ખંડકાવ્યો – ૧


જે કાવ્યમાં કથા હોય, એ કથા જુદાજુદા ઘટનાક્રમમાં આગળ વધતી હોય અને જે તે ઘટનાના સાહિત્યરસને અનુરૂપ છંદવૈવિધ્ય આવતું જતું હોય તેને ખંડકાવ્ય કહેવાય. આમાં ઊર્મિકાવ્ય અને નાટ્યકાવ્યનાં તત્ત્વોનું સંમિશ્રણ થયેલું હોય છે. ખંડકાવ્યમાં પ્રસંગોને અનુરૂપ અનેક ભાવોનું સંમિશ્રણ હોય છે.

તો ‘કાન્ત’ અને ‘કલાપી’એ ખંડકાવ્યના વિકાસમાં ગુણાત્મક યોગદાન આપ્યું છે.  ‘કાન્ત’ અને ‘કલાપી’ સમકાલીન, સમવયસ્ક અને સમભાવી મિત્રો હતા. આમ એ બેઉ મિત્રોનાં કાવ્યોએ એકબીજાંની અસર ઝીલી છે.

ગુજરાતી સાક્ષરયુગના સર્જકો કાવ્યમાં છંદબદ્ધતાને અનિવાર્ય સમજતા હતા. છંદ વગરના કાવ્યને કાવ્ય ગણી જ શકાય નહિ તેવી તેમની ચુસ્ત માન્યતા હતી.

હું આંગણાંમાં મારી પસંદગીના થોડા ખંડકાવ્યો રજૂ કરીશ. શરૂઆત કલાપીના કાવ્ય ગ્રામમાતાથી કરું છું.

ગ્રામમાતા (કલાપી)

(શાર્દૂલવિક્રીડિત)

ઊગે  છે  સુરખીભરી  રવિ  મૃદુ  હેમન્તનો  પૂર્વમાં

ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી

ઠંડો  હિમભર્યો  વહે  અનિલ  શો, ઉત્સાહને  પ્રેરતો

જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠા ગીતડાં

(માલિની)

મધુર સમય  તેવે  ખેતરે  શેલડીના

રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે

કમલવત ગણીને બાલના ગાલ રાતા

રવિ નિજ કર તેની  ઉપરે ફેરવે  છે

(અનુષ્ટુપ)

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી

અહો  કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે

(વસંતતિલકા)

ત્યાં  ધૂળ દૂર  નજરે  ઊડતી  પડે  છે

ને  અશ્વ  ઉપર  ચડી  નર  કોઈ આવે

ટોળે  વળી  મુખ  વિકાસી ઊભા રહીને

તે  અશ્વને  કુતૂહલે  સહુ  બાલ  જોતાં

(મંદાક્રાન્તા)

ધીમે  ઊઠી  શિથિલ કરને નેત્રની પાસ રાખી

વૃદ્ધા  માતા નયન નબળાં  ફેરવીને  જૂએ છે

ને તેનો એ પ્રિય પતિ હજુ શાન્ત બેસી રહીને

જોતાં ગાતો સગડી પરનો  દેવતા  ફેરવે  છે

(અનુષ્ટુપ)

ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં

કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો બાપુ !’ કહી ઊભો

(શાર્દૂલવિક્રીડિત)

‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’ બોલીને

અશ્વેથી ઊતરી યુવાન ઊભીને  ચારે  દિશાએ જૂએ

‘મીઠો છે રસ ભાઈ ! શેલડી તણો’ એવું દયાથી કહી

માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી

(વસંતતિલકા)

પ્યાલું ઉપાડી ઊભી  શેલડી પાસ માતા

છૂરી  વતી  જરીક  કાતળી એક  કાપી

ત્યાં સેર છૂટી  રસની ભરી  પાત્ર  દેવા

ને કૈંક વિચાર કરતો નર  તે ગયો  પી

(અનુષ્ટુપ)

‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા’

કહીને  પાત્ર  યુવાને  માતાના  કરમાં  ધર્યું

(મંદાક્રાન્તા)

કાપી  કાપી  ફરી  ફરી  અરે !  કાતળી  શેલડીની

એકે  બિન્દુ  પણ  રસતણું  કેમ હાવાં  પડે  ના ?

‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી

બોલી માતા  વળી  ફરી  છૂરી   ભોંકતી  શેલડીમાં

(અનુષ્ટુપ)

‘રસહીન ધરા થઈ  છે, દયાહીન થયો  નૃપ

નહિ તો ના બને આવું’ બોલી માતા ફરી રડી

(વસંતતિલકા)

એવું   યુવાન  સુણતાં  ચમકી  ગયો  ને

માતાતણે  પગ  પડી  ઊઠીને   કહે  છે:

એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !

એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !

(શાર્દૂલવિક્રીડિત)

પીતો’તો રસ મિષ્ટ હું પ્રભુ! અરે ત્યારે જ ધાર્યું  હતું

આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે  અહીં

છે  તો  યે મુજ ભાગ  કૈં નહીંસમો, તે હું વધારું  હવે

શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)

રસ  હવે  દે ભરી પાત્ર  બાઈ !

પ્રભુ  કૃપાએ  નકી   એ  ભરાશે

સુખી રહે બાઈ ! સુખી રહો સૌ,

તમારી તો આશિષ માત્ર માગું !

(વસંતતિલકા)

પ્યાલું  ઉપાડી ઊભી  શેલડી પાસ માતા

છૂરી વતી  જરી  જ  કાતળી  એક કાપી

ત્યાં  સેર  છૂટી  રસની  ભરી પાત્ર દેવા

બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું !

-કલાપી

4 thoughts on “ખંડકાવ્યો – ૧

 1. મા દાવડાજીએ ખંડકાવ્ય અંગે સમજાવી સૌને વહાલું- ફરી ફરી માણવું ગમે તે ખંડકાવ્ય બદલ ધન્યવાદ .ખંડકાવ્ય સાહિત્યસ્વરૂપ આમ જોવા જઈએ તો. નવું છે અને નથી મહાકવિ કાલિદાસની કૃતિ ‘મેઘદૂત’ સંસ્કૃતમા ખંડકાવ્ય . આવા ખંડકાવ્યો હિંદી,મરાઠી જેવી અનેક ભાષાઓમા પણ જોવા મળશે. એ ભાષાઓમાં વળી તેના બદલાતા સ્વરૂપે વિભિન્ન પ્રકારો ગણાવાયા છે પણ. ગુજરાતી ખંડકાવ્યોમાં કાન્તનાં ખંડકાવ્યો અદ્વિતીય છે. કાન્ત પછી પણ ગુજરાતી કવિતામાં ખંડકાવ્યનો પ્રવાહ ચાલુ રહે છે. છેલ્લે મા.વલીજીના હાઈકુના પુસ્તકની પ્રસ્તાવના લખતા મને હાઈકુ-ખંડકાવ્યનો આ પ્રયોગ પણ ગમ્યો
  મદિરાદૈત્યે
  બન્યો અંધ, વિફલ
  સૌ કાકલૂદી!
  અમારા શિક્ષક તેને ‘છંદોબદ્ધ પદ્યનવલિકા’ કહેતા

  Liked by 1 person

 2. કલાપી અને કાન્તના ખંડકાવ્યોના એમ.એ.માં ભણી ગયાં છીએ.કાન્તનું સર્વોત્કૃષ્ટ ખંડ કાવ્ય ‘વસંત વિજય’.પણ ગ્રામમાતા વધારે જાણીતું બનેલ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s