ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૪ (દીપક ધોળકિયા)


પ્રકરણ ૨૪: મીર જાફરનો અંત

 પ્લાસી પછી ઈસ્ટ ઇંડિયા કંપની કર્ણાટકમાં લડાઈમાં પડી હતી. અહીં એમનો મુકાબલો ફ્રેન્ચ સામે હતો. કર્ણાટકમાં અંગ્રેજોને બહુ મોટી સફળતા ન મળી, માત્ર બે ફ્રેન્ચ જહાજ નાશ પામ્યાં હતાં. ક્લાઇવને લાગ્યું કે બંગાળ સુધી આ સમાચાર પહોંચશે તો મીર જાફર જોરમાં આવી જશે, એટલે એણે એ સમાચાર દબાવી દીધા.

તિજોરીનો વહીવટ રાય દુર્લભના હાથમાં હોવાથી મીર જાફરને એની ગરજ હતી. ક્લાઇવે જેમ રામનારાયણને બચાવ્યો તેમ રાય દુર્લભને પણ બચાવતો હતો. મીર જાફરે આ બળાપો પોતાના પુત્ર અને નાયબ નવાબ મીરાન સમક્ષ કાઢ્યો. રાય દુર્લભનો ભાઈ કુંજબિહારી પણ દીવાનની કચેરીમાં નાયબ દીવાન તરીકે કામ કરતો હતો. તેની સામે મીરાને ક્લાઇવ અને રાય દુર્લભ વિશે બોલી નાખ્યું. કુંજબિહારી સાવચેત થઈ ગયો. એણે આમ પણ મીર જાફરના કેટલાક સરદારો સાથે વાત કરી લીધી હતી.

ક્લાઇવ અને રાય દુર્લભ, બન્ને સાથે મુર્શીદાબાદ આવે છે એવા ખબર મળ્યા ત્યારે મીર જાફર તો બિહારમાં હતો, પણ મીરાન ડરી ગયો અને લોકોમાં ભય ફેલાઈ ગયો. બજારો પણ બંધ થઈ ગયાં હતાં. ક્લાઇવને ખબર પડી કે મીરાને માત્ર રાય દુર્લભ પર નહીં, એના પોતાના પર પણ શંકા જાહેર કરી હતી, ત્યારે એ ગુસ્સે થયો અને નવાબ મીર જાફરને પત્ર લખીને પોતે બંગાળ છોડી જશે એવી ધમકી આપી. નવાબ જાણતો હતો કે અંગ્રેજો એને ગમે તેટલા અળખામણા લાગતા હોય પરંતુ એની ગાદી એમના થકી જ હતી. ક્લાઇવના પત્રનો જવાબ આપતાં એણે ગોળગોળ વાતો કરીને આખો મામલો શાંત કરી દીધો.

પરંતુ કર્ણાટકની સ્થિતિના સમાચાર બંગાળ સુધી પહોંચ્યા વિના તો ન જ રહે. મીર જાફર માટે આ સારા સમાચાર હતા. એના હાથ તો રાય દુર્લભનું કાસળ કાઢી નાખવા સળવળતા હતા પણ એના સૈનિકોને પગાર નહોતો મળ્યો એટલે ક્યાંક બળવો થઈ જાય એ બીકે એ જોખમ લેવા તૈયાર નહોતો.

મીર જાફર રાય દુર્લભની બાબતમાં કંઈ કરી નહોતો શકતો પણ એ સિવાયના મુદ્દાઓ પર ઈસ્ટ ઇંડિયા કંપની વિરુદ્ધ એનું વલણ સખત હતું. કંપની એની સાથે થયેલા કરારમાંથી મુક્ત ન કરે, અને જો ફ્રેન્ચો બંગાળ આવે તો એ એમને અંગ્રેજો વિરુદ્ધ મદદ આપવા પણ તૈયાર હતો. ખરેખર જ એણે ચિન્સુરામાં ડચ કંપની સાથે મસલતો પણ શરૂ કરી હતી. ડચ અંગ્રેજોને હટાવીને પોતાનું વર્ચસ્વ સ્થાપવા તૈયાર હતા. પરંતુ ૧૭૫૯માં ક્લાઇવે એમને પરાજિત કર્યા અને સંધિ કરવા માટે ફરજ પાડી.

ક્લાઇવ બંગાળનો ગવર્નર

પ્લાસીના યુદ્ધ પછી આખું બંગાળ ઈસ્ટ ઇંડિયા કંપનીના હાથમાં આવી ગયું હતું. નવાબ મીર જાફર ક્લાઇવની આંગળીના ઇશારે નાચતો હતો પરંતુ ઈસ્ટ ઇંડિયા કંપનીના માળખામાં ક્લાઇવ હજી પણ મદ્રાસના ગવર્નર અને કાઉંસિલને અધીન નાનો નોકર જ હતો હતો. પ્લાસીના વિજય પછી બરાબર એક વર્ષે કલકત્તાની કાઉંસિલે એક ઠરાવ પસાર કરીને ક્લાઇવને બંગાળનો ગવર્નર બનાવ્યો. આ નિર્ણયને એ વર્ષના અંતમાં લંડનની મુખ્ય ઑફિસે મંજૂરી આપી.

મીર જાફરના અંતની શરૂઆત

ક્લાઇવને બંગાળના ગવર્નર તરીકે બહુ લાંબો સમય ન મળ્યો. કંપનીએ એને લંડન બોલાવી લીધો અને ૧૭૬૦ની ૨૫મી ફેબ્રુઆરીએ એ વિદાય થયો. તે પછી મીર જાફરના પુત્ર મીરાનનું અવસાન થઈ ગયું. મીર જાફરનો વારસદાર કોણ, તે સવાલ આવ્યો. ક્લાઇવની જગ્યાએ હૉલવેલે વચગાળાના ગવર્નર તરીકે જવાબદારી સંભાળી હતી. એણે તો વહીવટીતંત્રનો કબજો સંભાળી લેવાનો આગ્રહ રાખ્યો પણ કાઉંસિલના બીજા સભ્યોને આ પગલું બહુ આકરું લાગ્યું એટલે અંતે  મીર જાફરના જમાઈ મીર કાસિમને નાયબ સૂબેદાર બનાવવાનો નિર્ણય લેવાયો. તે પછી કંપનીનો કાયમી ગવર્નર હેનરી વૅન્સીટાર્ટ પણ આ નિર્ણય સાથે સંમત થયો. મીર કાસિમ સાથે કંપનીએ ગુપ્ત વાટાઘાટો શરૂ કરી, તેમાં એણે કંપનીની બધી ચડત રકમ ચૂકવી દેવાનું વચન આપ્યું, એટલું જ નહીં, બર્દવાન (વર્ધમાન), મિદનાપુર અને ચિતાગોંગ, આ ત્રણ જિલ્લા પણ અંગ્રેજોને સોંપી દેવા સંમત થયો. બદલામાં કંપનીએ એને નાયબ સૂબેદાર બનાવવા અને પછી ગાદી એને જ અપાવવાનું વચન આપ્યું. વેન્સીટાર્ટ અને આર્મી કમાંડર કેયલોડ આ દરખાસ્ત સાથે મુર્શીદાબાદ જઈને મીર જાફરને મળ્યા, પણ એ મીર કાસિમને નાયબ સુબેદાર બનાવવા તૈયાર ન થયો. પાંચ દિવસ વાતચીત ચાલી પણ કંઈ પરિણામ ન નીકળતાં વૅન્સીટાર્ટે કેયલોડને મીર જાફરના મહેલનો કબજો લઈ લેવાનો હુકમ આપ્યો. પરંતુ મીર જાફરે એમની વાત માનવાને બદલે ગાદી છોડવાનું પસંદ કર્યું. વૅન્સીટાર્ટે મીર કાસિમને નવો નવાબ જાહેર કરી દીધો.

વૅન્સીટાર્ટ અને ક્લાઇવની નીતિઓમાં  આભજમીનનો ફેર હતોક્લાઇવ નવાબને શંકાની નજરે જોતો અને એણે રામનારાયણને બચાવી લીધો હતો પણ વૅન્સીટાર્ટ મીર કાસિમને જોરદાર ટેકો આપતો રહ્યો. એણે રામનારાયણને મીર કાસિમના હાથમાં મૂકી દીધો. એણે પહેલાં તો રામનારાયણની બધી સંપત્તિ લૂંટી લીધી અને પછી એને મોતને ઘાટે ઉતારી દીધો. 

બક્સરની લડાઈ

મીર કાસિમમાં હવે આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો. અંગ્રેજો દેશની અંદર જ વેપાર કરતા હતા તેનો ઉકેલ આણવાનું એણે નક્કી કર્યું. કંપનીએ આનો જોરદાર વિરોધ કર્યો. મીર કાસિમ મૂંગેરમાં રહેતો હતો. વૅન્સીટાર્ટ ત્યાં જઈને એને મળ્યો અને બન્ને વચ્ચે સમજૂતી થઈ ગઈ પણ કલકત્તાની કાઉંસિલે એ સમજૂતી ફગાવી દીધી. પટનાની ફૅક્ટરીના પ્રમુખે તો યુદ્ધ જ છેડી દીધું. મીર કાસિમે એનો અને એની સેનાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. હવે અંગ્રેજો અને મીર કાસિમ ખુલ્લંખુલ્લા સામસામે આવી ગયા. મીર કાસિમે મોગલ બાદશાહ શાહ આલમ બીજા અને અવધના શુજાઉદ્દૌલાને સાથે લીધા. ૧૭૬૩ની ૧૦મી જૂને બક્સર પાસે મેજર હેક્ટર મનરોની અંગ્રેજ ફોજ સાથે લડાઈ થઈ અને એમાં ત્રણેયના સંયુક્ત લશ્કરનો સજ્જડ પરાજય થયો. શાહ આલમે અંગ્રેજો સાથે સંધિ કરી લીધી અને મીર કાસિમ ભાગી છૂટ્યો. ૧૭૭૭માં એનું મૃત્યુ થયું ત્યાં સુધી એ ગુમનામીમાં ભટકતો રહ્યો.

હવે બંગાળમાં અંગ્રેજોનું એકચક્રી રાજ હતું.

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s