સુખ – વિલા
કાકાને હું કહી કહીને થાકી હતી કે તમે અમેરિકા આવો, પણ હંમેશા આ એક વાત કહીને તેઓ ટાળી દેતા. ”હું અને તારી બા આવીએ, પણ, આઠ-દસ દિવસોથી વધુ નહીં. મને મારા ચંપાના છોડોની માવજત વિના એકેય દિવસ ફાવે નહીં, તો આઠ-દસ દિવસો તો બહુ થઈ ગયા!” હું હસીને કહેતી, “ઠીક છે તમે રહો તમારા ચંપાના ઝાડ સાથે! હું બાને એકલીને લઈ જઈશ અને બે મહિના સુધી પાછી નહીં મોકલું, જોજો તમે!” કાકા હસતા અને કહેતા, “લઈ જા.” એ માત્ર બે શબ્દો ‘લઈ જા’ માં, અધ્યાહાર રહેલા બીજા છ શબ્દો હતા કે, ‘મારા વિના તારી બા આવે તો.. લઈ જા!’ આ સાથે એમના આત્મવિશ્વાસનો એક રણકો હતો કે, ‘મારા વિના તારી બા આવશે જ નહીં!’ જે, તે સમયે મને ચીઢવવા માટે પૂરતો હતો. હું થોડીક સાચી તો થોડીક ખોટી રીસથી કહેતી, “કાકા, તમે તો સરાસર અંચી કરો છો. તમને ખબર છે કે તમને એકલા મૂકીને બા નહીં જાય, એનો જ ફાયદો તમે ખુલ્લંખુલ્લા ઊઠાવો છો!” બાપુજી બાની સામે અછડતું જોઈને મૂછમાં હસી લેતા. હું પણ એમને ચીડવતી, “તમે જોજો, હું એક દિવસ સાચે જ બાને એકલીને લઈ જઈશ, પછી, આ રોજ સવાર-સાંજ ચંપાનું ફૂલ તોડીને જેને આપો છો, એ જ જો વતનમાં નહીં હો ત્યારે તમારા ચંપાનું શું કરશો?” જવાબમાં બાપુજી મારા માથા પર વ્હાલથી ટપલી મારી લેતા અને હું છણકો કરતાં કહેતી, “તમે, તમારો ચંપો અને તમારી ચંપા…!”
અમારું કુટુંબ સાચા અર્થમાં Nuclear Family હતું. મારા બાપુજી દસ વર્ષના હતા ત્યારે મારા દાદા-દાદી ગામમાં ફાટી નીકળેલા કોલેરાના રોગચાળામાં ગુજરી ગયા હતા. આગળ-પાછળ બીજું કોઈ સગું-વ્હાલું હતું નહીં. દૂરના એક સગાએ દયાથી પ્રેરાઈને એમના ઘરમાં થોડા વર્ષો માટે સ્થાન આપ્યું હતું. સાવ એકલા પડી ગયેલા બાપુજીને એટલું સમજાઈ ગયું હતું કે વહેલામાં વહેલી તકે પગભર થવાનું જ છે. ખૂબ મહેનત કરી, સ્કોલરશીપો મેળવીને બાપુજી, એ સમયના મેટ્રિક સુધી ભણ્યા અને પછી આજીવિકાના સાધન માટે તાત્કાલિક કઈંક કરવાના દબાણ હેઠળ, નાના-મોટા “ઓડ જોબ્સ” કરતા. આ “ઓડ જોબ્સ” એટલે છાપાં ફેંકવા, કરિયાણાની દુકાને કામ કરવું. બિલ્ડિંગ બનતા હોય ત્યાં જે પણ કામ મળે તે કરવું કે પછી ચાની દુકાને ચા આપવી, ત્યાં જ વાસણો સાફ કરવા! એ જ દુકાનના બાંકડા પર ચાર જોડી કપડાની ઝોળીનો તકિયો બનાવી, એક ચાદર ઓઢી સૂઈ જતા. હું અને મારો ભાઈ મોટા થયાં ત્યારે કાકા અમને આ વાતો કહેતા તો અમે પૂછતાં, “કાકા, તમે જેમના ઘરમાં રહેતા હતા, એમણે તમને વધુ કેમ રહેવા ન દીધા?” કાકાએ વિષે કદી વાત નહોતા કરતા. આમ, એ સમયે, કામ કરીને, બાપુજી જે કમાતા, એમાંથી બચત કરીને, પાર્ટ ટાઈમ ક્લાસીસ ભરીને ટાઈપિંગ શીખી લીધું, એટલું જ નહીં પણ, થોડા વધુ પૈસા બચાવીને કરમસદમાં ટાઈપિંગના ક્લાસ ખોલીને સ્થાયી થયા. બાપુજી એ સમયની વાત યાદ કરતા ત્યારે કહેતા કે ક્લાસની શરૂઆત એક નાની ઓરડી વીસ રૂપિયાના મહિનાના ભાડે લઈને કરી હતી. જેમ સમજણ પડી એ પ્રમાણે જરૂરી ફર્નિચર કબાડીની દુકાનેથી લઈ આવ્યા અને પોતે જ એને રીપેર કરી, પોલિશ કરીને એ ઓરડીમાં મૂક્યું હતું. એ જમાનામાં, એકલા જ અમદાવાદ જઈને, સેકન્ડહેન્ડ ટાઈપિંગના ત્રણ મશીન લઈ આવીને, ટાઈપિંગ ક્લાસ ખોલ્યા હતા. પોતાની સૂઝ અને સમજથી આ મશીનોનું સમારકામ પણ જાતે જ કરતા. બાપુજી ગર્વથી કહેતા કે કરમસદ જેવા નાના શહેરમાં આવા ટાઈપિંગ ક્લાસ શરૂ કરવાની પહેલ કદાચ એમણે જ કરી હતી.
બાપુજીની અવિરત મહેનતને કારણે, ત્રણ વિદ્યાર્થીઓથી શરૂ કરેલા આ ક્લાસની શાખ બંધાઈ જતાં વાર ન લાગી. પાંચેક વર્ષોમાં તો હવે લગભગ સવાર-સાંજના બેચીસ મળીને ૪૦ થી ૫૦ શિષ્યો આવતાં. કરમસદના એક બહુ મોટા ખોરડાની કન્યા પણ એમની શિષ્યા હતી. એક તો એ કન્યાની મુગ્ધ વય અને એમાંયે દેખાવડા, સંવેદનશીલ, શાંત સ્વભાવના આ ટાઈપિંગ ટીચર સાથે આ શિષ્યા ગળાડૂબ પ્રેમમાં ડૂબી ગઈ. એ સમયમાં સદંતર અશક્ય એવી વાત આ શિષ્યાએ કરી. કોઈ પણ અચકાટ વિના એણે એના આ ટાઈપિંગ ટીચર પાસે પોતાના પ્રેમનો ખુલ્લા દિલે એકરાર કર્યો. સર તો એકદમ સ્તબ્ધ થઈ ગયા! એમણે તો સ્વપ્નમાં પણ આવું કઈં કલ્પ્યું જ નહોતું! કળ વળતાં જ એમણે ખૂબ મૃદુતાથી કહ્યું, “જુઓ, મને સમજવાની કોશિશ કરજો. તમારી અને મારી ઉંમર વચ્ચે, નહીં તોયે નવ-દસ વરસોનો ફરક હશે. મારે તો આગળપાછળ કોઈ નથી પણ તમારા માતાપિતા આ સંબંધને માટે કદી રાજી નહીં થાય. મારે તમને તમારા મા-બાપથી છીનવવા નથી. માતા-પિતા વિનાના જીવનની અધૂરપનો તમને અંદાજ પણ નથી. તમે ખૂબ મોટા ઘરનાં છો. મારા જેવા ફક્કડરામ સાથે મુશ્કેલીઓ ભરી જિંદગી તમે કઈ રીતે વિતાવી શકશો? તમે મને ભૂલી જાઓ એમાં જ આપનું અને આપના કુટુંબનું શ્રેય છે.” પણ મોટા ઘરની આ કન્યાની જીદ ને મક્કમતા પર્વત સમી અડીખમ હતી. અનેક પ્રકારે એ બેઉને પ્રતાડિત કરવામાં કોઈ કસર કન્યાના પિતાએ ન રાખી, પણ, અંતે મોટા ખોરડાની આ કન્યાની જીદ પાસે એના માતા-પિતાને અને બાપુજીને ઝૂકવું જ પડ્યું. કન્યાના પિતાએ શરતો મૂકી, “તમે લગ્ન કરીને અહીંથી બહુ દૂર રાતોરાત નીકળી જશો અને પાછા કદીયે આ ગામમાં નહીં આવો. અમે કોઈ તમને બેઉને કદી જ સ્વીકારીશું નહીં એટલું જ નહીં પણ અમારા તરફથી કોઈ પણ પ્રકારની મદદ કદી જ નહીં મળે, એટલું જ નહીં, મારી દિકરી આજથી મારા માટે મરી ગઈ છે!”
લગ્ન પછી બા-બાપુજી દ્વારકા પાસે, માધવપુર શીફ્ટ થઈ ગયા અને દ્વારકા તથા જામનગરમાં ટાઈપિંગ ક્લાસીસ શરૂ કર્યા. હું અને મારો ભાઈ મોટાં થયાં અને બા આ વાત જ્યારે પણ કરતી ત્યારે દરેક વખત એમની આંખોમાં પાણી આવી જતાં. એ કહેતી, “તારા બાપુજી સાથે ગુજારેલા એકીક દિવસે આ વાતની સતત સાહેદી પૂરી છે કે મારી પસંદગી કેટલી સાચી હતી! પ્રભુનો પાડ કે મારું પિયેરનું ઘર ભલે સાવ છૂટ્યું પણ સામે, મને તારા બાપુજી મળ્યા!” અમે બેઉ ભાઈબહેને કદીયે બા-બાપુજીને દલીલ કરતાં, એકે-મેકને ભાંડતાં કે જિંદગીની કમીઓ માટે એકબીજાને દોષ આપતાં ન તો કદી જોયાં કે ન તો સાંભળ્યાં હતાં.
દ્વારકા ને જામનગર, બેઉ શહેરોમાં બાપુજીના ટાઈપિંગ ક્લાસીસ સરસ ચાલવા માંડ્યાં હતા. બાપુજી તનતોડ મહેનત કરતા અને બા આનંદથી ઘરનું કામકાજ અને અમારી જવાબદારી ખૂબ કરકસરપૂર્વક સંભાળતી. થોડાક સાલ આમ વિતી ગયાં અને હવે તો બાપુજીએ છ રૂમો ને ત્રણ બાથરૂમવાળું પાકું મકાન બાંધ્યું. બાને અગાશી ખૂબ ગમતી. બાપુજીએ બીજે માળે મોટી અગાશી બનાવી હતી અને સૂવાના કક્ષ સાથે નાની અગાશી બનાવડાવી. ઘરના પ્રાંગણમાં સરસ વરંડો પણ હતો. બા બાપુજી કાળી મહેનત મજૂરી કરીને, પાઈપાઈ પૈસોપૈસો ભેગો કરીને અહીં સુધી પહોંચ્યાં હતાં એટલું જ નહીં, એમનું ‘ડ્રીમ હોમ’ – સ્વપ્નનું ઘર બનાવ્યું હતું. હવે આ ઘરનું નામકરણ કરવાનું હતું. મને યાદ છે, ત્યારે હુ પાંચમા ધોરણમાં હતી અને મારો નાનો ભાઈ ચોથા ધોરણમાં ભણતો હતો. અમે બધાં જ એક પછી એક નામ સૂચવતાં પણ કોઈ એક નામ પર સંમતિ કે સહમતિ નહોતી થતી. અચાનક બા બોલી, “આ ઘરમાં કેટલું સુખ છે? તો ઘરનું નામ ‘સુખ-વીલા પાડીએ તો કેમ?” અને બસ, બસ, અમારી ‘સુખ-વીલા’ બની ગઈ.
નાના-નાનીને ઘરે તો બાના જવાનો સવાલ જ નહોતો. હવે તો ઘણાં વરસો પણ વિતી ગયા હતાં. વરસમાં એકાદ-બે વાર માસી ક્યારેક મળવા આવી જતાં. એકવાર ઉનાળાની રજામાં માસી એમની નવી મોટરમાં બેસીને અમને મળવા આવ્યાં. અમને બેઉ ભાઈ-બહેનને ત્યારે મોટર બહુ ગમતી. માસી જેવા આવ્યાં કે અમે બેઉ કારમાં ચઢી ગયાં. બા બોલી, “અરે, આટલે દૂરથી માસી આવ્યાં છે. ડ્રાઈવરકાકા પણ થાક્યા હશે. એમને પહેલાં ચા-નાસ્તો કરવા દો પછી તંગ કરજો. માસી બોલ્યાં, “તું પણ ખરી છે, કેમ આમ ટોકે છે? હું આવું છું ત્યારે જ તો આ બિચારા છોકરાઉંને કારમાં બેસવા મળે છે. ભલેને, પહેલાં ફરી આવે. ડ્રાઈવર પછી ચા-નાસ્તો કરશે.” બાનું સાવ પડી ગયેલું મોઢું અમે જોયું ને ન જાણે શું સમજાયું કે હું અને મારો ભાઈ ચૂપચાપ ગાડીમાંથી ઊતરી ગયાં. માસી કહે, ‘અરે જાઓ. તારી બાને તો અમથી જ ટોક્યા કરવાની ટેવ પડી છે.” મેં માસીને કહ્યું, “અમે તો તમારી પાસે જ રમીશું માસી.” માસીનો મિજાજ તે દિવસે કઈંક અલગ જ હતો. એમણે બાને કહ્યું, “તેં અને મારા બનેવીએ આટાઅટલા અભાવમાં પણ બેઉ બાળકોને સારા સંસકારો આપ્યા છે.” બા બોલી, “મોટીબેન, તમને જેમાં અભાવ વર્તાય છે એમાં મને તો ભાવવિભોરતા જ અનુભવાય છે!” પછીથી બેઉ બહેનો વચ્ચે કઈંક તો બોલચાલ થઈ. માસી તો ધૂંઆપૂંઆ થતાં, ચા-પાણી પીધાં વિના મોટરમાં બેસી ગયાં ને પાછાં જતાં રહ્યાં. ન બાએ એમને રોક્યા કે ન અમે. બાપુજી રાતના ઘરે આવ્યા તો એમને જમતી વખતે બાએ સાવ સહજતાથી આ બનાવ વિષે કહ્યું. હું અને મારો ભાઈ થોડા રડમસ થઈ ગયાં હતાં તો બા-બાપુજીએ અમને વ્હાલથી પોતા પાસે ખેંચીને કહ્યું, “કઈં ચિંતા નહીં કરતાં. આપણા ઘરનું નામ શું છે, ખબર છે ને, ‘સુખ-વીલા’. તો પછી અહીં અસુખ આપનારી કોઈ એક પળ પણ ન રહી શકે, ખરું ને?” સાચે જ, અમારી આ નાનકડી ‘સુખ-વીલા’માં, નાનામાં નાની શી અસુખ આપવાવાળી ક્ષણને કોઈ સ્થાન નહોતું.
અમારા ઘરમાં ઘરકામ કરવા માટે કોઈ નોકર-ચાકર નહોતા. બા આનંદથી ઘરનું અને બની શકે એટલું બહારનું કામ કરતી. રજાને દિવસે કે સમય મળતાં, બાપુજી બાને ઘર વાળવાથી માંડી અમને નવડાવવામાં અને રસોડામાં સતત સહાય કરતા. જો કે, હવે ક્યારેક બાપુજી કહેતા બાને, “કહું છું હવે તો કંજૂસાઈ છોડ અને કોઈને મદદ માટે રાખી લઈએ.” બા હસીને કહેતી, “તમને હવે મને કામમાં મદદ ન કરવી હોય તો ચોખ્ખું કહી દ્યો ને!” બાપુજી માથું ધૂણાવતા અને હસી પડતા.
મને હજી યાદ છે કે અમે આ ઘરમાં રહેવા આવ્યાં તે જ દિવસે, અમે બધાંએ મળીને પાછળના વાડામાં ચાર ચંપાના ઝાડ વાવ્યાં હતાં. પછી તો ધીરે ધીરે અમારા વાડામાં ગુલાબ, મોગરો, બોરસદી અને રાતરાણી વાવ્યાં હતાં. એટલું જ નહીં, વખત જતાં સફેદ ને કાળા જાંબુ, કેરી, ચીકુ, આંબો, બદામ, કમરખ, જામફળ અને આમળાના વૃક્ષો પણ ઉછેર્યાં હતાં. અમે સહુ, હોંશેહોંશે બધાં જ વાવેલા વૃક્ષોની માવજત અને સેવા કરતાં. મારા ભાઈને અને મને તો અમારા આંગણાંમાં વાવેલાં છ રામ અને છ શ્યામ તુલસી બહુ જ ગમતાં પણ મારા બાપુજીને તો ચંપો જ બહુ ગમતો. ત્રણેક વરસોમાં ચંપાના ફૂલ આવવા શરૂ થયા પછી બાપુજીનો સવાર-સાંજનો એક વણલખ્યો નિયમ થઈ ગયો હતો. સવારે અને સાંજે, બાપુજી પાછળના વાડામાં જતા અને એક ચંપાનું ફૂલ તોડીને, રસોડાની બારી ખુલ્લી ન હોય તો, લાકડીથી ઠોકતા. બા બારી ખોલતી, ચંપાનું ફૂલ લેતી અને અંબોડામાં સજાવતી. બાપુજી પાછા વળીને જોઈ લેતા કે બાએ ફૂલ પહેરી લીધું છે, અંબોડામાં, પછી જ ત્યાંથી ખસતા અને ઘરમાં આવતા. સાંજનો પણ આ જ ક્રમ. બાના વાળ કાળામાંથી સફેદ થતાં ગયાં અને અંબોડામાંથી અંબોડી થતી ગઈ પણ આ ક્રમ કાયમ રહ્યો હતો. વરસો વીતતા ગયા પણ આ ઘટમાળ જે કોઈ ખાસ ઘટના વિનાની હતી, તેનો ક્રમ સદા રહ્યો, પછી ભલે શિયાળો હો કે કાળઝાળ ઉનાળો હોય કે પ્રલયકારી વરસાદ હોય!
મને હજી યાદ છે કે બાપુજીને અમે કાકા કહેવાનું ક્યારે અને કેમ શરૂ કર્યું. માસીની છેલ્લી વિઝિટ પછી અમારે ત્યાં બીજું કોઈ મામા-મામી, માસા-માસી, કાકા-કાકી કે ફોઈ-ફુઆ આવે એની તો ગુંજાઈશ જ નહોતી. માસીના ગયા પછી એક દિવસ મેં અને મારા નાનાભાઈએ બાપુજીને કહ્યું, “અમારાયે કોઈ કાકા હોત તો કેટલું સારું થાત?” બાપુજી બોલ્યા, “જો બેટા, કાકા તો આમ લાવી શકાય નહીં પણ તમે બેઉ મને જ કાકા કહેશો તો ચાલશે!” અમે બેઉ ભાઈ-બહેન, અડધી-પડધી સમજણમાં બાપુજીને બાઝી પડ્યાં હતાં.
હું ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં ૯મો નંબર લાવી. બાપુજીએ પૂછ્યું કે “બેટા આગળ શું કરવું છે?” મેં કહ્યું, “મારે વડોદરા જઈને એન્જિનિયરિંગ ભણવું છે.” બા-બાપુજીએ લોકો શું કહેશે કે દિકરી એકલી કેવી રીતે શહેરમાં રહેશે, એવી કોઈ પણ ચિંતા કર્યા વિના મને ખુશીથી વડોદરા મોકલી. મારું એન્જિનિયરિંગનું બીજું વર્ષ પૂરૂં થયું અને મારા ભાઈને બાપુજીએ મુંબઈની મેડિકલ કોલેજમાં ભણવા મોકલ્યો. અમારી ત્યાં રહેવાની, ખાવા-પીવાની, પહેરવા-ઓઢવાની, ફરવાની અને દરેક રજાઓમાં ઘેર પાછા જવાની બધી જ સગવડ બાપુજીએ સાચવી. હું એન્જિનિયરિંગ પાસ કરીને અમેરિકા એમ.એસ. કરવા આવી અને પાછળ મારો ભાઈ પણ મેડિસિન ભણીને અમેરિકા આગળ અભ્યાસ કરવા આવી ગયો. અમે બેઉ, અમેરિકામાં કામ કરીને આપબળે ભણતાં હતાં, પણ, કાકા હંમેશાં કહેતા, “દિકરા, ઈશ્વરની આપણા પર કૃપા રહી છે. તમે બેઉ આટલી ચિંતા ન કરો. હું અહીંથી પૈસા મોકલી શકું એમ છું. માંદા ન પડતાં, આટલી મહેનત કરીને. મને નિઃસંકોચ જણાવશો, બેટા.” હું અને મારો ભાઈ દર વર્ષે ડિસેમ્બરમાં ભારત જરૂર જતાં. અમારૂં ભણતર પણ સમાપ્ત થઈ ગયું હતું અને બેઉને સારો જોબ મળી ગયો હતો. અમે છેલ્લા ડિસેમ્બરમાં ભારત ગયાં ત્યારે જોયું કે કાકાને હવે ઉંમર વર્તાતી હતી. અમે બેઉ ભાઈ-બહેનો મંડી જ પડ્યાં, “કાકા, હવે તો અમે ભણીને સરસ રીતે સેટલ પણ થઈ ગયાં. કેમ આટલું કામ કરો છો? તમે રિટાયર્ડ થઈ જાઓ. બસ, આગળથી તમે કામ નહીં જ કરો.” બા પણ અમારી સાથે સૂર પૂરાવતાં કહ્યું, ‘હું તો કહી કહીને થાકી ગઈ. રિટાયર્ડ થવાનું તો દૂર, એમણે તો બીજી ત્રણ જગાએ ટાઈપિંગ સાથે કમ્પ્યુટરના ક્લાસીસ પણ ખોલી નાંખ્યા છે અને પોતે પણ એમાં રાખેલા નવા ટીચરો પાસે આ ઉંમરે, આ બળ્યું કમ્પ્યુટર શીખવા બેસે છે!” કાકાએ હસતાં કહ્યું, “રિટાયર્ડ થઈને શું કરીશ?” હું અને મારો ભાઈ એક સાથે જ બોલી ઊઠ્યાં, “ઘરની ચંપાની અને વાડાના ચંપાની સારવાર કરજો!” કાકાનું મોઢું હસુ હસુ થતું હતું પણ બાની આંખોમાં પાણી આવી ગયાં. આંખો લૂછતાં બા બોલી, “જિંદગી આખી એ જ તો કરતા રહ્યા છે. હવે જો ઘરમાં રહે તો હું એમની સંભાળ લઈ શકું.” બાપુજીએ અમારા બેઉને માથે હાથ મૂક્યો અને ત્યારે, બાને પણ મેં અમારી પાસે ખેંચી. એ ક્ષણે અમે ચૂપ હતા અને એવું લાગતું હતું કે જો સ્વર્ગ જેવું કઈંક હોય તો આખુંય સ્વર્ગ અમારી આ “સુખ-વીલા”ની આ ક્ષણમાં જ સમાઈ ગયું હશે.
અમારો અમેરિકા પાછા જવાનો સમય આવી ગયો. મેં અને મારા ભાઈએ કાકાને ખૂબ જ આગ્રહથી કહ્યું, “કાકા, તમે અને બા ચાલો અમારી સાથે. ક્લાસીસ પર નવા ટીચરો મૂક્યા છે એટલે એ બહાનું પણ નથી. આપણે નવા ગાર્ડનરને રાખી લઈએ જેથી તમારા ચંપાની પણ ધ્યાન રહેશે.” બાપુજીએ કહ્યું, “જો બેટા, આ બધી વ્યવસ્થા કરતાં વાર તો લાગશે ને બેટા? આવતી ફેરે નક્કી આવીશું.” મેં કાકાનો હાથ પકડી લીધો અને કહ્યું, “પ્રોમિસ?
*****
ઈન્ડિયાથી પાછા અમેરિકા આવે લગભગ સાતેક મહિના થઈ ગયા હતાં. અમે બેઉ ભાઈ બહેનો પોતપોતાના જોબમાં બીઝી થઈ ગયાં. અમે ઘરે કાકાને અને બાને નિયમિત ફોન કરતા. કાકાએ રિટયરમેન્ટની બધી જ તૈયારી પૂરી પણ કરી અને સાચે જ ચારેક મહિનામાં સંપૂર્ણપણે નિવૃત્ત પણ થઈ ગયા. એક દિવસ બાનો ઉત્સાહથી છલકાતો ફોન આવ્યો “તારા કાકાએ આજે તો મને મોટી સરપ્રાઈઝ આપી. આજે મોટર લઈ આવ્યા અને સાથે ડ્રાઈવર પર રાખ્યો છે. તને ખબર છે આંગણાંમાં મોટર ઊભી રાખી ત્યારે તને કલ્પના પણ નહીં આવે કે મને તું અને તારો ભાઈ કેટલા યાદ આવ્યાં? તમે હવે આવશો તો તારા કાકાને મેં કહ્યું છે કે મારા છોકરાઉંને ઠેઠ જામનગર, એરપોર્ટ પર લેવા મોટર મોકલે. આ તારા કાકાનું છે ને બધું જ કામ ખૂબ જ પ્લાનીંગવાળું…હં….” ને બા વાક્ય પૂરૂં કરે એ પહેલાં બાપુજીએ ફોન ઝૂંટવી લેતા કહ્યું, “આ તારી બા પણ…ખરી છે…અમેરિકાના ફોન પર… આ મારિ ગાથા લઈને બેસી ગઈ! જવા દે, પણ જો, તારું ધ્યાન રાખજે હોં બેટા.”
*****
છેલ્લા એકાદ અઠવાડિયાથી, કોને ખબર, મને એમ જ થતું હતું કે ઈન્ડિયામાં બાને કઈંક થયું છે. બાને અને મારે ટેલિપેથીનો સંબંધ હતો. મેં બાને ફોન કર્યો તો બાનો અવાજ થોડો ઢીલો લાગ્યો. કાકા સાથે વાત ન થઈ. કાકા નહોતા ઘરે. મને ક્યાંય ચેન નહોતું પડતું. મેં અચાનક જ નક્કી કરી લીધું કે હું એક વાર ઈન્ડિયા જઈ આવું. મેં ઓફિસમાંથી રજા લઈ લીધી, ભાઈને ફોન કર્યો અને કહ્યું કે, “હું ત્યાં આવી રહી છું, એ કાકાને અને બાને જણાવતો નહીં. હું એમને સરપ્રાઈઝ આપીશ.” હું અમેરિકાથી આવી તો ખબર પડી કે બાને છેલ્લા દસેક દિવસોથી તાવ આવતો જતો હતો અને વજન પણ ખાસ્સું ઊતરી ગયું હતું. બાનો ફિક્કો પડી ગયેલો ચહેરો જોઈને મારા મનમાં એક ફડકો બેસી ગયો. મેં તે જ રાતે ભાઈને ફોન કરીને બોલાવી લીધો.
અમે બાને જામનગરની અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલમાં નિદાન માટે એડમીટ કરાવી. હું, ભાઈ અને બાપુજી ખડે પગે હાજર હતાં. નિદાન થયું, લાસ્ટ સ્ટેજ ઓફ Acute Myelocytic Leukemia! ત્યાંના ડોક્ટરો સાથે ભાઈએ વાત કરી અને એવું નક્કી કર્યું કે કીમો માટે બાને જામનગરની હોસ્પિટલમાંથી સીધા જ મુંબઈ લઈ જવા. અહીં બાની એક જ જીદ હતી કે એમને પહેલાં ઘરે જવું છે. ત્યાં બધાં સાથે “સુખ-વીલા”માં થોડા દિવસો રહીને પછી મુંબઈ જશે! અમે બે દિવસ પછીની પ્લેનની ટિકિટ બુક કરાવી પાછા ઘરે આવ્યાં. ઘરે આવતાં જ બાનો ચહેરો ખીલી ઊઠ્યો. ભાઈ અને હું એને ટેકો આપીને, ઘરમાં લઈ આવ્યાં અને એને નીચેના બેડરૂમમાં સૂવડાવવા લઈ જતાં હતાં તો બા કહે, ”હું લિવીંગરૂમના સોફા પર થોડીકવાર બેઠી છું.” પછી કાકાને કહે, “તમે મારી પાસે બેસો, અહીં. છોકરાઓ તમારા ખાવાપીવાની વ્યવસ્થા કરે ત્યાં સુધી.” કાકા કઈં જ ન બોલ્યા અને બા પાસે બેસીને એમના માથે હાથ પ્રસવાર્યો કે બાનો પ્રાણ ત્યારે જ નીકળી ગયો. બાની આ “સુખ-વીલા”માં પહેલીવાર, બા અમને ત્રણેયને એકલાં મૂકીને મહાપ્રયાણ પર નીકળી ગઈ…!
******
બાની બધી જ અંતિમ ક્રિયા વિધિવત પતાવી. બાપુજી આ સમય દરમિયાન યંત્રવત જ બધું કરતા હતા. અમારી સાથે વાતો કરતા પણ એમ લાગતું કે એમનો પ્રાણ અહીં હોવા છતાં અહીં નથી. મને અને મારા ભાઈને એમની ખૂબ જ ચિંતા થતી હતી. કાકા એકવાર પણ મન મૂકીને ન તો બોલતા કે ન તો રડતા. અમારો અમેરિકા પાછા જવાનો સમય પણ નજીક આવી ગયો હતો. ભાઈ અને હું, બેઉ મંડી જ પડ્યાં હતાં કે આ હાલતમાં તમને એકલા મૂકીને નહીં જઈએ. કાકા કહે, “દિકરા, આટલું બધું સમેટીને આવતાં વખત લાગશે. તમે બેઉ નિશ્ચિંત થઈને જાઓ. હું આવીશ.” ભાઈ કહે, “તો હું પણ તમારી સાથે રહું છું.” કાકા મારી તરફ ફરીને કહે, “દિકરા, તું સમજાવ તારા ભાઈને.” મેં કહ્યું, “કાકા, તમને એકલા કઈ રીતે મૂકી દઈએ?” કાકા મ્લાન હસ્યા અને કહે, “ક્યાં છું એકલો? તારી બા સાથે વિતાવેલા જીવનનું અઢળક સુખ આ “સુખ-વીલા”માં ઊભરાઈ રહ્યું છે. ક્યાં છું એકલો?” આ સમયે હું અને ભાઈ, એમના ખોળામાં માથું મૂકીને રડી રહ્યાં હતાં
.
બાના ગયા પછી, હું, મારો ભાઈ અને બાપુજી, ત્રણેય નીચેના રૂમમાં જ સૂતાં હતાં. બીજે દિવસે હું અમેરિકા જવા નીકળવાની હતી. અચાનક રાતે મારી આંખ ઊઘડી ગઈ. મેં જોયું તો બાપુજી એમની પથારીમાં નહોતા. હું સફાળી ઊભી થઈ અને રૂમની બહાર નીકળી. કીચનની લાઈટ ચાલુ હતી અને જોયું તો પાછળ વાડામાં જવાનો દરવાજો પણ ખુલ્લો હતો અને વાડાની લાઈટ પણ ચાલુ હતી. હું બહાર આવી ને જોયું તો બાપુજી ચંપાના ઝાડને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.
*********
સુખ વિલાના સુખની વાર્તા મનને સ્પર્શી ગઈ…
LikeLiked by 1 person
કરુણરસ પ્રધાન અમે અનુભવેલી વાર્તા. ભાવક-વાચકના બધા જ ભાવો શાંત થઇ ને વિગલીત થાય –
એક જ અનુભુતી કરાવે : કેવળ અને કેવળ આનંદની અનુભુતી !વિગલીતવેદ્યાંતરઆનંદ
LikeLiked by 1 person
એક અજબનો અહેસાસ થયો. જાણે રૂંવે રૂંવે જીવતા માણસ…….જયશ્રીબેન ખુબ સરસ
LikeLiked by 1 person
સુખ વિલાના સુખની કરુણરસ પ્રધાન વાર્તા……ખુબ સરસ
LikeLike
સ્નેહ સ્મરણોથી ભીની સમયગાથા..ખૂબ જ સરસ. સંવેદનાના તાર લેખક અને વાચકના એકમેક સાથે ઓતપ્રોત થાય છે.
LikeLike
આપ સહુ વાચકોનો દિલથી આભાર. It is humbling moment for me.
LikeLike