ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી (ઝવેરચંદ મેઘાણી)


(ઝવેરચંદ મેઘાણીની મારી અતિપ્રિય રચના-સંપાદક)

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,

બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

એ  જી  સાંભળે  વેદનાની વાત,

વેણે  રે  વેણે હો  સત ફૂલડાં ઝરે હો જી

બહુ દિન ઘડી રે તલવાર,

ઘડી કાંઈ તોપું ને મનવાર

પાંચ-સાત શૂરાના જયકાર

કાજ ખૂબ ખેલાણા સંહાર

હો એરણ બહેની

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,

બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

પોકારે પૃથ્વીના કણ કણ કારમા હો જી

પોકારે  પાણીડાં   પારાવારનાં   હો જી

જળ થળ  પોકારે  થરથરી,

કબરુંની  જગ્યા   રહી નવ જરી

ભીંસોભીંસ ખાંભીયું ખૂબ ભરી,

હાય તોય તોપું રહી નવ ચરી

હો એરણ બહેની

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,

બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

ભઠ્ઠીયું જલે રે  બળતા પો’રની હો જી

ધમણ્યું ધમે રે  ધખતા પો’રની હો જી

ખન ખન અંગારે ઓરાણા,

કસબી ને કારીગર ભરખાણા

ક્રોડ નર જીવંતા  બફાણા,

તોય  પૂરા ટોટા  નવ શેકાણા

હો એરણ બહેની

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,

બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

હથોડા પડે રે આજ જેના હાથના હો જી

તનડાં  તૂટે રે આ   જેની કાયનાં હો જી

સોઈ નર હાંફીને આજ ઊભો,

ઘટડામાં ઘડે એક મનસૂબો

બાળ મારાં માગે અન્ન કેરી દેગ,

દેવે કોણ-દાતરડું કે તેગ

હો એરણ બહેની

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,

બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

આજુથી નવેલાં ઘડતર માંડવા હો જી

ખડ્ગખાંડાંને  કણકણ ખાંડવા હો જી

ખાંડી ખાંડી ઘડો હળ કેરા સાજ,

ઝીણી રૂડી દાતરડીનાં રાજ

આજ  ખંડે  ખંડમાં  મંડાય,

એણી  પેરે  આપણ  તેડાં થાય

હો એરણ બહેની

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,

બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

ઘડો હો બાળક   કેરાં  ઘોડિયાં   હો જી

ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો જી

ભાઈ મારા, ગાળીને તોપગોળા,

ઘડો સઈ-મોચીના સંચ બહોળા

ઘડો   રાંક  રેંટુડાની   આરો,

ઘડો   દેવ  તંબૂરાના    તારો

હો એરણ બહેની

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,

બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

ભાંગો, હો ભાંગો,  હો રથ રણજોધના  હો જી

પાવળડાં    ઘડો,   હો છોરુડાંનાં દૂધનાં હો જી

ભાઈ મારા લુવારી ભડ રહેજે,

આજ છેલ્લી વેળાના ઘાવ દેજે

ઘાયે ઘાયે સંભારજે ઘટડામાં,

ક્રોડ  ક્રોડ  શોષિતો   દુનિયાનાં

હો એરણ બહેની

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,

બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

-ઝવેરચંદ મેઘાણી

4 thoughts on “ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી (ઝવેરચંદ મેઘાણી)

 1. સર્વાંગ સુંદર રચના

  માણો
  આ ગીતનો શ્રી મધુસુદન કાપડીયાએ કરેલ સુંદર રસાસ્વાદ
  ઘણ રે બોલે ને – YouTube
  https://www.youtube.com/watch?v=DPPyVbKvs4M – Translate this page
  Video for ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,▶ 14:04
  Jul 15, 2017 – Uploaded by madhu kapadia
  ઘણ રે બોલે ને ઘણ રે બોલે ને એરણ સાંભળે હો….. જી:

  Like

 2. “શ્રી મધુસુદન કાપડીયાએ કરેલ સુંદર રસાસ્વાદ” નો આસ્વાદ કરાવવા બદલ
  ખૂબ ખૂબ આભાર,પ્ર્જ્ઞાબેન.

  Like

 3. ગુજરાતી કાવ્યો માં શ્રેષ્ઠ કાવ્ય એટલે એક જ
  ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી
  સંવેદનાની પરાકાષ્ઠા અને અંગત દુ: ખની અવર્ણનિય અભિવ્યક્તિ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s