રાહેં રોશન – ૧ (ડો. મહેબૂબ દેસાઈ)


(ડો. મહેબૂબ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં Department os History and Culture ના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે. અત્યાર સુધીમાં એમના ૫૫ પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચૂક્યા છે. આજથી ૧૩ અઠવાડિયા સુધી એમની મનનીય કલમનો લાભ આંગણાંને મળતો રહેશે. – સંપાદક)

અંકુર સિંચ્યાનું સંભારણું

એ સમય હતો ૧૯૭૪નો. હું તાજો બી.એ. થયો હતો. એ યુગમાં મને લેખકો અને કવિનું અદભૂત આકર્ષણ હતું. પણ તેમને મળવાનો કે તેમની સાથે વાત કરવાનો કયારેય મોકો મળ્યો ન હતો. એ દિવસોમાં નાટકના માધ્યમ દ્વારા હું અને જાણીતા કવિ શ્રી. નાથાલાલ દવેનો પુત્ર અરવિંદ અનાયાસે મિત્રો બની ગયા. મિત્રતા કેળવાયા પછી ખબર પડી કે તે કવિશ્રી નાથાલાલ દવે નો પુત્ર છે. પછી તો  નાટકના રિહર્સલ માટે અરવિંદને ત્યાં અવારનવાર જતો. ત્યારે સફેદકફની લેંઘો અને પગમાં ગાંધી ચપલ સાથે બગીચામા વિચાર મગ્ન અવસ્થામાં ટહેલતા અરવિંદના પિતાજીને હું જોતો, ત્યારે મનમાં કુતુહલ જાગતું કે આટલી ચિંતન અવસ્થમાં બગીચામાં ફરતા ફરતા તેઓ શું વિચારતા હશે? અંતે એક દિવસ હિમ્મત કરી મેં અરવિંદને પૂછ્યું,

“બાપુજી, બગીચામાં ટહેલતા ટહેલતા રોજ શું વિચારે છે?”

“બાપુજી, બગીચામાં ફરતા ફરતા કવિતા રચે છે”

પછી તો અરવિંદ સાથે ખાસ્સી બે વર્ષ ઘનિષ્ટ મૈત્રી રહી. એ દરમિયાન એકવાર મુ. નાથાલાલભાઈ સાથે વાત કરવાની તક સાંપડી. એટલે મેં મારા મનની દ્વિધાને વ્યક્ત કરતાં તેમને પૂછ્યું,

“આપ આટલા સુંદર કાવ્યોનું સર્જન કેવી રીતે કરી શકો છો?”

ચહેરા પર બાળક જેવું સહજ સ્મિત પાથરતા તેઓ બોલ્યા,

“હું કાવ્યોનું સર્જન નથી કરતો, થઈ જાય છે.”

જો કે એ સમયે તેમના એ જવાબમાં મારી શ્રધ્ધા ઝાઝી કેળવાઈ ન હતી. પણ છતાં આટલા મોટા કવિ સાથે દલીલ કેમ કરાય? એમ માની હું તેમની વાત મૌન બની સાંભળી રહ્યો. એ પછી પાંચેક વર્ષ પસાર થઈ ગયા. ઈ.સ ૧૯૭૮માં ભાવનગરની શ્રીમતી ગાંધી મહિલા કોલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે જોડાયો. એ દરમિયાન જ મેં થોડું લખવાનું પણ શરુ કર્યું હતું. જનસત્તા ગ્રુપના રંગતરંગ અને ચાંદની એ વખતે ખાસ્સા લોકપ્રિય હતા. રંગતરંગના સંપાદક શ્રી રતિલાલ જોગી હતા, જ્યારે ચાંદનીના સંપાદક શ્રી. વિષ્ણુભાઈ પંડ્યા હતા. રંગતરંગમાં હું જીવનચરિત્રો લખતો અને ચાંદનીમાં મારી પત્ની સાબેરાના નામે લઘુકથાઓ લખતો. અલબત્ત આ રહસ્ય આજે પણ વિષ્ણુભાઈ જાણતા નથી. આજે પ્રથમવાર તે જાહેરમાં વ્યક્ત કરું છું. પણ એ સમયે મને કયારેય લખવા માટે માહોલ, મૂડ કે સામગ્રીની ગુણવત્તાની મહત્તા સમજાઈ ન હતી. હું તો એમ જ માનતો હતો કે લેખન એક એવી ક્રિયા છે કે જે તમે ધારો ત્યારે કરી શકો છો. અલબત્ત મારી એ માન્યતાને એક વધુ ઘટનાએ ઠેસ પહોંચાડી.

ગાંધી મહિલા કોલેજના એક કાર્યક્રમમાં ભાગ લેવા મા.ઉમાશંકરભાઈ જોશી ભાવનગર આવ્યા. કોલેજના આચાર્ય શ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદીએ તેમને શ્રી મુકુન્દભાઈ પારાશર્યને ત્યાં પહોંચાડવાનું કાર્ય મને સોંપ્યું. મને બરાબર યાદ છે એ દિવસોમાં મારી પાસે ગુજરાત સરકારના સાહસ દ્વારા તૈયાર થયેલું ગીરનાર સ્કુટર હતું. એ દિવસે મારા ગીરનાર સ્કુટરની પાછળની સીટ પાવન બની ગઈ. મા.ઉમાશંકરભાઈ મારા સ્કુટરની પાછળની સીટ પર બેઠા. મેં સ્કુટર હંકાર્યું. લગભગ પાંચ સાત મિનિટના એ સાનિધ્યમાં મેં ઉમાશંકરભાઈને મારો જુનો અને મને સતત મુંઝવતો પ્રશ્ન પૂછ્યો,

“આપ આટલા સુંદર કાવ્યો કેવી રીતે સર્જો છો?”

મારા સ્કુટરની પાછળની સીટ પર મારો ખભો પકડીને બેઠેલા ઉમાશંકરભાઈ બોલ્યા,

“મહેબૂબભાઈ, લેખન એ કલા છે. એ ઈશ્વરદત્ત છે. ઈશ્વર લખાવે છે ત્યારે જ હું લખું છું”

તેમનો એ જવાબ મારા હદયમાં ઉતરી ગયો. પણ તે સમજવા જેટલી સમજ કદાચ હજુ મેં કેળવી ન હતી.

મારા લેખન કાર્યને હવે દસેક વર્ષ થવા આવ્યા હતા. પણ સર્જનાત્મક લેખન અંગેનો મારો અનુભવ અલ્પ હતો. એવામાં ગુજરાતમાં એક નવું દૈનિક ગુજરાત ટુડે શરુ થયું.તેના તંત્રી શ્રી અઝીઝ ટંકારવીએ મને એક કોલમ લખવા આપી.”નોખી માટીના નોખા માનવી” એ કોલમમાં જીવનના માર્ગ પર મળેલા વિશિષ્ટ જીવંત પાત્રો વિશે મેં લખવાનું શરુ કર્યું. ત્યારે મને અનેકવાર કલમ ન ચાલવાના કપરા અનુભવો થયા. કલાકો સુધી કલમ પકડીને બેસી રહું, છતાં તેમાંથી એક પણ શબ્દ ન અવતરે, એક પણ વિચાર કલમબદ્ધ ન થાય. જ્યારે કયારેક તેનાથી બિલકુલ વિપરીત પણ બનતું. કશું જ આયોજન ન હોય અને હું અનાયસે જ એકાદ ક્લાક્મા મારી આસપાસના પાત્રને કલમ દ્વારા હુબહુ સાકાર કરી દેતો. આવી ઘટનાઓ એ મને લેખન કલા એ ઈશ્વર-ખુદાની દેન છે એમ માનવા પ્રેર્યો. એ કોલમ”નોખી માટીના નોખા માનવી” બેએક વર્ષ ચાલી. પછી તે જ નામે તેનું પુસ્તક પણ થયું. પણ એ અનુભવે મને લેખક તરીકે ધડવામા મહત્વનો ભાગ ભજવ્યો.

આજે લેખન કાર્યના ત્રીસેક વર્ષના અનુભવના અંતે મેં અનુભવ્યું છે કે લેખનમાં માહોલ, મૂડ અને સામગ્રી અવશ્ય મહત્વના છે. જેમ કે મારા પરમ મિત્ર કવિશ્રી વિનોદ જોશી અને હું એક જ વિશ્વ વિદ્યાલયમાં કાર્ય કરતા હોઈ અવારનવાર મળવાનું, નિરાંતે વાતો કરવાનું બને છે. એકવાર મેં  અમસ્તા જ તેમણે પૂછ્યું,

“કેવા કાગળ અને કેવી કલમ દ્વારા તમને લખવાનું ગમે?”

જરા આછું સ્મિત કરતા તેઓ બોલ્યા,

“ઉત્તમ કાગળ અને ઉમદા પેન હોય તો જ લખવાનું ગમે”

જો કે તેમની એ વાત સાથે હું સંપૂર્ણ સહમત નથી. પણ એ વાત મક્કમ પણે સ્વીકારું છું કે માહોલ, મૂડ અને ઉત્તમ સામગ્રી હોય તો પણ કયારેક કલમ નથી ચાલતી. મારા જીવનમાં તેના અનેક દ્રષ્ટાંતો પડ્યા છે. એટલે ઉત્તમ માહોલ,મૂડ અને સામગ્રી સાથે અત્યંત જરૂરી છે પ્રેરણા, બળ કે અંદરનો ધક્કો. એવી અનેક ઘટનાઓ મારા જીવનમાં બની છે જ્યારે મેં મારી કારની પાછળની સીટ પર, રેલવેના ડબ્બામાં કે હવાઈ મુસાફરીમાં એક જ બેઠકે મારો લેખ પૂર્ણ કર્યો હોય. એવા સમયે ત્યા ન તો કોઈ ઉત્તમ સગવડ હોય છે, ન માહોલ. છતાં અંદરનો ધક્કો, પ્રેરણા કે બળ જ સર્જન માટે કારણભૂત બને છે. અને એટલે જ આજે ત્રીસેક વર્ષોના લેખન અનુભવ પછી પણ કયારેક મારી કલમ અટકી જાય છે. શબ્દો જડતા નથી. શૂન્ય અવકાશથી મન ભરાય જાય છે ત્યારે મારા ગીરનાર સ્કુટરની પાછળની સીટ પરથી મા.ઉમાશંકરભાઈ જોશીએ ઉચ્ચારેલ શબ્દો મારા કાનોમાં પડધો બની અથડાવા લાગે છે

“મહેબૂબભાઈ, લેખન એ કલા છે. એ ઈશ્વરદત છે. ઈશ્વર લખાવે છે ત્યારે જ હું લખું છું”

* ઈન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી, શિમલામાં તા.૮ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ લખાયેલ લેખ.

લેખકનો સંપર્કઃ

Prof. Mehboob Desai

301/D Royal Akbar Residency

Sarkhej Road

Ahmedabad 380055

Gujarat India

+91 9825114848

4 thoughts on “રાહેં રોશન – ૧ (ડો. મહેબૂબ દેસાઈ)

  1. મા શ્રી મહેબૂબભાઇની વાત’…કશું જ આયોજન ન હોય અને હું અનાયસે જ એકાદ ક્લાક્મા મારી આસપાસના પાત્રને કલમ દ્વારા હુબહુ સાકાર કરી દેતો. આવી ઘટનાઓ એ મને લેખન કલા એ ઈશ્વર-ખુદાની દેન છે એમ માનવા પ્રેર્યો.
    આ. કવિ શ્રી. નાથાલાલ દવેની વાત’“હું કાવ્યોનું સર્જન નથી કરતો, થઈ જાય છે.”
    આ ઉમાશંકરભાઈ ની વાત’“ લેખન એ કલા છે. એ ઈશ્વરદત્ત છે. ઈશ્વર લખાવે છે ત્યારે જ હું લખું છું”
    પહેલા સમજાતી નહીં પણ અમારી દીકરી યામિનીને ભણવામા કે નોકરી દરમિયાન કે ઘરમા સાહિત્ય સર્જનનો માહોલ નહીં છતા વાર્તાઓ , કાવ્યો ,ગઝલો ,નાટકો લખવા માંડયા…સાથે નાટક ભજવવાના આવ્યા અને પ્રસિધ્ધી મળી ત્યારે વાત સમજાઇ કે એવું તત્વ છે જે લખાવે છે !

    Like

  2. Our professor friend mehboob Bhai’s opening article tells great rule of writing creative article – secret learnt from two great authorities & then realised himself which is final.
    I also being retired professor enforce the same.
    Looking forward further intersting installments.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s