માનસ (છાયા ઉપાધ્યાય)


ઊંઘ પુરી થયાનો ભાવ જાગ્યો. રહી સહી નિંદરને ખસેડવા તેણે શરીર પરથી ચૉરસો હટાવી બંધ આંખે જ આળસ મરડી. “મરડાવાને બદલે શરીર આમ વળ્યું કેમ ?” તેલ પાયેલી રાશ જેવી લીસ્સી અને બળુકી અનુભૂતિએ તેની ઊંઘ ઉડાડી દીધી હતી. “શું હું ઊંઘમાંથી જાગી છું કે નવો જન્મ પામી છું?” તેને સવાલ થાય છે. જે સ્થળે શરીર ફેણ માંડીને બેઠું છે, તે તેને અજુગતુ લાગે છે. સામેની દિવાલેથી  ફેંકાતી ફિલ્ટર્ડ, ઠંડી હવા આમ તો સર્પદેહને ધર્માનુસાર કનડવી જોઈએ. “મને કેમ અહીં અનુકુળ લાગી રહ્યુ છે? આ સ્થાન તો કોઈ મનુષ્યને અનુકૂળ છે. હું અહીં કેવી રીતે હોઈ શકું? જો કે, આમ વિચારવું એ મનુષ્યજન્ય નથી શું? તો શું હું સર્પ નથી?” આ બધા વિચારોને છેડે તેના ચિત્તમાંથી ભારે વિજ પ્રવાહ પસાર થઈ જાય છે, જેને કારણે તેની સ્મૃતિ ફેણ માંડી બેઠી થઈ જાય છે. “હું તો માયા છું. આ મારો બેડરૂમ છે.” એ સાથે, માયાની આંખ સામે માયાની કાયા આવી જાય છે. શરીરમાં અનુભવાતો પરિચિત કંપ તેને દુવિધામાં નાખે  છે. “ઓહ! કેવું સ્વપ્ન હતું!” જો કે, પેલી લસલસતી બળુકી અનુભૂતિ માયાને એટલી જ વાસ્તવિક લાગે છે. એકસાથે સંસ્મરણ અને સ્વપ્નવત્ લાગતી એ અનુભૂતિની કાર્યકારણ ગડ બેસાડવા જાય, ત્યાં માયા જુએ છે કે તેની ત્વચા પર  સાપની ચામડી ચઢી રહી છે.

“ડર કે આશ્ચર્ય કેમ નથી થતું? છટ્, સ્વ અંગે પોતાને નવાઈ થોડી હોય? પણ, કયો સ્વ? આ નજર સામે સળવળે છે તે કે જે આ વિચારે છે તે?” ત્યાં તો, માયા જુએ છે કે સાપના તરંગરુપ વળાંકોમાંથી એક એક જોડી હાથપગસ્તનહોઠકાન વગેરે પ્રસરી રહ્યાં છે. “ઈચ્છાનું બળ અમાપ હોય છે. શું આ શરીરબદલાની રમત મારી જ ઈચ્છાશક્તિનું પરિણામ છે?” માયા વિચારે છે.

“હા. મન ત્યાં માળવા. માળવા સર કરી જ લેવું હવે તો !” રાશ જેવું શરીર તંગ થઈ ફૂંફાડો ફેંકે છે. “ઘણું સહ્યું. ખબર પાડી દઉં બધાને. સારું થયું ટેવવશ આને સંગ્ર્હ્યો! હવે તો કામ કાઢી જ લઉં.” મનને ખૂણે લપાયેલો સાપ બેઠો થઈ બબડે છે. વિષની બધી કોથળીઓનાં મોં એક સાથે ખુલી ગયાં છે. આ આવી મળેલ તકનો ઉપયોગ કરી લેવાનું માયાસર્પ આયોજન કરે છે. જડી આવ્યા પછી સર્પપણુ જતું રહેવાનું નથી. પણ, તેને ઉતાવળ છે હિસાબ કરી નાખવાની.

તે શરુઆત નજીકથી કરવા ધારે છે. પણ, અત્યારે એવું કોઈ જડતું નથી કે જેને દંશ દઈ શકાય. તેના ઈન-લૉએ પુછાવ્યું હતું રહેવા આવવાનું. કહેતા હતા કે, “મુન્નાનો ભમરડો મળ્યો માળિયું સાફ કરતાં કરતાં. એટલે, તમને બધાને મળવાનું મન થઈ આવ્યું છે.” માયાસર્પ મનમાં જ ગોઠવે છે, “આવવા દો એમને.” પણ, એ આવે ત્યાં લગી? માયાસર્પ યાદી બનાવે છે: દંશ યોગ્ય સગાં, ફૂંફાડાને લાયક સહકર્મી અને બૉસ, વિંટાઈ જઈ કરોડ તોડવી પડે તેવા પાડોશી, આખે આખા ગળી જવા પાત્ર પિયરીયા. વિષાક્ત ઉચ્છવાસ ફેંકતા નસકોરાં જાણે કે બોલે છે, “શું નથી કર્યું આ બધા માટે! પણ, કોઈને કદર ખરી?” પછી તે ગણતરી માંડે છે, “સાપપણાને સાર્થક કરવા જેટલા વિકલ્પો તો છે મારી પાસે.” જો કે, માયાનું મન સાપના શરીરમાં ય એ જ વિકલ્પો સાથે સંકળાયેલા સુખદ સંસ્મરણોનો મીઠો કંપ આપી જાય છે. એ સ્મૃતિથી માયા મુંઝાય છે અને કાંચળી ઉતારે તેવા અણીદાર સવાલો પોતાને પુછી બેસે છે, “ક્યાંથી પ્રવેશ્યું આ ઝેર? કદરનું કાટલું શેના થકી ઘડાયું? હકની લડતે સિક્કાની બીજી બાજુને ઘસી નાખી છે કે શું?” પણ, પેલી રાશ વળ છોડે એમ નથી. જે બાબતોને તે કડવો ઘૂંટ સમજી ગળી ગઈ હતી, તેમને ગાળવાનું ચૂકાઈ ગયું લાગે છે. નાની નાની વાતો ક્યારે સાપ જેટલી લાંબી અને ઝેરી થઈ ગઈ તેનો માયાને ખ્યાલ પણ ના આવ્યો. સર્પ મંડિત માયાની યાદીમાં કોઈ બાકાત નથી; ના કોઈનો મુન્નો, ના એની અને મુન્નાની મુન્ની. આ વાત ધ્યાનમાં આવતાં જ માયાનો માતૃદેહ બચાવમાં કંપે છે, “ના, ના. મુન્ની ના હોય આ યાદીમાં. મારી મુન્ની !” કોઈ ઊંડા કુવામાંથી અવાજ પડઘાય છે, “સાપણ પોતાના ઈંડા ય ખાય!” એક ઝાટકે માયા પાછી પ્રકટી આવે છે. હડી કાઢતા પાશવી શ્વાસ ક્રમશઃ માનવીય લય પામે છે. છતાં, હજી કોઈ ઝીણી કાંકરી ચોંટેલી છે તેના ચિત્ત પ્રદેશમાં. જે નડે તો છે જ, સાથે સાથે તેના હોવાપણાની યાદ પણ અપાવે છે. એક ખૂંચતો કણ માયાની ચેતના પર હાવી થઈ ગયો છે.

ઈચ્છાબળથી અંજાયેલ સર્પિણી માયા નીકળી પડી છે સચરાચરમાં સરસરાટ.  કોઈને તેનું આ રુપ અજાણ્યું નથી લાગતું એની તેને ય નવાઈ લાગે છે. “કોઈ મને ધ્યાનથી જોતું નથી કે પછી મારું આ રુપ મારા ધ્યાનમાં આવતા પહેલાં બધાને ખબર છે? કે પછી આ ઉઘાડી સ્વિકૃતિ છે! ” બેવડી વૃત્તિઓમાં રમી રહેલો માયાજીવ પોતાની અસલિયત ઓળખવા મથે છે. એક તરફ તેને સત્તાનો મદ આકર્ષે છે અને બીજી તરફ કોઈ પુર્વ પરિચિત નમણી શક્તિ તેને સાદ દે છે.

માયાસર્પ જુએ છે, બધી આંખમાં, ક્રમશ: બચાવ પ્રયુક્તિ, ફફડાટ, શરણાગતિ અને પોતાની વિજય પતાકા. જો કે, કેટલીક વ્યક્તિઓ છે, જે ઉત્ક્રાંત “ૐ”ને પચાવવામાં રત છે. પણ, વિજયાસક્ત તાકાત ચાખી ગયેલ પાશવીય ચિત્તને, એમને ગણતરીમાં લેવાની જરૂર નથી જણાતી. અમુક તેના જેવાં ય છે. એ બેવડા ચિત્તવાળામાંથી કેટલાક, તેની માફક, અચાનક આવી મળેલ તાકાતથી અભિભૂત છે અને તેને બેલગામ વાપરવા પર ઉતરી આવ્યા છે. કેટલાક હજી ‘હું કોણ છું?’ના પ્રશ્નાર્થમાં અટવાયેલા છે. એમાંના મોટાભાગના કાં તો ફૂંફાડા કાં તો તાકાતથી અંજાઈને એરુજુથમાં જ ભળવાના છે. સર્પ જુથના વધી રહેલા ઝેરીલા વર્ચસ્વ પછી પૃથ્વી પાતાળલોકમાં ફેરવાવામાં ઝાઝી વાર જણાતી નથી. “અગાઉ પણ આવી તક ઊભી થઈ જ હશે ને!” માયાને ભણેલો ઈતિહાસ યાદ આવે છે. “થઈ હશે નહીં, થઈ હતી, થતી રહી છે. પૃથ્વી પર રાજ કરવાની ઝેરી એષણાઓ ક્યારેય શમી નથી. તો પણ, કેમ માનવતા જ જીતી છે?” પોતાના આ વિચારો અંગે રાજી થવું કે શોક કરવો તે માયાજીવ નક્કી નથી કરી શકતો.

બીજા સ્થળોએથી પણ ઠંડા લોહીકુળના વંશજ ઉઘાડેછોગ દરમાંથી બહાર નીકળ્યાના સમાચાર છે. આખરે શિતનીદ્રા પુરી કરવાની તક મળી છે સર્પકુળને. ઠંડું લોહી ઉકળ્યુ છે. “નમ્રતા એટલે નબળાઈ.” એ તેમનો મુદ્રાલેખ છે. સત્તાધારી તાકાત સહનશીલતાને ફગાવે છે. “અનુકુલન? સાહચર્ય ? વૈવિધ્ય? ના! અમે જ હવે. કાં અમારી સાથે કાં અમારી સામે.” એવા આક્રમક વલણ સાથે તેઓ સત્તા કેન્દ્રો પર ગૂંચળું વળી જામી પડ્યા છે. મનોરંજનમાં મસ્ત જીવોને તો આસપાસ શું ચાલી રહ્યું છે તેની સુધ પણ નથી. “આજકાલ સાપ બહું દેખાય છે.” એમ સ્ટેટ્સ અપડેટ કરવાની સોશીયલ મિડિયા ફરજ નિભાવી, સ્ટેન્ડ અપ કૉમેડી પર ‘હાહા’નું સ્માઈલી ચીપકાવી, ગુંચળુ થઈ વ્યવસ્થા તંત્રમાં મણકો બની પરોવાઈ જાય છે તેઓ. નવા નવા રમકડાંથી રાજી થવા લાગેલી, રોજ નવી નવાઈ માંગવા લાગેલી આ બેપગી જાતે, જુઓ ને, “અમને ય ‘ફૉર આ ચેઈન્જ’ વધાવી લીધા છે !” એમ એરુસમુહ હાસ્યના હિંસકારા કરે છે. “એય ને હવે ફૂંફાડા, સુસવાટા, સરસરાહટ, દંશ અને ઝેરની પિચકારી. સાપને મન મળે તો શું શક્ય નથી!”

પણ, મનની જ મોંકાણ છે. “આ લાગણી કોની છે?” વળી વળીને મનુમન બેઠું થઈ સવાલો ઊભા કરે છે, મીઠી લાગણીઓ તાજી  કરે છે. વાતે વાતે છાસીયા કરતી અને ઝેર ઑકતી લુલી પાછળથી વળી વળીને માયા બેઠી થાય છે. “સત્તા હાથવગી લાગે ત્યારે આમ હારી જવાનું મન કોને થાય છે?” ગૂંચળું છોડી, કરોડરજ્જુ પર બેઠું થતાં જ માયા મન સ્નેહભીની સ્મૃતિઓમાં સરકી જાય છે. “એમના મુન્ના પાછળ ઘેલા કાઢતા સાસુ-સસરા; સંગીત માટે ઝૂરતો ને ખાનગીમાં ગીત ગણગણ્યા કરતો અકડુ બૉસ; છેવટે લીમડીના બહાને ઘરમાં ડોકું કરી, મીઠી ઈર્ષાને બહાને મારા સુખથી રાજી થતી પાડોશણ; મારી ઉપલબ્ધિઓને પોતાની માની ફુલાતા પિયરીયા.” માયાની દ્રષ્ટિ એ જ દ્રશ્યો સાફ નજરે જુએ છે. તેની નાભીમાંથી ધ્વનિ ઉઠે છે, “શક્તિ તો સહન કરવામાં છે. ઉપવાસ કરે માયા, મુન્ની માટે, મુન્ના માટે.”

સાપની પ્રકૃતિમાં તરબોળ હોવા છતાં, માયામન પોતાનું દાપુ માગતું હાજર થઈ જાય છે, નિયમિતપણે. ફૂંફાડો માર્યા પછી તે પસ્તાવાના ઝરણે માથાબોળ સ્નાન કરે છે. સાપ વૃત્તિમાં લાબો સમય રહ્યા પછી પણ, સંસ્કૃત મન વારે તહેવારે હાજર થવાનું ચુકતુ નથી. ઈચ્છાની ઉપરવટ, રસાયણોની રમઝટની પાર જઈ માનવીય ડહાપણ કરોડરજ્જુ પર ઊભું થઈ આવી ચઢે છે. એ પાછું એકલું નથી ઊંચકાતુ, માનવતા એના પડછાયાની જેમ હાજર રહે છે. તેને કારણે, પોતાનામાંના સાપને જોયાનો અનુભવ માયાને શરીરમાં સચવાયેલી જુદી જુદી પશુતા ઓળખાવામાં ઉપયોગી થાય છે. આવેગોનો ઉન્માદ તેને સમજાય છે. જંગલના નિયમ અને જીવનના લયને તે પોતાની ભીતર અનુભવે છે. હિંસ્ત્ર વૃત્તિઓને ઠારીને, વાળીને, ઓગાળીને રચાયેલા, ધર્મની ય પારના દેશની સ્થિતિ તેની અંદર પોતાની હાજરી વ્યક્ત કરે છે.  પશુતાની ઉપસ્થિતિમાં પોતાની માણસાઈ તેને વધુ તિવ્રતાથી પરખાય છે. કોષના રસાયણ લાખ કોશિશ કરે ટેવોના ચક્રને ફરતું રાખવાની, માનવતાની માસ્ટર કી તે ચક્રને સ્વિચ ઑફ કરી દે છે. સાપને છછુંદર ગળી જાય છે. મોટા થઈ ગયેલા મુન્ના સાથે સંલગ્ન થયેલી ગ્રંથીઓ ભમરડાવાળા મા-બાપના કૉલ ઝીલવા લળી પડે છે. આવી સ્નેહસ્નિગ્ધતા જ સાપણની ઈચ્છાશક્તિને લપસાવે છે. ઊભા રહેવા ઘડાયેલી કરોડરજ્જુ દંડવત્ માંડે છે મમ્મી-પપ્પા સામે અને સાવ ઓગળી જાય છે મુન્ના-મુન્ની સામે. સાપ તો શું, જનીનમાં સચવાયેલી બધી પૂર્વપશુતાને અતિક્રમે છે પ્રેમ રસ. માયા જુએ છે કે ક્રોમોઝોમમાં સચવાઈ પડેલો સાપનો કણ આખરે પ્રેમ રસમાં ઓગળી જાય છે. જાણે કે, અગ્નિ સંસ્કાર પામ્યા પછી ગંગામાં સર્પપણાની રહી સહી રાખને મુક્તિ સાંપડે છે.

માયાની આંખ ખુલી ગઈ છે. જાગવામાં મોડું થયું છે. ઘી સભર ધુમાડાની ગંધથી દોરવાઈ તે આંગણે પહોંચે છે. મુન્નો કહે છે, “સવાર સવારમાં તારા પ્રિય સોવેનિયરને અગ્નિદાહ દેવો પડ્યો. કિડીઓએ ફેણ કોતરી ખાધી. કાંચળીની પૂંછડી જ બચી’તી અને એ ય તને જોવી ના ગમે તેવી.”

મમ્મી- પપ્પાના ‘શિવોહમ્’ જાપની પશ્ચાદભૂ સાથે, મુન્નાના જમણા હાથને પોતાનો જમણો હાથ અડાડી માયા આહુતિમાં સહભાગી થાય છે.

_છાયા ઉપાધ્યાય

આણંદ

9427857847

5 thoughts on “માનસ (છાયા ઉપાધ્યાય)

 1. આવી વાર્તા વાંચવામાં આવી નથી! આવી કલ્પના એક નારી જ કરી શકે કે જેણે દુખોના જ ટોપલા માથે લઈ બીજાઓને ખુશીની ખુરશીપર બેસાડ્યા છે!

  Liked by 1 person

 2. ઊંઘમાં અટપટા ભોગ ભાસે થી શરુ થતી વાતે સૌજન્યમૂર્તિ જણાતી સ્ત્રી પોતાના અંતરમાં કેટકેટલું ધરબીને બેઠી હોય છે .”મનને ખૂણે લપાયેલો સાપ…
  પાદુકાદિકસિદ્ધીશા તથા વિજયદાયિની ।
  કામરૂપપ્રદા વેતાલરૂપા ચ પિશાચિકા ॥
  ‘માયાસર્પ મનમાં જ ગોઠવે…
  ઈ બર જુવતિ વૈ બર નાહિ, અતિ રે તેજ તિય રૈની તાહિ
  કહં હિ કબીર યહ જગ પિયારિ, અપને બલકવૈ રહલિ મારિ
  અહીં માયા બધાનો ઉપભોગ કરીને કોઈ સાથે વિવાહનો સંબંધ જોડતી નથી એટલે કે કોઈને આધીન થતી નથી તે માયાનું મુખ્ય લક્ષણ ગણાવ્યું છે. નિત્ય ભોગી તે હોવા છતાં તે નિત્ય કુમારી જ ગણાય છે ! તેમાં માયારૂપી નારી તો વિચિત્ર છે. તે ક્યારેક પધ્મિનીનું રૂપ ધારણ કરે તો ક્યારેક નાગિનીનું ! તેના મોહપાશમાંથી કોઈ બચી શક્યું નથી ! ‘
  સાપણ પોતાના ઈંડા…નાગિની અથવા સર્પિણી એ માયાનું ભયંકર સ્વરૂપ છે. સાપણ ગોળાકારે બેસતી હોય છે. તેણે મૂકેલાં ઈડાઓનું તે પોતાના કુંડાળામાં સેવન કર્યા કરતી હોય છે. જ્યારે ઈડામાંથી બચ્ચાઓ બહાર આવે છે ત્યારે તે સાપણ બચ્ચાઓને ખાય જતી હોય છે. જે બચ્ચું કુંડાળાની બહાર નીકળી શકે તે બચી જાય ! માયાનાં કુંડાળામાંથી કોણ નીકળી શકે ?
  ‘ માનવતાની માસ્ટર કી તે ચક્રને સ્વિચ ઑફ કરી દે છે… આપણે ત્યાં કુંડલીની જાગરણના ચક્રને છેદવાનું હોય છે મુલાધાર ચક્ર, નાભિ ચક્ર અને સહસ્ત્રાધાર ચક્રોની ગહન વાતો મા કાળીનાગ એ તો રુપક છે. સ્વાધિષ્ઠાન ચક્ર સુધી પહોંચ્યા પછી સાધકની અવસ્થા સંભ્રમમાં મુકાય છે, સહાસ્ત્રાધાર ચક્ર ખુલી ગયા પછી યોગીઓ જે અનુભવનું વર્ણન કરે છે તે છે. “મોરલીના નાદમાં, શ્રવણના સ્વાદમાં, ઝાંઝરી, ઝાલરી ઝમક વાગે, તાલ મૃદંગને ભેરી શરણાઇમાં બ્રહ્મનાદે“
  જાપની પશ્ચાદભૂ સાથે મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે. …. ધન્યવાદ સુ શ્રી છાયાબેનને ગૂઢ વાર વાર્તા સ્વરુપે સમજાવવા બદલ

  Liked by 1 person

 3. જેકિલ અને હાઈડ યાદ આવી ગયો. એમાં હાઈડ વિજયી બને છે – અહીં ભારતીય તત્વ દર્શન જેકિલને વિજયી બનાવે છે. સરસ મનો વૈજ્ઞાનિક , આધિભૌતિક કલ્પન .

  Liked by 1 person

 4. આલેખન-વ્યંજના આલા દરજ્જાની. સઆદર સલામી.
  આ મુર્દા મતિને જે સમજાયું એમાંથી થોડાક મુદ્દા.
  વાત એક, ધી માયા, હાયરમિડલ ક્લાસ આમ સુખિયારી પણ આમ દુખિયારી, પરિવાર માટે પોતાનું બધું નમતું-હોમતું જોખી દેનારી મહાનારી છે.
  વાત બે, દરેક સરેરાશ મનુષ્યની જેમ ધી માયાની અંદર પણ જાતભાતના ઝેરી આક્રોશો ઉછળે છે, કારણ કે કરોડો વરસોની જેમ પોચીપોચી માયાળુ માતા સામે પિતા-સાસરિયા-બાળકોનો પરિવાર ક્રૂર છે ને એને એના અસ્તિત્વની ઓળખ શોધવા જ નથી દેતો, માત્ર સહુની જરૂરિયાતો પૂરી કરવાના સાધન તરીકે માયા ત્યાં બ્લોક્ડ થઈ ગયેલી છે, પણ ગમેતેવા હોવા છતાં ધી માયાને એમના માટે પ્રેમ છે, ભલે એ લોકો તો માયા, સ્ત્રી છે-માતા છે-એટલે એની કદી કદર નથી કરતા-એ તો બધા નથી જ કરવાના એમ સમજી, અલબત્ત, ગમેતે કારણે માયા તો આક્રોશો પી જાય છે.
  વાત ત્રણ, પણ આજે ઊઠતાંવેંત માયાને એમ લાગે છે કે પોતે સાપ બની ગઈ છે, એને ઝેર મળી ગયું, દંશવાની શક્તિ મળી ગઈ એટલે બધો આક્રોશ એકેએકને દંશીને ઢાલવી દેશે. સાપ થઈ શકવાની અદભુત શક્તિ-સત્તાને એ અનુભવે છે સાથે માયાળુ ધી માયા પણ પડખે ઊભી છે. નમ્રતા તો નબળાઈ એટલે હવે તો શૌર્યતાની સબળાઈ જ બતાવવી એવુંકંઈક વલણ એને વળગે છે.
  વાત ચાર, જગતભરમાં સાપ એટલે કે ઝેરીલા જીવ માનવની ભેળા થઈ સત્તાઓ પર બિરાજી ગયા છે ને બેપગી જાત પોતાનામાં મગ્ન છે એની પણ નોંધ લઈ લેવી જોઈએ.
  વાત પાંચ, જોકે માયાને પહેલા મુન્ની માટે ‘મારી મુન્ની તો ના ના ‘ એને તો યાદીમાં ન મૂકું થાય છે ને પછી ‘શક્તિ તો સહન કરવામાં છે’નો વા ઉપડે છે. ઝરણું ફૂટે છે માત્ર સ્ત્રીઓના અધિકારક્ષેત્રમાં રહેલા પ્રેમરસનું અને માયા બધાને દંશવામાંથી માફ કરી દે છે.
  વાત છઠ્ઠી, ઓકે વાર્તા પૂરી પણ કરવાની છે એટલે માંડમાંડ બચી ગયેલો મુન્નો અંતે મરી ગયેલા સાપની કાચળી બાળતા ‘ધી ઓન્લી લવિંગબીઈંગ ઓફ ફેમિલી’ માયાને આહુતી આપવા બોલાવે છે ને સહુ ખાઈપીને (કોઈ કોઈને દંશ્યા વગર) રાજ કરે છે.
  અદભુત.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s