ભાષાને શું વળગે ભૂર:3 (બાબુ સુથાર)


ભાષાને શું વળગે ભૂર: ૩

આપણે જોયું કે ભાષા વાક્યોની બનેલી હોય છે અને વાક્યો શબ્દોનાં બનેલાં હોય છે. આપણે એ પણ જોયું કે શબ્દનાં બે અંગ હોય છે. એક તે, આકાર અને બીજું તે અર્થ. આમાંનું પહેલું અંગ વાણી કે લિપિ સ્વરૂપે હોય. એટલું જ નહીં, આપણે એ પણ જોયું કે આકાર અને અર્થની વચ્ચે કોઈ કુદરતી કે તાર્કીક સંબંધ નથી હોતો અને વાણી અને લેખન એકબીજાથી સ્વાયત્ત વ્યવસ્થાઓ છે. એટલે કે લેખન વાણીનું નહીં, ભાષાનું નિરુપણ હોય છે. આ લેખમાં હવે આપણે શબ્દ વિશે થોડીક વધુ વાત કરીશું.

          તમે શબ્દો બોલો છો અને સાંભળો છો. અલબત્ત વાણી સ્વરૂપર. એ જ રીતે, તમે લખો છો અને વાંચો પણ છો. એ બન્નેમાં લેખન કેન્દ્રમાં હોય છે. તમે શબ્દકોશ પણ વાપર્યો છે. જો ન વાપર્યો હોય તો અહીં જ અટકી જાઓ અને બીજે ક્યાંય નહીં તો કોઈ જાહેર પુસ્તકાયમાં કે કોઈક પુસ્તકોની દુકાને જાઓ. ત્યાં જઈને તમને આવડતી ભાષાનો એકાદ શબ્દકોશ જોઈ લો. શબ્દકોશોમાં પણ શબ્દો હોય છે. પણ, તમે કદીય વાક્યમાં આવતા શબ્દો અને શબ્દકોશોમાં આવતા શબ્દોની તુલના કરી છે ખરી?

          તમે એક વાત તો અવશ્ય નોંધી જ હશે કે શબ્દકોશોમાં શબ્દોની યાદી આપવામાં આવી હોય છે. એ યાદી પાછી મનફાવે એમ આપવામાં આવતી નથી. મોટા ભાગના શબ્દકોશોમાં શબ્દો કક્કાવારી પ્રમાણે આપવામાં આવતા હોય છે. મને ઘણી વાર થાય છે કે ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં બીજી કંઈ નહીં તો શબ્દકોશમાંથી શબ્દ શોધવાની પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. કેમ કે ઘણા લોકોને શબ્દકોશમાં શબ્દો જોતાં નથી આવડતું. જો કે, હવે તો ડિજિટલ શબ્દકોશોને કારણે શબ્દકોશ જોવાનો નહીં, ‘શોધવાનો’ વિષય બની ગયો છે.

આ શબ્દકોશો બનાવવાનું કામ સાચે જ ઘણું અઘરું હોય છે. સોળમી કે સત્તરમી સદીમાં થયેલા J. J. Sealiger નામના એક વિદ્વાને કહેલું કે ખૂંખાર ગુનેગારને મોતની કે આજીવન કેદની સજા આપવાને બદલે શબ્દકોશ બનાવવાનું કામ સોંપવું જોઈએ. એ એના બદલે કદાચ મોત વધારે પસંદ કરશે. બીજા એક ભાષાશાસ્ત્રીએ પણ કહેલું કે શબ્દકોશ બનાવનાર હંમેશાં બદનામ થતો હોય છે. કેમ કે તમે કદી પણ એક પણ ભૂલ વગરનો શબ્દકોશ ન બનાવી શકો.

શબ્દોના પણ અનેક ‘પ્રકાર’ હોય છે. આપણે એમાંના થોડાક પ્રકારો વિશે તો જાણવું જ પડશે. એમાંનો એક તે ‘લિપિબદ્ધ શબ્દ’. અર્થાત્ orthographic word. ગુજરાતી ‘જ’ અને ‘ય’ લો. વચ્ચે મને મધુ રાયે કહેલું કે ‘જ’ શબ્દની સાથે લખવાનો અને ‘ય’ શબ્દથી દૂર. જો એમ કરીએ તો ‘રમેશજ’ને એક orthographic શબ્દ ગણવો પડે અને ‘રમેશ ય’ને બે orthographic words ગણવા પડે. આમ જુઓ તો ‘જ’ અને ‘ય’ એક જ વ્યાકરણમૂલક કોટિમાં આવે. એ સંજોગોમાં બન્નેને જુદાં લખવા પાછળ ભાષાવૈજ્ઞાનિક કરતાં કોઈક વ્યવહારુ કારણ હોઈ શકે.

આ ‘લિપિબદ્ધ શબ્દ’ ખૂબ મહત્ત્વની વિભાવના છે. કેમ કે એ શબ્દ લેખનમાં અને વાંચનમાં પણ અત્યંત અગત્યની ભૂમિકા ભજવતો હોય છે. દા.ત. વર્તમાન ગુજરાતી લેખનવ્યવસ્થામાં લિપિબદ્ધ શબ્દ એની આગળ પાછળ રહેતી જગ્યાના આધારે નક્કી થતો હોય છે. જો કોઈ વિદ્યાર્થી ‘રમણપાસે’ લખે તો શિક્ષક એને તરત જ કહેશે કે ‘રમણ’ અને ‘પાસે’ વચ્ચે અવકાશ જોઈએ.

          જેમ લિપિબદ્ધ શબ્દ હોય છે એમ ધ્વનિબદ્ધ શબ્દ પણ હોય. જો કે, આ શબ્દ બરાબર નથી. પણ, હમણાં આપણે એનાથી ચલવી લઈએ. એના માટે અંગ્રેજી શબ્દ છે: Phonological word. ગુજરાતીમાં ધ્વનિબદ્ધ શબ્દનું સ્વરૂપ કેવું છે એ વિશે હજી કોઈએ કંઈક લખ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. ધ્વનિવિન્યાસનો મેં અભ્યાસ કર્યો છે પણ પ્રાથમિક કક્ષાનો. એટલે આ પ્રકારના શબ્દ વિશે હું વિગતે વાત નહીં કરું. પણ, ‘ભાઈબહેન’ શબ્દ લો. ગુજરાતીમાં આ પ્રકારના શબ્દોને સંસ્કૃત પરંપરાને અનુસરીને સમાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બે શબ્દોના પોતપોતાના સ્વરભાર છે. પણ, જ્યારે એ બે શબ્દોનો એક શબ્દ બનાવવામાં આવે ત્યારે આખા શબ્દના સ્વરભારનું restructuring થતું હોય છે. એનો અર્થ એ થયો કે સ્વરભારના સંદર્ભમાં આ એક ધ્વનિબદ્ધ શબ્દ બને.

            આવો જ એક શબ્દ છે lexeme. ગુજરાતીમાં આપણે એને ‘શબ્દઘટક’ કહી શકીએ. જેમ કે, ‘ભાઈબહેન’માં બે શબ્દઘટકો. એક ‘ભાઈ’ અને બીજો ‘બહેન’. આપણે lexeme એટલે ભાષાનું શબ્દભંડોળ એમ કહી શકીએ. શબ્દકોશોમાં આ પ્રકારના શબ્દો હોય છે. આ મુદ્દો સમજવા તમે ‘સાર્થ જોડણીકોશ’માં આપવામાં આવેલો ‘ભાઈ’ શબ્દ જુઓ.  એમાં લખ્યું છે:

ભાઈ પુ. માજાયો; સહોદર (૨) કાકા, મામા, માસી વગેરેનો દીકરો (૩) કોઈ પણ માણસ માટે વિવેકયુક્ત સંબોધન

અહીં ‘ભાઈ’ શબ્દનો જે અર્થ આપવામાં આવ્યો છે એ બરાબર છે કે નહીં એમાં આપણે નહીં પડીએ. પણ, આરંભે આપવામાં આવેલો ‘ભાઈ’ શબ્દ જુઓ. શબ્દકોશશાસ્ત્રમાં એવા શબ્દને headword તરીકે ઓળખવામાં આવે છે. આ headword તે lexeme, તે શબ્દઘટક. આ શબ્દઘટક એક કરતાં વધારે orthpgraphic શબ્દોના બનેલા હોઈ શકે. જો કે, ગુજરાતીમાં એવા શબ્દો બહુ ઓછા શબ્દો છે. પણ, ‘પડી જવું’ ક્રિયાપદ લો. એને એક શબ્દ ગણીશું કે બે? જો એક ગણો તો આપણે એમ કહેવું પડશે કે એ શબ્દ બે orthographic wordsનો બનેલો છે: ‘પડી’ અને ‘જવું’. જો એને બે શબ્દો ગણો તો તમને ‘જવું’ ક્રિયાપદ શબ્દકોશમાં મળશે પણ ‘પડી’ નહીં મળે. અહીં જે મુદ્દો ઊભો થાય છે તે શબ્દની વ્યાખ્યાનો. ગુજરાતીમાં આપણે શબ્દ કોને કહીશું? એ એક સંશોધનનો વિષય છે. આપણી કોઠાસૂઝ આ બાબતમાં સ્પષ્ટ છે પણ જ્યારે એ કોઠાસૂઝને શાસ્ત્રીય ભાષામાં મૂકવાની આવે ત્યારે આપણે મુંઝાઈ જઈએ.

          આ શબ્દઘટકો શબ્દકોશમાં કઈ રીતે આવતા હોય છે અને એમની વચ્ચેનો સંબધ કયા પ્રકારનો હોય છે – જેવા પ્રશ્નોમાં આપણે ઊંડા નહીં ઊતરીએ. કેમ  કે એ મુદ્દો શબ્દકોશવિજ્ઞાનનો છે. આપણી કમનસીબી એ છે કે ગુજરાતીમાં શબ્દકોશો ઘણા બધા છે. એ પણ ભાતભાતના. પણ શબ્દકોશવિજ્ઞાન પર બહુ થોડું લખાયું છે. અને જે લખાયું છે એમાંનું કેટલુંક તો હવે કાળગ્રસ્ત થઈ ગયેલું છે.

          હજી શબ્દનાં બીજાં બે સ્વરૂપો વિશે આપણે જાણવું પડશે. ભાષાશાસ્ત્રીઓ કહે છે કે જેમ ભૌતિક શબ્દકોશ હોય છે એમ માનસિક શબ્દકોશ, એટલે કે mental lexicon, પણ હોય છે. જ્યારે આપણે કોઈકની સાથે વાત કરતી વખતે ‘કેમ છો?’ એમ પૂછતા હોઈએ છીએ ત્યારે આપણે આપણી mental lexiconમાંથી ‘કેમ’ અને ’છો’ શબ્દો પસંદ કરીને કોઈ એક નિશ્ચિત એવા ક્રમમાં મૂકતા હોઈએ છીએ. આપણે ‘છો કેમ?’ નથી પૂછતા. જો કે, ક્યારેક એ રીતે પણ આપણે આ શબ્દોને ગોઠવતા હોઈએ છીએ. પણ એનું કાર્ય જુદું હોય છે.

આપણને ખબર નથી કે આપણી mental lexiconમાં છે/છો/છું/છીએ એમ ચારેય શબ્દોનો સમાવેશ થાય છે કે ખાલી કોઈ એકનો, એટલે કે કેવળ ‘છ્’નો જ સમાવેશ થાય છે. અંગ્રેજી જેવી ભાષાઓમાં આ વિષય પર અઢળક સંશોધન થયું છે. ગુજરાતીમાં ક્યાંક ક્યાંક એના ઉલ્લેખો મળી આવે ખરા પણ એ સંશોધનોને કોઈએ એક જ સૂત્રમાં બાંધવાના પ્રયાસો કર્યા નથી. પણ, ફરી એક વાર આપણે એ વિગતોમાં નહીં ઉતરીએ. કેમ કે એ એક અલગ જ વિષય છે. પણ, તમારે જે યાદ રાખવાનું છે અહીં તે આટલું જ: જેમ ભૌતિક શબ્દભંડોળ હોય છે એમ માનસિક શબ્દભંડોળ પણ હોય છે. જ્યારે માનસિક શબ્દભંડોળ આપણને અમુક માહિતી ન આપે અથવા તો શંકાસ્પદ માહિતી આપે ત્યારે આપણે ભૌતિક શબ્દભંડોળ તરફ વળતા હોઈએ છીએ.

          હવે તમે આ વાક્ય વાંચો: ‘મોરે ટહૂકો કર્યો.’ અહીં ત્રણ શબ્દો છે: ‘મોરે’, ‘ટહૂકો’ અને ‘કર્યો’. આ ત્રણેય શબ્દો તમે શબ્દકોશમાં જુઓ તો તમને કેવળ ‘ટહૂકો’ શબ્દ જ મળશે. ‘મોરે’ અને ‘કર્યો’ શબ્દો નહીં મળે. કેમ આમ? બહુ સાદો જવાબ છે: શબ્દકોશ કેવળ શબ્દઘટકોની યાદી આપે. ‘મોરે’ અને ‘કર્યો’ ચોક્કસ અર્થમાં ‘શબ્દઘટક’ નથી. એ વ્યાકરણમૂલક શબ્દો છે. જેમ શબ્દકોશમાં ભાગ લે; એમ શબ્દો વ્યાકરણમાં પણ ભાગ લે. અને વ્યાકરણમાં ભાગ લે ત્યારે એમના પર વ્યાકરણની છાપ પડે. અહીં ‘મોર’ અને ‘ટહૂકો’ બન્ને નામ છે. બન્ને પુલ્લિંગ છે. એટલું જ નહીં, બન્ને એકવચનમાં છે. પણ, વ્યાકરણમાં ‘મોર’ કર્તા છે અને ‘ટહૂકો’ કર્મ છે. એ જ રીતે, ‘કર્યો’ ક્રિયાપદ છે પણ શબ્દઘટકના રૂપે નહીં. વ્યાકરણના રૂપે. જે શબ્દો આ રીતે વ્યાકરણમાં ભાગ લે એમને વ્યાકરણમૂલક શબ્દો, એટલે કે grammatical word, તરીકે ઓળખવામાં આવે છે.

          આ લેખમાળા લખવા પાછળનો મૂળ આશય ગુજરાતી શબ્દોનું વ્યાકરણમૂલક વર્ણન કરવાનો છે. ભાષાશાસ્ત્રીઓ શબ્દોને વ્યાકરણમૂલક વર્ગોમાં વહેંચી નાખતા હોય છે. એમાં સૌથી અગત્યના બે વર્ગ છે. એક તે content words અને function words. એમને અનુક્રમે, lexical words અને grammatical words તરીકે, અથવા તો full words અને empty words તરીકે ઓળખવામાં આવે છે. ક્રિયાપદો, નામ, વિશેષણ, અને કેટલાંક ક્રિયાવિશેષણોને એ લોકો content wordsમાં અને સર્વનામ, નામયોગીઓ, ઊભયાન્વયી અવ્યય (conjunctions) વગેરેને function wordsમાં મૂકતા હોય છે. આ પરિભાષાથી ગભરાવાની જરૂર છે. તમને થોડા વખતમાં જ આ પરિભાષા તમારા કુટુંબના સભ્ય જેવી લાગશે.

          તમે આ લેખમાંથી આટલું શીખ્યા: શબ્દોનું પણ અલગ અલગ રીતે વર્ગીકરણ થતું હોય છે. એમાંના આપણે પાંચ વર્ગ જોયા: લિપિબદ્ધ શબ્દ (orthographic words), ધ્વનિમૂલક શબ્દ (phonological words), શબ્દકોશમૂલક શબ્દ (lexeme), માનસિક શબ્દ (Mental lexicon) અને વ્યાકરણમૂલક શબ્દ (grammatical words).

હવે પછીના લેખમાં આપણે શબ્દોને content words અને function wordsમાં વહેંચી નાખી ગુજરાતી ભાષાના શબ્દોના વિવિધ વ્યાકરણમૂલક વર્ગોની વાત કરીશું.

4 thoughts on “ભાષાને શું વળગે ભૂર:3 (બાબુ સુથાર)

 1. ખૂબ ખૂબ આભાર બાસુ.
  હું શીખીશ અને ગુજરાતી ભાષાના સાવ બેસિક કહેવાય એ નિયમો પળાય એનું પણ ધ્યાન રાખીશ. જરૂરી છે આ એ થોડું સમજાય પણ છે. તમે ખરેખર સરસ કામ કરી રહ્યા છો. આશા રાખું છું કે તમને પણ મજા આવે લખવાની.

  Liked by 2 people

 2. શબ્દોના પાંચ વર્ગ આજે જાણવા મળ્યા! એ માટે બાબુભાઈનો ખૂબ ખૂબ આભાર. દાવડાજીના આંગણામાં આવવાનો અનોખો આ લાભ!

  Liked by 2 people

 3. મા બાબુભાઇએ ‘શબ્દોનું વર્ગીકરણ જેવા કઠીન વિષય સરળતાથી સમજાવવા બદલ આભાર.
  કેટલીક વધુ અઘરી વાતે પ્રકાશ પાડવા વિનંતી… આખો વર્ગ બતાવવા શબ્દ આર્ટિકલ પ્રયોજાય છે , વૉઇસ એક્ટિંગ શબ્દો , જાતિને અનુસરતું શબ્દોનું વર્ગીકરણ, પહાડી ભાષાઓન શબ્દોનો વ્યવહાર ઘરેલુ બોલચાલ, સુધી સીમિત , ખડી બોલીના માધ્યમથી કેટલાક વિદેશી શબ્દો, જેમ કે “હજામત”, “અસ્પતાલ”, “ફીતા”, “સીપ”, “ડાગદર” આદિ પણ આમાં જોવા મળે છે.લેબલ શબ્દોનો સેટ , વિદેશી ભાષામાંથી ઉધાર લેતા શબ્દો ના સાચા ઉપયોગથી મુશ્કેલીઓ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s