હરખીમાસી (જયશ્રી વિનુ મરચંટ)


                મારી હરખીમાસીની વાત માંડવા બેસું તો મને એક જનમ પણ ઓછો પડે! આમ તો મારું મોસાળ સુરત પણ હરખીમાસી, એમના લગ્ન પછી માસાની પોસ્ટ ઓફિસની નોકરીને અને બાપદાદાની ખેતીવાડીને કારણે, સુરત પાસેના એક નાના કસબા, સુમેરપુરમાં રહેતાં હતાં. માસી જો મુંબઈ કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં રહેતા હોત તો નાટકના તખ્તાના ધુરંધરો અને દિગ્ગજ કલાકારોને પણ નાટકના સ્ટેજ પર શ્રેષ્ઠ અભિનેત્રીના ખિતાબ માટે તગડી હરિફાઈ આપત! મારી હરખીમાસી જેવી ડ્રામા ક્વીન મેં મારી આખી જિંદગીમાં નથી જોઈ! હું અમેરિકાથી ભારત આવવાની છું એનો ફોન મારી બાને ભલે હું ન કરું પણ માસીને ન કરું તો એની “શુદ્ધ દેશી સુરતી ગાળો” ખાવા માટે મારો આખો જનમ પણ ઓછો પડે! મેં ત્યારે માસીને મારા ભારત આવવાના ખબર આપવા જ્યારે ફોન કર્યો અને હરખીમાસીની ‘ફુલ ઓન’ નાટક કંપની શરૂ થઈ ગઈ. મને કહે, “લે..! આજે તને માહી યાદ આવી! આ મહિના પે’લા મને મલેરીયા થે’લો તીયારે તું રાં….ની કાં મરી ગેલી? તારી માહી તો મરવાની ઊતી, પણ વા’લા મૂઈ મારો જીવ તારામાં ભરાઈ’લો, તે ઉં ઉપરથી પાછી આવી! બાકી ઉં તો ઉપર જ પોંચી ગેલી ઉતી! તને તારી માઈએ કેઈલું ની ઓહે! એને તો રાં… ની ને પે’લેથી જ પેટમાં દુઃખે કે એની પોયરીને હું આટલી વા’લી કેમ! ઉં ગામમાં રે’મ પણ હમજું બધું જ!” આગળ મને બોલવાનો કોઈ મોકો મળે એ પહેલાં તો ગામમાં મલેરીયાનો રોગચાળો ફાટી નીકળ્યો એને માટે અમેરિકા કેવી રીતે જવાબદાર છે એ પોતાના જ મગજની પેદાશથી ઉપજાવી કાઢેલા ‘ફેક્ટસ એન્ડ ફીગર’ સાથે સમજાવી દીધું! હું માંડ હસવાનું ખાળીને એની સાથે વાતો કરતી. મને કલાકેકનો વખત ન હોય તો માસીને ફોન ન કરવો એટલું તો મને સમજાઈ ચૂક્યું હતું. હું અને મારા પતિ સાન ફ્રાન્સિસ્કોથી સાંજના, કારપુલ લેઈન મળે એટલા માટે સાથે જ ઘરે જતાં. અમને ઘરે પહોંચતાં સહેજે કલાક થઈ જતો. મહિને, બે મહિને, અમે આ સમયનો સદઉપયોગ કરીને, માસીને ફોન કરી લેતી. માત્ર એક જ તકલીફ એમા હતી કે હું કારના સ્પીકર સાથે મારા ફોનને બ્લુ ટુથ દ્વારા કનેક્ટ કરતી. માસીની લાંબી વાતો દરમિયાન, ફોન કાન પર મૂકીને સાંભળ્યા કરવાની મારામાં તાકાત નહોતી. આ સાથે એક ગેરફાયદો એ હતો કે મારી સાથે, મારા પતિને પણ આ વાતો સાંભળવાની ફરજ પડતી. પણ માસીની વાતો એટલી તો મજેદાર રહેતી કે રેડિયો પર જાણે સુરતી ગાળો સાથેનું પ્રહસન ચાલતું હોય!

        માસા-માસીને કોઈ સંતાન ન હતું. હું ઈન્ડિયા જતી ત્યારે ગમે તેમ પણ સમય કાઢીને માસીને મળવા સુમેરપુર અવશ્ય જતી. મને જોઈને માસીનું મોઢું હસુ હસુ થઈ જતું. આમેય એના મુખ પર મેં કોઇ દિવસ દુઃખની છાયા પણ નહોતી જોઈ. મેં એક વખત એમને પુછ્યું પણ હતું, “માસી, તમારું નામ હરખી કેમ રાખ્યું? તમે કાયમ જ આમ હસતાં રહેશો એની નાના-નાનીને પહેલેથી જ ખબર હતી?”  જવાબમાં માસી મને પાસે ખેંચીને, ગાલે એક બચી ભરીને કહેતા, “તું છે ને હાવ મારા જેવી હોં! મારી કૂખે ની જન્મી, એટલું જ! બાકી, તારી રોતલી માને જોઈ છે? તારા જેવી ઓહંતી પોરી (હસમુખી) એ રડિયલને પેટે કાં’થી જનમવાની?” માસી મને અનહદ વ્હાલ કરતાં પણ સુરતી ગાળોની ભરમારથી સુરતની ઘારીની મિઠાશને પણ ફિક્કી ફસ કરી દેતાં! હું એમને ક્યારેક કહેતી કે, “માસી, હવે તો ગાળો બોલવાનું બંધ કરો!” તો, માસીનો જવાબ હાજર જ હતો, “ તમારા જેવા ભણેલાઓનું એક જ દઃખ, ની’ પોતે ગાળો બોલે, ની’ બીજાને બોલવા દે! ઉં જો આમ ગેલસપ્પુ ની બોલું તો મને અપચો થાય. તને હો સલા’અ દેઉં, કે મનમાં હંતાપ થાય તો મારી જેમ, ખુલ્લા દિલથી દહ બાર ચોપડાવી દેવાની.. ! ને પછી જો આખો દા’ડો મજોમાં ની’ જાય તો પૈહા પાછા!” ક્યારેક જવાબમાં હું સુરતી બોલીમાં બોલી ઊઠતી, “તમને ની’ પૂગવાની!” તો, વળી એકાદ આવી જ ભારતની વિઝીટ સમયે, મેં એમને કહેલું, “માસા રિટાયર થઈ ગયા છે. હવે, તો, તમે અને માસા બેઉ મુંબઈમાં બા અને બાપુજીની સાથે અમારે ઘરે રહો. એ બેઉ પણ આખા ઘરમાં એકલા જ રહે છે. જો મુંબઈ ન ફાવતું હોય તો નરેશમામા પણ કહેતા હતા કે, મામાના ઘરની બાજુમાં નાનાબાપુનું બીજું ઘર હતું તે પણ સાવ ખાલી જ છે. મુંબઈ નહીં તો ત્યાં ગામમાં મામાની બાજુમાં રહો. કોઈ તો ફેમિલીનું નજીકમાં હોય તો સારું ને? સહુને ફિકર ઓછી થાય! મામા-મામીનેય તમારી બહુ ફિકર થાય છે, માસી.” માસીને નરેશમામા માટે ખૂબ જ વ્હાલ હતું પણ મામીનું નામ પડતાં જ મામીની સુરતી ગાળોનો ‘સપ્તકોટિ સંદૂક’ ખૂલી જતો અને પછી એને બંધ કરાવવા માટે મારે મારા જ સમ આપવા પડતાં અને ત્યાર પછી જ માસી નરમ પડતી. એ વખતે પણ આવું જ થયું હતું. મામીનું નામ શું મારાથી લેવાઈ જવાયું કે, માસી તો ઊછળી. “અવે રે’વા દે, રે’વા દે! મને હંધીય ખબર છે હોં, ઈ મરેલી, તારી દમિયલ મામીની…! એ દમિયલને… હાહુજીને ..એમ છે કે ઉ એની ઓહિયારી થેઈને એની પાહે રે’વા જામ..! મને તો પાક્કો વે’મ કે એ મને અને તારા ભગત જેવા માહાને કાંઈંક ખવડાવીને અમારું કાટલું જ કાઢી લાખહે..! પછી અમારી બધીય જમીન એની રાં….ની ને એના ભીખડા બાપની થેઈ જાય!” મારી બિચારી મામી! મારી હરખીમાસીનું હસતું મોઢું મામીના નામ સાથે ક્વીનાઈનની ગોળી પરાણે ખવડાવવામાં આવી હોય એવું થઈ જતું. મને ખ્યાલ આવી ગયો હતો કે આ બાબતમાં હું કઈં પણ કહું, માસીને ભરોસો આપી શકવાની નથી, અને, અંતે છેલ્લા ઉપાય તરીકે મેં મારા સમ આપ્યાં, “માસી એક પણ ગાળ બોલ્યા છો તો હું જતી રહીશ, મારા સમ…!” અને, હંમેશની જેમ આ ધમકી ત્યારે પણ કામ કરી ગઈ અને વાઘણ જેમ ગર્જના કરતી મારી હરખીમાસી ગભરૂ બિલાડી બની જતી પણ સાવ ચૂપ થતાં પહેલાં બે-ચાર ગાળો તો ચોપડાવતી જ. “તું હાના હારૂ હમ ખાય, અને એય તે ઓલી રાં..ની દમિયલ હારૂ? કરમ ફૂટેલી, એ એના જ કરમે મરહે…!” મારે ત્યારે રીસભર્યા અવાજે કહેવું જ પડ્યું હતું કે, “માસી, ગાળ બંધ નહીં કરો ને તો સાચે જ હું ચાલી જઈશ અને કદી તમને મળવા નહીં આવું!” માસી થોડા ઢીલા પડી ગયા અને કહે, “હારું, લે બૌ થીયું અવે. પાછું જો આવું કેહે તો કાન ખેંચી કાઢા, તીયારે તને તારી રડિયલ માઈ યાદ આવી જાહે. લે, ગાળો બંધ પણ હાચું કે’મ, તું પણ બે ચાર ચોપડાવ ને જો મન કેવું અલકું અલકું થેઈ જાય તે! આ તારી દમિયલ ને કાળમુખી મામીને મારું નામ લેઈને મને મારી લાખવાના જાપ જપવા દે! મારી પાહેં તો એ ગધેડીની કુથલી કરવાનો પણ ટે.મ ની મળે!” આ પાર્ટ ટુ (૨) હતો, ગાળો બોલવાનું બંધ કરતાં પહેલાં જેટલી ગાળો બોલી શકાય એટલી તો બોલી જ હતી…!

        હરખીમાસીને મામી માટે અણગમો હતો. મામી બહુ મોટા ખોરડાના હતાં પણ નસીબજોગે, એમના પિતાજીને મામા-મામીના લગ્ન પહેલાં ધંધામાં બહુ મોટી ખોટ ગઈ હતી. મારા નાના-નાની ખૂબ જ ભલા હતાં ને એ જમાનામાં વહુને પોતાના ઘરે કોઈ પણ કરિયાવર વિના લઈ આવ્યાં, એટલું જ નહીં પણ લગ્નનો બધો જ ખર્ચો પણ એમણે મૂંગે મોઢે કર્યો જેથી મામીના પિયેરિયાની આબરૂ રહી જાય. પણ, હરખીમાસીને ત્યારનું ઠસી ગયું હતું કે મામીના મા-બાપ બિચારા બનીને એમના ભોળા ભાઈ અને મા-બાપને છેતરી ગયા. બસ, તે દિવસની ઘડીથી એમને મામી સાથે અંટસ પડ્યું તે વર્ષો સાથે વધતું જ ગયું. નાના-નાની, મામા, મારી મા, બધાં જ સમજાવતાં રહ્યાં પણ હરખીમાસી ટસના મસ ન થયાં તે ન જ થયાં ઉપરથી કહેતાં, “એ દમિયલ રાં…નીનું રૂપ જ એવું કે મારો નાલ્લો ભાઈ તો ઘેલો ઘેલો થેઈ ગે’લો. નસીબ એના ફૂટેલા તે એની હાથે ભેરવાઈ ગીયો. મારો નાનકો તો હાવ ભોળિયો અને પાછો ઘેલો હો એટલો જ…! એમાં ને એમાં મારા દેવ જેવા મા-બાપ પણ એની ભેળા ફહાયા…! હંધોય ખર્ચો એ રાં…નીના ભિખારચોટ્ટા પિયેરિયાએ મારા મા-બાપ પાહેથી કરાવિયો.”  મને હજીયે યાદ છે કે અમે સ્કૂલમાં હતાં ત્યારે ઉનાળાની રજામાં નાના-નાનીને ત્યાં જતાં, ને, મામી અમને નાસ્તો કે જમવાનું આપતાં ત્યારે જો હરખીમાસી ત્યાં હાજર હોય તો મામી સાંભળે એમ મોટેથી જાણી કરીને બોલતાં, “પોયરાઓ, ઉં કે’મ તી હાંભળો. તમે ખાવ તે પે’લાં આ કાગડા-કૂતરાને ખવડાવો. એ જો જીવી જાય તો જ તમે ખાવ. કોઈનો ભરોહો કરવા જેવો ની’મલે!” મામીની આંખોમાં પાણી તગતગી જતાં પણ હરખીમાસી જેનું નામ…! પીગળે એ બીજા…!

******

        મામીને લગ્નના બે વર્ષે બેબી આવી. ડિલિવરીના છ મહિનામાં જ મામીને ટી.બી. થયો. હરખીમાસીએ મામી અને નાની બેબીની સારવાર અને કાળજી એક વરસ સુધી દિલોજાનથી કરી, તન, મન અને ધન થકી! ડોક્ટરોના ધક્કા ખાવાથી માંડી આખું ઘર સંભાળવાનું, બહારના અને ઘરના નાના-મોટા બધા જ કામ કરવા, નાની છ મહિનાની બેબીને રાત-દિવસ પોતાના જીવથી વધુ જતન કરીને મોટી કરવી અને મારા નાના-નાનીની સંભાળ લેવી એ સહેલું નહોતું. વિઘ્નસંતોષી       લોકો તમાશો જોવા ને માસીને ઉશ્કેરવા કાન ભંભેરણી કરવા આવતાં. હરખીમાસી મા-બેનની ગાળો ચોપડાવતાં અને લોકોનું મોઢું બંધ કરાવતાં, એવું કહીને, “ઉં મારી ભાભીને ગમે ત કે’મ પણ તમે જો એના હારૂ એક અખ્ખરેય બોઈલા ને, તો હાહુજીના..તમારા હઉના ટાંટિયા હો ભાંગી લા’ખા..! મારા બેટા, નવરી નાથલીના….હાળી મલેલા…!” પણ, મામી જેવા સારા થયાં કે ફરી એનું એ.., ‘ચલ શરૂ હો જા, ઊઠા ખંજર, લગા મુક્કા, લગા ધક્કા…!’ મારી માએ હરખીમાસીને પૂછ્યું પણ હતું, “મોટીબેન, તમે, ભાઈ-ભાભીને આટલું બધું વ્હાલ કરો છો કે જીવ કાઢીને નાનકી અને ભાભીની સેવા કરી તો હજી આ કેવું વેર લઈને બેઠાં છો? ભાભી પણ તમારું કેટલું માન રાખે છે? જે થયું તે બેઉના મા-બાપની મરજીથી થયું એમાં ભાભીનો શું વાંક?” હરખીમાસી છેડાઈ પડ્યાં, “વાત પૈહાની ની’ મલે, વાત દાનતની છે. એવું કેઈલું ઓતે કે અમણાં પૈહા ની’મલે પણ હગવડ થાહે તીયારે દે’હું, તો જુદી વાત ઓતે. આપણે તો કાં ખોટ ઉતી કે બા-બાપુ પૈહા પાછા લેતે? લગન વખતે, ખોટા મોઢેય કે’વું જોઈતું ઉતું કે, ‘ધંધો ચાલી જાય તો, પૈહા પાછા દઈહું!‘ એવું તો ની’ બોઈલા ને પાછા બે પૈહા થીયા તે ઘેલહાગ….ના, પોતાના પોયરાના લગન તઈણ વરહ પછી થીયા, એમાં ભરપેટ પૈહા ખર્ચ્યા! મૂળે ઈ રાં…ના પિયેરિયાઓને, એ મરેલી દમિયલે કાં’ક તો કે’વું જોઈએ કે ની’? તું અને એનો ઘેલો વર, આપણો નાનકો, ભલે કાંઈ પણ કીયો, પણ હંધાયે કાલાઘેલા થાહે, ને છૂટી જવાના…! ઉં ની ફહાઉં, તું ને નાનકો ભલે એ હાહુજીની …આરતી ઉતારો…!”

        કોણ જાણે હરખીમાસીને ઈશ્વરે કઈ માટીમાંથી બનાવી હતી, એનો જવાબ મને આજ સુધી નથી મળ્યો! હરખીમાસીનો અવાજ ખૂબ સૂરીલો હતો. ગામના સહુ બૈરાઓ, ઘરકામ, છોકરાઓનું અને ખેતીનું કામ પતાવીને કોઈ એકના આંગણાંમાં ભજન કીર્તન માટે ભેગા થતાં. બધામ જ હરખીમાસીને ભજન ગાવા બોલાવતાં. માસી જતી તો ખરી પણ ભજન શરૂ કરે એ પહેલાં પોતાની આગવી રીતે સહુની ખબર લેતી. “એઈ સુખી, બાપે નામ તો સુખી પાડ્યું પણ મૂઈ રડકીની રડકી જ ર’ઇ! કેમની આટલી હુકાઈ ગે’લી દેખાય? અને તારો ડોબો વર મણિયો, ખાવાનું આપે કે’ની? તારે તો પાછા નવ દહના બે પોયરા.” પછી મમતાથી માથે હાથ ફેરવીને કહેતી, “જો અલી, તારાથી કે તારા હુકડા, માંદલા મણિયાથી દા’ડિયે ની જવાય તો ઘેર આવીને અનાજ લઈ જજે. તુ હો ખાજે અને મૂઆ મણિયા ને પોયરાઓને પણ દે’જે.”  જવાબમાં ગળગળી થઈને સુખી કહેતી, “બા, પરભુ તમને સો વરહના કરે..!” તો હરખીમાસી સામે તાડૂકતી, “તારું ડાપણ તારી પાહે રાખ. કાલ ઊઠીને મારું બોલવાનું કોઠે ની પઈડું તો તમે બધી કોલચો…ઓ, ભેગી થેઈને કે’હે કે મૂઈ ડોહી મરે તો આપણે છૂટીએ….!” ત્યાં વળી કોઈ જુવાન વહુ, એની સાસુ સાથે રાતના ભજનમાં આવી હોય તો હરખીમાસી એની સાસુને ધમકાવી નાખતાં, “ અલી, આવી જુવાન વહુઆરુને ભજનમાં રાગડા તાણવા લેઈ આવી તી પે’લા એના વર હારે એકલી રે’વા તો દે! પછી પરભુના ધામમાં પહોંચવાના રાગડા તણાવડવજે…!” એ જુવાન વહુ આ સાંભળીને દાંતમાં છેડો ઘાલીને હસતી. હરખીમાસીની ચકોર નજર એ તરત પામી જતી અને હરખીમાસી તરત જ કહેતી, “એલી ઘેલહા….રીની, ભાગ આંઈથી, ઘેર તારા ધણી પાહે…! અને આવતા શનિવારે અટવાડામાં તારા ધણી હારે જાજે. મજાના ધોઈલા કપડાં બેઉ પે’રજો ને ઓઠ પર પેલી લાલી હો ચોપડજે. તાં બધી જુવાન પોરીઓ આવહે તેની હારે તું યે હરખે હરખી લાગવી જોવે ને! ત્યાંથી મારા હારૂ પેલો ગુલાબી રંગનો ડોહીના બાલનો ગુચ્છો લેઈ આવજે… ને આ તારી અવરચંડી હાહુ કટાકુટ કરે તો એને, હાહુજીને, મારી પાહે લેઈ આવજે. એક ઢીંક મારીને એને પાંહરી ની કરી લાખું તો મારું નામ હરખી ની’મલે!” પછી, એની સાસુ સામે જોઈને કહે, “તારી હાહુગીરીની ઉશિયારી તારી પાહેં રાખજે, હમજી? રાં…ની, તારા દિકરા-વહુને રોઈકા છે અટવાડામાં જતાં તો તને તો હું હીદ્ધી દોર કરી લાખા!”

        હરખીમાસીની હકૂમત ખાલી ગામના લોકો પર જ નહીં, માસાના ખેતરો પર પણ ચાલતી. વહેલી સવારે, સાડા પાંચ વાગે, બધા ખેત મજૂરો, દાડિયાઓ અને બે ‘સુપરવાઈજર’ માસીના આંગણાંમાં હાજર થઈ જતાં. એમાં જો કોઈ તાવ કે કોઈ બીજી બિમારીમાં કામ પર આવ્યો હોય તો હરખી માસીની નજરે એનું ઊતરેલું મોઢું ચડી જતું. માસી તરત પારખી જતી ને સુરતી ગાળો આપીને કે’તી, “મરી ગે’લો, કરમ ફૂટ્યો, મરવું ઓ’ય તો તારા ઘેરે રે’ઈને મર. મારા ખેતરે મરવા હારૂ હુ કરવા આઈવો?” પછી ગાંઠેથી રૂપિયા કાઢી, એ બિમારના હાથમાં પકડાવી બોલતી, “આ પૈહા લેઈ, દવાખાનું ખૂલતા જ, દેહાઈ દાકતરના દવાખાને પોં’ચી જા. થોડા પૈહા વધુ દીધા છે તો મોસંબી, કેળાં ને લીલી દરાખ લેતો જજે અને તારી વહુને આપણે ઘેર દૂઝણું લેઈ જવાનું કે’જે. પણ, જો આ પૈહાથી દારૂ પીધો છે તો ઢગરા પર લાકડીના ફટકા પર ફટકા દેવા! જા ઘેર, ને, હારો થેઈ જાય તીયારે જ કામે આવજે. મરતો થા આંઈથી…!”

********

મને એક પ્રસંગ યાદ આવે છે. તે વખતે હું અમેરિકાથી ભારત વેકેશન માટે આવી હતી. હંમેશની જેમ, હું માસી-માસાને મળવા ગઈ હતી. તે દિવસે, મણીમાસા જેવા કામેથી ઘેર આવ્યા કે માસીની ‘રામ લીલા’ ચાલુ થઈ ગઈ. ‘ઉં તમને એમ પૂછું કે, તમે ભગત થેઈ જ જીવવાના ઉતા તો મારી હારે પૈઈણ્યા કેમ? તમે તો એય મજાના, ચાઈલા ઓફિસે સવારે અને મારા માથે ખેતીકામની ઝૂંસરી લાખી….! પેલો રવલો આજે ફરી હો તાવે ફરફરતો કામે આવ્યો ઉતો તી મેં એને મૂઆ દેહાઈ દાક્તરિયાને દવાખાને મોકલ્યો. એ ગેલસપ્પા દાક્તરે એને હાત રૂપિયાની દવા આપી, ચાર દા’ડા આરામ કરવાનું કે’યું. અવે, એની બેનને પઈણે, એ રવલાના ભાગનું કામ કોની પાહે કરાવું? તમારે તો ની ના’વાનું કે ની નીચોવાનું મલે! મારા જ કરમ ફૂટેલા કે મારા બાપે તમારી કોટે બાંધી…! મારૂં રૂપ જોઈને, મને એક કે’તાં એકોતેર મળે એમ ઉતું! બધાય મારા બાપાને કે’તા કે કાગડાને કોટે મોતીનો હાર ની બાંધતા પણ મારો બાપો હાંભળે તો ને…!” માસા હસીને બોલ્યા, ”તો તારો વાંધો શું છે, હું કાગડો છું કે તું મારાથી ખૂબ વધુ રૂપાળી છે કે પછી રવલા જેવા મજૂરોને તારાથી સંભાળાતાં નથી? તારો વાંધો સમજાય તો ઉપાય પણ ખબર પડે..!” માસી છણકો કરીને બોલ્યાં, “ઉં બધ્ધું જ જાણું! ઉં જ કરમની ફૂટેલી, બો ની ભણેલી તી તમને લાગે કે ઉં અવરચંડી છું પણ,” પછી મારી સામે હાથ લાંબો કરીને કહે, “આ મીઠડીની માઈ જેમ ઉં ય મેટ્રીક લગણ ભઈણી ઉતે તો તમને થોડી જ પૈઈણવાની ઉતી?” માસા હસીને બોલ્યા, “તારાથી આ બધું જ સંભાળાતું ન હોય તો ચાલ, કાલ ને કાલ બધા જ ખેતરો વેચીને પરવારી જઈએ. પછી તું ય છુટ્ટી ને કર મનભરી મજા!”  માસી કપાળે હાથ ઠોકી કહે, “તી તમારે મારા માથે આ ઉમરે પાપ ઠોકવુ છે! આ ઉ હંધુય વેચી કરીને ગેઈને, તો આ મૂઆ મજૂરો, એની હાહુજીના, દારૂ ઢીંચીને ઘેર જાહે ને બૈરાંઓને ઢીબશે. તી એમની અવદહાનું પાપ તો મારે જ માથે ઠોકાહે ને? આ ભવ તો અભણ તેઈ ને તમારે કોટે બંધેઈ પણ આવતો ભવ તો હુધરે ની? ઉં જીવા તાં લગી આ મજૂરિયાને પોહા. બસ, કે’ઈ દીધું તમને કે બધો વાંક તમારો છે! ” માસાથી રહેવાયું નહીં, મારી તરફ જોઈને કહ્યું, “આ તારી માસીનું શું કે’વું? બિમાર દાડિયાની સારવાર કરાવી, એની સંભાળ લીધી અને પછી પોતે જ પોતાના જીવ પર કંકાસ નોતરે ને ગાળો બોલે એ જુદું!” ત્યાં સુધી માસી ઠંડી થઈ ગઈ હતી. હરખીમાસી હસી પડી અને બોલી, “હાવ હાચું કે’ઉં, આવું ગેલસપ્પું ને ગાળો ન બોલું ની, તી મને બૌ બુઠ્ઠું લાગે. જાણે ઉં તમને મીઠા વગરની દાર ને મોણ વગરની ભાખરી ખવરાવતી છું!”

માસીની આ દામ્પત્યાજીવનની લાડ કરવાની કળા પર હું તો વારી ગઈ! માસીની ગાળો બોલવાની ટેવને માસાના જમણની વાનગીઓને માસી જ જોડી શકે…! માસા પણ ગાંજ્યા જાય એવા નહોતા, અને એક મીઠા અહોભાવથી માસીને જોઈને કહે, “સાચું કહું, તું જેવી છો એવી જ મને બહુ ગમે છે!” માસી એ ઉમરે પણ શરમાઈને લાલ લાલ થઈ ગયાં. “લાજો હવે આ ઉમરે! જુવાન પોરી હામે બેઠી છે ને તમે ફાવે એમ ભચડો છો!” આજે પણ, માસીના મોઢા પર પડેલા શરમના શેરડા મને યાદ છે.

********

        મારા ભાઈની જનોઈ નિમિત્તે માસા-માસી પોતાનું ગામ છોડીને પહેલીવાર મુંબઈ આવ્યાં હતાં. માસીને કોઈકે ગામમાં કહ્યું હતું કે મુંબઈ જાવ ટ્રેનમાં તો કલ્યાણના સ્ટેશન પર ફક્કડ બટેટાવડા મળે છે, તે જરૂર ખાજો. માસીને જેટલો ગાળો બોલવાનો શોખ એટલો જ ખાવાનો શોખ. આજ સુધી હું નક્કી નથી કરી શકી કે માસીને સૌથી વિશેષ ખાવાનો શોખ હતો કે ગાળો બોલવાનો! માસી કલ્યાણ ક્યારે અને ક્યા સ્ટેશન પછી આવે એની બરાબર બાતમી લઈને આવ્યાં હતાં. કલ્યાણ પહેલાંનું સ્ટેશન આવ્યું કે હરખીમાસીનું રટણ ચાલુ થઈ ગયું કે ‘બટેટાવડા લી આપવા માટે તીયાર રે’જો.’ માસાએ ઘણું કહ્યું કે કલ્યાણ સ્ટેશન પર ગાડી માત્ર ૭ મિનીટ ઊભી રહે છે તો બટેટાવડા લાવવાનો સમય નહીં રહે પણ માસીને તો ટ્રેનના આટલા લોકોમાં ડ્રામા કરવા માટે પ્લેટફોર્મ મળી ગયું. હરખીમાસીનો ગાળોનો ‘સપ્તકોટિ સંદૂક’ ખૂલી ગયો. માસીની નાટ્યકળાને સોળ શણગાર સજીને ખીલવાનો મોકો મળી ગયો. “ઉં જ નસીબની ફૂટેલી તી આજ લગી કોઈ દા’ડો ઘરની બા’ર ની નીકળી! જનમ આખો તમારી અને તમારી માના ગોલાપા કરતી રે’ઈ…! તમારી માએ હો કોઈ દા’ડો હારુ ખવડાઈવું ઓય એવુ મને યાદ ની’મલે, ને મેં હો તમારા માય દિકરા પાહેથી કદી કાંઈ માઈગું ની..! આજે આટલા વરહો પછી ચાર મૂઆ વડા હું માગ્યાં કે તમે આમ બા’ના કરો? મારા જ કરમ ફૂટેલા કે આખી જિંદગી તમારી ડોહલી માને હાંચવી ને મને આજે હડેલા વડા હારૂ ના કે’ય? પરભુ, અવે તો મને આંઈથી ઉપાડી લે તો હારૂ! ઉં ય છૂટું અને તમેય ઉંથી છૂટો…!” હરખીમાસીના આંસુઓ પણ ‘ઓન ડિમાન્ડ’, ખળખળ વહેવા માટે ‘ટ્રેઈન્ડ’ હતાં. ટ્રેનમાં હાજર સહુ માટે તો આ પરફેક્ટ ફ્રી ડ્રામા હતો. હરખીમાસીની ગાળો અને ડ્રામાને એક સાથે સહેવાની માસામાં શક્તિ નહોતી. માસા કલ્યાણ આવતાં બટેટાવડા લેવા ઊતરી ગયા ને પાછા આવે તે પહેલાં ગાડી તો ઊપડી ગઈ! માસી એકલી રહી ગઈ એ ડબ્બામાં અને હવે તો ભગવાન જ માલિક હતો બાકી રહી ગયેલા પેસેન્જરોનો…! મને આજે પણ કલ્પના નથી આવતી કે ટ્રેન દાદર પહોંચે ત્યાં સુધી હરખીમાસીએ શું તોફાન મચાવ્યું હશે? દાદર આવ્યું. મારી મમ્મી માસીને રિસીવ કરવા સ્ટેશને ગઈ હતી. માસી નીચે ઊતરી અને જેવી મમ્મીને જોઈ કે સ્ટેશન પર જ બેસી પડીને ઠૂઠવો મૂક્યો, “ઓ મૂઈ રડિયલ, તારા બનેવી ખોવાઈ ગીયા..! ઉં જ અવરચંડી, ગધેડી, ને ઉંએ જ તારા પોયરાઓ હારુ, એમને વડા લેવા ધકેલીયા ને મરેલી આ ગાડી તો ઊપડી ગઈ! એની પાંહે તો તારા ઘરનું હરનામું હો ની’મલે! ઈ તો મારી ચોરીમાં મૂઈકું છે. તારા બનેવી હાવ ઢીલી માટીના અને મુંજી. ગીરદીમાં એકલા ચાલી હો ની હકે! મોઢાના મોળા એવા કે કોઇને હરનામું પૂછહે હો નઈં! બાઘા મારતા ઊભા રે’હે અને જો કોઈ મવાલીના આતે ચઢી જાશે તો પછી એમને ઠૂંઠા કરીને આંઈ, બાકી જિંદગી ભીખ મંગાવહે…!” પછી, મારી મા સામે હાથ લાંબા કરી કરીને છાતી કૂટતાં બોલ્યા, “આ હંધોય તારો વાંક. તું રડિયલ, એના હાહુજીની.. મને કે’વું તો ઉંતુ ને કે બેન, ગાડી થોડા જ ટે’મ હારુ ઊભતી છે તો ઉં ની’ મોકલતે! તું રોતલી રોવામાંથી ઊંચી આવે તો આવું કે’ય ને? હંધોય તારો વાંક!’ મારી મમ્મી તો માસીના નાટકોથી ટેવાયેલી હતી. એણે માસીને ઊભા કર્યાં અને કહ્યું, ‘મોટીબેન, ચિંતા ન કરો. માસા ભણેલા છે અને રેલ્વેમાં કામ કરે છે. એમને કાંઈ તકલીફ નઈ પડે. ઘર શોધીને આવી જશે.” અને હરખીમાસીને ઘરે લઈ આવી. માસી બાની સાથે ઘેર આવ્યાં પણ એમના મોઢાની ‘સરસ્વતી’ અને રડારોળ ચાલુ જ હતાં. હું અને મારો ભાઈ ત્યારે ૧૩ અને ૧૫ વર્ષના હતાં અમે બેઉ માસી પાસે બેસી એમના આંસુ લૂછતાં હતાં. માસી અમને વ્હાલ કરતાં કહે, “તારા માહા ની આવહે તો મારું હુ થાહે? મૂઆ કલ્યાણના વડા ગીયા તી વધારામાં…!” પછી માસી અમને બેઉને માસાની “ઉપલબ્ધિઓની” વાતો કહેતા રહ્યાં. વાતો સાંભળીને અમે બેઉ, ભાઈ-બેન નક્કી ન કરી શક્યાં કે માસા ‘સુપરમેન’ હતા કે સાવ ઢીલા અને મુંજી હતા? આમ ને આમ કલાકેક વિતી ગયો અને ડોરબેલ વાગી. બાએ દરવાજો ખોલ્યો તો માસા બટેટાવડાનું પેકેટ લઈ સામે ઊભા હતા. માસાને હેમખેમ જોઈ માસીનું રડવાનું એકદમ ગાયબ અને ગાળો બોલવાનું શરૂ પણ આ વખતે મેં એમને કહ્યું, “માસી તમે ગાળો બોલશો તો હું તમારી સાથે વાત નહીં કરું.” અને માસીએ મને વ્હાલથી એમની છાતી સરસી ચાંપી. અચાનક મારા ગાલ પર પાણી પડ્યું, મેં માથું ઊંચુ કરીને જોયું તો માસી રડતાં રડતાં બોલ્યાં, “તું મારા પેટે કેમ ની જનમી? આ રોતલીને કઈં થી મળી? પણ એક કે’ઉં. તું ય રાં…ની બે ચાર હુરતી ગાળો ચોપડાવ ને જો કેવું અલકુંઅલકું લાગે છે? જલહો ની પડે તો પૈહા પાછા હોં!” અમે બધાં જ હસી પડ્યાં. માસી જેવી ડ્રામા ક્વીન મેં આજ સુધી નથી જોઈ!

********

        તે દિવસે, સાંજના પાંચ વાગે હું ઓફિસેથી નીકળતી હતી અને મને મારી મમ્મીનો ફોન આવ્યો કે હરખીમાસી ગુજરી ગયાં! હું હતબુધ થઈ ગઈ. મમ્મીએ વિગત આપતાં કહ્યું હતું કે તે દિવસે, સવારના ૩-૪ વાગ્યાની આસપાસ માસીએ માસાને ઊઠાડ્યા અને કહ્યું કે એમને ગભરામણ થાય છે. માસા એમને બેસાડતા જ હતા ત્યાં તો માસાના હાથમાં જ માસી ઢળી પડ્યાં. હું તાત્કાલિક જ પહેલી ફ્લાઈટ બુક કરાવી ભારત આવવા નીકળી ગઈ અને મુંબઈથી તરત જ માસીને ગામ, સુમેરપુર પહોંચી. હું પહોંચી ત્યારે માસીનું ચોથું હતું. આંગણાંમાં, માસીના ફોટા સામે એમની અસ્થિનો કુંભ પડ્યો હતો અને દીવો ને અગરબત્તી બળી રહ્યા હતા, મારા મનની જેમ જ! આખુંય ગામ બેસણામાં હતું. માસીના ફોટાને વળગીને હું ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી. મારા કાનમાં અવાજ પડઘાયો, “કે’તી છું, રડે હાના હારૂ? એક કે’ઉં. તું ય રાં…ની બે ચાર હુરતી ગાળો ચોપડાવ ને જો કેવું અલકુંઅલકું લાગે છે? જલહો ની પડે તો પૈહા પાછા હોં!” મેં માસીના ફોટા સામે આંસુભરી આંખે જોયું તો માસી ફોટામાં મરકતાં હતાં!

2 thoughts on “હરખીમાસી (જયશ્રી વિનુ મરચંટ)

  1. અમારી હુરટી હરખીમાહીની વાટે મજા આવી
    મારા કાનમાં અવાજ પડઘાયો, “કે’તી છું, રડે હાના હારૂ? એક કે’ઉં. તું ય રાં…ની બે ચાર હુરતી ગાળો ચોપડાવ ને જો કેવું અલકુંઅલકું લાગે છે? જલહો ની પડે તો પૈહા પાછા હોં!” મેં માસીના ફોટા સામે આંસુભરી આંખે જોયું તો માસી ફોટામાં મરકતાં હતાં! અને અમારો શોક વિગલીત

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s