૨ મોદીની હવેલીથી સિનેમાપટ સુધી
अब सब की शक्ल भी मुश्किल से याद आती है,
वोह नाम जो होते न थे कभी मेरे लब्स से जुदा,
आज मेनू पता नहीं कौन से बसेरे में जा कर बस चुके है।
( अहेमद मुश्ताक )
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલ બગસરા એ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ હતી, અને મારે માટે એ જન્મભૂમિ હતી. એક સમયે આ ગામનું નામ બગેશ્વર હતું, પણ ઇ.સ. ૧૫૨૫ માં દેવગામ દેવલીના કાઠી વાળામંછાએ બગેશ્વર જીતી લીધું અને અહીં પોતાની સત્તા જમાવી. વાળામંછા પછી તેનો પુત્ર ભૈયામંછા ગાદીએ આવ્યો, જેણે બગેશ્વરમાંથી “બગસરા” નામ કર્યું. આ ભૈયામંછા કાઠી એટલો પ્રિય બન્યો કે, તેની પાછળથી બગસરાના કાઠીઓ ભૈયાણી તરીકે ઓળખાવા લાગ્યાં. બ્રિટિશ શાસન દરમિયાન બગસરા થોડા વર્ષો નગરવાળા કાઠીઓને હસ્તગત રહ્યું, પછી પાછળથી એ કાઠિયાવાડ એજન્સી હેઠળનું થાણું બન્યું. જે સમયે મારું મોટાભાગનું બચપણ બગસરાની આજ ગલીઓમાં દોડતું હતું તે સમયે બગસરામાં ન રિક્ષા હતી, ન છકડા. અમે કશેય બહારગામ જતાં તો, બગસરા ગામની બહાર કુંકાવાવને નાકે ગુજરાત સ્ટેટની બસમાંથી ઉતરતા અને ગલીકૂંચીઓમાંથી થઈને ઘરે પહોંચતાં.
જૂના બગસરામાં અમારું ઘર મોદીના ડેલા તરીકે ઓળખાતો. આ ડેલામાં પ્રવેશતાં જ સામે દેખાતી હરીકાકી અને ભાનુકાકાની ત્રણ માળની હવેલી, જેમાં ત્રણ ભાઈઓના પરિવાર રહેતાં હતાં, એની બાજુમાં હતી રાધનમાની ડેલી જેમાં તેમના બે દીકરા અને તેમનો પરિવાર રહેતો હતો, સામેના ખૂણામાં હતું રમેશભાઈનું ઘર એ ઘર બંધ હતું. એની બાજુમાં કાશી કાકીની હવેલી તેમાં યે કાશીકાકીના ત્રણ દીકરાઓ તેમના પરિવાર સાથે રહેતાં હતાં, અને છેલ્લે અમૃતલાલ બાપાની હવેલી. જેમાં તેમના ૪ દીકરાઓનો પરિવાર રહેતો હતો. આમ આ મોદીના ડેલામાં રહેલાં પાંચે ય ઘરોમાં અનેક જીવન ધબકતાં હતાં. મારું બચપણ આ જ પાંચ ઘરના આંગણમાં ગયું, અને આજ આંગણમાં બનેલાં નાના નાના પ્રસંગો ધીરે ધીરે મારા જીવનમાં અનુભવની અનુભૂતિ બન્યાં. આજે આ જ અનુભવોની અનુભૂતિએ અભિવ્યક્તિનું રૂપ ધારણ કર્યું છે.
અમૃતલાલબાપાની હવેલીમાં મારો જન્મ થયો ત્યારે મારી આજુબાજુ ખેલી રહેલાં ૪ મોટા પિતરાઇ હતાં, જેમના દોડતાં પગની વચ્ચે ક્યારેય હું પણ ભાંખોડિયા ભરતી ભરતી તેમની પાછળ દોડી જતી, પણ મને નાની જાણીને તેઓને મારી સાથે રમવામાં કોઈ રસ ન હતો. પરંતુ તેમ છતાં યે તેઓ મારા સૌથી પહેલાં મિત્રો હતાં. થોડા મોટા થયાં પછી મારા એ પિતરાઇ ભાઈ-બહેનોની ટોળકી પણ એટલી વધી ગઈ કે એ હવેલીનો એકપણ ખૂણો ખાલી ન હતો. ચાર માળની એ હવેલી વહેલી સવારથી લઈ મોડીરાત સુધી ૧૦ ભાઈબહેનોના શોરબકોરમાં ગુંજતી રહેતી. સવારથી રાત સુધી તો ગ્રામ્યજીવન રૂટિન પ્રમાણે ચાલ્યાં કરતું, પણ રાતના જમ્યા પછી આખા ડેલાના છોકરા છોકરીઓ ભેગા થતાં. જેમાં હરીકાકીને ત્યાંથી આવતાં મૃદુલા બેન, નાની બેન, કીડી બેન, મંકોડી બેન અને ચુન્નુભાઈ એમ પાંચ જણાં, મથુરકાકાને ત્યાંથી આવતાં રીટા, મુન્નો, ચકો અને ચકી એમ ચાર જણાં. રમેશભાઈના ઘરમાં કોઈ છોકરાઓ ન હતાં, કાશીકાકીના ઘરમાંથી ટીનુ, કાનો, સ્વીટી, સોનલ, મુન્ની, લાલો, જીંગી, પલ્લું અને તાપણી એમ નવ જણાં આવતાં, ને અમારે ત્યાંથી ચીકુભાઈ, વિરેનભાઈ, રશ્મિબેન, સંધ્યા, હું, હેમલ, ગીટુ, ટીના, દુલભો અને પિન્ટુ એમ ૧૦ જણાં. આમ પાંચ ઘર વચ્ચે અમે ૨૮ છોકરાઓ હતા. અમને બધાં ય છોકરાવને “કાંચીકિલ” નામની પત્તાની રમત બહુ ગમતી. આ રમત કેવી રીતે રમાતી તે તો આજે યાદ નથી, પણ આ રમતમાં જે હારે તેણે એ સમયના અમારા લોકજીવન સાથે સંકળાયેલ અલગ અલગ પાત્રો ભજવવા પડતાં. જેમકે કોઈક નવી નવી વહુ પરણીને આવે તો તેનું વર્તન કેવું હોય? જે નવો નવો પરણ્યો હોય તે વરરાજાનું વર્તન કેવું હોય? કોઇની સાસુ કેમ બોલે ? પાણી ભરવા જતી વહુવારુઓ ભરી બજારમાંથી કેવી રીતે નીકળે? હરિહર કરવા આવનાર બ્રાહ્મણ કેમ બોલે?, ભિખારી કેવી રીતે બોલે? આમ રમત રમતમાં અનેક એકાંકીઓ ભજવવા પડતાં. આ રમત માટે અમે મમ્મીની સાડી, માતાજીની ચુંદડી, એલ્યુમિનિયમના વાસણો, દાદાજીની ધોતીમાંથી બનતી ઝોળી વગેરેનો ઉપયોગ કરતાં. આ રમતમાં હું હંમેશા હારતી તેથી નિયમ પ્રમાણે અલગ અલગ પાત્રો પણ ભજવવા પડતાં ત્યારે ઉપર વર્ણવેલી વસ્તુઓ ખૂબ કામમાં આવતી. નાનપણના ખેલના આ પાત્રોની રમતથી નાટક ભજવવાનાં ગુણ મારામાં આવ્યાં; જે પછીથી સ્કૂલ, કોલેજ અને સ્ટેજ થિયેટરમાં ગયાં પછી વધુ નિખર્યા.
૨૭ મી નવેમ્બરની એ રાત મારે માટે અદ્ભુત હતી. જીવનસાથી સાથે જોડાયાંની ખુશી હજુ પૂરી થઈ ન હતી, આવતાં જતાં મહેમાનોની વધાઈ હજુ પૂરી થઈ ન હતી, ત્યાં મારી પાસે એક મહેમાન આવીને ઊભો. મને લાગ્યું કે, કોઈ સંબંધી છે. મલકાણ એમને પગે લાગ્યાં અને હું તેમને અનુસરી. તેમણે આર્શિવાદ આપ્યાં, પછી કોટના ખિસ્સામાંથી પેપર કાઢી, મારી સામે ધરતાં કહે; બેટાજી આ પેપર લાવ્યો છું તેમાં સાઇન કરી આપો.
સાઇન? સાઇન કેમ? મે પૂછ્યું.
બેટાજી બતાવું છું પહેલાં સાઇન કર. જેને હું જાણતી નથી તેના લાવેલા પેપરમાં સાઇન? મારે માટે આશ્ચર્ય હતું. હજુ હું મારી મૂંઝવણમાંથી ઊભી થાઉં તે પહેલાં મારા શ્વસુર પાપા ત્યાં આવ્યાં અને બંને વચ્ચે હા..નાં ની ચર્ચા વચ્ચે તે પેપર ફસાઈ ગયું. અને અંતે તે પેપર ગડી થઈ એમના કોટનાં ખિસ્સામાં ચૂપચાપ બેસી ગયું. એ પ્રસંગ એ રાતે બહુ લાંબો ચાલ્યો. બધાં મહેમાનોનાં ગયાં પછી તે સંબંધી ફરી આવ્યાં ત્યારે જાણવા મળ્યું કે, તેઓ કોઈક પીકચરની ઓફર લઈને આવેલાં. મારા રીસેપ્સનને દિવસે જે ફિલ્મ માટે ઓફર મળેલી તે ફિલ્મ હતી “લાલ દુપટ્ટા મલમલ કા”, આ મૂવી માટે મને કામ કરવાની રજા તો ન મળી પણ મારા જેવી જ લાગતી અન્ય હિરોઈનની શોધ ચાલી. અંતે એ મૂવી બન્યું, પછી તેના પ્રિ-વ્યૂ માટે અમને બોલાવવામાં આવ્યાં જેમાં અમે કોઈક કારણસર જઈ ન શક્યાં, પણ આ મૂવી સિનેમામાં આવ્યાં પછી કેટલી ચાલેલી તેની જાણ નથી, પણ લોઅર ક્લાસ લોકોમાં આ મૂવી બહુ પ્રસિધ્ધ થઈ હશે તેવું મને લાગેલું. કારણ કે, હું જ્યારે જ્યારે બહાર જતી ત્યારે રિક્ષાવાળા વારંવાર મને પૂછતાં રહેતાં કે, મૈડમ લાલ દુપટ્ટા મલમલ કા વાલી હો આપ ના? અને હું તેમને ના -ના કહેતી રહેતી, પણ આ વાતનો દોર બહુ લાંબો ચાલેલો અને રિક્ષાવાળા રિક્ષાની સીટથી લઈ વિવિધ વસ્તુઓ પર ઓટોગ્રાફ કરવા માટે આગ્રહ કરતાં. હું તેમને વારંવાર ના કહેતી, પણ અંતે તો ઓટોગ્રાફ આપ્યાં પછી જ છૂટકારો થતો.
આ વાતને ત્રણેક વર્ષ થયાં પછી એ જ સંબંધી અને તેમના પુત્ર સમીર તરફથી બીજી મૂવીની પણ ઓફર મળેલી, જેમાં લીડ એકટરની સાથે કામ કરવાનું હતું, પણ એ લાઇન તરફ જવા મને ક્યારેય પરમીશન મળી નહીં, તેથી એ લાઇન તરફ ક્યારેય જોયું નહીં. એ સંબંધીઓના નામ હતા કાંતિભાઈ અને જયંતભાઈ મલકાણ, જેમણે આર્ટ ફિલ્મ “નમકીન” બનાવેલી. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળેલો અને આ ફિલ્મના કલાકારો હતાં સંજીવકુમાર, શર્મિલા ટેગોર અને શબાના આઝમી. પાછળથી જયંતભાઈએ તેમનાં પુત્ર સમીરની ફિલ્મ તુ ખિલાડી મૈ અનારી” માટે પણ બોલાવેલ. પણ એને માટે ય ના જ હતી તેથી એ વાત ત્યાં જ છૂટી ગઈ. ( એ ફિલ્મમાં એ સમયનો બીજો ન્યૂ એક્ટર હતો સૈફ અલી ખાન અને એક્ટ્રેસ હતી રાગેશ્વરી ) આજે કાંતિભાઈ અને જયંતભાઈ રહ્યાં નથી અને જયંતભાઈના પુત્ર સમીર મલકાણ કેનેડામાં વસી ગયાં છે. કદીક અતીતની વાતોનો વાયુ વંટોળે ચઢે છે ત્યારે વાતનો દોરે ય થોડો નીકળી આવે છે. કવચિત વિચારું છું કે, જો એ સમયે ફિલ્મમાં કામ કરવાનો અનુભવ લીધો હોત તો મારો મકામ આજે ક્યાં હોત? શું હું એક કલાકાર હોત કે લેખક જ હોત આજની જેમ ..!!
નોંધ:-
-
કાંતિભાઈ મલકાણ એ મારા શ્વસુર પાપાના સગા મોટાભાઇ હતાં અને જયંતભાઈ કાકાનાં દીકરા ભાઈ હતાં.
સુ શ્રી પૂર્વીની બાળપણની ‘ મોદીની હવેલીથી સિનેમાપટ સુધી મધુરી યાદો માણી.. બગસરાનો રસિક ઇતિહાસ,અતીતની વાતોનો વાયુ વંટોળે જન્મથી જીવનસાથી સુધીનો સમય, પીકચરની ઓફરો વચ્ચે કલાકાર ન થવાયું તે વધુ સારા લેખક બનાવવા તેની ઇચ્છા હશે !
અમે અનુભવેલી સ્થિતી યાદ આવી
शाम होती है तो याद आती है सारी बातें वो दोपहरों की ख़मोशी वो हमारी बातें
आँखें खोलूँ तो दिखाई नहीं देता कोई बंद करता हूँ तो हो जाती हैं जारी बातें
અને અમારો શ્રી રામની યાદનો માનીતો શ્લોક
करकमलवितीर्णैरम्बुनीवारशष्पै स्तरुशकुनिकुरङ्गान्मैथिली यानपुष्यन्।
भवति मम विकारस्तेषु दृष्टेषु कोsपि द्रव इव हृदयस्य प्रस्तरोद्भेद्योग्य:
ધન્યવાદ
LikeLiked by 1 person