મારું ઘર ક્યાં?
લુફ્તાન્ઝાના જમ્બો જેટમાં ગોઠવેલી મારી સીટની નાનકડી બારીમાંથી, જે.એફ.કે. એરપોર્ટને થોડીક લાપરવાહીથી દ્રષ્ટિમાં મેં ભરી લીધું. મનમાં એવી લાગણી થઈ કે હવે ફરી કદી આ ધરતી પર ન આવવાનું થાય તો કેટલું સારું! બસ, હવે તો મારું વતન ભારત જ છે અને બાકીની જિંદગી ત્યાં જ પસાર કરીશું. ફરી કદી આ વિદેશની ધરતી પર ન આવવાનું થાય તો કેટલું સારું! હું મારા આત્માની પોઠ પર વિદેશી ધરતીનો બોજો સારી સારીને હવે થાકી ગઈ હતી. એક વણઝારાપણાની જિંદગીથી વિશેષ બીજું શું હું અહીં અમેરિકામાં જીવી રહી હતી? ન ક્યાંય રસ્તો, ન મંઝિલ, ન કાયમી ઘર કે ન ઘરના આસાર પણ….! અમેરિકામાં અમને મોર્ડન સગવડો અને સજાવટ સભર હાઉસ તો મળ્યું પણ અમારું પોતીકું લાગે એવું એક ઘર નથી મળ્યું. એ પોતીકું ઘર જેની દિવાલો, બારી, બારણાંઓ અને પાયામાં જીવંતતા ધબકતી હોય, એટલું જ નહીં, પણ એ ઘર મારા વતનની ધરતી પર હોય. આ વિચાર આવતાં જ હું તો વતનની ભીની હવામાં તરબતર થઈ ગઈ! મારું મન તો હિલોળે ચડ્યું! પ્લેનમાં બેઠી બેઠી હું તો વિચારોના હિંડોળે ઝૂલતી રહી.
મારું પ્લેન ઊપડ્યું. અમેરિકાની ધરતીને છેલ્લા જુહાર કરતી હોઉં એવી લાગણી થઈ. મારા પતિદેવ તો બાળકોનું સમર વેકેશન શરૂ થયું કે તરત જ નીકળીને ભારત પહોંચી ગયા હતાં. કહેવા માટે તો હું એકલી જ મુસાફરી કરતી હતી પણ હું એકલી ક્યાં હતી? મારી સાથે પાછો ફરી રહ્યો હતો વતનમાં વિતાવેલા વર્ષોનો કિલ્લોલ. હું સફર દરમિયાન એ જ વિચારતી હતી કે કોણ જાણે કઈ રીતે મેં આયખાનો આખો દાયકો પરદેશમાં આમ વતનના વિરહમાં વલખતાં વિતાવ્યો? પછી, મારા અવળચંડા મને ટકોર પણ કરી, “ભૂલી ગઈ તું? ૧૯૮૬માં ભારતથી અમેરિકા આવતાં પણ આવો જ થનગનાટ હતો મનમાં! તે સમયે તો એક ગુલાબી ચિત્ર હતું મનમાં કે અમેરિકા એટલે તો તકોનો ભંડાર. અમેરિકામાં આપવાવાળાની શક્તિનો હિસાબ ન માંડી શકાય પણ લેવાવાળાઓની લિમિટેશનનો હિસાબ માંડવો સહેલો પડે. અમેરિકામાં જે સ્ત્રી સ્વાતંત્ર્ય છે તેની સરખામણી ભારતના સ્ત્રી સ્વાતંત્ર્ય સાથે કરવાનો તો સવાલ પણ ઊભો નહોતો થતો. ત્યારે તો એમ લાગતું હતું કે અમેરિકામાં પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ માટે અમર્યાદિત શક્યતાઓ છે. અમેરિકામાં સ્ત્રી સાચા અર્થમાં પુરુષ સમોવડી બનીને રહે છે. ભારતમાં તો આપણે માત્ર આપણી ત્રણ હજાર વર્ષો જૂની સંસ્કૃતિનું ડિંડિમ વગાડતાં “યત્ર નાર્યા પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા” ની વાતોના માત્ર બણગાં જ ફૂંકીએ છીએ! એક વાર હું અમેરિકા પહોંચી ગઈ ને તો પાછી આવવાની જ નથી. અમેરિકા એ જ મારું વતન હશે! મારી બે બેગો અને હેન્ડ બેગમાં ભરેલા ખીચોખીચ સામાન સાથે, હું મારી હિંમત, જોશ અને હોશ થી મારી એક નાનકડી દુનિયા અમેરિકામાં વસાવીશ… આ મારી, મારા આત્મા સાથે કરેલી પ્રતિજ્ઞા છે!” એ સમયના મનોવિશ્વ અને ભાવ જગતને, આમ આટલા બધા વર્ષો પછી, આજે, જ્યારે હું પાછી જઈ રહી છું ત્યારે, યાદ કરાવનારા મારા એ અવળચંડા મનને ટપારતાં, હું સ્વગત, મારા મનને ટપારતાં બોલી, “બસ, હવે! મારી જુવાનીના જોશમાં કરેલી મોટી મોટી વાતો અને વાયદાઓને આમ મારા મોઢે મારવામાં કોણ જાણે તને શું આનંદ આવે છે?” અમે અમેરિકા આવ્યાં પણ શરૂઆતનો જે આકરી પરિસ્થિતિ સામે ઝઝૂમવાનો જે જુસ્સો હતો, તે, જેમ અમે સેટલ થતાં ગયાં તેમ ઘટતો ગયો. અમેરિકા રહેવાની આરત વાસ્તવિકતા બનતાં જ, એનું વરવાપણું પણ છતું થવા માંડ્યું હતું. યુએસે નું જીવન એક ભૌતિકતાની પાછળ મૂકેલી આંધળી દોટ છે, એની સચ્ચાઈ હવે સમજાવા લાગી હતી. અમારા બાળકો તો બહુ નાના હતાં પણ મારા અને મારા પતિના મનમાં જે અમેરિકામાં વસવાનો થનગનાટ હતો એનું સ્થાન ધીમે ધીમે ભારતમાં પાછા ફરવાની ઝંખના લેતી ગઈ અને એવી ઘર કરી ગઈ કે અમે અંતે પાછા ભારત જવાનો નિર્ણય કરી જ લીધો. પગથી માથા સુધી, મારા દેશની સુગંધ મને આવરી ચૂકી હતી. પ્લેનની સફરના આ ૧૭-૧૮ કલાકો કોઈ અકળ બેભાનીમાં જ વીત્યા હતા. અંતે, મેં મારા દેશની ધરતી પર મેં પગ મૂક્યો. એ સમયના કસ્ટમના નિયમો, તુમારશાહી કે પછી વતનની અસહ્ય ગરમી, કશું જ મને ડિસકરેજ કરી શકે એવો ચાન્સ જ ન હતો. મને રિસીવ કરવા આવેલા મારા સગા સ્નેહીઓને હું તો દોડીને ભેટી પડી. મારા પગ જમીન પર ક્યાં પડતાં હતાં? હું તો હવામાં જ જાણે સરકતી હતી અને આંસુભરી આંખે સહુને મળતી રહી.
*********
બે ચાર દિવસો તો એક ખુમાર અને ઝનૂનમાં પસાર થયા, પણ, શરાબીનો નશો ઊતરતાં, વાસ્તવિકતાનું ભાન થાય અને એ સાથે જ થતી વેદનાના વમળોમાં હું પણ ગડથોલાં ખાવા માંડી હતી. આ વેદનાનો બોજો એટલો ભારી થવા માંડ્યો હતો કે થોડાં જ દિવસોમાં, તખ્તો જ આખો પલટાઈ ગયો…!
…..અને, આજે, મુંબઈના એરપોર્ટ પર ફરી મને વિદાય આપવા આવેલાં સ્નેહીજનોનો મહેરામણ ઊભરાયો હતો. અમારી બેગોમાં ઠાંસીને ભરેલી અનેક મૂલ્યવાન વસ્તુઓ હોવાના ભારથી નહીં પણ, એક ખાલીપાના બોજાથી, અમારી બેગો અત્યંત ભારી થઈ ગઈ હતી. મને માનવામાં જ નહોતું આવતું કે મારા પોતાના દેશમાંથી હું, તૂટેલા ભરમની શરમ અને “ધેર ઈઝ નો વેકન્સી ફોર યુ હીયર” ના અણલિખિત શબ્દોને મારા અંતર પર કોતરાવીને પાછી અમેરિકા જઈ રહી હતી. મારા પતિ અને સંતાનો તો અમેરિકા પાછા જવાની વાત પર મારા જેટલાં અપસેટ નહોતાં, તો, આ બાજુ, મારી સઘળી મિરાત જાણે લૂંટાઈ ગઈ હોય એવું મને કેમ લાગ્યા કરતું હતું, એનું કારણ હું નક્કી નહોતી કરી શકતી. પણ, મારી આંખોમાંથી આંસુઓ સર્યા કરતાં હતાં. અને મને એરપોર્ટ મૂકવા આવેલાઓના ચહેરા અશ્રુઓના વરસાદને કારણે ધૂંધળા દેખાતા હતાં, પણ, હથોડા જેવા, ચારેકોરથી આવતા એમના અવાજો સીધા જ મારા હ્રદય અને આત્મા પર રુઝાઈ ન શકે એવા ઘા કરી રહ્યા હતાં.
“અરે આટલું શું રડે છે? ભારત કઈં દુનિયાના નકશામાંથી મટી નથી જવાનું! દર વર્ષે આવતી રહેજે! વોટ ઈઝ અ બીગ ડીલ? ”
“તમે અમેરિકા જવાનો જે નિર્ણય લીધો છે તે બિલકુલ સાચો અને પ્રેક્ટીકલ છે.”
“તેં જોયું ને? તમે પાછાં આવ્યાં દસ વર્ષો પછી અહીં સેટલ થવા, પણ તેં જોયું ને? આ દસ વર્ષોમાં અહીંની તકલીફો સો ગણી વધી ગઈ છે.“
“એ તો ખોટી લાગણીમાં ખેંચાઈને એમ લાગે કે વતન ભેગાં થઈ જઈએ પણ આ ભૂખ્યા-નંગા દેશમાં તમારે રહેવું જ શું કામ છે? વોટ ઈઝ રોંગ વિથ યુ?“
તો એ રીમાર્ક સાથે ‘ટેગ અલોન્ગ’ થતાં બીજા અવાજો ધસી આવ્યાં. એમાં આ ‘મોસ્ટ પ્રિવેલન્ટ’ અવાજ સીધો હ્રદય સોંસરવો ઊતરી ગયો. “આ શું દેશમાં રહેવાની રટ લઈને બેઠી છે? જરાક પ્રેક્ટિકલ થા. પાછા જવાનું નક્કી કર્યું એ જ બાળકોના ફ્યુચર માટે સારુ છે. ટ્રાન્સફર કરી દે તારુ ગ્રીન કાર્ડ અમને અને અમે તારા બદલે ત્યાં જઈએ છે અને તમે રહી પડો અહીં!” આમ તો દરેક આવી કોમેન્ટ સાથે મારા આંસુનો પ્રવાહ ઓછો થતો ગયો હતો પણ, આ એક સટીક વાતે મારી આંખોને અચાનક જ કોરી કરી નાંખી હતી. મને હવે મારા દેશના લોકોની છબી સાફ દેખાવા માંડી હતી. મેં મારા બેઉ, પાંચ અને સાત વર્ષોના બાળકોની બેઉ હાથે આંગળી પકડી લીધી. મારા પતિએ અને બાળકોએ ‘આવજો’ કહેવા હાથ ઊંચા કર્યાં અને મેં પીઠ ફેરવી ને કસ્ટમની વિધી પતાવવા આગળ ચાલવા માંડ્યું. મારી પાછળ “આવજો, આવજો’ ના અવાજો ઘસડાતાં રહ્યાં. હું ચૂપચાપ ચાલી રહી હતી, ત્યાં જ મારા પાંચ વર્ષના દિકરાએ મને પૂછ્યું, “મમ્મી, આર વી ગોઈંગ બેક હોમ?” અને મેં માત્ર ડોકું ધૂણાવીને હા પાડી.
અંતે, અમે અમેરિકા પાછા જવા પ્લેનમાં ગોઠવાઈ ગયા. હવે વિમાન ઊપડવાની જ વાર હતી. મેં મારા પતિના હાથ પર માથું ટેકવ્યું ને બે ચાર આંસુ એમની સ્લીવ ભીંજવી ગયા. મિતભાષી મારા પતિ, મારા માથે હાથ ફેરવીને એટલું જ બોલ્યા, “ઈટ ઇઝ ઓકે.” પણ મારા અવળચંડા મને તો ટકોર કરી જ લીધી, “લે, તારે તો ભારત પાછા જવું હતું, તે જઈ આવી?”
********
પ્લેન હવામાં ઊડી રહ્યું હતું અને મારું મન મારા દેશની ધરતી પર ગુજારેલા આ છ અઠવાડિયાની બેલેન્સશીટ બનાવી રહ્યું હતું. આ છ અઠવાડિયા દરમિયાન, મારા હમવતનીઓએ સંબંધના દાતરડાથી મારા અંતરમનની ચામડી ઊતરડી લીધી હતી. મને કોડ હતા કે વતનમાં મારું ઘર બનાવવાના. મારું પોતાનું ઘર જે સગાં સંબંધી અને મિત્રોની હૂંફ, વિશ્વાસ, સપોર્ટ અને અનકન્ડીશનલ પ્રેમની દિવાલો, છત અને બારી-બારણાં હોય! પણ અંતે શું મળ્યું મને? મારી નજર સામે એ છ અઠવાડિયાના પ્રસંગો કોઈ મુવીના રીલની માફક ‘અનફોલ્ડ’ થવા માંડ્યાં હતાં.
સહુ પહેલો પ્રોજેક્ટ અમારા માટે મુંબઈમાં ફ્લેટ શોધવાનો હતો. જગાના દલાલે તો મને સાફ સંભળાવી દીધું હતું કે, “જુઓ બેન, તમને અમેરિકાવાળાને પૈસા હોય ને તો યે ખરચતાં બહુ તકલીફ પડે છે! ત્રણ બેડરૂમનો ફ્લેટ જુહુમાં લેવો હોય ને તો કરોડની ઉપર જ થશે. અને, એવો ખર્ચો કરવાની ત્રેવડ ન હોય ને તો મારું માનો, અમેરિકા પાછા જતા રહો. તમારો અને મારો બેઉનો સમય બરબાદ નહીં થાય.” અને, મને ઓચિંતું જ અમેરિકાના જગ્યાના એજન્ટનું પ્રોફેશનાલિઝમ યાદ આવી ગયું હતું અને મનોમન એક સરખામણી પણ થઈ ગઈ હતી. મુંબઈમાં જગ્યાના દલાલથી દલાલ અને બિલ્ડિંગ થી બિલ્ડિંગ ફરીને હું નાસીપાસ થતી જતી હતી. મારા પતિ મારી સાથે આવતા અને મની મેટર્સની વાતો સિવાય જગાની પસંદગીનો ભાર મારા પર છોડીને, તેઓ આ પ્રોસેસમાંથી સાવ ખસી ગયા હતા. એમણે તો સાફ કહી દીધું હતું કે ‘તને જ્યાં ગમશે ત્યાં મને ફાવશે.’ અમે જગ્યા જોવા જતાં પણ મને ક્યાંક હવા ઉજાસના વાંધા, ક્યાંક લોકેશનનો પ્રોબ્લેમ તો ક્યાંક ટ્રાન્સપોર્ટેશનની તકલીફો દેખાતી હતી અને જો બધું જ બરાબર હોય તો એન.આર.આઈ. ને જોઈને આસમાને ચઢેલા ભાવ…! હું મારા ઘરની શોધમાં ભટકતી રહી હતી. દિવસે દિવસે મારી હિંમત તૂટતી જતી હતી અને જે બચી હતી એ તોડવામાં સ્વજનો પણ કોઈ કસર છોડતાં નહોતાં. ક્યારેક મને કહેવામાં આવતું, “જુઓ મોટીબેન, કાકાના અને આપણા ઘર વચ્ચે, કુમારના લગ્નપ્રસંગે મન ઊંચા થઈ ગયાં હતાં. આપણે ત્યારથી એમની સાથે બોલે વ્યવહાર નથી તો તમારે ત્યાં જવું હોય તો વિચારીને જજો. એટલામાં સમજી જાવ, બાકી તમે તો સમજદાર છો જ.”
તો ક્યારેક કોઈ ફેમિલી મિત્રના કુટુંબ માટે આવું કહેવાતું, “તમને તો ખબર છે ને કે બાપાજીએ એ ઘરના એકેએક મેમ્બર માટે પૈસાથી માંડીને બીજી કેટલી મદદ હંમેશાં જ કરી છે? જ્યારે બાપાજી આઈ.સી.યુ માં હતા તો એ નગુણાઓમાંથી કોઈ એકવાર પણ એમને જોવા નહોતું આવ્યું! તમે બોલો, કેટલું સહન કરીએ? બસ, આપણે તે જ દિવસથી બોલચાલ બંધ કરી નાંખી. જેને આપણી પડી જ ન હોય એની સાથે સંબંધ રાખીને કરવુંય છે શું?’ તો વળી સામા પક્ષની દલીલો પણ Via Via સાંભળવા મળી જતી, “તું તો આજ કાલની અમેરિકાથી આવી છે. અમારે પણ સુલેહ કરવી છે પણ એમની અકડ તો એવી છે કે પૂછો નહીં! આટલું અભિમાન હોય ને તો બેસે એમના ઘરે!” તો કોઈ વળી સામે વાળા તરફથી એવો સંદેશો પણ પહોંચાડતું, “અમને કોઈ વેર નથી પણ બાપાજી બિમાર હતા ત્યારે ખાલી દાદીમા અને નોકર ચાકર જ ઘરમાં હતાં. અમે બાકી બધાં જ વેકેશન પર ત્રણ અઠવાડિયા માટે મનાલી રિઝોર્ટમાં ગયાં હતાં. બેઝિકલી, એમને એ જ પેટમાં દુઃખે છે કે અમે હવે પૈસે ટકે ઊભા થઈ ગયા છીએ. અને, એમની બિમારીના સમયે સેલ ફોન તો હતા જ ક્યાં? સેલ ફોન તો આ હંમણાં ૧૯૯૬થી, એટલે કે વરસેકથી જ તો આવ્યા છે તો અમને ખબર પણ કેવી રીતે પડત?”
ત્યારે મને થતું હતું કે ‘અરેરે, અહીં આવી નાની-નાની બાબતોમાં તમે આટલો કલેશ કરી મૂકો છો તો જરા પરદેશમાં સ્વજનો સિવાય તો રહી જુઓ, ત્યારે તમને સમજાશે કે સગાં સંબંધીઓ વિનાની એકલતા કેટલી કારમી હોય છે? તો, ક્યારેક આવું પણ સંભળાતું, “મોટા કાકાના મરણ પછી, પોત પોતાનો ભાગ લઈ, ત્રણેય ભાઈ જુદા થઈ ગયા. કાકીના તો હાલહવાલ છે. કોઈ દિકરો-વહુ એમને સાથે રાખવા તૈયાર નથી અને કાકી એકલા રહી શકે એવી એમની કન્ડીશન નથી, એટલું જ નહીં પણ કાકી એમનો કટકટિયો સ્વભાવ બદલવા પણ તૈયાર નથી.” તો વળી કોઈક મામા-ફોઈના ઘર માટે આવું પણ કહેવાતું, “બહેન જ્યારથી ઘરમાં આ નવી વહુ આવી છે ત્યારથી એમના ઘરમાં કોઈનાય જીવને જંપ નથી! તમારા અમેરિકનોને પણ ટાંપી જાય એટલી છુટ્ટી અને ઉછાંછળી છે! આખો વખત પોતાની ફીટ્નેસ અને હેલ્થી ખાવાપીવાનું બનાવવા સિવાય બીજું કઈં એને કરવું જ નથી! એ એના ધણીને ખવડાવે ત્યાં લગી તો ઠીક પણ આખા ઘર પર હેલ્થના નામે રોબ જમાવે તો તમે જ કહો, કેમ ચાલે?” ત્યારે મને નવાઈ લાગતી હતી કે આ લોકોને આમાં ઉછાંછળાપણું ક્યાં દેખાતું હતું? હેલ્થ માટે ધ્યાન રાખવામાં શું ખોટું હતું એ મને નહોતું સમજાતું!
તો, ક્યારેક વળી કોઈક કુથલી કરતાં એમ પણ કહેતાં, “ખબર છે, લતાભાભીને અને રાજનને તો ખૂબ જ માઠું લાગ્યું છે કે એમણે મંગાવેલી ચીજો તમએ ન લાવ્યાં અને બાકી બધાને માટે એમણે મોકલેલા લીસ્ટ પ્રમાણે બધું જ લઈ આવ્યાં!” હું સફાઈ આપવા જતી તો મને તરત જ કહેવામાં આવતું, “તમેય મૂકો ને, હવે! આપણે ક્યાં અહીંનું ત્યાં અને ત્યાંનું અહીં કરીને પાપ બાંધવા છે?” અને હું વિચાર્યા કરતી હતી અને મનોમન કહેતી, “રિયલી?”
એમાંયે, લગ્ન, જનોઈ, જન્મદિવસ, વેડિંગ એનીવરસરી કે અન્ય ધર્મના નામે થતા પ્રસંગોના નામે થતાં જમણવારો નિમિત્તે થતાં સત્તાનાં, પૈસાના, પ્રેમના, હકના, સંબંધોના અને સગવાડિયા ધર્મના પ્રદર્શનો..! હું મારા સ્નેહીઓ પાસે ભારતમાં કાયમ રહેવાની વાત ઉપાડતી તો સલાહો મળતી – “જુઓ, અહીંયા પોતાનો બિઝનેસ સ્થાપીને કાયમ સ્થાયી થવાની વાત જ મૂકી દો! અહીંયા, વાતે વાતે લાંચ વિના કામ નથી થવાનું અને તમને અમેરિકનોને આ વાત સમજાશે પણ નહીં! અમને તો અમલદારી અને તુમારશાહીમાં કામ કેવી રીતે કઢાવવું એની ફાવટ આવી ગઈ છે!’ તો, કોઈ કહેતું, “અરે, આ શું થયું છે તમારી બુદ્ધિને? બાળકોના ભવિષ્યની ચિંતા તો કરો! ત્યાં અમેરિકામાં આટલી બધી એડ્યુકેશન અને જોબની તકો છોડીને આવા દેશમાં અહીં કેમ આવવું છે પાછાં? મને એટલી સમજ પડવા માંડી હતી કે ઈચ્છું છતાં પણ હું આ સહુની વચ્ચે, ફીટ નથી થઈ શકવાની અને ધારો કે આ ચોકઠામાં હું ગોઠવાઈ પણ જાઉં તો આ બધાં જ મને ગોઠવાવા પણ નહીં દે! બધું જ બદલાઈ ચૂક્યું હતું, અને હું એ દસ વરસો પહેલાંનો સમય અને એ સમયનો જાદુ શોધતી રહી ગઈ હતી. હું મારી જાતને બદલવાના પ્રયાસો કરતી તો મારી હાંસી ઉડાવતા. “રાખો રાખો હવે! તમે થોડા દહાડાના મહેમાન છો તો મહેમાનની જેમ રહો. અમારી જેમ કરકસરથી ઘર અને રસોડું ચલાવતાં તમને ન ફાવે!” અને, કરકસર કરવાની કોશિશ કરતી તો પણ ઉપહાસ જ થતો, “આ તમે સહુ અમેરિકાવાળાના જીવ બાપા, ભારે ટૂંકા! ગમે તેટલું કમાય પણ પૈસો હાથથી ન છૂટે!” મારા વતનના લોકો સાથેનો તંતુ તૂટી ગયો હતો. આ તૂટેલા તાંતણે ઘરને કેમ ગુથું?
દસ વરસ પહેલાં જ્યારે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું ત્યારે આ જ બધાં અમને કહેતાં હતાં, “અહીં ભારતમાં કોઈ કમાતું નથી, જીવતું નથી, આગળ નથી આવતું? આપણો પોતાનો દેશ છોડીને પરદેશ કેમ જવું છે?” આજે એક દસકા પછી, જ્યારે હોંશથી અહીં સેટલ થવા પાછાં આવ્યાં તો કોઈ ખોટા મોઢે પણ કહી ન શક્યું કે, “અરે, પોતાના ઘરે પાછા
આવો છો, વિચાર શું કરો છો? અમે બધાં જ બેઠાં છીએ, આવી જાઓ, બધું જ થઈ રહેશે!” હા, હું એ વ્હાલપ અને પોતાપણું શોધતી શોધતી પાછી દેશમાં આવી હતી પણ આ વાત ન હું કોઈનેય સમજાવી શકી કે ન અમેરિકાની ચમકધમકના મોતિયાની આડે અહીંના મારા સ્વજનો એ જોઈ શક્યાં! ટોટલ ડિસકનેક્ટ ઈન કોર્સ ઓફ ટાઈમ!
હું આવા વિચારોમાં ગળાડૂબ હતી અને પ્લેનનાં પૈડાં ઊંચકાયા. ભારતની ધરતીનો સ્પર્શ છૂટ્યો. પ્લેનમાંથી મેં બારી બહાર જોયું અને મુંબઈના દરિયાને છેલ્લા જુહાર કરી લીધાં અને મનોમન, મુંબઈને અલવિદા કહેતાં એક ડૂસકું ભરી લીધું.
સ્વપ્ન અને વાસ્તવિક દુનિયા કેટલા જુદા પડે છે
LikeLike
વતન અને પરદેશ અંગે ઘણાખરા ડાયાસ્પોરાઓ એ અનુભવેલી વાત ની સુંદર રજુઆત
યાદ
સંવેદના ઉત્તેજના અચરજ કાં ગુમ થયાં?
પડતી મૂકો તપાસ હવે ઘર તરફ વળો
……………
સ્ત્રીની વિડંબણા તો જુઓ શેને કહે કે આ મારું છે ઘર ા
LikeLiked by 1 person
વાસ્તવિકતાને સહજ રીતે આલેખવાની આપની રીત ખરેખર સરાહનીય છે.
LikeLike
બહુ સરસ વિષય પસંદ કર્યો ! પછી વાતને આગળ ચલાવો : હવે અમેરિકામાં મહેલ જેવડું ઘર લીધું ને હાર્ટ એટેક આવ્યો ને હોસ્પિટલમાં મહિનો રહેવું પડ્યું પણ કોઈનેય ખબર જોવા આવવાનો ટાઈમ ના મળ્યો .. Everyone busy with their own job! That’s why some wise person said :Our home is where our heart is!
LikeLike
શબ્દોની પિંછીથી દોરેલું આ ચિત્ર કેટલું વાસ્તવિક છે. આવા વિચારો તો ઘણાને આવે, પણ તમારી જેમ વર્ણવી આંખ અને દિલને જોડવાનું બળ બઘામાં જોવા નથી મળતું! વાંચવાની મજા આવી/પડી ગઈ!
LikeLike
બહુ સરસ વિષય પસંદ કર્યો ! સ્વપ્ન અને વાસ્તવિક દુનિયા કેટલા જુદા પડે છે.. શબ્દોની પિંછીથી દોરેલું આ ચિત્ર કેટલું Absolutely Right …અને વાસ્તવિક છે.!!!!!
LikeLike