મોદીની હવેલી -૫ (પૂર્વી મલકાણ)


. રબારીઓ સાથે રાતવાસો

वोह वक्त कितना किंमती था वोह बस आज ही मैने जाना है,

इसी लिये तो कहीं छुपी हुई आहटें सुन रही हूँ मै अपनी ही यादों की ।

મારી યાદનો બીજો પ્રસંગ મને સીધો ગીરના સિંહ સાથે જોડે છે. અમારું બગસરા આમ તો ગીર જંગલથી બહાર ગણાય, પણ અમારી સાતલડી સુધી ગીરના મથાળા આવી જતાં. અમારે ત્યાં મીઠું પાણી ન હતું, ડંકી હતી પણ તેનું પાણી ભારી કહેવાતું. આથી રસોઈ માટેનું પાણી અમારે નદી પરથી ભરી લાવવાનું રહેતું. આમ તો રોજ સવારે અમે બધાંય ભાઈ-બહેન ગોળી, ગાગર-હાંડા લઈને જતાં અને રસોઈ માટેનું પાણી ભરી લાવતાં, પણ કવચિત એવું યે બનતું કે સવારના ચા-પાણી માટે મીઠું પાણી ઓછું હોય કે ખલ્લાસ થઈ ગયું હોય તો અમને છોકરાઓના હાથમાં ગાગર -હાંડા પકડાવી નદીએ મોકલવામાં આવતાં. આમાંયે એવું હતું કે, જો સવારે પાણી ભરવા જઈએ તો ખાલી અમારા ઘર માટે જ ભરવાનું રહેતું, પણ જો બપોરે- સાંજે પાણી ભરવાનું થાય તો પહેલી બે- ગાગર નદી પાસે આવેલી હવેલીની ગૌ શાળાની ટાંકીમાં નાખવાની રહેતી. આવી જ એક સાંજે મારા અને સંધ્યાનાં હાથમાં ગાગરડીઓ પકડાવી દેવામાં આવી. સંધ્યા મારી પિતરાઇ મોટી બહેન પણ મારે માટે એ મારી પાકી સહેલી હતી. રમતાં રમતાં અમે નદીએ ગયાં અને પહેલી બે ગાગર ગૌ શાળાની ટાંકીમાં નાખી, રમતાં રમતાં ફરી નદીએ પહોંચ્યાં ત્યારે સૂરજની લાલીમા નદીનાં પાણીમાં ડૂબકી મારી રહી હતી, અમારા જેવી બે-ચાર પનિહારીઓ પાણી ભરીને જઈ રહી ને બે-ત્રણ હજુ ત્યાં જ હતી, મસ્જિદમાંથી બાંગ પોકારાઈ રહી હતી. સામેના રત્નેશ્વર મહાદેવનાં મંદિરેથી આવતી આરતીનાં ઘંટા નાદ સંભળાઈ રહ્યા હતાં ને જલ્દી જલ્દી પાણી ભરી ઘરે જવાની તૈયારી કરતાં હતાં ત્યાં જ દૂરથી ધીમે ધીમે આવતી સિંહણ અમે જોઈ અને સાથે હતાં તેના બે સરાયાં. ( સરાયાં એટ્લે સિંહનાં બચ્ચાં. આ શબ્દ કદાચ તળપદી ભાષાનો હોઈ શકે, ઘણાં લોકો ભૂરૂડુંને નામે ય ઓળખે છે. ) સિંહણને દૂરથી જોતાં જ ત્યાં રહેલ લોકો આડાઅવળા થવાં લાગ્યાં અને અમનેય કહેવા લાગ્યાં, એ છોરીઓ નીકળો ત્યાંથી નીકળો. મને આજે ય યાદ છે કે એ બૂમોને અમે અવગણેલી અને અમારી ગાગરોને ભરી અમે ધીરે ધીરે ત્યાંથી નીકળેલા ત્યારે તે સિંહણની મંદ મંથર ચાલ ચાલુ હતી, કદાચ તેનું પેટ ભરેલું હશે અથવા તેને લાગ્યું હશે અમારાથી તેને કે તેના સરાયાંને કોઈ ભય નહીં હોય. એ સાંજે આખી બજારને ગજવતાં ગજવતાં અમે નીકળેલા. આ પ્રસંગ પછી ઘણીવાર સાતલડીને કાંઠે અમારો ઘણીવાર સિંહો અને સિંહણ સાથે ભેંટો થયેલો. પણ સિંહો સાથેનો યાદગાર પ્રસંગ સ્કૂલનાં દિવસમાં થયેલો. 

ત્રીજા સત્રની પરીક્ષા પૂરી થવાનાં બીજે જ દિવસે અમે સ્કૂલમાંથી પાંચ દિવસનાં સૌરાષ્ટ્રનાં પ્રવાસે નીકળેલા. જેમાં અમે જવાનાં હતાં વીરપુર, જેતપુર, સત્તાધાર, ઢાંક, વેરાવળ, સોમનાથ, પ્રભાસપાટણ, દ્વારકા, જામનગર, ઉપલેટા, ઉના, ગીર. ( આ સ્થળો સિવાયનાં યે બીજા બે-ત્રણ ગામ હતાં તેવી આછી યાદો કહે છે, પણ પૂરેપૂરી યાદ કરવા જતાં કેવળ ધૂંધળી છબીઓ દેખાય છે તેથી જે જગ્યા યાદ છે તે જ વિષે લખી રહી છું. ) 

પૂરેપૂરી ત્રણ બસો સૌરાષ્ટ્રનાં -કાચા પાકા રસ્તા પર દોડતી હતી જેમાં અમારી કન્યાશાળાની છોકરીઓ હુલ્લડ મચાવી રહી હતી. વગર હોળીનો રંગ હાસ્ય બનીને ત્રણેય બસની સીમિત જગ્યામાં છલકાઈ રહ્યો હતો. જે જગ્યાએ ત્રણેય બસ એકસાથે ઊભી રહે કે તરત જ બધાં જ રંગો પોતાની સીમીતિતામાંથી ઉછળી બહાર નીકળી પડતાં. અમારો પહેલો હોલ્ટ વીરપુરમાં હતો. વીરપુરમાં જલારામબાપાના મંદિરની મુલાકાત લઈ, ખિચડી કઢી જમી પછી એ વાવ જોવા ગયાં જ્યાં વીરબાઈમા -જલારામબાપાના પત્ની પાણી ભરવા જતાં હતાં. વીરપુર પછી બીજો હોલ્ટ જેતપુરમાં લીધેલો. જ્યાં અમને કોટન સાડી બનાવતાં કારખાનાની મુલાકાતે લઈ ગયેલાં.  કારખાનામાં પગ દેતાં જ એક ખાસ પ્રકારની વાસ અમને ઘેરી વળેલી અને અમારા પગ એ કારખાનાની પરસાળમાં ચોંટતા હતાં. પાછળથી જાણવા મળેલું કે એ વાસ વેક્સની હતી જે કોટન સાડીમાં ડિઝાઇન બનાવવા માટે ખાસ વપરાતું. અમે કારખાનામાં અંદર ગયાં ત્યારે સાડીની સાઇઝથી યે લાંબા બે-ત્રણ ટેબલ પડેલા હતાં. એકાદ ટેબલ પર એક સાડી હતી ને બાજુમાં લાકડાના બીબા હતાં અને વેક્સના કાર્ટનના કાર્ટન એક ખૂણામાં પડ્યાં હતાં. કોટનની સાડીના કારખાનાંમાં લીધેલી મુલાકાત એ મને યાદ રહી ગઈ કારણ કે પાછળથી આ કોટન વેક્સ મારા જીવનનો એક મહત્તમ હિસ્સો બની ગયેલું. મારી ૧૫ થી ૧૯ વર્ષની વચ્ચે આવા પ્રકારના કોટન સાડીના કારખાનામાં વેક્સ વિભાગમાં કામ કરવા મળેલું. આ વેક્સ વિભાગમાં કામ કરતાં કરતાં ક્યું વેક્સ કઠણ હોય ક્યું વેકસ પોચું હોય, લિક્વિડ વેક્સ અને વેસેલીન વેક્સ વચ્ચેનો તફાવત શું હોય તે સમજવાં મળેલું. જેતપુર પછી અમે જામનગર તરફ નીકળેલાં. જામનગરમાં અમે સ્મશાન જોવા ગયેલાં તે પળ યાદ છે, પણ અન્ય બીજું શું જોયેલું તે યાદ નથી. ત્યાર પછી વેરાવળ, સોમનાથ અને પ્રભાસપાટણમાં અમે મંદિરોની મુલાકાત લીધેલી. વેરાવળમાં ૧ -૧ રૂપિયાના મળતાં લીલા નાળિયેરનો સ્વાદ માણેલો. સત્તાધારમાં મંદિરમાં ગયેલાં જ પણ એ સમયે સત્તાધારનો પાડો બહુ વખણાતો હતો, ઉપલેટા પાસે આવેલ ઢાંકમાં ગણપતિ મંદિરે થઈ ગામ બહાર આવેલ વાવ અને જૈન ધર્મની ગુફાઓ જોવા ગયેલાં ત્યાંથી પાછા ઢાંક આવીને દરબાર ગઢ જોવા ગયાં. ઢાંક પછીના જોયેલાં ગામડાઓને એજ વિસ્મૃતિમાં મૂકી દઇ અંતે અમારા આ રંગોનો મેળાવડો આખરે ઉના પહોંચેલો. ઉનાથી અમારી યાત્રા તુળશીશ્યામ, બાણેજ, કનકાઇ વગેરે જગ્યાએ જવાની હતી. ઉનામાં અમે શું જોયેલું તે યાદ નથી પણ ઉનામાં અમારો એક રાતનો હોલ્ટ હતો. બીજે દિવસે અમે બધાં યે સિંહ જોવા માટે થનગની રહ્યાં હતાં, પણ તે જ રાત્રે મારી તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ. તે રાત તો જેમતેમ પસાર થઈ પણ સવાર પડતાં જ નાસ્તા પાણી કરી અન્ય બે બસ રવાના થઈ ગઈ ગીર તરફ. સવારે લગભગ દસેક વાગે મને ડોકટર પાસે લઈ જવામાં આવી તેમની પાસેથી દવા લીધી. પણ વધારે તાવ હોવાને કારણે મને આછી નીંદરની દવા આપી દવાખાનાનાં પાટિયા પર જ સુવડાવી દેવામાં આવી, જ્યાં સુધી થોડો તાવ ઓછો ન થઈ જાય. તાવ ઓછો થયાં પછી ડોકટરની મંજૂરી લઈ લગભગ બપોરે ૧ -૨ વાગે અમારી બસ પણ ગીર જવા નીકળી પડી.

 જૂનાગઢ થઈ ગીરના જંગલમાંથી અમારી બસ પસાર થઈ રહી હતી, સાંજે લગભગ ચારેક વાગ્યાં હતાં. અમારા ડોકા વારંવાર સિંહ જોવા માટે બારીમાંથી ડોકાઈ રહ્યાં હતાં. ગીરની એક ગાય જોવી એ ય અમારે માટે બહું મોટી વાત હતી. કારણ કે સમયમાં ગીરની ગાયો ખૂબ દૂધ આપવા માટે પ્રખ્યાત હતી. હરણ, ચીતલ, નીલગાય પણ અમારે માટે નવીનત્તમ પ્રાણીઓ હતાં. એ આંહિયા છે, એ ત્યાં છે, એ –એ રહી, એ ઓલા ઝાડની પાછળ, એ ઓલો મોટો પથરો દેખાય છે ને એની પાછળ, એ ઓલી બાજુ છે, એ અમારી બાજુ છે… એમ બધી જ જગ્યા એ ગોળ ગોળ જોતાં જોતાં અમે અમારી સીટમાંથી ઊભા થઈ જતાં. ક્યાંક દેખાય, ક્યાંક ન દેખાય પણ અમારો ઉત્સાહ ને શોર એટલો હતો કે જેની કોઈ સીમા ન હતી. અમારી બસમાં રહેલાં નીતા બહેન ને નીલાબહેન વારંવાર અમને બેસી જવાની સૂચના આપતાં હતાં પણ એમની એ સૂચનાઓને તો અમે પાણી સાથે પી ગયાં હતાં. અમે અમારા ઉત્સાહમાં મગ્ન હતાં ત્યાં જ બસ ડચકા ખાવા લાગી, પહેલાં તો એ ડચકાઓથી હસાહસ થઈ ગઈ, પણ પછી ખબર પડી કે આ બસ તો ખોટવાઈ ગઈ છે.

 અંતે, એક જગ્યાએ બસ સાવ જ બંધ થઈ ગઈ. ડ્રાઈવરે બસને ચાલું કરવાના ઘણાં પ્રયત્નો કર્યા પણ દરેક વખતે ખોંખારો ખાઈ બસ ચૂપ થઈ જાય. ઘણીવાર આમ થયું તેથી લાગ્યું કે, આપણે બધાં યે બસને ધક્કો મારીએ તો બસ ચાલું થાય. આથી અમે બધી જ છોકરીઓ નીચે ઉતરી બસને ધક્કો મારવા લાગ્યાં. કેટલાયે ધક્કા માર્યા પણ બસ ઠોં ..ઠોં..ઠોં કર્યા કરે પણ કેમેય ચાલું ન થઈ. તેથી અંતે ડ્રાઈવર કહે, બેન આતો ચાલું થાય તેમ નથી. હવે ખાલી એક કામ થાય. તમે બધાં આંયાં ઊભા ર્યૌ તો હું કો’કને બોલાવી લાવું. આ સાંભળી નીતાબેન કહે, હું ડ્રાઈવર સાથે જાઈશ જંગલ છે ને પાછા ઇ એકલાં છે. નીલાબેન અમારી સાથે રહ્યાં. થોડીવાર આમતેમ આંટા માર્યા પછી અમે બધી જ છોકરીઓ પાછી બસમાં ચઢી ગઈ અને સમય પસાર કરવા નીલાબેન અમને નાસ્તો આપવા માટે ફરવા લાગ્યાં ને બોલવા લાગ્યાં… કોને જોઈએ છે નીતુશીંગ ખારીશીંગ? કોને જોઈએ ચેવડાભાઈ ને પેંડાભાઈ? આ નીતુશીંગ ખારીશીંગ, ચેવડાભાઈ ને પેંડાભાઈ સાથે પસાર કરતાં કરતાં અમારી મુલાકાત ચકરીબેન સાથે ય થઈ. અમારું એ ધીરે ધીરે ચવડ ચવડ ચાલું હતું ને રહ્યું. લગભગ કલાકેક પછી ડ્રાઈવર ને નીતાબેન આવ્યાં ને કહ્યું કે, આપણે રાતે અહીં જ રહેવું પડશે.

 રાતે ને એય અધવચાળે જંગલમાં? એ સાંભળી અમે સ્તબ્ધ બની ગયાં. અમને લાગ્યું કે આખી રાત આ બસમાં જાશે. પણ ત્યાં નીતાબેન કહે; અહીં બાજુમાં રબારીઓના ડેરા છે એમની સાથે વાત થઈ ગઈ છે એમની સાથે રાતવાસો માટે રેવાનું છે. મારી સાથે બે-ત્રણ લોકો આવ્યા છે, ઇ લોકો આપણને એના નેસડાંમાં લઈ જાશે, માટે હાલો છોકરીઓ નીચે ઉતરો. ને આ બસ તો હવે સવારે જ સરખી થશે માટે બસ આંયાં જ રહશે. બેનની વાત અમે નકારી શકીએ તેમ ન હતાં તેથી જે સ્થિતિમાં હતાં તે જ સ્થિતિમાં અમે ઉતરી પડ્યાં ને ત્યાં અમને લેવા આવેલાં રબારીઓ સાથે તેમનાં નેસ ભણી ચાલી નીકળ્યાં. લગભગ દસેક મિનિટ ચાલ્યાં પછી રબારીઓનાં નેસડાં દેખાયાં. નેસડાંની આજુબાજુ કાંટાની વાડ, પછી એમના ગાય, ભેંસ ને બકરા, એનાથી અંદર રબારીઓનાં તંબુઓની રાવટીઓ જે આખી ગોળાકાર હતી. એકાદ -બે રાવટીઓ પાસે નાના -નાના પાંજરા હતાં જેમાં કૂકડાં ને મરઘાં રાખેલ હતાં. અમે છોકરિયું જેવી વાડામાં અંદર ગઈ ત્યારે જોયું કે એ લોકોએ ખાટલા ઢાળી દીધેલાં છે ને જમીન પર ચાદરું પાથરેલી છે.

 અમે અંદર જઈને જ્યાં જે જગ્યાં મળે ત્યાં બેઠાં જ હતાં કે ત્યાં તે રબારીઓની આઈયુ આવીને કહેવા લાગી. “છોકરીયું ઠાલી ઠાલી બેસજોમાં, આ લ્યો લસણ છોલવા માંડો ને આ કાંદા કાપવા માંડો” કહી આખેઆખી લસણની ને કાંદાની ગુણ ત્યાં ખાલી કરી નાખી. અમે બધાં એ લસણ -કાંદાની પાછળ પડેલાં, ત્યારે એકાદ -બે આઈ એ આવીને પૂછયું; છોકરીયું તમારાંમાંથી રોટલાં કોને કરતાં આવડે છે? મને…મને.. મને કરતાં મારા સહિતની એકાદ -બે છોકરીયું ઊભી થઈ ગઈ. એ રાતે ૪૦ લોકોનાં રોટલાં બનાવવામાં મારો યે ફાળો હતો. કામચલાઉ ઈંટોનાં ચૂલાસગડામાં લાકડીઓ નાખી અમે તે રસોઈ બનાવેલી ને ખાખરાનાં લીલા પાંદડામાં પીરસેલાં. એ રાતે અમારું જમણ હતું જુવાર -બાજરાનાં રોટલાં, લસણવાળું શાક, છાશ, માખણ, દૂધ ને લીલા કાચા મરચાં ને કાચા કાંદા. જમ્યાં પછી એ પતરાળાને ભેગા કરી ગાયો પાસે લઈ ગયેલાં ને પછી મોટું તાપણું કરી આજુબાજુ વીંટળાઇને અમે બેઠેલાં. એ રાતે રબારીઓ પાસેથી ગીરનાં પંખી-પ્રાણીઓની અને તેની ખાસિયતોની, ગીરનાં પેટમાં રહેલી અલકમલકની વાર્તાઓની ને જંગલની અંદર રહેલ હવામહેલની વાતો સાંભળેલી. અનેક વાતચીત પછી અંતાક્ષરીનો યે દોર જામ્યો જેમાં લોકગીતો ને ગરબાનો રંગ વધુ હતો, અંતે ૬-૬-૭-૭ જણાંની ટોળીઓ પાડી શુધ્ધ ગુજરાતી શબ્દો બોલવાની રમતે ય મંડાયેલી. દા.ખ.તરીકે –

રૂમ -ખંડ -ઓરડો

નોટ -પાનાંનું પુસ્તક -કાગળ રૂપિયા

ટેબલ -બેસવાનું મેજ

ટ્રેન -આગગાડી વગેરે

રમતગમતને અંતે અમને રાતડિયું ગાયોનું કાચું દૂધ આપવામાં આવ્યું, જે અમે ખાખરાનાં પાનનાં શંકુ બનાવીને એમાં ભરીને પીધું. દૂધ પીધાં પછી એ જ તાપણાંની આજુબાજુ અમે નીંદર વગર સૂવા માટે લાંબા થયાં, ત્યારે આઈયું એ અમને કહ્યું કે, અમારી ચૂંદડીઓથી અમારા કાનને ફીટમફીટ બાંધી દેવાં જેવી રીતે ઠંડીમાં મફલર બાંધીએ તે રીતે. જેથી કરીને કાનખજૂરા કે અન્ય જીવડાઓ કાનમાં ન જાય. આઈયુના કહેવા પ્રમાણે અમારાંમાંથી જેની પાસે ચૂંદડીઓ હતી તેણે કાન બાંધી દીધાં ને જેની પાસે કાન ઢાંકવા માટે ન હતું તેને માટે આઈયું એ પુરુષોનાં માથે બાંધવાનાં ફાળિયા ને એની પોતાની ચૂંદડીઓ આપી. અમારા કાન ઢાંકીને અમે તાપણાની આજુબાજુ લંબાવી દીધું પણ ક્યાંકથી આવતી સિંહની ત્રાડ, તમરાઓનો અવાજ, ઘુવડ-ચિબરીની ચિત્કારી, ગાયું ભેંસુંનું જરાપણ ભાંભરવું, નેસડાંમાં રહેલ એકાદ -બે કૂતરાઓનું ભસવું ને જરા બારીક શો થતો સળવળાટ અમારી આંખોને બંધ થવા દેતો ન હતો તેથી સૂતા સૂતા નવી રમત મંડાઇ ગઈ હતી તે હતી તારા દર્શનની અને આકાશમાં પથરાયેલાં એ પ્રકાશની. આ તાપણાનો પ્રકાશ ક્યાં સુધી આકાશમાં જાય છે ને ક્યાં જઈને ક્યા તારાને અડકે છે, ક્યો તારો ક્યાં જાય છે, ક્યો તારો વધુ પ્રકાશિત છે ને ક્યો તારો ઝાંખો ઝાંખો દેખાય છે, સપ્તર્ષિ તારા મંડળ ક્યાં છે, ધ્રુવનો તારો ક્યાં છે, ક્યાં તારાના ઝૂમખા રહેલાં છે ને ક્યુ તારાનું ઝૂમખું કેવું ચિત્ર બનાવે છે, ક્યો તારો નજીક હોઈ શકે ને ક્યો તારો દૂર હોઈ શકે, ચાંદો કઈ દિશામાં છે, ચાંદાની રોહિણી ક્યાં છે, ચાંદામાં ખાડા દેખાય છે કે નહીં… વગેરે. અમારો એ તારા દર્શનનો કાર્યક્રમ ચાલું હતો ત્યારે એવું નહોતું કે અમે બધાં ય એમાં મગ્ન હતાં, કોઈક દિશામાંથી, કોઈક ટોળાંમાંથી ગણગણ થતો અવાજ શાંતે ય પડી રહ્યો તો ને એની પાછળ ધીરે ધીરે છવાતી શાંતિને જંગલનો અવાજ વધુને વધુ સુમધુર અને ભયાનક બનાવી રહ્યો હતો.

નોંધ:-

 1. રાતનાં દોહાતી ગાયું ને રાતડિયું કહેવાય ને સાંજે દોહાતી ગાયું ને સાંજણિયું કહેવાય.

 2. રબારીઓની સ્ત્રીઓને આઈ કહેતાં શીખવેલું. કદાચ માસી, કાકી વગેરે શબ્દો શહેરની ભાષાનાં હોઈ શકે.

 3. એ રબારીઓમાંથી ખાલી બે નામ યાદ છે. -પાંચાભાઈ ને કીકાબેન – આ બંને ભાઈ બહેન હતાં. થોડા વર્ષો પહેલાં પાંચાભાઈ સાથે મેળાપ થયેલો જેઓ રાજકોટ જતાં રહેલાં ને ઘરે ઘરે દૂધ પહોંચાડતાં હતાં.

 4. એ રાત્રે બનાવેલ લસણનું શાક આજે ય મારે માટે ખાસ છે. કારણ કે આ પ્રસંગનો ઉલ્લેખ ઘણીવાર હું મારા શ્વસુર પાપા પાસે કરતી. મારા પાપાને આમ તો લસણ ભાવતું નહીં, પણ બાજરાના રોટલા સાથે પીરસેલું આ શાક તેમને ખૂબ પ્રિય હતું. આ શાકમાં લસણ કાંદા સાથે ય લઈ શકાય અથવા તો કેવળ લસણનું યે બનાવી શકાય.

 5. આ શાકની રેસીપીમાં ઉપયોગમાં લીધેલ મસાલાઓ:- લસણ લાંબી સ્લાઇઝમાં સુધારેલ, લીલા મરચાંની લાંબી સ્લાઇઝ, હિંગ, લાલ મરચાનો પાવડર, ધાણાજીરાનો પાવડર, મીઠું, હળદર ને સરખાં પ્રમાણમાં તેલ. ( લસણને છોલી પછી ધોઈ લેવું અને ત્યાર પછી કાપવું અને તેલ સરખું મૂકવું અને પાણીનો અને રાઈ-જીરુંનો ઉપયોગ જરાપણ ન કરવો. )

 6. ગીરનો જે હવામહેલ કહ્યો ત્યાં જૂનાગઢના નવાબનાં સંબંધી જમીનાબીબી રહેતાં હતાં. આ પ્રસંગ પછી ઘણાં વર્ષ બાદ આ હવામહેલની મુલાકાત લીધેલ. અમે જ્યારે આ આ જગ્યાં પર ગયેલાં ત્યારે જોયેલું કે, કેવળ પથ્થરમાંથી બનાવેલ આ મહેલનો ઘણોખરો ભાગ જર્જરિત થઈ ગયેલો. જમીનાબીબીએ કહેલું કે સિંહો અમને કાંઇ નથી કરતાં એમને માટે તો સિંહો એ અમારા સંબંધી જેવા છે, જેઓ દિવસમાં બે-ત્રણવાર આવીને અમારા સમાચાર પૂછી જાય છે. એકવાર ફોરેસ્ટ ઓફિસરથી ભાગતી શિકારી ચોરોની ટોળકીએ અમને બંધક બનાવેલ ત્યારે સિંહોએ અમારી રક્ષા કરેલી. આ હવામહેલનો ઉલ્લેખ સાજિદખાનની સિરિયલ “માનો યા ના માનો” માં કરાયેલો હતો.

 

© ૨૦૧૯ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ (૩/ ૫ /૨૦૧૯-સોમવાર)

purvimalkan@yahoo.com

 

 

 

 

 

 

 

કાળીયાર

ડાલામથ્થો

સરાયાં સાથેની સિંહણ

4 thoughts on “મોદીની હવેલી -૫ (પૂર્વી મલકાણ)

 1. वोह वक्त कितना किंमती था वोह बस आज ही मैने जाना है,અત્યારના ત્રસ્ત વર્તમાનથી છટકીને એ સુખદ ભૂતકાળમાં થોડીવાર માટે પણ પોતાની પીડામાંથી છુટકારો પામી શકે. આગળ જીવવાનું બળ મેળવવા ભૂતકાળના આનંદની સ્મૃતિઓ ઘણી કામમાં આવી શકે.કવિ રમેશ પારેખની પેલી પંક્તિઓ યાદ આવે છે;
  “બની જાઉં છું લોહીલુહાણ હું
  સ્મૃતિનેય કેવી અણી હોય છે !”
  સુ શ્રી પૂર્વીબેનની સ્મૃતિઓ માણી આનંદ

  Liked by 1 person

 2. so nicely explained tour of saurastra. we also had similar tour all most same root and at night we reached late at સત્તાધાર and stranded at station and hass to pass night in open air..so liked all your young age adventure – the way all of you were playful inspite of stranded in jungle- you all made mangle in NESADO– and lasan recipe i am also going to use !! and liked your play with sky unique- thx

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s