ઉજાણી થઈ ગયા (ગઝલ, રાજ લખતરવી)
રાખ ચોળી જે મસાણી થઈ ગયા,
એમના જીવન ઉજાણી થઈ ગયા.
એક એવી તો હકિકત કૈં બની,
લાખ શમણાં ધૂળધાણી થઈ ગયા.
જોઈને સૌંદર્ય મારી પ્યાસનું,
ઝાંઝવા પણ પાણી પાણી થઈ ગયા.
કિંમતી બેચાર રત્નો યાદના,
જિન્દગીભરની કમાણી થઈ ગયા.
જે કદી દિવસે મહેકી ના શક્યા,
ફૂલ એ સૌ રાતરાણી થઈ ગયા.
અવસરો હમણાં ગયેલા પ્રેમના,
જોતજોતામાં કહાણી થઈ ગયા.
‘રાજ’ મારા શબ્દને બસ બોલવા,
કેટલાંયે મૌન વાણી થઈ ગયા.
–રાજ લખતરવી
Superb !
LikeLike
ગઝલનાં તમામ પાસાઓને ઉજાગર કરતી નખશિખ સુંદર ગઝલ
અવસરો હમણાં ગયેલા પ્રેમના,
જોતજોતામાં કહાણી થઈ ગયા.
વાહ
અવસરો વીતી ગયા ને શુષ્ક તોરણ રહી ગયાં. એમ સંકેલાઈ ગઈ જીવન કથા તારા વિના થઈ ગયું પુસ્તક પૂરું ને કૈંક પ્રકરણ રહી ગયાં. માનવી ગૂમ થઈ ગયાં વ્યક્તિત્વના વિસ્તારમાં. રૂપ સૌ ઊડી ગયાં
LikeLike