થોથી
अम्बर सी ऊंचाई पर रहेती हूँ मै, इसी लिये खावाबों की दुनिया में ले जाती हूँ मै
इतिहास के पन्ने भी समेटे है मुझ में इसी लीये
आयना अकसर दिखाती हूँ मै
इतना बोलने पर भी खामोश भी रहती हूँ मै
पर फिर भी आपका भविष्य अच्छी तरह से सँवारती हूँ मै ।
બચપણ પણ કેવું અદ્ભુત હોય છે ને …આ એ ઉંમર છે જ્યારે આપણને અનેક નામ મળે છે અને અનેક નામનાં ધણી થાઈયે છીએ, ભગવાનનાં અનેક નામોની જેમ. પોતાનાં અનેક નામથી ભગવાન પરેશાન નથી થતાં તેમ આપણે પણ આપણાં એ અવનવા નામો થી પરેશાન નથી થતાં, બલ્કે જે નામ મળે છે તેને પ્રેમથી સ્વીકારી લઈએ છીએ. મારું પણ તેવું જ હતું. મારું મૂળ નામ તો કંઈક બીજું જ હતું, પણ પપ્પા એ પ્રેમથી પૂર્વીને નામે સંબોધવાનું શરૂ કર્યું અને એ નામ મારું ઓફિસિયલ નામ બની ગયું. પૂર્વી સિવાયે મને બીજા અમુક નામો મળેલાં. જેમાં પહેલું હતું પૂરી, કદાચ પૂર્વીને અપભ્રંશ કરાયું હોય તેમ અત્યારે લાગે છે, પણ એ સમયે રમતે મળેલ નામ હતું. આ નામે મને ડો યોગેંદ્ર માંકડ બોલાવતાં હતાં. ડો. યોગેંદ્ર માંકડ મારા પપ્પાનાં મિત્ર હતાં, પણ મારા બચપણને સંવારવામાં કેટલેક અંશે એમનો ય ફાળો હતો. હું ઘણીવાર એમની ઓફિસનાં એક કોર્નર ટેબલ પર બેસી રહેતી કે તેઓ મને બેસાડી રાખતાં. એમનાં કંપાઉંન્ડર મને લાડોબા કહેતાં. મને આજે લાગે છે કે કદાચ તેઓ રાજસ્થાનનાં હતા. પૂરી, લાડોબા પછી મારું ત્રીજું નામ લંબુ મળ્યું. આ નામ મને મારા પિતરાઇ ચેતનભાઈ તરફથી મળેલું. કદાચ હાઇટ વધારે હોવાથી મળ્યું હશે, વિરેનભાઈ મને ચસ્મિશ કહેતાં, જે ચશ્મા આવ્યાં પછી પડ્યું. સંધ્યા મને પૂરકુડી કહેતી. આ બધાં નામો તો સમજ્યાં પણ મારું અંતિમ નામ મને સૌથી વિચિત્ર લાગતું હતું અને તે હતું “થોથી”. આપને થશે આ તે કેવું નામ? આ નામ મળેલું થોથા ઉપરથી. આ થોથા શબ્દ કદાચ ગ્રામ્ય હોઈ શકે. કારણ કે મારા મોટી બા મને કહેતાં કે, તેઓ ૩ થોથા ભણેલાં. ( એટ્લે કે ત્રીજા ધોરણ સુધી કદાચ ભણેલાં…! ) મારા બધાં જ ભાઈ-બહેનોમાં સૌથી વધુ વાંચવાનો શોખ મને જ હતો. ઘરમાં રખડતો એક છાપાનો ટુકડો ય મારી નજરની બહાર ન રહેતો. એ ટુકડાનું બરાબર સ્કેન થાય પછી જ એ ટુકડો અમારા ઘરમાં રહેલી સગડીનું એ બળતણ બનતું. મારી આ આદતને કારણે મારા ઘરમાં બધાં ડરતાં. કારણ કે ગામડામાં રહેનારી એક છોકરી વાંચ વાંચ કરશે તો ઘરનું કામ ક્યારે શીખશે? પણ વાંચન મારે માટે ઘણું બધુ હતું, વાંચન મારા મનમાં કલ્પનાનો રંગ પૂરતું હતું, વાંચન મને પતંગની જેમ મુક્ત આકાશમાં લઈ જતું હતું, અને આ બધાંમાં ખાસ બાબત એ હતી કે વાંચનની આદત મને મારા પપ્પાએ શીખવેલી. પપ્પા મને સ્કૂલના હોમવર્કમાં મદદ કરતાં. પણ પપ્પા બહુ હોંશિયાર હતા હું મારું હોમવર્ક જલ્દી જલ્દી પૂરું કરી લઉં તે માટે પપ્પા તેમની પાસે વાર્તાની ચોપડીઓ રાખતા અને મને કહેતા કે પૂર્વી બધું લેશન પૂરું કરીશ તો આખી ચોપડી વાર્તાની મળશે અને જો એક જ વિષયનું લેશન પૂરું કર્યું તો જે તે ચોપડીમાંથી એક જ વાર્તા વાંચવા મળશે. વાર્તાની ચોપડી જલ્દી જલ્દી મળી જાય તે માટે મારી હંમેશા કોશિશ રહેતી અને ન લેશન પૂરું ન થાય તો વાર્તાની ચોપડી મળતી પણ નહીં. આવી રીતે શરૂ થયેલી મારી વાંચનની યાત્રા ક્યારે મારી આદત બની ગઈ તેની મને જ જાણ ન રહી.
બગસરાની ઝવેરચંદ મેઘાણી સ્કૂલમાં થોડો સમય ભણ્યાં પછી મને રાજકોટની સ્કૂલમાં દાખલ કરવામાં આવી તેથી અમે રાજકોટ મૂવ થયાં. બગસરાના ઘરમાં મોટી બાએ ( દાદી ) નિયમ બનાવેલો કે, સ્કૂલ સિવાયની બધી જ નાની -મોટી રજાઓમાં બગસરા પહોંચી જવું. આ નિયમ ખાસ અમારા માટે રહેતો. પણ જેઓ બહુ દૂર વસેલાં હતાં તેમને માટે દિવાળીમાં પહોંચવાંનો નિયમ રખાયેલો. આ નિયમ પ્રમાણે અમારી તો લગભગ દર અઠવાડિયે બગસરા અવરજવર રહેતી, ને મને ય રાહ રહેતી કે અમે ક્યારે બગસરા જઈએ. મારી દિવાળીની અને ઉનાળાની રજાઓ તો ત્યાં જ પસાર થતી. આ બધી જ રજાઓમાં હું ખૂબ વાંચતી. જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ મને પણ ઘરના વિવિધ કામ સોંપવામાં આવ્યાં, પણ મારી વધતી જતી વાંચનની આદતને કારણે ઘરના કામ યોગ્ય સમયે પૂરા થતાં નહીં અને મારા કામનો ભાર સંધ્યા કે રશ્મિબેન ઉપર આવતો, જે તેમને ગમતું નહીં. એક દિવાળીમાં, ઘરમાં ( બગસરામાં ) બધાં એ નક્કી કર્યું કે પૂર્વી આ વખતે જ્યારે ઘરે આવે ત્યારે તેને રસોડાનાં કામમાં પરોવી રાખવી જેથી કરીને એ વાંચન તરફ ન જાય. રહ્યાં ઘરમાં આવતાં છાપા ને માસિક તો એ એવી રીતે છુપાવીને રાખવાં કે પૂર્વીની નજર ન પડે. પણ આ કામ કોઈને સોંપવું પડે તેથી આ કામની જવાબદારી ચેતનભાઈ પર આવી.
બગસરાનાં એ મોટા ઘરે પહોંચી થોડો સમય જૂની બેનપણીઓને મળી, અમારાં આવ્યાંનાં સમાચાર આપ્યાં પછી દાદા, મોટા કાકા, નાના કાકા વગેરેને મળ્યાંનો આનંદ કર્યો. અંતે મોટા ભાભુને વાતચીતમાં પૂછી લીધું કે; આ વખતે કોઈ નવા માસિક બંધાવ્યાં છે? ભાભુ કહે, બેટા હવે આપણે ત્યાં નથી આવતાં તારા કાકાએ બંધ કરાવી દીધાં. ભાભુ શું એકપણ નથી? નાં હોં બેટા એકેય નથી. ભાભુની વાત સાંભળી થોડી નિરાશા થઈ આવી પણ છાપા વાંચીશું કહી મન મનાવી લીધું. બે -ત્રણ દિવસ તો સરસ પસાર થયાં. એ સમયે મારી હાજરી રસોડામાં હતી, અને ઘરનાં દરેક નાના -મોટા કામોમાં હાથ બટાવતી જોઈ તેઓને ય પોરસ ચઢ્યું કે, જોયું વાંચવાનું હાથમાં નથી આવ્યું તો બેન કામમાં સાથ આપે છે. મોટા ભાભુનું આ પોરસ ત્રણ દિવસ ચાલ્યું, ત્યાં ચોથા દિવસની સવાર અચાનક બદલાઈ ગઈ. ચોથા દિવસે સવાર સવારમાં મોટી બા ( દાદી ) કહે; પૂર્વી આજે બીજે ક્યાંય કામે નો લાગતી. નાહી, ધોઈ નાસ્તા પાણી કરી બીજે માળે આવ તો ડામચિયો હરખો કરી લઈએ. મે કહ્યું ભાભુ ખીજાશે તો ? કે’શે કે સવાર સવારમાં ક્યાં વૈ ગઈ તી. મોટી બા કહે; હું કલાને કહી દઉં છું. તું આવ્ય. મારા નાસ્તા પાણી પૂરા કરી મોટી બા ને મદદ કરવાં લાગી. એ સમયે ગાદલાં ગોદડા ખસેડતાં ભીંતમાં રહેલ કબાટ દેખાવાં લાગ્યો. કબાટની અંદર મારો ખજાનો પડ્યો હતો. મોટી બા ની જાણ બહાર એ ખજાનો ઉઠાવ્યો અને જે ચાદર બહાર રાખવાની હતી તેમાં સંતાડી દીધો. કામ પૂરું કર્યા પછી બા કહે, હવે તું આયાંથી ઝાડુ કાઢી નાખ પછી નીચે આવ્ય તો મારાં જૂનાં સાડલાને સીવી આ નવાં ગોદડાની ઢાંકલી બનાવી કાઢીએ. મે કહ્યું, હા બા આપ નીચે જાવ હું હમણાં આવી. મોટી બા ગયાં પછી મારા એ ખજાનાનાં ને શાંતિથી જોયો, તેનાં પર હાથ ફેરવી, પાનેપાના ખોલીને તેનાં પર હાથ ફેરવી આનંદ વ્યક્ત કર્યો પછી એ જ ડામચિયામાં બીજા કોઇની નજર ન પડે તે રીતે સંતાડી દીધો.
મારો એ આખો દિવસ બા સાથે ગયો. બીજે દિવસે સવારે ફરી નાસ્તાપાણી કરી કોઈનું ધ્યાન ન હોય તે સમયે ડામચિયાનાં રૂમમાં ગઈ અને જ્યાં બારી હતી તે દિશામાં ડામચિયાની અંદર બખોલ જેવું બનાવી અંદર બેસી ગઈ ને વાંચવાનું શરું કરી દીધું. આ ડામચિયામાં મારી આંખ અને મગજ મારા વાંચન પર રાખ્યાં અને કાનને ડામચિયા બહાર રહેલાં શોર અને પગરવ પર રાખ્યાં. મારા એ વાંચનની અંદર સમય સમય પર મારા ઘરવાળાનો શોર સંભળાતો રહ્યો. “એ મંજુલા પૂર્વીને ક્યાંય મોકલી છે?, એ બા ….પૂર્વીને ક્યાંય કામે લગાડી છે?, કાશીકાકી સાંભળો છો…? પૂર્વી તમારી ઘરે છે?, એ…રીટા પૂર્વી તારે ત્યાં છે? એ ભાનુ કાકી પૂર્વી તમારે ત્યાં છે ? એ વિરેન જઈને જો તો દુકાનમાં છે? એ સાંભળો છો ? પૂર્વીને વખારે મોકલી છે? જરા તપાસ કરાવોને. આ સવારનાં સવારનાં ક્યાં ભાગી ગઈ, ક્યાંક વાંચવાનું તો એનાં હાથમાં નથી આવ્યું ને. આ બેન દેખાતાં નથી તો જરૂર થોથા હાથમાં આવી ગ્યાં હશે. કાંઇ નહીં બપોરે જમવા તો આવશે ને જાશે ક્યાં? એઓ નો બબડાટ ચાલું રહ્યો પણ મારા કાને તેમની બધી જ વાત અવગણી દીધી. આ સમય દરમ્યાન ઘણાં પગો આવીને બીજા માળની એ રૂમમાં તપાસે ય કરતાં પણ સાવ શાંતિ, ને જરા સરખો અવાજે ય ન મળતા….એ બીજે માળે નથી કહેતાં હવેલીનાં અનેક માળમાં તેઓ ખોવાઈ જતાં. એ દિવસે પૂર્વીબેન આખો દિવસ ગાયબ રહ્યાં. સવારની બપોર થઈ, બપોરની સાંજ. જ્યારે દીવાબત્તીનો સમય થયો ત્યારે મારી એ બખોલમાંથી હું બહાર નીકળી. જે વાંચેલા પુસ્તકો હતાં તે તેની મૂળ જગ્યામાં ગોઠવી દીધાં અને જે વાંચેલા ન હતાં તેને ફરીથી સંતાડી દીધાં.
અમારાં એ મોટા પરિવારની વચ્ચે મારો ભાવ પૂછવાવાળાં અને મારી પર નજર રાખવાવાળાં ઘણાં હતાં. તેથી જેવી હું રસોડામાં દાખલ થઈ તે સાથે જ ત્યાં જ ( રસોડામાં ) જ કોર્ટ ભરાઈ ગઈ, અને અનેક માથા મને પ્રશ્ન પર પ્રશ્ન કરવાં લાગ્યાં. મે મારા વાંચનમાંથી એટલું શીખેલું કે, કોઈપણ સંજોગોમાં ખોટું બોલવું નહીં. તેથી મે પણ સાચું કહી દીધું કે મને વાંચવા માટે ચોપડા મળી ગયાં હતાં. આ સાંભળીને પૂછપરછ એ ચાલી કે ક્યાંથી આવ્યાં. કોના ઘરેથી આવ્યાં? મે પણ કશું જ છુપાવ્યાં વગર કહી દીધું કે બીજા માળનાં કબાટમાંથી. આ સાંભળી ભાભુ કહે, એમ કેવી રીતે બને ? થોથા તો સંતાડી દીધાંતાં ચેતને. મે કીધું, સંતાડયાં હશે પણ મને મળી ગયાં. મારા જવાબથી ગુસ્સે થયેલાં ભાભુએ રસોડા કોર્ટમાં ચેતનભાઈને બોલાવ્યાં ને ગુસ્સો કરી આ વિષે પૂછ્યું. ચેતનભાઈ પોતાનાં બચાવમાં કહે, મે મારા કબાટમાં મૂકેલાં અને કબાટને તાળું મારેલું. ફરી મને પૂછવામાં આવ્યું કે બંધ કબાટમાંથી ચોપડા કેવી રીતે કાઢ્યાં. હવે ચોપડા કેવી રીતે કાઢ્યાંની બધી વાત કહેવી, તેનાં બદલે મે તેમને સૌને ત્યાં જ લઈ જવાનું નક્કી કર્યું. અમારા પરિવારનો આખો સંઘ ( પુરુષો સિવાય ) બીજે માળે જવાં પગથિયાં ચડવા લાગ્યાં ત્યાં મોટી બા બોલ્યાં; એ કલા તમે એને સોંપ્યું છે જેનાં કામમાં કોઈ ભલીવાર હોતો નથી, ને મને કહે; એ પૂર્વી તારાથી સંધાય થોથા એટલાં માટે સંતાડયાં તાં કે તું કાંક ઘરકામ શીખે. આ થોથા વાંયચ વાંયચ કરીને ચશ્મા આવી ગ્યાં છે, નંબર વધી જાહે તો કોણ છોકરો પરણશે. કે’શે કે મોટા ડાબલાવાળી છોરી નહીં જોઈએ ને કોઈપણ સાસુ તારું ઘરકામ ને તારી આવડત જોઈને ઇનો છોરો પરણાવશે. લગન વખતે આ થોથા કામ નઇ આવે હમજી કે નહીં? એમનું બોલવાનું ચાલું રહ્યું ને અમારો સંઘ ડામચિયા પાસે પહોંચી ગયો. ડામચિયાને થોડો ખસેડીને ને મે પાછળ રહેલ કબાટને થોડો ખુલ્લો કર્યો. કબાટ જોઈ ચેતનભાઈ બોલી ઊઠ્યાં કે જુઓ, હજી યે તાળું જ છે તો…. પછી હવે પૂર્વીને પૂછો. હવે ભાભુ જજ મારી તરફ વળ્યાં અને ફરી એજ સવાલ પૂછ્યો. મેં કીધું ચેતનભાઈની વાત બરાબર છે, “જુઓ હું તાળાંને અડકી નથી, કે તાળું તોડ્યું નથી, કબાટ બંધ છે પણ કાચ તૂટેલા છે.” આ જોઈ કેસ આખો ય ફરી ગયો ને એ દિવસે ચેતનભાઈ એ કોર્ટમાં હારી ગયાં ને મારા પરથી કેસ પાછો લેવાયો. જીતની ખુશીમાં મને બીજા ચોપડા વાંચવા મળવા જોઈએ પણ એ તો મને મળ્યાં નહીં. બીજા દિવસથી સવાર પછી બધાં જજ વધુ પડતાં સ્ટ્રિક્ટ થઈ ગયાં અને મને “થોથા ની થોથી” એવું ઉપનામ મળ્યું. આ ઉપનામ ત્યાં સુધી ચાલું રહ્યું જ્યાં સુધી મારું લેખનકાર્ય શરૂ થયું. જે દિવસે મારો પહેલો લેખ ન્યૂઝપેપરમાં આવ્યો, એ દિવસથી થોથી ઉપનામે મારાથી ધીરે ધીરે વિદાય લેવાની શરૂઆત કરી. આજે એ નામ મારા આજનાં જીવનમાં ક્યાંય નથી, કારણ કે હું એ વ્યક્તિ છું જે તેનાં થોથાપ્રેમને કારણે આગળ વધી છે, અને સમાજમાં એનું નામ એની જાતે બનાવ્યું છે. હા ….કવચિત મોટા પિતરાઇ ભાઈ-બહેનોને બહુ વ્હાલ આવી જાય તો પૂછી બેસે છે, થોથી આ વખતે ક્યા વિષય પર લખે છે? થોથી તારી બહુ યાદ આવે છે ઈન્ડિયા ક્યારે આવીશ?
નોંધ:-
-
મોટી બા એટ્લે દાદી અને દાદા ને અમે બાપુજી કહેતાં.
-
થોથા એટ્લે પુસ્તકો, છાપા વગેરે.
-
થોથી એટ્લે પુસ્તકોને સમર્પિત, જેનું માથું ચોપડામાંથી નીકળતું જ ન હોય તેવી વ્યક્તિ.
-
ઢાંકલી એટ્લે કવર ( ગોદડાનું કવર એ અર્થમાં )
-
દિવાળીનાં દિવસોમાં ઘરનાં દરેક મેમ્બરે ભેગા થવું તે મોટી બાનો બનાવેલ નિયમ હજુ યે ત્રીજી પેઢીમાં ચાલું છે. આ નિયમમાં હવે દિવાળીની સાથે મકર સંક્રાંતિ પણ જોડાઈ છે.
© ૨૦૧૯ પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ (૩/ ૧૩ /૨૦૧૯ –ગુરુવાર)
purvimalkan@yahoo.com
બગસરાનાં થોડા જૂના ફોટાઓ
ઝવેરચંદ મેઘાણી નિશાળશાળા બગસરા ( જ્યાં હું ભણેલી )
ઝવેરચંદ મેઘાણી હાઇસ્કૂલ બગસરા
જૈન પાઠશાળા બગસરા – ( જૂનું બગસરા ) |
અનેક નામમા સહજ ગમી જાય તેવું નામ થોથી !
अम्बर की ऊंचाई,
धरती की ये गहराई तेरे मुंह में है समाई,
ओ थोथीजी , तेरा मन अमृत का प्याला,
येही गोकुल येही शेवाला तेरी ममता पावन दाई,
ડામચિયો એટલે નાના છોકરાંઓ માટે જાણે રમત ગંમતની જગ્યા. કુદકો મારી ને ડામચિયા પર ચડી જવાનું, ધીંગામસ્તી કરવાની, ભુસ્કા મારવાના, થપ્પો રમતી વખતે ડામચિયા પાછળ સંતાઈ જવાનું ઝગડા થાય ત્યારે રીસાવાની છાની જગ્યા …હવે યાદમા રહ્યો
યાદગાર ફોટાની જગ્યા અને તમારો ખજાનો જોયેલો લાગે છે
ડેજાવુ ?
LikeLiked by 1 person
your yatra of names–Purvi to thotha and thothi..and your white hot intense interest in reading made you what you are today- as pragnya bahen said damachiyo was famouse place for all children of that era–we also played hide and seek..
LikeLiked by 2 people
પૂર્વીબેનની વાતો ગમતી જાય છે. એમનો વાંચવાનો શોખ સમજાઈ રહ્યો છે. ‘દાવડાનું આગણું’માં એ આવ્યા તો એમના વિશે વઘુ જાણવા/માણવા મળશે! અભિનંદન; તમને અને દાવડાજીને.
LikeLiked by 1 person
મારો જ આ લેખ વાંચીને ફરી હું નાનપણમાં ફરી આવી. મારી આંખો , મન અને હૃદયને આ પળમાં ખાલી કરી આવી. ૨૦૨૦ અને ૨૦૨૧ નાં સાલો મારે માટે સૌથી અઘરા રહ્યાં છે, મારા એકનાં એક ભાઈ હેમલ સાથે ૬ એવી વ્યક્તિઓને ખોઈ દીધી જેની હું ખૂબ નજીક હતી.
LikeLike