હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૩


સતત તરસ્યો છું સાચું છે, સતત વરસ્યો છું સાચું છે,

સતત એકેક ટીપામાં હું મુશળધાર જીવ્યો છું.

(રાજેશ વ્યાસ, મિસ્કીન)

 

 

 

 

ડો. મેહુલ શાહ

“સાહેબ, મારું માનવું છે કે વિશ્વભરની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓમાં આપણી સંસ્થા પોલિયો ફાઉન્ડેશન દ્વારા સૌથી વધુ ઇલીઝારોવ ટેકનિકથી ઑપરેશન્સ થયેલ હશે. હું સ્પષ્ટ પણે માનું છું કે આપણે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.” મારા યુવાન મિત્ર અને બે દાયકાના સાથી ડૉ. મેહુલ શાહની વાત સાંભળી હું આશ્ચર્યચકિત થઈ ગયો.

હું મૌન રહી અતીતને વાગોળતો રહ્યો અને સહજ વિશ્લેશનમાં ઊતરી પડ્યો. બે જુદા ભાવ એક સમયે અનુભવ્યા અને પોલિયોગ્રસ્ત બાળકોની સર્જરીનું કાર્ય શરૂ કર્યું ત્યારે તે સમયે વિચાર્યું કે કહ્યું પણ ન હતું કે સાવ નાના પાયે શરૂ થયેલું આ કાર્ય વિશ્વના તખતા ઉપર અગ્રસ્થાને આવી શકશે, એ પણ ખબર ન હતી કે અમારી આ સેવાયાત્રા ત્રણ દાયકાથી વધુ સમયને પાર કરી જશે. કામ આવતું ગયું, સંજોગો સર્જાતા રહ્યા અને અમે કરતાં રહ્યા. આ ધૂનમાં રેકોર્ડ રાખવાનો વિચાર પણ ના આવ્યો. મેહુલના શબ્દો સાંભળી બીજો ભાવ આવ્યો કે અમે કેટલી મૂર્ખામી કરી છે ? જે કર્યું તેનું ડોકયુમેન્ટેશન કર્યું હોત તો કેટલા નવા સર્જનોને માર્ગદર્શન મળત ? કેટલું રિસર્ચ વર્ક થઇ શકત ? ખેર, પીછે પસ્તાને સે કયા, જબ ચિડિયા ચુગ ગઈ ખેત ?

ડૉ. મેહુલે વાતનો દોર આગળ લંબાવ્યો. “ઓગણીસો બાણુંમાં ડૉ. પ્રકાશ અમીન અને પોલિયો ફાઉન્ડેશનમાં લઇ આવ્યા. સંસ્થાનાં કામ તથા હેતુ જાણ્યા ત્યારે મને લાગ્યું કે મારી આ જ મંજિલ છે. અપંગ માનવ મંદિર સાથે કામ કરતો હતો એટલે મને આવાં બાળકો માટે અનુકંપા તો હતી જ અને અહીં મને ખુલ્લું આકાશ મળ્યું.” ઇલીઝારોવ સર્જરીની વાત ઉપર મેહુલ પાછો વળ્યો અને કહ્યું : હું અને ડૉ. નિતીન ગોસ્વામી એ સમયગાળામાં પૂના ખાતે ડૉ. ડ્રોઅર યેલેની ઇલીઝારોવ ટેકનિક ઉપરની વર્ક શોપમાં ગયેલા. ત્યાં જે શીખ્યા એનો લાભ અને અહીના બાળકોને આપવાનું શરૂ કર્યું. અમને અહી પૂરતી તક અને સગવડ મળ્યાં. જે ખોડ દુર કરવા સામાન્ય રીતે બે ત્રણ ઓપરેશન કરવાં પડે, એમાં ખૂબ દર્દ થાય, સમય જાય અને ખર્ચ પણ, જ્યારે આ ટેકનિકથી માત્ર એક નાનું ઓપરેશન અને જલદી પરિણામ મળે. એક જ ઓપરેશન, અલ્પ ખર્ચ અને ઓછામાં ઓછી તકલીફ, તમે તક આપી એટલે આ થઈ શકયું સાહેબ !” –

મેં હસતાં હસતાં એટલું જ કહ્યું કૈ “જો આ પદ્ધતિથી આટલા બધા લાભ દર્દી અને સંસ્થાને થતા હોય તો હું કેમ ના સ્વીકારું, ન સ્વીકારવાની મૂર્ખાઈ કેમ મેહુલ પોતાની પ્રેકિટસમાં સાવ નવો નવો પણ આવા કાર્ય માટે એનામાં ઉત્સાહનો પ્રચંડ ધોધ. એનો તરવરાટ અદ્દભુત. કાર્યનિષ્ઠા અને પ્રબળ પરિશ્રમ એની આગવી વિશેષતા. એને એક જ બીમારી; એ નવરો ના બેસી શકે એટલે મારી સાથે વહીવટમાં પણ જોડાઈ ગયો. જે જવાબદારી લે, તે ગમે તે ભોગે પૂરી કરે જ. આ માટે પોતાની પ્રેકિટસ કે સમયનો ભોગ પણ આપી દે. આજે મેહુલ એના સ્વભાવની વિરુદ્ધ વાતોના મૂડમાં હતો. એણે વાતનો દોર લંબાવતાં કહ્યું. “સાહેબ,” તમે મને જીવનમાં એક બહુ મોટી ભેટ આપી દીધી છે. હું વિચારમાં પડ્યો ત્યાં જ એ બોલ્યો બે હજાર આઠમાં તમે મને એક મહિનો પરદેશ મોકલ્યો. મારા મનમાં ખૂબ ડર કે હું પહેલી વાર પરદેશ જઉં એટલે મને ત્યાંના રીતરિવાજ ખબર ના હોય, કોને મળવાનું અને શું કરવાનું એ ખબર ના હોય, કઇ હૉસ્પિટલમાં જવું અને શું કરવાનું એનું ભાન ના હોય એટલે ડર તો લાગે જ ને ? વળી પ્રેક્ટિસ ગુમાવવાની પરંતુ તમે તો મને પગમાં પ્લેટ પહેરાવી, ઢાળ ઉપરથી ધક્કો મારી દીધો.

આ અનુભવે જિંદગીમાં મને ઘણું શીખવાનું મળ્યું. નવી ટેકનિક શીખ્યો, નવાં કાર્યો અહીં લાવી શક્યો પરંતુ સૌથી અગત્યનું મળ્યું તે જબરદસ્ત આત્મવિશ્વાસ મારામાં ઊભો થયો. જાહેર મંચ ઉપર પહેલી વાર વકતવ્ય આપ્યા પછી આજે મને કયાંય સહેજ પણ સંકોચ નથી થતો. પાંચ મિનિટથી પચાસ મિનિટ સુધી બોલી આપણી વાત સામાના ગળે ઉતારતા શીખી ગયો છું. તમારી પદ્ધતિ મુજબ જયારે પણ કોઈને મળવાનું હોય ત્યારે મળવાનો હેતુ અને પરિણામ શું લાવવું છે તે નક્કી કરી લઉં સાથે સાથે સામી વ્યક્તિની જરૂરિયાત મુજબ રજૂઆત કરી દઉં ! બોલો, સાહેબ આ મોટી ગિફટ નથી ? વાતને વળાંક આપી મેહુલને શ્રી મકરંદ મુસળેની એક ગઝલ કહી.

હવે તો જાગવું જ જોઈએ, સમય તો થઈ ગયો,

નવું કશું તો થવું જ જોઈએ, સમય તો થઈ ગયો.

મેહુલ કહે “સાહેબ તમારી વાત મારી સમજમાં ના આવી.” મેં ફોડ પાડ્યો કે “તું હંમેશાં નવું કરવા તત્પર હોય છે. એક કાર્ય પૂરું થાય એ પહેલાં નવું શોધી કાઢે છે. જોને તું કેટલી બધી સંસ્થાઓમાં એક સાથે કામ કરી શિખરે પહોંચી શકયો છે ? અમદાવાદ મેડિકલ એસોસિયેશનનું પ્રમુખ પદ કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું સભ્ય પદ તે સફળતાથી સંભાળ્યા છે પરંતુ પોલિયો ફાઉન્ડેશનની તારી એક મોટી ભેટ છે તે છે સ્કોલીઓસીસ (ખૂંધવાળા બાળકો) માટેના સ્પાઇન સર્જરીની શરૂઆત. બે હજાર બારમાં તું આપણા અન્ય મિત્રો સાથે ન્યૂજર્સીમાં “ચલો ગુજરાત” ના વિશ્વભરના ગુજરાતીઓના સંમેલનમાં અમારા તરફથી ગયો હતો. ત્યાં આપણી રજૂઆત તો કરી પણ સાથે સીનસીનાટી હૉસ્પિટલના ડૉકટરો સાથે સંપર્ક સાધી એમને આપણે ત્યાં લઈ આવ્યો. અવારનવાર યુ.એસ. અને યુ.કે ની ટીમ આવે છે તઉપરાંત ડૉ. અમીત ઝાલા દર બુધવારે ઓપરેશન કરે છે. ખૂબ વિકટ સર્જરી માત્ર ખર્ચાળ જ નહીં પરંતુ કોમ્પ્લિકેશન થાય એવી પણ હોય છે. આજે આપણે નિયમિત પણે આ કાર્ય કરતા થઈ ગયા. બોલ આ, તારી સંસ્થાને ભેટ ખરી કે નહી ?”

સ્કોલીઓસીસ સર્જરીનો પહેલો કેમ્પ થયો ત્યારે અમારી અસંખ્ય મર્યાદાઓ. સાધનો, સ્ટાફ તથા આઇ.સી.યુ. નો અભાવ એક ઓપરેશન સાત – આઠ કલાક ચાલે. ખૂબ રકતની બૉટલો જોઈએ ઑપરેશન પછી બાળકને આઇ.સી.યુ માં રાખવું પડે. એ બધું જ કામ મેહુલે સાત દિવસ ખડે પગે રહી પૂરું પાડ્યું. આવા યુવાન ડૉકટર માટે કઈ સંસ્થા ગૌરવ ના લઈ શકે ?

મેહુલનો અથાગ પરિશ્રમ એની શારીરિક ક્ષમતાને જ આભારી છે એવું નહીં, પરંતુ એના મનની અદ્ભુત શકિતથી પણ પ્રેરિત છે એવું હું માનું છું. અમે એક કથાનું આયોજન કરેલું. અસંખ્ય પ્રશ્નો આવ્યા અને બધાની હિંમત તૂટી ગઈ. અમે કથાનો નિર્ણય મોકૂફ રાખ્યો. આ અમારી મોટી નિષ્ફળતા મને ખૂબ ખેંચી પરંતુ પરિસ્થિતિને વશ થવું એ જ ડહાપણભર્યું મને લાગ્યું એટલે મેં મન મનાવી લીધું. પરંતુ મેહુલનો એ જ રાત્રે ફોન આવ્યો કારણ કે એ પણ નિષ્ફળતા સ્વીકારી શકે તેમ ન હતો “સીધી જ વાત” સાહેબ, તમે કહો તો એક મહિનો પ્રેક્ટિસ છોડીને કથાનું કામ ઉપાડી લઉં ! મને મળેલા અનુભવયુકત ડહાપણે એને વાર્યો. મેં વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની સાથે ઈશ્વર કરે તે સારા માટેની આધ્યાત્મિક વાત કરી એને રોકયો, એ સમજી ગયો અને પછી અમે જયારે મળ્યો ત્યારે એણે કહ્યું . “તમે મને જે આધ્યાત્મિક રીતે રોક્યો અને હું રોકાઈ ગયો એનું કારણ તમને ખબર છે,” મેં એને જ બોલવા દેવાનું નક્કી કરી મૌન ધારણ કરી લીધું. વાત એણે આગળ લંબાવી આપણે બંને કલકત્તા સાથે જતા હતા. તમે એરક્રાફટમાં પરમહંસ યોગાનંદનું પુસ્તક “Divine Romance” વાંચતા હતા. વાંચતા વાંચતા તમે અગત્યનાં વાક્યોમાં અન્ડરલાઇન કરતા હતા. તમારી આંખ મીચાઈ એટલે એ પુસ્તક મેં હળવેથી લઈ વાંચવા માંડ્યું. મને રસ પડ્યો અને તમે જાગ્યા ત્યારે થોડી ચર્ચા થઈ એટલે એ પુસ્તક તમે મને ત્યાં જ ભેટ આપી દીધું. તમારી સાથે, એ દિવસે, મારી જિંદગીની બીજી દિશા ખૂલી ગઈ અને તે આધ્યાત્મિક વિકાસની. તમારી આ બીજી મોટી ગિફટ મને મળી છે.”

એક વ્યકિત જયારે ભૌતિકવાદથી ઉપર ઊઠી પોતાના જીવનમાર્ગને કર્મયોગના આધ્યાત્મિક માર્ગ ઉપર વહેતો કરી દે ત્યારે એ વ્યક્તિ, સામાન્યથી અસામાન્ય બની જાય છે. આવી અસામાન્ય વ્યકિતઓનો સમૂહ એટલે જ પોલિયો ફાઉન્ડેશન પરિવાર ! આવા પરિવારના સભ્ય હોવું એ મારા માટે ગૌરવની વાત છે અને આ બધી વ્યક્તિઓના સમૂહના અસંખ્ય હાથોથી સેવાયજ્ઞ સતત ગતિશીલ રહ્યો છે. એનો આનંદ છે.

1 thought on “હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૩

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s