મોદીની હવેલી -૭ (પૂર્વી મલકાણ)


૭. રેલ

डर हमको बहोत लगा था उस रात की सफर में,

पर कई वक्त के बाद हमको मिल ही गई थी एक हसीन सुबह ।

આ શબ્દ સાંભળીને આપને અશોકકુમારનું ગાયેલું રેલગાડી ..રેલગાડી ચોક્કસ યાદ આવી ગયું હશેને આપ મનમાં ગણગણતાં પણ હશો. પરંતુ આજ ની આપણી યાત્રા એ રેલગાડી વિષે નથી પણ પુર વિષે છે. અમારા બગસરામાં ચોમાસામાં ઉપરવાસ વરસાદ થવાથી જ્યારે જ્યારે સાતલડીનાં પાણી બેય કાંઠેથી વહેવા લાગતાં ત્યારે અમે બોલતાં કે એ.. નદીએ કોઈ નો જાતાં રેલ આવી છે. સાતલડીની એ રેલ એ વખતમાં જૂની બજારથી લઈ રત્નેશ્વર મા’દેવ તરફ જતાં બેઠાંપુલને તો સાવ જ પોતાની અંદર ગરક કરી દેતી પણ એ વખતે અમારા રત્નેશ્વર મા’દેવે ય ચૂપ જ બેઠાં રેતાં. આ રેલના સમયમાં અમારી સાતલડી બહુ બળુંકી બની જાતી એ …ને ચોમાસુ આવે તે એને શું થતું એ જ ખબર્ય નોતી પડતી. એ તો એય ને એની જ મસ્તીમાં ગાંડીતૂર્ય બની ટ્રેનનાં ડબ્બા જેમ ધસમસતી એ આવતી ને પોતાની સાથે પાણીનો જથ્થો, પનિહારીઓની ગાગરડી, ઈંઢોણી, ચુંદડી બધું યે ઘસડી લાવતી…. ને અમારા હાથમાં કોઇકની વસ્તુ પરાણે પકડાવી દેતી. પહેલા તો સાતલડીમાંથી ખેંચીને આણેલી આ બધીયે વસ્તુ અમે ઘરે લાવતાં ત્યારે મોટી બા ખીજાતા કે “આમ કોઇની વસ્તુ લાવવાની નહીં, તમારી નો હોય ને, નદીએ આપી હોય તો કાળિયા ઠાકરની હવેલીનાં ચોકમાં મૂકી આવવાની જો ગામનાં કોઇની વસ્તુને સાતલડીએ તાણી હશે તો ત્યાં આવીને લઈ જાહે, ને ઉપરવાસથી આઈવી હશે તો મંદિરમાં વપરાઇ જાહે.” મોટી બાની વાત સમજીને પછી તો અમે ય નદીએ પરાણે પકડાવેલ વસ્તુઓને ઘરે લાવવાનું મૂકી દીધેલું. સાતલડીનાં પાણીથી શરૂ થયેલ આ રેલે ત્રણવાર મારા જીવનમાં  ટકોરા દીધાં, જેમાંથી બે પ્રસંગ બહુ યાદગાર રહ્યાં. આ બંનેમાંથી એક પ્રસંગ મને પોરબંદર તરફ લઈ જાય છે.

મારે બે ફૈબા. જેમાંથી નાના ફૈબાનાં પતિ બેન્કમાં હોઇ તેમની બદલી વારંવાર થતી. એટ્લે ફૂવા ને ફૈબાનો પાંચ બાળકો સહિતનો પરિવાર એક એક બે બે વર્ષે ફરતો રહેતો. આ પાંચ બાળકોમાં હતાં ચકલી, દડી, સાંગી, સેતા અને ગોરો. ફૈબાનો આ પરિવાર જ્યાં જતો ત્યાં મારું યે એક ચક્કર હંમેશા રહેતું. આમ ફૈબાની પાછળ મે પણ સૌરાષ્ટ્રનાં ઘણાં બધાં ગામો જોઈ લીધેલાં. આવી જ વારંવારની બદલીઓમાં એકવાર ફુવાની બદલીનું ચક્કર પોરબંદર પહોંચેલું હતું. જન્માષ્ટમીનાં દિવસો નજીક હતાં. એમાં ફૈબાએ કહેણ મોકલ્યું કે નિશાળમાં રજા યુ આવે છે તો છોકરીયું ને મોકલો. ફૈબાનું આમંત્રણ હોય પછી ઊભા રહેવાય?

ફૈબાની સોસાયટીમાં અમારા જેવડી જ બીજી બે-ત્રણ છોકરીયું હતી, તેની સાથે મારી, ચકલીની અને દડીની ધમાલ આખો દિવસ ચાલતી રહેતી. સાંજે ફૂવા આવે ત્યારે તેઓ અમને બધાંને ચક્કર મરાવવા લઈ જતાં. એક દિવસની સોનેરી સવારમાં ફૈબા કહે, પૂરવી તને સમોસાં બનાવતાં આવડે છે? મે કહ્યું, ના. તો કહે, ચાલ હું તને શીખવાડું આજે સાંજે ફૂવા આવે ને પછી આપણે દરિયાકિનારે જાશું ને આપણી સાથે સમોસા ય લઈ જાશું. એ સમોસા લેશનમાં અમે બધાં યે છોકરાઓ લાગી ગયાં. સાંજે દરિયે જો જવું તું. દરિયાનાં પાણીમાં ઊભા રહી સમોસાં ખાવાનો લ્હાવો એ સમય માટે બહુ મોટો ગણાતો. રસોડાંમાં જ્યારે અમારું કામ થઈ રહ્યું હતું ત્યાં ઉપરથી પાડોશી બેન આવ્યાં. ( નામ યાદ નથી, તેમની અટક ભાલોડીયા હતી ) તેમણે જ્યારે જાણ્યું કે અમે સાંજનાં સમયે દરિયે જવાનાં તો તેઓ પણ અમારી સાથે તૈયાર થઈ ગયાં તેમણે કહ્યું કે તેઓ ચણાનાં લોટની પાપડી ને ઢોકળા બનાવશે. આમ અમારા સાંજ પ્રવાસની તૈયારીઓ થવા લાગી, પણ બપોર થતાં સુધી વાતાવરણ બદલાઈ ગયું. વરસાદનાં વાદળોનું આક્રમણ થઈ જતાં સૂરજદાદા એનાં તડકાને લઈ ત્યાંથી રફુચક્કર થઈ ગયાં. અમે બહુ ઉત્સાહમાં હતાં, તેથી વરસાદનું આવવું અમને ગમ્યું નહીં પણ શું કરવાનું? સાંજે ફૂવા આવ્યાં ત્યારે અમે બહાર જવાનું માંડી વાળ્યું. ઉપરવાળા ભાલોડીયાબેનનો પરિવાર નીચે આવ્યો. ઘરમાં અમે ઘણાં બધાં હતાં તે વ્યાપાર, પાના ને ચોખંડાની રમત લઈને બેસ્યાં ને અમે ઘરમાં જ હુલ્લડ મચાવ્યું. એ સાંજથી શરૂ થયેલ વાદળોની  ઓછીવધતી ધમાચકડી સતત બે દિવસ રહી. ત્રીજે દિવસે બપોરે જ્યારે વાદળોએ પોરો લીધો ત્યારે અમને ય શાંતિ થઈ. સાંજે ફૂવાએ અમને કહ્યું, છોકરાઓ દરિયે જાશું? કે’ય છે કે વરસાદમાં દરિયોય નાચતો હોય છે. ફુવાની વાત સાંભળી અમે બધાં યે આનંદમાં આવી ગયાં.

 જેટલું હુલ્લડ અમે ઘરમાં મચાવેલ તેનાંથી વધુ હુલ્લડ અમે દરિયે મચાવ્યું. તોફાની થયેલાં દરિયામાં થોડી થોડી વારે પગ બોળી અમે તેને વધુ ખીજવીને બહાર નીકળતાં. સામે દરિયો યે અમને ગળી જવા માંગતો હોય તેમ આગળ વધતો પણ અમારી ટોળકી પાસે અંતે હારીને પાછો ફરી જતો. જ્યારે રાતના ઓળા દરિયામાં સંતાવાની કોશિષ કરી રહ્યાં હતાં ત્યાં પાછો વરસાદ ચાલું થઈ ગયો જેથી કરીને અમે ઘરે પાછા વળ્યાં. ઘરે આવીને અમે જમીને રસોડું સાફ કરી રહ્યાં હતાં ત્યાં એ પાણી આયવું …એ પાણી આયવું એવી સોસાયટીમાં રીડીયામણ થઈ ગઈ. એ રાડુંનાં અવાજ સાથે અમેય ઘર બહાર નીકળી જોવા નીકળ્યાં, પણ અંધારાને કારણે કાંઇ દેખાયું નહીં. અંતે વિચાર્યું કે આપણી સોસાયટી તો પોરબંદરનાં ઊંચા વિસ્તારમાં છે તો પાણી કેવી રીતે આંહી ઘૂસી આવે? એવું હશે કે કદાચ બીજી સોસાયટીમાં થોડુંઘણું પાણી આવ્યું હશે એમ વિચારી પાછા બારણાં બંધ કરી ઘરમાં ભરાઈ ગયાં.

મધ્યરાત્રિનો સમય હતો. ઘર બહાર વરસતાં વરસાદનું એક મધુરું સંગીત આછું આછું સંભળાતું હતું તો ઘરની અંદર સૂતેલા અમારાં બધાંનાં નાના-મોટા નસકોરાંનો અવાજ ઘરની દીવાલોને ગુંજાવી રહ્યો હતો. આ અંદર બહારનાં સંગીત સિવાય અમે બીજી બધી જ પ્રવૃતિથી અજાણ હતાં. અચાનક જ અમારાં પગને ભીના થવાનો સંકેત મળ્યો. ઘરમાં રહેલ એકાદ ઉંદરડું પણ દોડાદોડી કરવા લાગ્યું, ગાદલું અચાનક ભીંજાઇ ગયું. ઠંડીને કારણે ખેંચાતી અમારી રજાઈ ભારે અને ભીની લાગવા લાગી ત્યારે કશુંક અજુગતું થયાંનો ખ્યાલ આવ્યો ને અમે બધાં ય ભી ઢબ ઢબ કરતાં ઊભા થઈ ગયાં. જેવા અમારી પથારીમાંથી અમે બહાર પગ દીધો કે પગમાં પાણી ફરી વળ્યું જેથી અમને ખ્યાલ આવી ગયો કે મોડી સાંજે જે પાણી આવ્યાંની જે રાડું અમે સાંભળી તી એ સાચી હતી. ઘરમાં આટલું બધુ પાણી જોઈ અમને ખબર પડતી નતી કે હવે શું કરશું. ત્યાં ફૈબા કહે; ચકલી લાઇટ ચાલું કર તો બેટા. તે સાંભળી ફુવા બોલ્યાં ના હોં ..પાણીમાં લાઇટને નો અડકાય પછી ફૈબાને કહે; બેઉ ( ફૈબાનું હુલામણું નામ આ નામથી ખાલી ફુવા બોલાવતાં હતાં.) રસોડામાં જઇ ઉપરનાં કબાટમાંથી વેલણ ફંફોસી આવો તો….

ઘરનાં અંધારામાં ધીમે ધીમે ચાલતાં ફૈબા રસોડાં તરફ ગયાં, ને બોલ્યાં એ સાંભળો છો ..? આંયાંય પાણી છે. પછી ધીરે ધીરે કબાટ પાસે જઈ વેલણ શોધીને લઈ આવ્યાં ને ફુવાને આપ્યું. એ વેલણથી ફુવાએ લાઇટ ચાલું કરી. પછી અમે બધાં યે રૂમમાં પાણી પાણી જોયું જેમાં અમારા પંજા ડૂબી ગયાં હતાં ને પગ ડૂબવાની તૈયારી કરતાં હતાં. હવે ઘરમાં બેસાય એવું રહ્યું ન હતું. ફૈબાનાં ઘરનાં ફળિયામાંથી ઉપર જવાનો રસ્તો હતો જ્યાં ભાલોડીયા પરિવાર રહેતો હતો. અમે ભાલોડીયા પરિવારનાં ઘરનાં બારણાં ખખડાવીએ એ પહેલાં ફૈબાએ મીણબત્તી ને દિવાસળીનાં બાકસ લીધાં ને થેલીમાં ભરી અમારાંમાંથી કોઈને આપી. પછી, તેઓ કબાટ પાસે ગયાં અને કબાટ ખોલી અમારા બધાંનાં બે -બે જોડી કપડાં એક એકનાં હાથમાં પકડાવ્યાં. અમને ધીરે ધીરે ફળિયામાં જવાં કહ્યું. એકાદ મીણબત્તી ફૈબાએ હાથમાં રાખી ને ગેસનો ચૂલો નીચેથી બંધ કરી દીધો. પછી ફુવાએ પાછી લાઇટ લાકડીથી બંધ કરી અને મેઇન બોકસ પાસે ગયાં અને મેઇન સ્વિચ બંધ કરી દીધી. ઘરમાં પાછો અંધકાર થઈ ગયો હતો, જેને હવે કેવળ ફૈબાનાં હાથમાં રહેલી મીણબત્તીનો પ્રકાશ જ ચીરી રહ્યો હતો. ફળિયામાં આવી ફૈબાએ ઘરનું બારણું બંધ કર્યું ને અમે બધાં થોડાં અંધારામાં ને થોડાં અજવાળામાં પગથિયાં ગણતાં ગણતાં ઉપર ચડવા લાગ્યાં.

ઉપર ગયાં બાદ અમે ભાલોડીયા પરિવારને ત્યાં આશરો લીધો. બીજે દિવસે ય સતત વરસાદ વરસતો રહ્યો, અમે ઉપરની ગેલેરીમાંથી પાણી ક્યાં સુધી આવ્યું તે જોતાં રહ્યાં, ને જોતજોતાં અમારું ઘર અડધું પાણીમાં ડૂબી ગયું. અમને હવે બીક એટલી જ હતી કે પાણી હજુ ઉપર ન આવી જાય. પણ એ રીતે અમે નસીબદાર રહ્યાં. પાણી ઉપર તો ન આવ્યું, પણ પાણી એટલું ઘટ્યું પણ નહીં. અમે ભાલોડીયા પરિવારને ત્યાં ભલે રહ્યાં, પણ આટલા બધાં લોકોને માટે હવે દાળચોખાની વ્યવસ્થા તો કરવી પડે ને, કારણ કે ઘરમાં કેટલું હોય? ને આતો અણધાર્યું થયું હતું. ત્રીજે દિવસે થોડું પાણી ઓછું થતાં હું, ફૈબા ને ફુવા પગથિયાં પર રહેલ કાદવમાં લપસતાં અમારાં પગલાંને સાચવતાં કેડસમાણાં પાણીમાં નીચે ઉતર્યા. અમારું ઘર ટાપુમાં ફેરવાઇ ગયું હતું. ઘરનું બારણું ખોલતાં જ થોડુંઘણું પાણી બહાર ધસી ગયું ને પાછું ઘરમાં ભરાઈ ગયું. ઘરમાં જતાં જ અમે જોયું કે, ઘરની દરેક વસ્તુઓ પાણીમાં હિલોળા લઈ રહી હતી. દાળનો પ્લાસ્ટિકનો ડબ્બો, કાંદા -બટેટાની બાસ્કેટ સાથે રમત રમી રહ્યો હતો, કપડાં તરી રહ્યાં હતાં. ગાદલાં ને તકીયા પાણી ભરાઈ જવાને કારણે ભારે થઈ ગયેલાં. વાટકીઓ પોતાની અંદર થોડું થોડું પાણી ભરી એક રૂમમાંથી બીજા રૂમ સુધી તરવાની કોશિષ કરી રહી હતી ને ચમચીયું તો પોતાનાં ભારમાં જ નીચે બેસી ગઈ હતી. અમે ઘરમાં જઈ ખાવાની જે જે વસ્તુઓ તરી રહી હતી તેને ઊંચકી ઊંચકીને બહાર લાવ્યાં જેમાંથી મોટાભાગની વસ્તુઓ ખરાબ થઈ ગઈ હતી ને કાંદા, બટેટા, લસણ, બીટ, ટામેટાં, મરચાં જેવાં શાકભાજી સરખી રીતે ધોવાઈ ગયાં હતાં.

અમે એ ભાલોડીયા પરિવાર સાથે રહી રહ્યાં હતાં ત્યારે અમે બારીમાંથી બહાર જોતાં ત્યારે અમારી સોસાયટીમાં અમને નાની નાની હોડીઓ તરતી દેખાતી. એ હોડી જોઈને અમને ય તેમાં બેસવાનું મન થઈ જતું, પણ એ સમય આનંદનો નોતો. અમારી જેમ અનેક પરિવાર એવા હતાં જેમને એ હોડીની જરૂર હતી. આ બાજુ બગસરામાં અમારી સોસાયટીની સાથે પોરબંદરનાં અનેક ઘરો ટાપુઓમાં ફેરવાઇ ગયાં હતાં તેનાં સમાચાર તેમને રેડિયો પરથી મળ્યાં. એક તો દરિયો ને માથે રેલ.. આ બંને વાતથી ડરી જઈ મોટી બા એ કેરોસીનનાં બે ડબ્બા ને કરિયાણાનાં ત્રણ કોથળાં ભરાવ્યાં. આ વસ્તુઓને લઈ બગસરાથી વિરેનભાઈ નીકળ્યાં પણ તેમને પોરબંદરની સીધી બસ મળી નહીં. તેથી બગસરાથી હડાળા, હડાળાથી રાણપુર, રાણપુરથી ધોરાજી, ધોરાજીથી બીજે ક્યાંક એમ કરતાં કરતાં ૧૦ બસ બદલતાં બદલતાં તેઓ પોરબંદર પહોંચ્યાં.

અમે લગભગ અઠવાડિયું ભાલોડીયા પરિવાર સાથે રહ્યાં, ત્યાં સુધી અમે અમારા ઘરમાં તરવા નીકળેલ શાકભાજીને ધીરેધીરે વાપર્યા, ત્યાર પછી જે કઠોળ બચી ગયેલું તેનો ઉપયોગ કર્યો, પણ મોટેભાગે ખિચડી ને અથાણાં પર સપાટો બોલાવ્યો. જ્યારે રેલનાં પાણી ઓસર્યા ત્યારે અમે ઘરે ગયાં. ઘરમાં અમારી એકપણ વસ્તુઓ સારી રહી ન હતી. અમારી એ સાફસૂફી ચાલતી રહી, એ દરમ્યાન બગસરાથી આવેલ વસ્તુઓ અમને ખૂબ ઉપયોગી રહી. પણ તોયે અમે રાતનાં સમયે તો ઉપર જ જતાં. જ્યારે પોરબંદરમાં બસ વ્યવસ્થા સરખી થઈ ત્યાર પછી હું રાજકોટ ગઈ. મારા રાજકોટ ગયાં પછી યે ફૈબાનાં ઘરનું કામકાજ ચાલતું રહ્યું. રેલ આવી ને રેલ ગઈ પણ યાદો અનેક છોડતી ગઈ. આ પ્રસંગ પછી રાજકોટનાં અમારા ઘરમાં યે રેલ આવી ગઈ હતી, પણ તે પાણી એટલાં ન હતાં કે ઘર ડૂબી જાય, પણ પાણી એટલું તો હતું કે ઘરનો દરેક રૂમ બેટ બનેલો દેખાય. રેલ સાથેનો મારો ત્રીજો પ્રસંગે ય બહુ યાદગાર રહ્યો પણ એ પ્રસંગ કંઈક અલગ રીતે જ દસ્તક દઈ ગયો.

નોંધ:-

  1. ફૈબાની સોસાયટીની પાછળ એક કેનાલ હતી. આજુબાજુ થતાં નવા નવા ઘરોને કારણે આ કેનાલ પુરાઈ ગઈ હતી જેને કારણે એ વધારાનું પાણી સોસાયટીમાં ઘૂસી આવેલું. જો એ કેનાલ ખુલ્લી હોત અને લોકોએ તેનું ધ્યાન રાખ્યું હોત તો આ રેલનો પ્રસંગ ન બનત.

  2. પાણી હોય ત્યારે લાઇટને અડકવા માટે હાથનો ઉપયોગ ન કરતાં લાકડીનો ઉપયોગ કરવો જોઈએ તેવો મને પાઠ મળ્યો હતો. પાછળથી આ અંગે ફૂવા સાથે વાત થતાં આપે સમજાવેલ કે બૂટમાં રબ્બર હોય તેથી બૂટનો ઉપયોગ પણ થઈ શકે, પણ તે દિવસે બૂટે ય ભીના થઈ ગયાં હતાં તેથી લાકડીનો ઉપયોગ સલામત માનેલો.

  3. પૂરવી આ જો, આ ચમચીયું તો પોતાનાં ભારમાં જ નીચે બેસી ગઈ છે એમ ફુવાએ એ દિવસે કીધેલ, ( મૂળ વાક્ય ) પણ ચમચીયું એ શબ્દને સમજતાં વર્ષો વીતી ગયાં.

  4. બગસરાથી સામાન લઈને નીકળેલાં વિરેનભાઈને પોરબંદર પહોંચતા ૨ થી અઢી દિવસ દિવસ થયેલા.

  5. ફૈબાનાં છોકરાઓનાં નામ એ નાનપણનાં છે, મૂળ નામ તેઓએ મૂકવાની ના કહી હોઈ અહીં તેનો ઉલ્લેખ કર્યો નથી.

  6. આ લેખ માટે તમામ પાત્રોની યાદોનો ઉપયોગ કર્યો છે, જ્યારે ફૂવાની કેવળ યાદો રહી છે.

©૨૦૧૯ પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

purvimalkan@yahoo.com

રેલ

 

 

 

 

 

 

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s