ખંડકાવ્યો – ૨


(પાંડવોમાં સહદેવ ત્રિકાળજ્ઞાની હતો, પણ એને એક શ્રાપ હતો કે કોઈ પૂછે નહીં ત્યાં સુધી એ ભવિષ્યની વાત કોઈને કહી શકે નહીં. એને જુગારમાં હાર અને મહાભારતના યુધ્ધની અગાઉથી જાણ હતી, પણ કોઈ પૂછતું ન હતું, એટલે એ એકલો દુખી થયો હતો. સહદેવની આ વ્યથા કવિ કાન્તે એમના સુવિખ્યાત ખંડકાવ્ય  “અતિજ્ઞાન” માં બહુ સુંદર રીતે રજૂ કરી છે.

ખંડકાવ્યો’ એ માત્ર કથાકાવ્યો નથી, એ પ્રસંગકાવ્ય માત્ર નથી. એમાં ટૂંકીવાર્તા જેવો તીવ્રગતિબોધ છે, સંઘર્ષ અને અંતની અસરકારક ચોટ છે. પાત્રવિકાસ, પ્રસંગની જમાવટ અને ટૂંકા ફલકમાંય વિસ્તરતો વ્યાપ,  ભાવોના પલટાઓ, ઊર્મિપ્રાબલ્ય અને પદ્યબંધની મર્યાદાઓને સાથે એક વિશિષ્ટ લયાત્મક અનુભૂતિ આ સાહિત્યસ્વરૂપમાં છે.  – સંપાદક)

અતિજ્ઞાન

વસંતતિલકા

ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે

ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે

જામી ગઈ તરત ઘોર, કરાલ રાત

લાગી બધે પ્રસરવા પુર માંહિ વાત

   અનુષ્ટુપ

ઇંદ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા

એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા

   ઉપજાતિ

દુર્યોધન પ્રેષિત દૂત એક

દેખાવમાં ઘાતક દુષ્ટ છેક

જતો હતો અંધ થતી નિશામાં

સુગુપ્ત રાજગૃહની દિશામાં

   અનુષ્ટુપ

શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા

ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા

   વંશસ્થ

નિગૂઢ શંકા પુરવાસીઓની આ

જરાય નિષ્કારણ તો નહોતી હા

કરેલ આમંત્રણ ધર્મરાજને

રમાડવા દ્યૂત અનિષ્ટભાજને

    અનુષ્ટુપ

હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે

બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે

  દ્રુતવિલંબિત

શિશુ સમાન ગણી સહદેવને

ખબર આ કંઈએ ન કર્યા હતા

અવર સર્વ ગયા નૃપની કને

પરમ દુ:ખિત અંતરમાં થતા

  અનુષ્ટુપ

કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો

સતી ખેદ હતી જોતી વદને વધતો જતો

   વંશસ્થ

ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને

નજીક આંખે નિરખે થનારને

સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય

વળી દિસે દ્રૌપદીમાનનો ક્ષય

   અનુષ્ટુપ

જાણે બધું, તથાપિ કૈં કહેવાની રજા નહીં

શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં

    વંશસ્થ

નહીં શકું હાય! બચાવી કોઈને

અશક્ત જેવો રહું બેસી રોઈને

ખરે! દિસે દુ:ખદ શાપ આ મને

નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને

    અનુષ્ટુપ

“હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું

આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું”

    વંશસ્થ

વિચારતા નેત્ર જલે ભરાય છે

શરીરનું ચેતન ત્યાં હરાય છે

લઈ જઈને પ્રિય વક્ષની સમી

ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી

     અનુષ્ટુપ

રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી

“પ્રિયે! સ્પર્શ કરૂં શું હું? અધિકાર જરા નથી”

   વંશસ્થ

“કરાય શું નિષ્ફલ જ્ઞાન સર્વ આ

થનાર ચીજો નવ થાય અન્યથા

સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરૂં

અનેક હું એકલડો સહ્યા કરૂં”

   પુષ્પિતાગ્રા

“રજની મહિં સખી ઘણીક વેળા

નયન મળે નહિ ઊંઘ જાય ચાલી

કરી તુજ શિરકેશ સર્વ ભેળા

વદન સુધાકરને રહું નિહાળી”

   ઉપજાતિ

આવું કહ્યું, ત્યાં શિર શૂળ ચાલ્યું

રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું

મારી કુમારે અતિ આર્ત્ત હાય

કહ્યું, “હવે એક જ છે ઉપાય”

ચાલી જરા ને ગ્રહી એક સીસી

પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી

ખાલી કરી કંઠ વિષે ત્વરાથી

ગયો બધો એ બદલાઈ આથી

    અનુષ્ટુપ

સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ

સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ

– મણિશંકર રત્નજી ભટ્ટ

3 thoughts on “ખંડકાવ્યો – ૨

 1. શાળાના અભ્યાસક્રમમાં ભણેલ આ કાવ્યને આધારે ” ખંડ કાવ્યના લક્ષણો”ની ટૂંક્નોંધ અને
  સહદેવનું મનોમંથન દર્શાવતી આ પંક્તિ( “હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું
  આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું”)નો વિચાર વિસ્તાર કરવાનું ગુજરાતીની પરીક્ષામાં અચૂક પુછાતું.
  અહીં આપનું ‘ ખંડ કાવ્ય એ શું છે’? તેનું લાઘવતાપુર્ણ ને સચોટ વિષ્લેણ જોતા આ કાવ્ય જિયારે શિક્ષક શીખવતાત્યારે વર્ગખંડનો જે માહોલ જામતો તે ફરી માણ્યો.
  આભાર,સાહેબ.

  Liked by 1 person

 2. ગુજરાતી ભાષાનું ‘અમર’ ખંડકાવ્ય !
  મજાની વાત એ છે કે આવું પ્રશિષ્ટ અને પ્રૌઢ કાવ્ય કાન્તે ૨૧ વર્ષની યુવાન વયે સર્જ્યું હતું કવિ પણ એ પિડા ને સાક્ષાત અનુભવે છે ત્યારે આવી ઉત્તમ રચના પેદા થાય છે.
  પ્રસંગ નવો નથી પણ સહ્દેવ ની મનઃ સ્થિતી કેટલી અંભીજ્ઞ છે.સહદેવનું અતિજ્ઞાન જ ઍના દુઃખનું કારણ થયું. કવિ કાન્તનું ન ભૂલાય ઍવું ઉત્તમ હૃદયદ્રાવક ખંડકાવ્ય. નો છંદોલય પણ એવો જ આહ્લાદક છે આપણા પુરાણો તથા ધાર્મિક ગ્રંથોમાં ઘણા દ્ર્ષ્ટાંતોના ગર્ભિત અર્થો હોય છે. જેમકે દિકરાઓથી થતી ભૂલોના પરીણામો જાણવા છતાં વડિલો તેમને વારી નથી શકતા કારણકે નવી પેઢીને માબાપની સલાહ સાંભળવી ગમતી નથી. ત્યારે તેઓની હાલત સહદેવ જેવી થાય છે.
  જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
  શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.
  ધન્યવાદ મા દાવડાજીનો

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s