએ કાસિમ બજારને ઘેરો ઘાલ્યો. થોડા જ દિવસમાં સિરાજુદ્દૌલા પોતે પણ ત્યાં પહોંચી ગયો.
નવાબની ફોજને જોઈને વૉટ્સે તાબે થવાનું મુનાસિબ માન્યું. સિરાજુદ્દૌલાએ કિલ્લાનો કબજો લઈ લીધો અને વૉટ્સના બધા સાથીઓને કેદ પકડી લીધા. આમાં વૉટ્સનો એક ૨૪ વર્ષનો મદદનીશ પણ હતો જે પાછળથી બ્રિટિશ હકુમત જામી ગઈ ત્યારે હિંદુસ્તાનનો પહેલો ગવર્નર જનરલ બન્યો. એનું નામ વૉરન હેસ્ટિંગ્સ.
કલકત્તાના કિલ્લા પર હુમલો
સિરાજુદ્દૌલાએ કલકતાની ફૅક્ટરીના ગવર્નરને પણ લખ્યું કે તમને માત્ર વેપારની છૂટ મળી છે એટલે વેપાર ભલે કરો પણ કિલ્લેબંધી કરો તે નહીં ચાલે. એણે કલકત્તાનો કિલ્લો તોડી નાખવા અને કૃષ્ણદાસને સોંપી દેવા લખ્યું. પત્ર લઈને એક દૂત ગયો પણ કંપનીના ગવર્નર ડ્રેકને લાગ્યું કે આ સિરાજુદ્દૌલાનો આ પત્ર નથી અને એ દૂત માત્ર દમ મારે છે, કારણ કે નવાજિશની વિધવા સિરાજુદ્દૌલા સામે પોતાનો અધિકાર સ્થાપિત કરવા લાવલશ્કર સાથે નીકળી પડી હતી. સિરાજુદ્દૌલા પણ એની સામે ફોજ લઈને રાજમહલ સુધી પહોંચ્યો પણ ઘસિટી બેગમની માએ – અલીવર્દીની વિધવા બેગમે – વચ્ચે પડીને સિરાજુદ્દૌલાને વારસ માની લેવા ઘસિટી બેગમને સમજાવી લીધી હતી. કાસિમ બજારની ફૅક્ટરીના પ્રેસીડેન્ટ વૉટ્સે કલકત્તાને જાણ કરી હતી કે ઘસિટી બેગમવાળી લડાઈ એમ જ ઠંડી પડી ગઈ હતી.
સિરાજુદ્દૌલાનો દૂત કલકતાની ફૅક્ટરીમાં પહોંચ્યો અને એને પત્ર આપ્યો ત્યારે ગવર્નર ડ્રેકે જવાબ આપ્યો કે કલકત્તાનો કિલ્લો ફ્રેન્ચો સામે રક્ષણ માટે બનાવ્યો હતો એટલે તોડી ન શકાય. એણે દૂતને બહુ તોછડાઈથી કાઢી મૂક્યો. કંપનીએ બીજું એક કામ પણ કર્યું. એને ખબર મળ્યા કે કોઈ જાસુસે અમીચંદ નામના મોટા વેપારીને કહી દીધું હતું કે કોઠી પર હુમલો થાય તે પહેલા એ માલમતા સાથે ત્યાંથી ભાગી જાય. કંપનીએ અમીચંદને પણ ઓઠા તરીકે વાપરવા કિલ્લામાં બોલાવી લીધો હતો.
ડ્રેકનો જવાબ મળ્યો ત્યારે સિરાજુદ્દૌલા રાજમહલ પાસે હતો. પત્ર મળતાં જ એ ધૂઆંફૂઆં થઈ ગયો અને તરત મુર્શિદાબાદ તરફ કૂચ કરવા ફોજને હુકમ આપ્યો.
૧૬મી જૂને સિરાજુદ્દૌલા કલકત્તા પહોંચી ગયો. ફોર્ટ–વિલિયમની નજીકની બજાર સળગાવી દીધી અને કિલ્લાને ઘેરી લીધો. સિરાજુદ્દૌલાનાં દળોએ ચારે બાજુથી હુમલા કર્યા અને અંગ્રેજો પાસે એનો જવાબ નહોતો. ફોર્ટની અંદર પોર્ચુગીઝો પણ હતા. હુમલાને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓ અને બાળકોને નૌકાઓમાં મોકલી દેવાનો નિર્ણય લેવાયો પણ ભયભીત લોકોના ધસારાને કારણે નૌકાઓ ડૂબવા લાગી અને એમાં ઘણાના જાન ગયા. એમની સાથે કાંઠા પરના સંત્રીઓ પણ ભાગી છૂટ્યા. જે થોડાઘણા સંત્રીઓ કે સૈનિકો બચ્યા હતા એમનો કમાંડ હૉલવેલને સોંપી દેવાયો.
ગવર્નરને લશ્કરી કાર્યવાહીનો અનુભવ નહોતો અને હિંમત પણ નહોતી. એણે છેક બપોર પછી મોરચાની મુલાકાત લીધી ત્યારે એને એક સમાચાર તો એ મળ્યા કે સિરાજુદ્દૌલાનાં દળો અંદર ઘૂસવાની તૈયારીમાં છે. બીજા સમાચાર એ મળ્યા કે એમનો પોતાનો દારૂગોળો ભેજથી હવાઈ ગયો છે.
બ્લૅક હોલની ઘટના વિશે આવતા પ્રકરણમાં.
0-0-0