કવિતા -શબ્દથી અશબ્દ તરફની યાત્રા (હરીશ દાસાણી)


કવિતા આ દ્રશ્ય સૃષ્ટિમાં એક રહસ્યમય વસ્તુ છે.

કવિતા આકાશમાં સતત ઉડતા પંખી જેવી અથવા હાથમાંથી સરકતી રેતી જેવી કે હવામાં ઉડી જતા કપૂર જેવી જ છે.

શબ્દનો ઉપયોગ કરવા છતાં તે શબ્દમાં બંધાતી નથી. એક શબ્દ કવિતામાં આવે ત્યારથી તેના અનેક રૂપ પ્રગટ થાય.

વ્યવહારમાં લીસા-લપટા-લૂલાપાંગળા-તેજહીન શબ્દોને કવિ એક નવો અર્થ આપી તેનો કાયાકલ્પ કરે છે.

આપણે એક શબ્દ લઇને વાત કરીએ. ….પ્રેમ. ..કેટલો બધો ચવાઈ ગયેલો પ્રચલિત શબ્દ  ! લોકોને તો તેની કંઇ કિંમત જ નથી. પત્ની પર પ્રેમ -પૈસા પર પ્રેમ -પાડોશી પર પ્રેમ -પ્રકૃતિ પર પ્રેમ -પરમેશ્વર પર પણ પ્રેમ અને પાળેલા પપી પર પણ પ્રેમ  !

પણ કવિ આ મૃત શબ્દ પર સંજીવનીનો પ્રયોગ કરે છે.

જુઓ. …

હા.મને પ્રેમ નથી.

કારણકે  મને જે પ્રેમ કરે છે તેના ઇશારે હું નાચતો નથી.

હું જેને પ્રેમ કરું તેને બાંધતો નથી.

મને પ્રેમ છે –

ઓતપ્રોત  પ-ર-એ-અને મ ઉપર.

ગૂંથણી કરેલ શેતરંજી પર.

મારી સામે બેસીને શાંતિથી જોઈ રહેલા સર્પ પર.

અંધકારનો પડકાર ઝીલવા તત્પર આ અરુણાચલ પર.

ગાઢ અરણ્યરૂદન પર હસી રહેલા વનવાસી પર.

અને

અને…..

નિદ્રામાં ચેતન વિહીન

મારા શરીર પર.

આ છે  કવિતાનો ચમત્કાર.

(હરીશ દાસાણી)

શબ્દ જ્યારે કવિતામાં પ્રવેશ કરે ત્યારે કાળા કોલસાને અગ્નિમાં રાખવાથી જેમ તેનો રંગ બદલાઈ જાય તેવી કંઈક અનિર્વચનીય ઘટના સર્જાય છે.

અત્યંત આશ્ચર્ય  ! એ જ અક્ષરો .એ જ આકાર. છતાં તેનું આંતરિક પરિવર્તન થાય છે. હવે તે શબ્દ પરંપરાગત કે રૂઢિગત અર્થાત મૃત શબ નથી.

કવિ તેમાં ચૈતન્ય મૂકીને તેને નવો જ અર્થ આપે છે.

હવે જુઓ.

આપણે લીધેલ શબ્દ પ્રેમ.

સર્પ પર પ્રેમ. ……કવિતામાં આવેલ શબ્દ સર્પ એક પ્રતીક છે. માણસમાં સતત સળવળી રહેલી કામનાનું.

કવિ આ ઇચ્છાને પ્રેમ કરે છે.

તેને being માં સંતોષ નથી.

Becoming તરફ જવાનું છે.

કંઈક બનવું છે. કંઇ કરવું છે.

માત્ર હોવાનો જ નહીં -રમવાનો પણ આનંદ માણવો છે.

અરૂણાચલ પર્વત એક આધ્યાત્મિક સંદર્ભે આવે છે. મહર્ષિ રમણ ને સાક્ષાત્કાર થયેલ તે સ્થાન.

તેથી  તે અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય છે. ઇચ્છા ના અંધકાર માં થી અને બંધનમાં થી મુકિત તરફ.

વનવાસી સરળ સહજ પ્રાકૃતિક જીવન જીવે છે. શહેરનો માણસ વ્યર્થ રૂદન કરે છે. આ નથી. તે નથી. ફલાણું બરાબર નથી. પરિસ્થિતિ ખરાબ છે. પણ તેના ઉકેલ માટે કોઇ પુરુષાર્થ કરતો નથી.

અને અંતે.

નિદ્રામાં પડેલા ચેતન વિહીન શરીર ની વાત.

ઉસ્પેન્સ્કી નામે એક તત્વજ્ઞાની કહેતો કે માણસનું સમગ્ર જીવન નિદ્રામાં જ જાય છે. આપણા નરસિંહ મહેતાએ પણ ગાયું કે ઊંઘમાં અટપટા ભોગ ભાસે. તેથી આ ચોવીસ કલાક નિદ્રામાં પડેલ શરીર ચેતનવિહીન યંત્ર જેમ કામ કરે છે. ટેવ પડી ગઇ. રોબોટ પણ કામ તો કરે છે પણ ચેતન. ..?

તેથી  આ બધા નવા સંદર્ભે જ્યારે કવિ પ્રેમની વાત કરે ત્યારે પ્રેમ શબ્દ અનેક નવા અર્થ ધારણ કરી તાજોમાજો થઇ આપણી પાસે આવી કહે કે -હવે મને પ્રેમ કરો !

3 thoughts on “કવિતા -શબ્દથી અશબ્દ તરફની યાત્રા (હરીશ દાસાણી)

  1. મા હરીશ દાસાણી ની શબ્દથી અશબ્દ તરફની અદભૂત યાત્રા માણી.
    ‘વ્યવહારમાં લીસા-લપટા-લૂલાપાંગળા-તેજહીન શબ્દોને કવિ એક નવો અર્થ આપી તેનો કાયાકલ્પ કરે છે.॑ આમા એક કથ્યપક્ષ કે જે કલાત્મક અનુભૂતિમાંથી આંતરિક સંવેદન પામે છે જ્યારે શૈલીપક્ષ લય , છંદ , શબ્દવચન , ગુણ અને અલંકારનો વિવેચક હોય છે. અતર્કસંગતના પ્રતિપાદન માટે જે સામાન્યપણે કહેવાતું આવ્યું હોય તેનો આધાર લેવો જોઈએ. .જે અતર્કસંગત છે તે કેટલીક વાર વિવેકનો છેદ ન ઉડાડે એવો અમે આગ્રહ રાખીએ છીએ. જેમ કે ‘એ સંભવિત છે કે કોઈ વસ્તુ સંભવિતતાની વિરોધી પણ બને.’
    ‘બધા નવા સંદર્ભે જ્યારે કવિ પ્રેમની વાત કરે ત્યારે પ્રેમ શબ્દ અનેક નવા અર્થ ધારણ કરી તાજોમાજો થઇ આપણી પાસે આવી કહે કે -હવે મને પ્રેમ કરો !’
    જે વસ્તુઓ પરસ્પરવિરોધી લાગે તેમની તપાસ દ્વંદ્વાત્મક ખંડનના નિયમોના આધારે થવી જોઈએ. એટલે કે,શું તે જ વસ્તુ અભિપ્રેત છે, તે જ સંદર્ભમાં, અને તે જ અર્થમાં? – આ પ્રશ્નનો ઉકેલ આપણે કવિ સ્વયં શું કહે છે તેના સંદર્ભમાં અથવા એકાદ બુદ્ધિશાળી વ્યક્તિ જે અર્થ ગ્રહણ કરે તેના સંદર્ભમાં શોધવો જોઈએ. ‘પ્રેમ’ અતર્કસંગતતાનું તત્ત્વ,અને તે જ રીતે, ચારિત્ર્યનું અધ:પતન કૃતિમાં દાખલ કરવાને માટે કોઈ આંતરિક આવશ્યકતા ન હોય તો તેમને અયોગ્ય ઠેરવવાનું ન્યાય્ય ગણાશે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s