મોદીની હવેલી -૬ (પૂર્વી મલકાણ)


૬ સિંહોનાં સકંજામાં

 आते हुए आप इतना काम कर दीजिये मेरा,

मेरी छुपी हुई यादों के सारा ओ सामाँ को थोड़ा सा जला दीजिये,
शायद रौशन रौशन हो जाये मेरे मन का बसेरा ।

 તુળશીશ્યામ જવા નીકળેલ અમારી પ્રવાસબસ ગીરનાં અંધારામાં ચૂપચાપ બેસી ગઈ હતી, રખે ને અવાજ કરવાથી સિંહોની ટોળકી આવી જાય તો. એ બસની વિપરીત દિશામાં જંગલની અંદરનાં ભાગમાં ખુલ્લા ચંદરવા નીચે, તાપણાની આજુબાજુ વીંટળાઇ સૂતેલા અમે લોકો એ રાતે મોડે સુધી તારા દર્શન કરતાં રહ્યાં તે વખતે સૂતેલામાંથી કોઈનો પગ કે હાથ અમને થોડા પણ લાગી જતાં તોયે કાંઈક જીવડું ચઢ્યું એમ માની અમે અંધારામાં ઊભા થઈ જતાં હતાં. પણ પછી ભરમ છે એવું લાગે તો તે સૂતેલી વ્યક્તિનાં હાથ -પગ સરખાં કરીને અમે ફરી સૂઈ જવા માટે પ્રયત્ન કરતાં હતાં. પણ જંગલ એમ શાંતિથી થોડા સૂવા દે? એમાં તો અમે તો સાવ અજાણ્યાં હતાં ને વળી, અમે કાંઇ જંગલનાં છોરું નો’તા એટ્લે વચ્ચે જંગલ પોતે જ પોતાનાં બાળ સિંહોની ડણક, પંખીઓની ચલબલાહટ અને ભૂતાવળ જેવા દેખાતાં ચામાચીડિયાની પાંખોનો પંખો અમારી ઉપર ફેરવી દેતાં હતાં. મને યાદ નથી કે, ક્યાં સુધી અમે આ વાતાવરણને સૂંઘતા ને સાંભળતાં રહ્યાં હોઇશું. પણ જ્યારે અમારી આંખ્યું ખૂલી ત્યારે થોડી થોડી ઠંડી લાગતી’તી, બે-ત્રણ ગાયુ છોડીને બાકીનું ગાયોનું ધણ ત્યાં નો’તું. બે-ત્રણ આઈ યુ નાસ્તાની તૈયારી કરી રહી હતી અને ચૂલા સગડામાંથી ધુમાડો ઊડી રહ્યો હતો.

 ઊઠ્યાં પછી અમે અમુક ચાદરુંની ઘડી કરી તંબુમાં મૂકી દીધી. પછી સવારનો નિત્યક્રમ પૂરો કરવા કોઈ આઈ અમને ગીરના એક કૂવા પાસે લઈ ગયેલ. મને આજેય યાદ છે કે એ મોટો ને પહોળો કૂવો બીજા કૂવાઓ જેવો ન હતો. આ કૂવામાં નીચે ઉતરવા માટે સીડી હતી, ને એના પર જાળી હતી. કૂવાની બહાર ટાંકી હતી, જે છલોછલ પાણીથી ભરેલી હતી. આઈ એ કૂવાની જાળી પર ઉતરી એક બાલટી, ગાગર નીકળે તેટલી જગ્યાની જાળી અલગ હતી તેને ઊંચી કરી ( જેવી રીતે આપણે પાણીના ટાંકાનું ઢાંકણું ઊંચું કરીએ તે જ રીતે. ) પછી ગાગરને ગરગડીથી નીચે ઉતારી પાણી ભરી બહાર કાઢી તે ટાંકીમાં નાખ્યું. એ ટાંકીના પાણીનો અમે ઉપયોગ કરેલો. આજે આ કૂવા વિષે વિચારું છું તો ખ્યાલ આવે છે કે, કદાચ સિંહો કૂવામાં પડી ન જાય તે અંગેની તકેદારી હશે. અરે કેવળ સિંહો જ કેમ ? કદાચ કોઈ સ્ત્રી એમાં કૂવો પૂરવા જાય તો યે એ પડે તો જાળી પર જ પડે અને કદાચ કોઈ અકસ્માતે પડે તો સીડી ચઢીને ઉપર આવી શકે. આવો સીડીવાળો કૂવો મે મારી જિંદગીમાં આ એક જ જોયેલો. આ સમય પછી આવો કૂવો મને ક્યારેય જોવા મળ્યો નથી, ક્યાંય જોવા મળ્યો નથી. 

આ કૂવા પર ધમાલ મસ્તી કર્યા પછી અમે ફરી નેસડે પહોંચ્યાં ત્યારે રાતના વધેલાં રોટલાંને દહીં, દૂધમાં બારીક ચોળી તેમાં મીઠું નાખી કલેવો બનાવેલો હતો. એક ચૂલા ઉપર થોરના લાલ ટેંટા શેકાઈ રહ્યાં હતાં ને બીજા ચૂલા ઉપર દૂધ ઊકળતું હતું. તે દી લીલા મરચાં, ચોળેલા રોટલાનો કલેવો, શેકેલા ટેંટા ને ગરમ દૂધ ઇ જ અમારો સવારનો નાસ્તો હતો. એક બાજુ જ્યારે અમારો નાસ્તો થઈ રહ્યો હતો, ત્યારે ડ્રાઈવર કોઈક આતા ( વૃધ્ધ રબારી ) સાથે જૂનાગઢ જઈ મિકેનિકને લઈ આવેલ. લગભગ સવારે સાડા દસ વાગ્યાની આસપાસ અમે તે રબારીઓને અને તેમના નેસડાંને પાછળ છોડી તુળશીશ્યામને પંથે પડી ગયાં. આ વાત લખતી વખતે બીજી વાતનો ય ખ્યાલ આવે છે કે, એ સમયે અમે ક્યાં છીએ તે આગળની બે બસવાળાઓને ખબર નોતી. એમને તો એટલી જ ખબર હતી કે એક છોકરીની તબિયત ખરાબ થઈ ગઈ હતી, તો શું એ વખતે એમને ચિંતા થયેલી હશે કે આ આખી બસવાળા ક્યાં ગયાં? કે, તેઓએ એમ વિચાર્યું હશે કે સવારે જ હવે તપાસ કરવા જઈશું. કદાચ જ્યાં હશે ત્યાં સાથે જ હશે, સારું જ હશે તેમ પણ મન મનાવી લીધેલ હશે. આ એ સમય માટે અત્યારે જેટલાં સવાલ થાય છે તેટલાં સવાલ તે સમયે નોહતાં આવ્યાં. તે સમયે અમે તો કોણ જાણે ક્યા ઉત્સાહમાં ઊડતાં હતાં કે એ લોકો વિષે કે એ સમય વિષે વિચાર્યું જ નોતું. મને લાગે છે કે મારા જીવનને એ સૌથી સુંદર અને યાદગાર એ રાત હતી. તાપણાની આજુબાજુ બેસેલી એવી મને ત્યારે ખબર ન હતી કે, પરદેશમાં આવા સુંદર ફાયર કેમ્પ માટે લોકો ખાસ પ્રોગ્રામ બનાવતાં હોય છે. જે દિવસનો અનુભવ મને અનાયાસે મળેલો તેનાં બે-ત્રણ પ્રસંગોએ કાયમ માટે મારા મગજ ઉપર છાપ છોડી દીધી. એક તો નીતાબેનની હિંમત. જેઓ એકલા ડ્રાઈવરની સાથે મદદ શોધવા આગલી સાંજે નિકળેલાં. ન તેમને જંગલનો ભય હતો, ન ડ્રાઈવર પુરુષનો. બીજો અનુભવ એ કે કોઈપણ પ્રકારની આશા વગર રબારીઓ દ્વારા અમારું ધ્યાન રાખવું ને ઓછામાં ઓછી મળતી વસ્તુઓ દ્વારા પણ પેટ ભરી શકાય છે તે વાતને સમજવી. મને લાગે છે કે તે રાતના જમણે મારામાં જે ફેરફાર લાવ્યો તે વિશેષ હતો. આ પ્રસંગ પછી મારા જીવનમાં એવા કેટલાય પ્રસંગો આવ્યાં છે જેમાં એક દિવસથી લઈને મહિનાઓ સુધી માંડ એકાદ -બે જ વસ્તુ ખાવા મળી હોય અને મે ચલાવ્યું છે. મળ્યું છે, વેજીટેરિયન છે તો બસ એ ઘણું છે. ત્રીજો અનુભવ એ કે, જ્યારે જંગલ બોલતું હોય ત્યારે ખુલ્લા આકાશ અને ધરતી પર અંધારી રાત્રિમાં સૂવાનો અનુભવ કેવો હોય. રબારીઓ સાથે રાતવાસો કરીને નીકળેલ હું એ દિવસે અચાનક એક દિવસ મોટી થઈ ગઈ હતી. 

અમે તુળસીશ્યામ જતી વખતે અમે બે -ત્રણવાર સિંહ અને સિંહનાં ટોળાં જોયાં, ત્યારે જે રીતે અમે ઉત્સાહમાં આવી જતાં હતાં તે આનંદને આજે વ્યકત કરવાનાં કોઈ જ શબ્દો નથી. છે તો કેવળ એ દિવસનો, એ સમાનો અહેસાસ. ને એ સમયનો જે અહેસાસ આજે છે તે_ તે સમયે નોતો. તે વખતે તો અંતર હતું ઊંચાઈનું. અમે બસમાં જો બેસેલાં હતાં. બારીમાથી આ અંતર જોઈ એકાદવાર ઠસ્સો રહે તે રીતે શેખચલ્લીની જેમ બોલી લીધું કે, આવી રીતે સિંહ જોવા મળે ઇ કરતાં તો સિંહ સાથે સામસામે ભેંટો થઈ જાય તો કેવી મજા પડી જાય … પણ એ કેવળ બોલવાનો વાયરો હતો. આમેય બોલવામાં ક્યાં હાડકું વળે છે? પણ પંડિતો કહે છે ને કે વિચારીને બોલવું. અમારે માટે આ પંડિતોની ઉક્તિ સાચી પડવાની હશે તે વાતનો અમને સહેજે ય ખ્યાલ નોતો. 

તુલસીશ્યામ અમારી બસ ત્યાં પહોંચી ત્યારે ત્યાં એ એ એ ત્રીજી બસ આવી ગઈ, એ ત્રીજી બસ આવીનો દેકારો મચી ગયો. જે ત્યાં હતાં એ બસનાં દરવાજા પાસે આવી ગયાં, ને જેણે આ દેકારો સાંભળ્યો તે બધાં લોકો અમને જોવા માટે દોડી આવ્યાં. બસમાંથી નીચે ઉતરતાં જ ગઢવી સર મારે માથે હાથ ફેરવતાં બોલ્યાં, બેટા કેમ છે હવે તાવ છે કે ગયો? દવા લીધી કે નહીં? તમારી બસ ક્યાં રોકાઈ ગઈ તી? ગઇકાલે અમે બહુ રાહ જોઈ પણ રાત સુધી બસ નો આવી તો તારી તબિયતની ચિંતા થઈ ગઈ. હજુ ગઢવી સરનું બોલવાનું બોલવાનું પૂરું થાય તે પહેલાં શકુંતલાબેન, પુષ્પાબેન, કુસુમબેન બધાં જ ત્યાં આવી ગયાં ને એમના તરફથી યે એકસાથે કેટલાય પ્રશ્નોની તડાફડી ફૂટવા લાગી. અમારો સામાન જેવો બસમાંથી નીચે ઉતર્યો કે જેનાંથી જે ઊંચકાય, જેનો ઊંચકાય તેનો સામાન ઊંચકીને મારી બહેનપણીઓ ચાલતી થઈ ગઈ. તે વખતે તુલસીશ્યામ આજના જેવું ન હતું. તે નળિયાવાળું હતું બિલ્ડીંગ હતું. જેમાં લાંબી ઓસરી ને ૯ -૧૦ રૂમ ને રસોડું હતું. આજના પ્રમાણે જોઈએ તો ટ્રેનનાં ડબ્બા જેવી ડિઝાઇન હતી. રૂમોની સામે જ મંદિર હતું. બાકીનો ભાગ ખુલ્લો હતો. મંદિરને – રહેવાની જગ્યાથી થોડે દૂર ચાલતાં ગરમ પાણીનો કુંડ હતો. બાકી રહેલાં ચારેક રૂમમાં અમારો ઉતારો કરાયો. અમે પહોંચ્યાં એ દિવસનું બપોરનું જમવાનું બની ગયું હતું, તેથી પહેલો પાટલો અમારો જ પડ્યો. કદાચ મોડેથી આવવાનો એ ફાયદો હતો ને એ દિવસે અમે ખાસ હતાં. બપોરના જમણ પછી અમે નાહી ધોઈ આરામ કર્યો ને પછી મંદિર, કુંડ અને તેની આજુબાજુની જગ્યામાં ટેલ્લા માર્યા. સાંજનાં સમયે જ્યારે સૂરજદાદા મંદિરની પછીતે સંતાવાની તૈયારી કરી રહ્યાં હતાં ને કાળીયા ઠાકરની આરતી થવાની તૈયારી ચાલતી હતી તે સમયે શિક્ષકો પાસેથી પૂછાણ આવ્યું કે, રાતની રસોઈમાં કોણ કોણ મદદ કરશે? જે રસોડામાં મદદ કરવાનું હોય તે એક તરફ ને જે શાકભાજી સુધારવાના હોય તે બીજી તરફ ને ત્રીજી તરફ જે વાસણો ધોવામાં મદદ કરવાનાં હોય તે. આમ ત્રણ ભાગ પડી ગયાં. આ ટોળાંમાં ચોથો ભાગે ય હતો મારી બહેનપણીઓનો. જેઓ કોઈપણ કામમાંથી છટકી ગઈ હતી, તેથી મે ય એમની જ જેમ જ છટકવાનું વિચારેલું. પણ મારો એ વિચાર લાંબો ચાલ્યો નહીં. નીતાબેન આવીને મારો હાથ પકડીને રસોડામાં લઈ ગયાં. મારા ગઇકાલની એમને ખબર જો હતી. સવારનું વધેલું કેટલું છે એ જોઈ અમે મંદિરનાં મહંતશ્રીના પત્ની અને અન્યો સાથે રસોડાનાં કામમાં બીઝી થઈ ગયાં. 

એ રાતે પહેલી પંગત બેસાડવાની તૈયારી ચાલતી હતી. અમારા રૂમ બહાર રહેલી એ લાંબી પરસાળમાં પીળા બલ્બ ચાલું થઈ ગયાં હતાં. બેસવા માટે જાજમુ પથરાઈ ગઈ હતી. પતરાળીઓ ને વાટકીયું મુકાઇ ગઈ હતી. પતરાળીમાં ભાતે ય પીરસી દેવાયો હતો, ત્યાં એ સિંહ આઈવા…એ સિંહ આઈવા ની બૂમો પડવા લાગી. એ બૂમો દરમ્યાન લાગ્યું કે, કદાચ એકાદ -બે સિંહ કુંડ સુધી આવ્યાં હશે. પણ ચારેબાજુ જે દોડાદોડી ને કોલાહલ મચેલો હતો તે કોઈક જુદી જ વાત દર્શાવી રહ્યું હતું. આ કોલાહલની ધમાલ સાંભળી અમે ય રસોડેથી બાર આવીયા ત્યાં જ મહંતજી દોડતાં દોડતાં આવ્યાં ને હાકલ મારી, એ છોડી યુ ભાગો ભાગો તમારા ઓયડામાં જાવ ને દરવાજા બંયધ કરો, એ છોડીયુ જલ્દી કરો કરો, જે જેનાં ઓયડા હોય ત્યાં ભાગો. મહંતજીની બૂમો સાંભળી એકાદ શિક્ષકે પૂછ્યું યે ખરું; કે કેટલા સિંહ છે? ક્યાં છે? શું કૂંડે દેખાણાં કે મંદિરની આગળપાછળ છે? આ સાંભળી મહંતજી કહે, એ એકલો બાપ નથી આખેઆખું ટોળું છે ને નજીકમાં જ છે આંયાં લગણ આવતા વાર નહીં લાગે બાપ, માટે પૂછો માં મારો બાપ ક્યાં છે એમ કહેતાં એ બાર ની તરફ ભાગ્યાં. અમે તો પે’લા તો દોડાદોડી જોઈને જ ઘાંઘા થઈ ગ્યાં તાં એમાં મહંતની બૂમોએ હાજા ગગડાવી નાખ્યાં…પછી ત્યાં ઊભા રેવાય? પછી તો ..એ ..ને જમવાનું રહ્યું એને ઠેકાણે ને એ દોડાદોડીમાં પતરાળાઓની ને એમાં પીરસાયેલ ભાતની તો રેલમછેલમ થઈ ગઈ. છોકરીયું બધી ભરાઈ ગઈ રૂમોમાં …એ ને.. જેને જ્યાં જગ્યાં મળી ત્યાં, ને બે-ચાર ને તો એનાં ઓયડામાં ન જવા દેતાં જે ઓયડાનું બાંયણું ખુલ્લું હતું ત્યાં ખેંચી લીધી. ને પછી તો ધડાધડ બાંયણાં થઈ ગ્યાં બંધ, ને રસોડામાં રહેલાં અમે વિચારવા લાગ્યાં કે એ ..આ મહંતજી તો બાર ભાગ્યાં છે તો ઇ જાય છે ક્યાં? પણ ઇ વખત જવાબ મેળવવાનો નો’તો. 

અત્યાર સુધી તો સિંહ આઈવાની બૂમો સંભળાતી હતી, ત્યાં હવે શાંતિ છવાયેલી હતી, સિંહોની ત્રાયડું વધુ ને વધુ નજીક સંભળાતી હતી. એ રાતે અમે સિંહો તો નોતાં જોયાં, પણ બાંયણાની પાછળથી કેટલીવાર સિંહની ત્રાયડું ને ડણક આવી તે અમે ગણતાં ર્યા. પ્રત્યેક પળે એમ લાગતું હતું કે સિંહ આંહી જ છે પરસાળમાં જ છે. બીજી બધી છોકરીઓ જ્યાં ઓયડામાં બંધ હતી, ત્યાં હું મારી સાથેની અમુક બહેનપણીઓ નીતાબેન, મહંતજીનાં પત્ની એમ અમે કુલ ૬ -૭ જણાં રસોડામાં ભરાયેલ હતાં. રસોઈનો ધુમાડો બહાર નીકળતો રહે તે માટે બારીઓ ખુલ્લી હતી પણ આ સિંહોથી અમે એટલાં બી ગયાં હતાં કે બારીનાં સળીયામાંથી હાથ બહાર કાઢી બારી બંધ કરવા માટેની યે બીક લાગતી હતી, તેથી બારી પાસે ઊભા રેવાનું તો ઠીક બારી પાસે બેસેલાં યે નો’તા. એ રાતે અમને લાગતું હતું કે, સિંહોનું ટોળું અહીંથી થોડીવારમાં નીકળી જાશે, પણ એવું થયું નોતું. મહંતજીનાં પત્ની સિંહનાં અવાજ પરથી નક્કી કરતાં હતાં કે, સિંહ ક્યાં હશે. દૂરનો અવાજ છે કે નજીકનો. મહંતાણીજીની એ નજીક ને દૂરની વાતથી મને આગલી રાતે કરેલ તારા દર્શનની યાદ આવી ગઈ ને સાથે ઓલા રબારીઓનાં એ ખુલ્લાં નેસડાંની યે યાદ આવી ગઈ. એ નેસડાંમાં અમને જેટલી બીક લાગતી તી એનાં થી ત્રણ ગણી વધુ બીક અમારા આ સમયે અમને આ બંધ રસોડામાં લાગતી હતી. ને એમાં યે બારની તરફ ભાગેલા મહંતજીની ચિંતા યે થાતી’ તી. એ ચિંતાને ને એના એ પ્રશ્નો સાંભળી પાછળથી મહંતજીનાં પત્ની બોલી ઉઠેલાં કે ઇ બાર ગ્યાં ઇનો અરથ એમ કે ઇ મંદિરમાં ગ્યાં હશે, કદાચને કોઈ છોડીયું કે માસ્તરસાહેબ ત્યાં રહી ગ્યાં હોય. કારણ કે આ ધમાલમાં માસ્તર સાહેબને તો ક્યાંય જોયાં નથી. ઇ સાંભળીને પાછળથી અમારા મગજમાં યે બત્તી થઈ ગઈ એટ્લે ઇ દોડાદોડીમાં જોયેલાં ચહેરાઓને યાદ કરવાં લાગ્યાં.  

તે દિવસે અમારી રાત જલ્દી પડી ગઈ. સિંહો કેમેય જવાનું નામ લેતા નોતા, પણ અમારે માટે જમવાનું ઘણું જ હતું. આ સમયે અમે મહાભારતના બકાસુર ને ભીમની વાર્તાની યાદ આવી ગઈ. કંઈક એવી જ સ્થિતિ અમારે માટે હતી ને જે ભૂખ્યાં હતાં ઇ બધાં યે બંધ બારણાંની પાછળ હતાં એટ્લે રસોડામાંથી અમારે બાર નીકળવાનો સવાલ નો’તો. અમે રસોઈને ઢાંકીને મૂકી દીધી ને જેટલી થાય એટલી સાફસૂફી કરવા લાગ્યાં. આ સાફસૂફી કરતી વખતે થોડો યે અવાજ થાય તો મહંતજીના પત્ની અમને શાંતી રાખવાનો ઈશારો કરતાં તાં. તેઓ અમને વાત કરવા દેતાં નોતાં, ને પાછા પોતે તો વારેવારે ઉપર જોતાં તાં. એ ઉપર જોવે તો અમે ય ઉપર જોતાં તાં પણ ઉપર તો દીવાલને નળીયા સિવાય કાંઇ નોતું તો ઇ ઉપર જોતાં તાં કેમ એ વાત અમે ત્યારે સમજી શક્યાં નોતાં. એ રાતે અમે તો મોડે સુધી સિંહો જાય તેની રાહ જોતાં ર્યા તાં પણ સિંહોનો ચોકીપહેરો લગાતાર ચાલતો ર્યૌ એટ્લે અંતે અમે બધાં ય રસોડામાં જ સૂઈ ગયાં. 

સવારે જ્યારે બારણાં પર ઠોકવાનો અવાજ આવ્યો ત્યારે અમે દરવાજા ખોલેલાં. સિંહોની રાતની પહેરદારી પૂરી થઈ ગઈ હતી ને અમે ય તેમનાં સકંજામાંથી છૂટા થઈ ગ્યાં તાં. જેમ અવાજ વધતો ગયો તેમ તેમ બીજા રૂમો પણ ખૂલવા લાગ્યાં. એકબીજાને વાત કરતાં કરતાં નવી નવી વાર્તાઓ સામે આવવા લાગી, પણ ગઇકાલની જેમ નવીન વાર્તા તો અમારી પાસે જ હતી. જે રૂમમાં બીજી છોકરીયુ હતી તેઓએ બધાંના સામાન ફેંદી જે નાસ્તો મળ્યો તે જ ખાઈ લીધેલો, ને અમારી પાસે ભીમ ને બકાસુર બેય ખાઈ શકે તેટલું જમવાનું પડ્યું હતું પણ અમારામાંથી કોઈ ભીમ કે બકાસુર બની નોતું શક્યું. બીજી વાત એ બનેલી કે મહંતાણીજી જે અમને શાંતી રાખવાનું કહેતા’તાં એ એટલાં માટે કે બે-ત્રણ સિંહ પાછળની વંડી ઉપરથી નળીયે ચઢેલા. હવે તેને નીચેથી અવાજ આવે તો કાંક પંજાથી નળીયા ને ખસેડવા માંડે તો.. મહંતજી જેઓ મંદિર તરફ ભાગેલા તેમનું યે અનુમાન સાચું પડેલું. ગઢવીસર, ડ્રાઈવર અને અમુક છોકરીયુ મંદિરમાં જ સલવાઈ ગયાં તાં. તે રાતે એ લોકોએ કાળીયા ઠાકરનો જે પરસાદ ત્યાં હતો તેનાંથી જ પેટ ભરેલ. આગલે દિવસે અમે છોકરીયું એ મજાક મજાકમાં કીધું કે સિંહો ને આપણે સામસામે થઈ જાઈએ તો કેવી મજા પડી જાય. એ શેખચિલ્લી વિચાર અનાયાસે સાચો પડી ગયો હતો તેનું ભાન ત્યારે નોતું, પણ મોટા થયાં પછી તેનો ખ્યાલ આવેલો. ( જો’કે મારે માટે આ શેખચિલ્લીવાળા વિચારનો એક જ પ્રસંગ નહોતો, જીવન વહેણમાં આવો જ એક વિચાર આવેલો અને તેને અનુરૂપ અનાયાસે બોલી યે નાખ્યું તું અને તે પ્રસંગનો અંત બહુ દુઃખદ હતો. આપણે ય કેવા છીએ નહીં. જે આપણે ભૂલ નાનપણમાં કરીએ છીએ તે જ ભૂલોને આપણે મોટા થયાં પછીએ દોહરાવીએ છીએ.) 

તુલસીશ્યામની સવારની આરતી પછી અમે રાતનો ભાત વઘારી નાખેલો ને પછી એને જ નાસ્તા તરીકે લીધો અને પછી તુલસીશ્યામને આવજો કહી ગીરના બીજા સ્થળ કનકાઇ માતાનાં મંદિરે જવાં નીકળ્યાં. કનકાઈ માતાનાં મંદિરે જઈ અમારે બપોર માટે બીજું જમવાનું બનાવવાંનું હતું, પણ કામ ઓછું થાય તે માટે અમે તુલસીશ્યામથી નીકળતી વખતે આગળની રાતે બનાવેલ પૂરીનો થપ્પો સાથે લઈ લીધેલો. તુલસીશ્યામથી કનકાઈનાં રસ્તા વચ્ચે ય અમે સિંહો જોયા પણ ગઇકાલની ધમાલ પછી હવે અમને સિંહો જોવામાં રસ નો’તો એટ્લે એઓ પડ્યાં એમને રસ્તે ને અમે પડ્યાં અમારે રસ્તે. 

કનકાઈ માતાના મંદિરમાં અમે રાતવાસો કર્યો હતો કે નહીં તે વિષે યાદ નથી, પણ હા જ્યારે અમે પહોંચ્યાં ત્યારે બપોરે અગિયાર -બાર થ્યાં હઇશે. કનકાઇ માતાનાં મંદિર પાસેથી હિરણ નદી વહેતી હતી. આ નદીને જોઈ ઠંડા પડી ગયેલાં અમે બધાં ય પાછાં ઉત્સાહમાં આવી ગયાં. કનકાઈ માતાનાં દર્શન કરી બપોરનું જમણે ય અમારે ત્યાં જ કરવાનું હતું તેથી થોડો સમય અમારી પાસે હતો. કનકાઈ માતાનાં મંદિરે મને ને બીજી છોકરીયુંને રસોડાનાં કામમાંથી છૂટી કરી દેવામાં આવી ને અમારી ઇ જગ્યામાં બધાં યે શિક્ષકોએ લઈ લીધેલી. મને બરાબર યાદ છે કે એ દિવસે પૂરી સાથે જાય એટલાં માટે બટેટાનું શાક બનાવવામાં આવેલું ને સાથે ચુરમાનાં લાડવાં બનાવવાંમાં આવેલાં. કહેવાય તો બે જ વસ્તુ પણ આટલાં મોટા જથ્થા માટે બનાવવું એ મોટી વાત થઈ જાય. જ્યારે અમારા શિક્ષકો રસોઈમાં હતાં ત્યારે અમે માતાનાં દર્શન કરી નદીનાં પટ તરફ ગયેલાં. નદીનાં પટ ઉપર ઘોડેસવારની ખાંભીઓ હતી, ત્યાં યે માથું નમાવી નદીમાં રહેલ માછલીઓ સાથે રમવા ચાલી નીકળ્યાં.

નદીનાં પટ ઉપર અમે છોકરીયું એવી તે ધમાલ મચાવી કે વાત પૂછો માં. હિરણનાં એ ચોખ્ખાં પાણીમાં માછલીયું સાથે રમવાને બદલે પાણીને ડહોળી નાખી રમવા નીકળેલી બધી માછલીઓ ને અમે ત્યાંથી ભગાડી મૂકેલી. હિરણનાં એ પાણીમાં અમે થોડીવાર માતેલી હાથણીઓની જેમ રમ્યાં પણ વધારે રમવાનો આનંદ અમને મળેલો નહીં. કારણ કે મંદિરમાં કામ કરતાં કોઈક પૂજારી બહાર ગયાં હતાં તેઓ પાછા આવ્યાં ત્યારે તેમણે ય વગર કારણે અમારી ઉપર ગુસ્સો કરી અમને નદી પાસેથી તગેડી મૂક્યાં. કદાચ માછલીઓનું વેર એ વાળતાં હતાં. પૂજારીજીનાં ગુસ્સાને કારણે અમે પાછા મંદિરમાં પહોંચી ગયાં, પણ આવી સરસ નદી છોડીને મંદિરમાં બેસવાનું કોણ? આથી અમે થોડી થોડીવારે મંદિરમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતાં રહ્યાં, પણ મંદિરનાં દરવાજે બેસેલ માણસે અમને બહાર જવાં જ ન દીધાં. પાછળથી ખ્યાલ આવેલો કે અમે જ્યાં રમવા ગયાં હતાં તે જગ્યાંથી થોડે જ દૂર સિંહો મારણ ખાઈ રહ્યાં હતાં. કનકાઇ પછી અમે ક્યાં ગયાં હતાં તે વિષે આજે કશું જ યાદ નથી, પણ હા આજે તુલસીશ્યામની એ રાતની યાદ આવે છે ત્યારે મને સિંહોનાં એ ઘૂઘરાટની, તેની ડણકની, તેની ત્રાડની અને તેની ચાલની યે યાદ આવી જાય છે; જેથી કરીને હું મારા એ જ સમયનાં, એજ ઉંમરનાં મનનાં રસોડાંમાં ને ઓયડામાં પુરાઈ જાઉં છું. 

© ૨૦૧૯ પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ (૩/ ૬ /૨૦૧૯ ગુરુવાર)
purvimalkan@yahoo.com

 

 

 

 

 

 

 

 હિરણ નદી

 

 

 

 

 

હિરણનદીને કાંઠે રહેલી ખાંભીઓ

 

 

 

 

 

 

થોરનાં ટેટા

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s